ગાઝામાં યુદ્ધને લઈને અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન
1968 એ કેપિટલિસ્ટ અને સોવિયેત કમ્યુનિસ્ટ મર્યાદાઓની સામેનો અવાજ હતો. 2024 કથિત રાષ્ટ્રવાદની પ્રગટ કે પ્રચ્છન્ન મોહિની અને મૂર્છા સામેનો અવાજ છે : 1974નો ગુજરાત અને બિહારનો છૂટી ગયેલો તંતુ સાદ દે છે

પ્રકાશ ન. શાહ
થોડા વખત પર અજય સ્કરિયાએ એક અભ્યાસી મિત્રને સરસ ને સટીક ટાંક્યા હતા કે આપણી (અમેરિકી) યુનિવર્સિટીઓનાં છોકરાંવને જે સમજાય છે તે પુખ્તજનોને કેમ નહીં સમજાતું હોય! આ ઉદ્ગાર વિશે લગાર ફોડ પાડું તે પહેલાં મારે વાચકને સ્કરિયાનો સહેજસાજ પરિચય અલબત્ત કરાવવો જોઈએ.
હવે તો સાડા ત્રણ દાયકા થયા એને : અખબારી જવાબદારી સર કેટલોક સમય વડોદરા હતો ત્યારે બે એવા મિત્રોનો પરિચય થયો જે જીવનયાપન વાસ્તે અખબારું તો કૂટતા’તા, પણ એમની બૌદ્ધિક પ્રતિભા સામે એ કદાચ છબછબિયાં હતાં – બાબુ સુથાર ને અજય સ્કરિયા.
બા.સુ.ને તો હવે કંઈ નહીં તો ‘સન્ધિ’ અને ‘ઊહાપોહ-2’થી ગુજરાત ઓળખે છે. સ્કરિયા વડોદરા યુનિવર્સિટીમાંથી મધ્યયુગીન ભારતીય ઇતિહાસના વિષયમાં એમ.એ. થયા અને પછી ટ્રિનિટી કોલેજ(કેમ્બ્રિજ)માંથી ડોક્ટરેટ કરી હાલ મિનેસોટા યુનિવર્સિટીમાં કાર્યરત છે. એમના અભ્યાસ વિષયોના વ્યાપ વિશે વળી ક્યારેક વાત કરીશું. એમણે સંભારેલ જે ઉદ્દગારનો હમણાં ઉલ્લેખ કર્યો તે ઈઝરાયલે ગાઝા પટ્ટી પર જે જુલમ વરસાવ્યો, જેમાં અમેરિકાની આર્થિક ને રાજનૈતિક સંડોવણી મોટે ઉપાડે છે એને અંગે અમેરિકી છાત્રયુવા સમુદાયનો અજંપો બલકે રોષ, વિરોધનો અવાજ હાલ જુદાં જુદાં કેમ્પસો પર વ્યાપક રૂપ પકડી રહ્યો છે.
1968માં અમેરિકાની વિયેટનામ યુદ્ધ સંડોવણી વખતે જોવા મળ્યું હતું એવું જ કંઈક જાણે સાડા પાંચ દાયકે ફરીથી અનુભવાઈ રહ્યું છે. બીજું કે અમેરિકી રાજકારણીઓ અને મીડિયાનો એક હિસ્સો આ છાત્રયુવા વિરોધસૂરને એન્ટિ-સેમિટિક કહીને વખોડી કાઢે છે.
એક અભ્યાસી તરીકે અને આ છાત્રો સાથે અધ્યાપકને નાતે સીધા સંપર્કને ધોરણે સ્કરિયાનું સ્પષ્ટ અવલોકન છે કે આ વિરોધસૂરની પૂંઠે કોઈ એન્ટિ-સેમિટિક અગર યહૂદીદ્વેષની ચાલના નથી. યહૂદી ધર્મનો કે યહૂદી સંસ્કૃતિનો એમને વિરોધ નથી. હા, જે વાંધો છે તે ઝાયોનિઝમનો જરૂર છે. ઈઝરાયલનું રાજ્ય અને ઈઝરાયલ-પેલેસ્ટાઈનની સુવાંગ ભૂમિ કેવળ ને કેવળ યહૂદીગત જ છે એવી, બીજાને ‘બાદ’ કરતી, ‘ઈતર’ કે ‘શત્રુ’માં ખતવતી, કેવળ ‘અમે-અને-અમે જ’માં રાચતી ઝાયોનિસ્ટ ભૂમિકામાંથી એમને વંશવાદી (રેસિસ્ટ) બૂ આવે છે, અને એનો વિરોધ છે.
અમેરિકી કેમ્પસો પર ભારતીય વિદ્યાર્થીઓ પણ છે. આ દેખાવોમાં તે ક્યાં હશે? ક્યાં છે? એક્સપ્રેસ હેવાલ મુજબ આ વિદ્યાર્થીઓની મોંઘી શૈક્ષણિક સવલતો ત્યાંની છાત્રવૃત્તિઓને આધીન હશે એટલે એમને આ બધા મુદ્દાઓની અપીલ હોય તો પણ એમનું વલણ કંઈ નહીં તો પણ સલામત અંતરનું તો હોય જ ને. જો કે, એક્સપ્રેસ હેવાલમાં નહીં એવો એક મુદ્દો કંઈક કૌતુકવશ પણ આ લખતી વખતે જરી પજવે છે તે કહી નાખું.
ઘરઆંગણે આપણું છાત્ર યુવાધન કંઈક અલગાવના દોરમાં જણાય છે.
મતાધિકાર સારુ રજિસ્ટર થવા બાબતે એક મોટા હિસ્સાએ ઉદાસીનતા દાખવી તે સૂચક છે. પણ જે યુવા મિત્રોએ અમેરિકી માહોલમાં યુનિવર્સિટી ક્ષેત્રે પગ મૂક્યો હશે એમને આપણે ત્યાં હિંદુત્વ રાજનીતિએ કંઈક સેમિટિક, કંઈક ઝાયોનિસ્ટ જે રંગઢંગ દાખવ્યા છે એ એમના અમેરિકી સાથીઓને ઈઝરાયલ સંદર્ભે પકડાય છે તેમ પકડાતા હશે?
હાલના છાત્રયુવા અજંપાની ચર્ચા કરતાં મેં 1968ના અજંપાને યાદ કર્યો હતો. અમેરિકી યુનિવર્સિટીઓએ તે નિમિત્તે ઘણે લાંબે ગાળે (કદાચ પહેલી જ વાર) હડતાળનોયે અનુભવ કર્યો હશે. મે 1968માં ફ્રાન્સથી શરૂ થઈ તે યુરોપભરમાં પણ પ્રસર્યો હતો. આ લખું છું ત્યારે હર્બર્ટ માર્કુઝનું સ્મરણ થઈ આવે છે. એમનાં લખાણો ને વિચારો એ ગાળામાં આ અજંપાને વ્યાખ્યાયિત કરવામાં ને સમજવામાં ઠીક ઉપયોગી થઈ પડ્યા હતા.
માર્ક્સથી પ્રભાવિત પણ મૂડીવાદ અને સોવિયેત સામ્યવાદ બેઉના એ ટીકાકાર હતા. એમનો પ્રિય મુદ્દો ‘વન ડાઈમેન્શનલ મેન’નો હતો. સહજક્રમે બહુપરિમાણી હોઈ શકતું કે હોવું જોઈતું માનવ્ય આમ છેક જ એકપરિમાણી કેમ, એની એમણે આપેલી સમજૂત સાદા શબ્દોમાં મૂકું તો એ હતી કે ઉત્પાદનનાં સાધનો ને પ્રક્રિયા જેમ જેમ ઉચ્ચતર સોપાન સર કરવા માંડ્યાં તેમ તેમ માનવ અસ્તિત્વ પણ એ સાધનોના ચાપડામાં વધુ ને વધુ ભરાતું ગયું, અને આપણે ‘વ્યક્તિ’ મટીને ‘વસ્તુ’ બની ગયા. પણ છાત્રયુવા વર્ગ, જે શ્રમિકો કે વ્યાવસાયિકોની જેમ આ સિસ્ટમનો ભાગ નથી તે હજુ ‘વસ્તુ’ નથી બની ગયો – એટલે તે કંઈક પહેલ કરી શકે.
એ જ રીતે હાંસિયામાં જિંદગી બસર કરતા લોકો, કોઈ ને કોઈ કારણસર ‘આઉટકાસ્ટ’ લોકો, આ બધાં ભેગાં મળીને બદલાવની હવા બનાવી શકે. રેડિકલ ઈન્ટેલેક્યુઅલ્સ આ સૌને સાથે આણવામાં ચોક્કસ ભૂમિકા ભજવી શકે. જિજ્ઞેશ મેવાણી, કનૈયાકુમાર વગેરે જે બધાં યુવા પાત્રો છેલ્લાં વર્ષોમાં આપણી રાજનીતિમાં ઉભર્યાઁ એમને આ અસંતોષ અને અજંપાની રાજનીતિને પરિવર્તનની રાજનીતિમાં ફેરવી શકનાર તરીકે જોવાંમૂલવવાં જોઈએ.
આ પાત્રો અલબત્ત પોતપોતાની રીતેભાતે સફળ ને સમર્થ હોઈ શકે છે. પણ એમણે પણ પોતાની સાથે સંવાદની અને શોધનની રીતે 1968, 2024ના કેમ્પસ અજંપાના ઉજાસમાં કામ પાડવા જેવું છે. નાગરિક છેડેથી એમને જોવા-સમજવામાં પણ આ પ્રકારની કોશિશ ઉપયોગી થઈ શકે.
સત્તા-પ્રતિષ્ઠાન પાસે તો ‘અર્બન નક્સલ’ સહિતની ઓળખોનો ખજાનો છે. ક્યારેક ‘આંદોલનજીવી’ કે પછી સરસંઘચાલક ભાગવતે આગળા વિજયાદશમી સંબોધનમાં સંભાર્યો હતો એવો ‘વોક’ જેવો પ્રયોગ પણ સાંભળવા મળે છે. યુવા અજંપાને આટલી સરળતાથી કોરાણે મેલવો કે ‘નિશાન’ પર લેવો એ દુરસ્ત નથી.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 15 મે 2024