Opinion Magazine
Number of visits: 10,410,169
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સશસ્ત્ર સંઘર્ષો દરમ્યાન બાળકો અને તરુણોની અભિવ્યક્તિ

રૂપાલી બર્ક|Opinion - Opinion|26 November 2026

વિશ્વભરમાં અનેક સમયે, અનેક સ્થળે યુદ્ધ, વિદ્રોહ, આંતર-વિગ્રહ જેવાં સશસ્ત્ર સંઘર્ષો થતાં રહ્યાં છે. આવા કપરા સમયે પોતાના હિસ્સામાં સહન કરવામાં આવતા વિસ્થાપન, ભૂખ, હિંસા, શારીરિક પીડા, માનસિક આઘાત, વગેરેની બાળકોએ અનેક રીતે અભિવ્યક્તિ કરેલી છે, જેમાં મૌખિક જુબાની, લિખિત નોંધો, ચિત્રો, વગેરેનો સમાવેશ થાય છે. અહીં વાત કરવી છે આવાં બાળકો અને તરુણોને થયેલા અનુભવો, જોયેલી ઘટનાઓ અને ઉદ્દભવેલી લાગણીઓની  એમણે કરેલી ડાયરી અને જર્નલમાં નોંધો વિશે. 

બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાનની હૉલૉકૉસ્ટ વિષયક ડાયરીઓને ત્રણ વર્ગોમાં વહેંચી શકાય છે: ૧) જે બાળકો જર્મન અંકુશ હેઠળના વિસ્તારોમાંથી નાસી છૂટી શરણાર્થી બન્યા, ૨) અજ્ઞાતવાસમાં રહેતાં બાળકો અને ૩) જર્મન નિયંત્રણ હેઠળના ghetto (યહૂદીઓ માટે અલગ વસવાટનો વિભાગ) અથવા concentration camp (રાજકીય અટકાયતીઓને એકત્ર રાખવાની જગ્યા)માં રહેતા બાળકો. આ ત્રણેય વર્ગોમાં ૧૯૩૦ના દાયકાના ઉતરાર્ધમાં અને ૧૯૪૦ના પૂર્વાર્ધમાં અનેક ડાયરીઓ લખાઈ છે.

હૉલૉકૉસ્ટની ભયાનક્તા આલેખતી The Diary of Miriam Wattenberg (“Mary Berg”) બહોળા વાચક વર્ગ સુધી પહોંચનાર બાળકની પ્રથમ ડાયરી હતી. ઑક્ટોબર ૧૦, ૧૯૨૪માં પોલેન્ડના લૉડ્સમાં જન્મેલી મિરિયેમે ઑક્ટોબર ૧૯૩૯માં યુદ્ધ સમયની ડાયરી લખવાની શરૂઆત કરી હતી. પરંતુ ખ્યાતિ પ્રાપ્ત વધુ થઈ ઍન ફ્રેન્કની The Diary of a Young Girlને. ઍન ટૂંકુ નામ છે જર્મનીના ફ્રેન્કફર્ટ-ઍમ-મેઈનમાં જૂન ૧૨, ૧૯૨૯ એનિલિસનું. 

War Childhood Museumમાં વિશ્વના જુદા જુદા ભાગોમાં યુદ્ધથી અસરગ્રસ્ત ૬,૦૦૦થી વધુ બાળકોની કહાનીઓ છે. આમાંની બને તેટલી કહાનીઓનો અનુવાદ વાચકો સમક્ષ થોડા સમયમાં મૂકવા ધારું છું. 

ડૅમૉક્રેટિક રિપબ્લિક ઑવ કૉન્ગૉમાં બાળકો મરજીથી અથવા બળજબરીપૂર્વક સેનામાં જોડાયા બાદ અભ્યાસ છોડવા મજબૂર બનવા ઉપરાંત અસહ્ય શારિરીક અને માનસિક હિંસા, ઘણી વખત જાતીય શોષણ પણ સહન કરતાં. international-review.icrc.org પર આવા ભૂતપૂર્વ બાળ સૈનિકોનાં સંસ્મરણો ઉપલબ્ધ છે.

ઑક્ટોબર ૨૦૨૫માં ગાઝામાં યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હોવા છતાં આક્રમણ ચાલું રહ્યું અને ૩૦૦ દિવસમાં ૩૦૦થી વધુ બાળકો માર્યાં ગયાં. યુદ્ધમાં આ કિંમત ચૂકવે છે બાળકો! થોડા સમય પહેલા એક ડૉક્ટર મિત્રએ ગાઝામાં સેવા આપતા પિડિયાટ્રીક ઈન્ટૅનસિવ કૅર ડૉક્ટર ડૉ. તાન્યા હજ-હસનનો વીડિયો શૅર કર્યો હતો જેમાં રડતાં રડતાં UNના હિયરિંગ દરમ્યાન એમણે ગંભીર રીતે ઘાયલ બાળકો, પથારી અને મૅડિકલ સામગ્રીની અછત અંગે વિશ્વનું ધ્યાન દોર્યું હતું. યુદ્ધ કરનારાઓને કારણ વિના નિર્દય નથી કહ્યાં. ગાઝા પર ઇઝરાયેલના આક્રમણ દરમ્યાનની બાળકો અને તરુણોની હૃદયને હચમચાવી નાખતી આપવીતિ અંગ્રેજીમાં Gaza Monologues તરીકે ત્રણ હપ્તામાં પ્રકાશિત થયેલા છે. ‘ગાઝા એકોક્તિઓ’ શિર્ષક હેઠળ  મારા ગુજરાતી અનુવાદો ‘ઓપિનિયન’ પર ઉપલબ્ધ છે. 

રશિયા-યુક્રેન યુદ્ધનો ભોગ બનેલી યુક્રેનની ૧૨ વર્ષીય નાડિયા હૅલિલબૅગોવિચનું સંસ્મરણ વાંચતા થયું કે આ તમામ લેખનમાં સ્થળ-કાળ-વ્યક્તિની જેટલી ભિન્નતા છે એટલી જ સામ્યતા જણાય છે. આ પીડિત બાળકોને પડતી ભૌતિક મુશ્કેલીઓ, થતી પીડાઓ, ભોગવાતા આઘાતો, એમના પ્રત્યે આચરવામાં આવતી હિંસા, ઘૃણા, ક્રૂરતામાં. ઍન ફ્રેન્કનું ૧૯૪૨-૪૩માં ગોળીબારો, યુદ્ધ વિમાનો અને બોંબ વિસ્ફોટોના વર્ણનો અને ૨૦૨૨માં નાડિયાના બોંબ વિસ્ફોટો અને સ્નાઈપર રાઈફલોના ગોળીબારો આશ્ચર્યજનક રીતે સરખા છે. savethe children.net પર યમનના ૬ વર્ષના યુદ્ધ દરમ્યાનની ૬ બાળકોની જુબાનીઓ વાંચવા મળે છે. એમાં પણ યુદ્ધનો એવો જ માહોલ વર્ણવવામાં આવ્યો છે — બોંબમારો, ઍર-સ્ટ્રાઈક, વિસ્ફોટ, યુદ્ધમાં ઘાયલ થવું, વગેરે. childrenofwar.gov.ua પર ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ થી ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમ્યાન રશિયામાં યુદ્ધથી અસરગ્રસ્ત, રશિયન સેના દ્વારા અપહરણ કે અટકાયત કરાયેલાં બાળકોના ઇન્ટરવ્યુ સાંભળવા મળે છે. વીડિયોની સાથે દરેક બાળક, એના કુટુંબ અને કપરા સંજોગ વિશેની નોંધ પણ  વાંચવા મળે છે. 

પાકિસ્તાનની સ્વાત વૅલીમાં તાલીબાનના ઈસ્લામિસ્ટ વિદ્રોહ દરમ્યાન સામાજિક શત્રુતાના ભાગરૂપે છોકરીઓને ઘરમાંથી બહાર નીકળવા અને અભ્યાસ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. ૨૦૧૨માં જે મલાલા યુસફઝાઈને એમણે ગોળી મારી હતી તેણે ૨૦૦૯માં ‘ગુલ મકાઈ’ (મકાઈનું ફૂલ) ઉપનામ હેઠળ બી.બી.સી ઉર્દૂ માટે મુખ્યત્વે હસ્ત લિખિત ચિઠ્ઠીઓ અને ફોન કૉલ મારફતે સ્થાનિક સંવાદદાતા અબ્દુલ હાઈ ક્કરને પોતાની ડાયરીની નોંધો મોકલી હતી. ૨૦૦૯ના પૂર્વાર્ધમાં સ્વાત વૅલીમાં સ્થિત મલાલા પાસે કમ્પ્યુટર કે ઈન્ટરનૅટ કનેકશન નહોતું તેથી એને પરોક્ષ રસ્તો કાઢવો પડ્યો હતો. અબ્દુલ હાઈ ક્કર તાલીબાનથી બચવા પોતાની પત્નીના ફોનનો ઉપયોગ કરતો હતો. દરરોજ રાત્રે તેઓ ૩૦ મિનિટ વાત કરતા હતા. પોતે જે જોતી અને અનુભવતી એ વાતો મલાલા કહેતી અને ક્કર નોંધ કરતા જતા. ક્યારેક મલાલા પણ પોતાની રોજીંદી જીવનની હસ્તલિખિત નોંધો ક્કર આપતી. ક્કર આ નોંધોને સ્કૅન કરીને બી.બી.સી. ઉર્દૂના સંપાદકોને ઈમેલ કરતા. તાલીબાનથી સુરક્ષિત રાખવા ક્કર અને બી.બી.સી.ના સંપાદકો મલાલાનો બ્લૉગ ગુલ મકાઈના ઉપનામ હેઠળ પ્રકાશિત કરતા. પશ્તો ભાષામાં ગુલ મકાઈનો અર્થ મકાઈનું ફૂલ થાય છે, ઉપરાંત ત્યાંના સ્થાનિક લોકસાહિત્યમાં એક નાયિકાનું નામ છે. 

ક્કર મૂળ મલાલાના પિતા ઝીયાઉદ્દિન યુસફઝાઈને મળ્યા હતા. યુસફઝાઈ છોકરીઓ માટે નાની શાળા ચલાવતા હતા. ક્કરે એમને કહ્યું કે તાલીબાન શાસન હેઠળના જીવનનું દસ્તાવેજીકરણ કરી શકે એવી એક વિદ્યાર્થીની એ શોધી રહ્યાં છે. સુરક્ષાના ભયને કારણે જ્યારે બીજી વિદ્યાર્થીનીઓએ પીછેહઠ કરી, ૧૧ વર્ષીય મલાલા આગળ આવી. ૩-૧૫ જાન્યુઆરી, ૧૮-૨૨ જાન્યુઆરી, ૨૪-૨૮ જાન્યુઆરી,૭-૧૯ જાન્યુઆરીના ગાળામાં મલાલાએ નોંધો કરેલી હતી. bbc.com (10 October, 2014) પર. આમાંની અમુક જ ઉપલબ્ધ છે. બાકીની ઉતારી લેવામાં આવી છે તેથી વાંચવા મળતી નથી. જેટલી અંગ્રેજીમાં મળી એનો અનુવાદ અહીં મૂક્યો છે. બી.બી.સી. ઉર્દૂ પર બધી નોંધો ઉપલબ્ધ છે. જો કે, મલાલાની આત્મકથા ‘I am Malala’માં ૧૨માં અધ્યાયમાં ‘A Schoolgirl’s Diary’ શિર્ષક હેઠળ આ આખી કવાયતની વિગતો વાંચવા મળે છે. 

શનિવાર, ૩ જાન્યુઆરી

ગઈકાલે મને મિલિટરી હૅલીકૉપ્ટરો અને તાલીબાનનું ભયાનક સ્વપ્ન આવ્યું. સ્વાતમાં મિલિટરી કવાયતનો પ્રારંભ થયો છે ત્યારથી મને આવાં સ્વપ્નો આવે છે. મારી માતાએ સવારનો નાસ્તો તૈયાર કર્યો અને હું શાળા જવા નીકળી ગઈ. શાળામાં જવાની મને બીક લાગતી હતી કારણ કે તાલીબાને છોકરીઓને શાળામાં જવાના પ્રતિબંધનું ફરમાન કરેલું …

શાળાથી ઘરે પરત ફરતી વખતે એક પુરુષને મેં બોલતા સાંભળ્યો “હું તને મારી નાખીશ”. મેં ચાલવાની ઝડપ વધારી અને થોડી વારે એ પુરુષ હજુ મારો પીછો કરે છે કે નહીં એની ખાતરી કરવા પાછળ વળીને જોયું. એને મોબાઈલ પર વાત કરતા જોઈ મને હાશકારો થયો, અને લાગ્યું કે એ ફોન પર કોઈ બીજાને ધમકી આપતો હશે.

ગુરુવાર ૧૫ જાન્યુઆરી

આવતી કાલથી તાલીબાનનું ફરમાન અમલમાં આવશે. મારી બહેનપણી શાળાના ઘરકામની એ રીતે ચર્ચા કરતી હતી જાણે કશું અજુક્તું થયું જ ના હોય. 

છાપામાં પ્રકાશિત થયેલી બી.બી.સી. માટે ઉર્દૂ લખેલી ડાયરી મેં આજે વાંચી. મારી માતાને ‘ગુલ મકાઈ’ ઉપનામ ગમી ગયું અને મારા પિતાને એમણે કહ્યું “એનું નામ બદલીને ગુલ મકાઈ જ રાખી દઈએ તો કેવું?” મને પણ એ ઉપનામ ગમે છે કારણ કે મારા સાચા નામનો અર્થ ‘શોકાતુર’ થાય છે. 

શુક્રવાર ૧૮ જાન્યુઆરી

મારા પિતાએ અમને કહ્યું કે સરકારે અમારી શાળાઓનું રક્ષણ કરવું જોઈએ. વડા પ્રધાને પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. પ્રારંભે હું ખુશ થયેલી, પરંતુ હવે મને ખ્યાલ આવી ગયો છે કે અમારી સમસ્યાનો ઉકેલ આવશે નહીં. અહીં સ્વાતમાં અમે દરરોજ સાંભળીએ છીએ કે કોઈને કોઈ સ્થળે કેટલા ય સૈનિકો માર્યા ગયા છે અથવા એમનું અપહરણ કરવામાં આવ્યું છે. વળી, પોલીસ તો ક્યાં ય દેખાતી જ નથી. 

ગુરુવાર ૨૨ જાન્યુઆરી

મારા અમુક મિત્રો સ્વાત છોડીને ચાલ્યા ગયા છે કારણ કે અહીં સંજોગો ખૂબ જ જોખમી છે. હું ઘરથી બહાર નથી નીકળતી. રાત્રે મૌલાના શાહ દૌરાનએ (જે તાલીબાન મૌલાનાએ છોકરીઓને શાળામાં ભણવાની મનાઈ ફરમાવી હતી) ફરી એક વાર છોકરીઓને ઘરમાંથી બહાર ન નીકળવાની ચેતવણી ઉચ્ચારી. જે શાળાઓનો સુરક્ષા બળો સુરક્ષા છાવણીઓ તરીકે ઉપયોગ કરતા હશે એ શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપી. 

શનિવાર ૨૫ જાન્યુઆરી

એવું લાગે છે કે ડઝનબંધ શાળાઓ નાશ પામી જાય અને સેંકડો બીજી બંધ થઈ જાય પછી જ સેના એમનું રક્ષણ કરવાનું વિચારે છે. જો એમણે અહીં યોગ્ય રીતે કવાયત કરી હોત તો આ પરિસ્થિતિ જ ઊભી ના થઈ હોત.

બુધવાર ૨૮ જાન્યુઆરી

ઈસ્લામાબાદમાં મારા પિતાના મિત્રના ઘરે અમે રહેવા આવ્યાં છીએ. આ શહેરમાં હું પ્રથમ વખત આવી છું. સરસ બંગલાઓ અને પહોળા રસ્તાઓવાળુ સુંદર શહેર છે. પરંતુ મારી સ્વાત નગરીની સરખામણીમાં અહીં પ્રાકૃતિક સૌદર્યનો અભાવ છે …

શનિવાર ૭ ફેબ્રુઆરી

લાંબા વાળ અને દાઢીઓવાળા લોકો સિવાય અહીં કોઈ જ દેખાતું નહોતું. દેખાવ પરથી એ લોકો તાલીબાન જેવા લાગતા હતા. બોંબમારાને લીધે અમુક નાશ પામેલા ઘર જોયા.

રવિવાર ૮ ફેબ્રુઆરી

મારો ગણવેશ, સ્કૂલબૅગ અને ભૂમિતિનો ડબ્બો જોઈને મને દુ:ખ થાય છે. કપડાંનું કબાટ ખોલીને મારો ગણવેશ, સ્કૂલબૅગ અને ભૂમિતિનો ડબ્બો જોઈને હું હતાશ થઈ. છોકરાઓની શાળા આવતી કાલથી ખૂલી રહી છે. 

પરંતુ તાલીબાને છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ લાદ્યો છે. 

મંગળવાર ૧૯ ફેબ્રુઆરી

મારા ભાઈઓને મેં કહ્યું કે હવેથી આપણે યુદ્ધની નહીં, પરંતુ શાંતિની વાતો કરીશું. શાળાના હૅડમિસ્ટ્રૅસ તરફથી અમને સંદેશો મળ્યો કે પરીક્ષા માર્ચના પ્રથમ અઠવાડિયામાં લેવાશે. હું વધારે અભ્યાસ કરવા લાગી છું.  (અંગ્રેજી પરથી મારો અનુવાદ)

unicef.org પર ૭ જુલાઈ, ૨૦૨૩ના એક લેખમાં જેનું શિર્ષક છે ‘Childhood in the War: 500 days of fear, shelling and endless hope’ યુક્રેનના ૫૦૦ દિવસના યુદ્ધની ચર્ચા છે. અહીં બાળકોની જે પરિસ્થિતિ વર્ણાવવામાં આવી છે એ ઉપર દર્શાવેલા દરેક કિસ્સામાં લગભગ સરખી છે — બાળકોને સામનો કરવો પડતો ભય, જીવનું જોખમ, જીવવા માટે સંઘર્ષ, ઘર, શાળા, તબીબી સુવિધાઓ, વીજળી, કરિયાણું, અરે! પીવાનાં પાણી વિહોણા રહેવું. રાહત શિબિરોને રમતનું મેદાન બનાવવું, સ્કુલના બૅલની જગ્યાએ ઍર અલાર્મ સાંભળવાની આદત પાડવી. લેખમાં સવિશેષ યુક્રેનના બાળકોની વાત કરી છે પરંતુ તમામ યુદ્ધના શિકાર બનતાં તમામ બાળકોની આ વાસ્તવિક્તા છે. ઉપર દર્શાવેલા તમામ સ્રોતોનું સુક્ષ્મ વાચન અને તુલનાત્મક અભ્યાસ કરતા આ તથ્ય સમજાશે. 

દર સાલના ૪ જૂનના દિવસને સંયુક્ત રાષ્ટ્ર સંઘ International Day of Innocent Children Victims of Aggression પાળવામાં આવે છે. યુદ્ધ સમાપ્ત થાય કે યુદ્ધના સ્થળેથી દૂર ગયા બાદ કદાચ બાળકોના શારીરિક ઘા સાજા થઈ જાય, પરંતુ જીવનભર એમણે માનસિક ઘા સાથે જીવવાનો વારો આવે એ ઓછી યાતના છે? ‘વિશ્વ આખામાં યુદ્ધ વિરામ થવો જોઈએ જેથી દરેક બાળકને શાંતિપૂર્ણ અને ખુશાલ બાળપણ મળી શકે’ unicefનું આ સૂચન પળાશે કે કેમ એ પ્રશ્ન છે. સૌથી ધનવાન, સૌથી શક્તિશાળી, સૌથી વિકસિત કહેવડાવવાની હરીફાઈમાં જળવાયુ પરિવર્તનના માઠાં પરિણામો આપણે ભોગવી જ રહ્યાં છે. એમાં યુદ્ધનો ઉમેરો થાય તો વિચારવું રહ્યું કે આવનાર પેઢીને આપણે ‘પુખ્ત’ લોકો વારસામાં શું આપીને જવા માગીએ છીએ? 

શેષ કશું બચશે તો આપીશું ને? તો પછી બધી હરીફાઈ શેના માટે? કોના માટે?

સંદર્ભ: – 

https://encyclopedia.ushmm.org/content/en/article/childrens-diaries-during-the-holocaust -warchildhood.org

 e.mail : rupaleeburke@yahoo.co.in

==

Loading

26 November 2026 Vipool Kalyani
← સંવિધાન દિવસ : એક દીવાદાંડી  … અને યાત્રા હજુયે ઓર લાંબી   

Search by

Opinion

  • સંવિધાન દિવસ : એક દીવાદાંડી  … અને યાત્રા હજુયે ઓર લાંબી   
  •  એક તરફ દાંડી કૂચ, બીજી તરફ રથયાત્રા
  • નકલી જ એટલું વેચાય છે કે અસલી જડે નહીં …
  • ચલ મન મુંબઈ નગરી—367
  • આપણે ક્યાં સુધી લાશ થઈને જ જીવીશું?

Diaspora

  • ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની સ્મૃતિ સાથે ૨૦૨૦ની એક યાદગાર સવારનું સંભારણું
  • ‘આ નિરુદ્દેશ મુગ્ધ ભ્રમણ !’
  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?

Gandhiana

  •  એક તરફ દાંડી કૂચ, બીજી તરફ રથયાત્રા
  • ગાંધીજીનું ધર્મમંથન અને વ્યાપક ધર્મભાવના
  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક

Poetry

  • હવે સૂઇ જા
  • ખાલી, કહેવાની વાત છે
  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી : મનુભાઈ બક્ષી
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved