PYRE / ચિતા જોઈ. પણ એ ફિલ્મ છે, એવી સભાનતા ન જન્મે એ રીતે તે મોટે પડદે આવી છે. ફિલ્મ ઓક્ટોબર 2024માં તૈયાર હતી, પણ સિનેપોલીસનાં વિતરણ સુધી પહોંચતાં તેને ઓક્ટોબર, 2026 સુધી રાહ જોવી પડી. એ દરમિયાન તે વિદેશોમાં રજૂ થઈ અને શ્રેઠ ફિલ્મના અઢાર આંતરરાષ્ટ્રીય પુરસ્કારો તેને મળ્યા. ફિલ્મમાં કોઈ મનોરંજક તત્ત્વો નથી. નથી કશું જોરદાર કે આંજી નાખતું કંઇ. આ ફિલ્મ દેખાડતી નથી, બતાવે છે. ઉત્તરાખંડનાં પહાડી પ્રદેશની લીલીછમ પ્રકૃતિ વચ્ચે વૃદ્ધ દંપતી જીવે છે. પ્રકૃતિ વચ્ચે જાણે પાનખર ! પણ પાનખર અહીં ખરતી નથી, ઊછરે છે. અહીં આનંદ થાય એવું કંઇ નથી, હોવાની પીડા છે, પણ દંપતી આનંદમાં રહેવાની કોશિશ કરે છે. અહીં કોઈ ફિલ્મી મેકઅપ નથી. છે તે તેવા જ રૂપે રજૂ થયું છે. 80 વર્ષનો પદમ /બુબુ (પદમસિંહ કાપરી) છે ને તુલસી-તુલસ / આમા (હીરાદેવી) સિત્તેરેકની છે. એમના ચહેરા પરની કરચલીઓ ઉંમરની ચાડી ખાય છે. કરચલીઓ ચીતરેલી નથી, પડેલી છે. કરચલીઓ જ હસે છે ને એ જ રડે છે. નાયક-નાયિકામાંથી કોઈએ ફિલ્મ કરી નથી કે નથી તેમને એક્ટિંગ આવડતી ને એનો લાભ એ થયો કે એક્ટિંગ ન લાગે એવી એક્ટિંગ બંનેએ કરી. આ ઉપરાંત સહકલાકારોએ પણ સારો એવો સાથ ઘડપણને આપ્યો. આ ઘડપણ સંવાદ ફેંકતું નથી, એકબીજાને કહે છે. જે જીવાય છે તે જ અહીં સિનેમારૂપે છે.
ફિલ્મમાં માનસ ભટ્ટાચાર્યની ફોટોગ્રાફીનો પણ થાય એટલો મહિમા કરવા જેવો છે. નાના ઘરમાં અંધારાં આંસુ જે રીતે ચહેરો ઊતરતા બતાવાયાં છે, એટલી જ ઉત્કટતાથી પ્રકૃતિની લીલાશ ને ભીનાશ પણ કેમેરામાં ઝીલાઈ છે. ખાસ કરીને ઘરને કેન્દ્રમાં રાખીને ફરતી લીલીછમ ભીનાશ માણવા જેવી છે. કેટલાક સ્ટેટિક કેમેરા શોટ્સને કારણે બાળકો અને યુવાનો વગરનો ખાલીપો, એકલતાની આવનજાવન વગેરે ડંખે એવો પ્રભાવ પાડે છે ને ડિરેક્ટરને એ જ અપેક્ષિત છે. એકલતા જ અહીં પાત્ર છે.
ફિલ્મની શરૂઆતમાં બુબુ (પદમ), માંદી આકાને પાલખીમાં આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા ગામના યુવાનોને બોલાવે છે. એને હવે પોતાનાં પછી ડોશીનું કોણ એ ચિંતા છે, એટલે તે મરી જાય તો સારું એવું બોલતો રહે છે. આ એવી બાબત તરફ આંગળી ચીંધે છે કે શિખરો પર હવા છે, પણ દવા નથી. પર્વતોની લીલાશ વચ્ચે આંસુઓની ભીનાશ તો છે, પણ હળવાશ નથી. અછત વચ્ચે ચૂલો સળગાવવો ને ઘરડું શરીર ટકાવવું એ જ જીવન છે. જિંદગી અહીં લંબાયેલાં મૃત્યુ જેવી જ છે. બે ચાર જણને ખભે પાલખીમાં કે નનામીમાં જવામાં બહુ ફરક નથી. ફરક એટલો કે એકમાં માંદગીનો કણસાટ હોય. બીજામાં તે શમી ગયો હોય.
આ પહાડી વિસ્તારમાં એક પણ પાકી સડક નથી. એક જ જીપ બે વખત આવતી બતાવાઈ છે. એ સિવાય પર્વતીય વિસ્તાર જ ચોમેર પથરાયેલો છે. વરસાદ જ એટલું વરસે છે કે આંસુને આવવાની જગ્યા જ નથી. વીજળી એટલી કડકડે છે કે જે કંઇ પાંચ સાત માણસો છે તે પણ દેખાતાં બંધ થઈ જાય એવી ફાળ પડે.
PYRE / ચિતા ફિલ્મ હિન્દી નાટક પરથી બની છે. વિનોદ કાપરીએ તેનું પ્રોડક્શન-લેખન-નિર્દેશન સંભાળ્યું છે. અરીન્દ્રરાય ચૌધરી અને સુરેશ જોશી તેના પ્રોડ્યુસર્સ છે. ભાગીરથી ફિલ્મ્સ અને મશાકબિન સ્ટુડીઓઝે ‘PYRE / ચિતા’ને પ્રસ્તુત કરી છે. સંગીત આપ્યું છે માઈકલ દાનાએ. અહીં બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો મારો નથી. સંગીત સૌમ્ય છે. કુમાઉ પ્રદેશ અને લોકજીવન વચ્ચે 80 વર્ષના ડોસાની પ્રેમકથા આકાર લે છે. પ્રેમકથામાં બીમારી છે ને પૈસાની તંગી છે, પણ એકબીજા માટેની લાગણી તાજી છે. એમાં પ્રેમ સંવાદોમાં વ્યક્ત થાય છે. કમાલ એ છે કે બંનેમાંથી કોઈ એક જ રહેશે તો જીવશે કેવી રીતે? એટલે એકબીજાને મરવાનું કહેતાં રહે છે. ડોશી, ડોસાને કહે છે કે હું નહીં હોઉં તો તને ખવડાવશે કોણ? એક દૃશ્યમાં તો બુબુ તુલસને ઝરણા પાસે લઈ જઈને કૂદી જવાનું કહે છે, પણ તેમ થતું નથી. બંને સાથે રહે છે ને મીઠી નોકઝોંક ચાલ્યા કરે છે. એક વાર બુબુ આકાને કહે છે, શાકમાં મીઠું કેમ વધારે છે, તો આકા છાણકાઈને કહે છે, ઉપરથી ખાંડ નાખી લે. બુબુ કહે છે, તારી સાથે તો વાત કરવાનું જ બેકાર છે, તો આકા કહે છે, ન કર.
એક ગીત વાગે છે, મનૈકિ પીડ …, (મનની પીડા). તે નવું કુમાઓની ગીત છે. એકદમ પહાડી અવાજે ને સંગીતે તે ગવાય છે. બીજાં ગીતો પણ ફિલ્મને અનુરૂપ છે, પણ શ્રુતિ સડોલીકરે ગાયેલું ગીત ‘ઝિર ઝિર બરસ રહે હો બદરા’ હ્રદયસ્પર્શી છે. ગુલઝારના આ શબ્દો વધારે સ્પર્શે છે, ‘તુમ ક્યા જાનો ક્યા બીતે હૈ ….’ સાંઠ સાલનો સહવાસ એમ ખત્મ થોડો થાય? આમ તો કોઈ જવાબદારીઓ નથી. એકબીજાને વિદાય આપવાની ઘડીઓમાં એકબીજાની સાથે જીવવાનું છે. અહીં હસવું, રડવું છે, પણ ફિલ્મી નથી. દિગ્દર્શકે, આમ તો મોટું જોખમ લીધું હતું. એને ખાતરી હતી કે આમાં મળવાના પૈસા તો નહીં જ મળે, પણ જોડવાના ય આવશે.
જો કે, આ ફિલ્મ બનાવવાનું કારણ જુદું છે. ફિલ્મમાં ગામનો એક યુવાન નોકરી લાગતા મહિના પછી મુંબઈ જવાનો છે. બે મહિના પછી તેના માબાપ પણ જવાનાં છે ને બુબુ કહે છે, ‘અમારી પાસે જીવવા મહિનો ને મરવા બે મહિના છે. આ સંવાદ સૂચવે છે કે ગામમાં પદમ, તુલસ ને ગાય બકરીઓ જ રહી જવાનાં છે. ગામનાં ગામ ખાલી થઈ જવાથી તે ભૂતિયા ગામો તરીકેની ઓળખ પામ્યાં છે. આ વાત પર આંગળી મૂકી શકાય એટલે આ ફિલ્મ કશી આળપંપાળ વગર, બુબુ તથા તુલસ દ્વારા દુખતી નસ દબાવે છે.
આ દંપતીને એક દીકરો છે, હરિયો, (હરીશ). તે કામની શોધમાં મુંબઈ ગયો છે. એ વાતને 28 વર્ષ વીતવા છતાં તે ગામ આવ્યો નથી. દીકરાને નિમિત્તે દંપતીની એકલતા બેવડાય છે. એમાં વળાંક એવો આવે છે કે 28 વર્ષે દીકરો ગામ આવી રહ્યો છે એવો કાગળ આવે છે ને ગામમાં ખુશીનું મોજું ફરી વળે છે. નવી આશા જાગે છે ને ઘરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે. ગામને જમવાનું નોતરું અપાય છે. એક તરફ દીકરાનાં આવવાની ખુશી છે, તો બીજી તરફ દંપતી મરવાની વાતો પણ કર્યાં કરે છે, તે એટલે કે દીકરો આવે તો અગ્નિદાહ તેને હાથે જ થાય ને ન આવે તો મરવાનું તો છે જ ! દીકરો નથી આવતો. હવે તેની રાહ જોવાની નથી, એવું લાગતાં બન્નેએ રાહ મોતની જ જોવાની છે. આ બધું ઉદાસ ફિલ્મી ગીત-સંગીત અને મેલોડ્રામા વગર પ્રાકૃતિક અવાજમાં બતાવાયું છે.
ઘણીવાર એવું લાગે છે કે એકના એક દૃશ્યો જ બતાવાયાં છે કે ફિલ્મની ગતિ ધીમી છે, તો તે સકારણ છે. રોજ એકનું એક જ જીવન થકવી નાખનારું છે તે દર્શકોને પણ અનુભવાય એવી ગતિ ફિલ્મની રખાઈ છે. વૃદ્ધોની 28વર્ષની ગૂંગળામણ, દર્શકોને પણ અનુભવાય એ રીતે ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.
ફિલ્મના અંત વિષે નથી કહેવું. જે જોવાના છે, એમનો રસભંગ ન થાય એટલે. જો કે, એ દૃશ્યો હ્રદયદ્રાવક છે. એક બે દૃશ્યો જોઈએ. કાગડો મોભે બોલે તો કોઈ મહેમાન આવવાનો સંકેત ગણાય છે. ફિલ્મમાં દીકરો આવવાનો છે એ અરસામાં કાગડો ઝાડ પર આવીને બેસે છે ને દીકરો વાયદો કરીને નથી આવ્યો, તો આકા પથ્થર ફેંકીને કાગડાને ઉડાડે છે, પણ પથ્થર ત્યાં સુધી નથી પહોંચતો, જેમ દીકરો નથી પહોંચતો.
બીજું, એક દૃશ્ય ઘર આગળ લાકડાં ગોઠવવાનું છે. આકા પૂછે છે કે શું કરે છે? તો બુબુ કહે છે, તારી ચિતા ગોઠવું છું, તું ગુજરી જાય તો તને નીચે ના લઇ જવી પડે એટલે, એ પછી રાતના બુબુ ને આકા સૂતાં સૂતાં વાત કરે છે. આકા પૂછે છે, તું માંદો પડે તો શું? બુબુ માંદલા સ્વરે કહે છે, હું માંદો પડીશ તો તારી ચિતામાં જઈને સૂઈ જઈશ. આખી ફિલ્મમાં બુબુ માંદો પડતો નથી. તે છેલ્લે માંદો પડે છે ને આકા માટે તૈયાર કરેલી ચિતામાં જઈને સૂઈ જાય છે, પછી ક્યારે ય ઊઠતો નથી. આ બધું ભાવુક કરી દેનારું છે. બુબુ વગર આકા એકલી પડી છે. બહુ વેઠ્યું છે ને વધુ વેઠવા પહાડી તરફ નીકળી પડી છે. તેની પાછળ પાછળ બકરીઓ પણ ચાલતી બતાવાઈ છે. કેમ જાણે જિંદગીથી મૂલ્યવાન જગતમાં બીજું કંઇ નથી. એ પોઝિટિવ બિંદુએ ફિલ્મ પૂરી થાય છે.
આ ફિલ્મ અનેક પ્રશ્નો પણ ખડા કરે છે. પહાડો સૌંદર્ય આપે છે, પણ જીવન આપતા નથી. રાજ્ય તરફથી કોઈ વ્યવસ્થા પહાડો સુધી પહોંચતી નથી. નથી ત્યાં ધંધો કે નથી નોકરી. એવે વખતે આજીવિકા માટે ગામના યુવાનો શહેર તરફ દોડે છે. માતા પિતા એટલે દૂર જઈ શકતા નથી કે જવા રાજી નથી. એ સંજોગોમાં શહેરમાં વસેલા યુવાનો ગામ તરફ વળી શકતા નથી ને ઘરડું થતું જતું ઘડપણ બહુ મુશ્કેલીએ ટકે છે. માબાપ રાહ જોઈ જોઇને થાકી જાય છે ને ગુજરી જાય છે, પણ દીકરો ગામ આવી શકતો નથી કે આવવા માંગતો નથી. આ સ્થિતિ દારુણ છે.
અહીં સવાલ એ થાય કે યુવાનોએ કામધંધા માટે શહેરમાં ન જવું? જ્યાં સુધી સરકાર કોઈ વ્યવસ્થા ન કરે ત્યાં સુધી કમાવા શહેરમાં જવું જ પડે એમ છે. એમાં વચલો રસ્તો એ નીકળે કે થોડા થોડા સમયે માબાપને યુવાનો શહેરમાં બોલાવી લે અથવા થોડે થોડે વખતે ઘડપણને જોવા ગામ આવી જાય. બીજી તરફ સરકારે પણ ત્યાં એવી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી યુવાનો શહેરમાં જતાં અટકે. કરુણતા એ છે કે સાધનો ને કામના અભાવે ગામના ગામ ખાલી થઇ રહ્યાં છે. આ સ્થિતિ સરકારને ગોઠી ગઈ છે. આ સ્થિતિ બદલાવી જોઈએ. એ તો થાય ત્યારે ખરું. અત્યારે તો ફિલ્મ પર આરોપ છે કે ‘PYRE / ચિતા’ ઉત્તરાખંડને બદનામ કરવા બનાવાઈ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 નવેમ્બર 2026
![]()

