
ચંદુ મહેરિયા
પચાસ વરસ પહેલાં, ૧૯૭૪માં, થયેલી આંતરરાષ્ટ્રીય સમજૂતી હેઠળ જેના માલિકી હકનો વિવાદ સમાપ્ત થયો હતો તે કચ્ચાથીવુ દ્વીપનો મામલો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પ્રચારમાં ગરમાયો છે. તમિલ રાજનીતિનો આ વિવાદિત મુદ્દો હવે રાષ્ટ્રીય રાજકારણમાં પણ ઉઠ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્ચાથીવુ શ્રીલંકાને આપી દેવાના કાઁગ્રેસના પગલાંને ‘મા ભારતી કા એક અંગ કાટ દિયા’થી માંડીને ‘દેશની એકતા, અખંડતા અને હિતો વિરુદ્ધનું‘ ગણાવ્યું છે. તમિલનાડુનો સત્તાપક્ષ ડી.એમ.કે. કચ્ચાથીવુ પ્રશ્ને કાઁગ્રેસની સાથે નથી, પણ લોકસભા ચૂંટણીમાં કાઁગ્રેસ ગઠબંધનનો ભાગ છે, એટલે તેના આ બેવડા વલણને ભા.જ.પ. વખોડે છે. આ સ્થિતિમાં રાજકીય દોષારોપણથી આગળ જોઈને આ પ્રશ્ને ખરી હકીકતો જાણવાની જરૂર છે. પણ આજે તો કચ્ચાથીવુ વિવાદની આગથી ઉઠેલા ધુમાડે સૌને તાપી લેવું છે. એની પછવાડેનો પ્રકાશ કોઈને શોધવો નથી.
હિંદ મહાસાગરમાં ભારતના દક્ષિણ છેડે અને શ્રીલંકા વચ્ચે પાક જલડમરુ મધ્ય અર્થાત પાણીનો માર્ગ બને છે. તેના પર ઘણા દ્વીપ આવેલા છે. તે પૈકીનો એક કચ્ચાથીવુ છે. આ નિર્જન ટાપુ ભારતના રામેશ્વરમથી બાર માઈલ અને શ્રીલંકાના જાફનાના નેન્દુતીવુથી સાડા દસ માઈલના અંતરે આવેલો છે. બંગાળની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતો કચ્ચાથીવુ દ્વીપ ચૌદમી સદીમાં જ્વાળામુખીના વિસ્ફોટથી રચાયો હતો. રેતીલા અને પરવાળાના દૈહિક માળખામાંથી તૈયાર થયેલા ખડકો અહીં પુષ્કળ પ્રમાણમાં છે. તેથી મોટા વહાણો ત્યાં લાંગરી શકતા નથી. પીવાનાં સાફ પાણીના અભાવે કચ્ચાથીવુ પર કોઈ માનવ વસ્તી નથી. માછીમારો આરામ માટે કે તેમની જાળ સુકવવા માટે તેનો ઉપયોગ કરે છે. ટાપુ પરનું એક માત્ર બાંધકામ કદાચ ખ્રિસ્તીઓ જેને નાવિકોના સંરક્ષક સંત માને છે તેવા સંત એન્થનીનું ચર્ચ છે. એટલે તેના વાર્ષિક ધાર્મિક ઉત્સવમાં એક બે દિવસ ભારત અને શ્રીલંકાના માછીમારો ત્યાં જાય છે. તે સિવાય ટાપુ પર માનવીય અવરજવર સીમિત છે. છતાં તેની માલિકીનો વિવાદ હજુ ય યથાવત છે.
૨૮૫ એકરનો કચ્ચાથીવુ દ્વીપ રામનાથપુરમ્ના રાજાને અધીન હતો. પછી તે મદ્રાસ પ્રેસીડેન્સીનો ભાગ બન્યો હતો. ભારતના માછીમારો અને શ્રીલંકાના તમિળો પારંપારિક રીતે તેનો માછીમારી માટે ઉપયોગ કરતા હતા. બ્રિટિશ શાસનમાં પણ બંને દેશો તેનો સંયુક્ત ઉપયોગ કરતા હતા. ૧૯૨૧માં માછીમારી માટે બંને દેશોએ એક માત્ર પોતાનો જ હક હોવાના દાવા કર્યા અને તેની માલિકીનો વિવાદ પેદા થયો. તે ઉકેલવાના પ્રયાસો બંને દેશોના રાજદ્વારીઓ ભારતના સ્વાતંત્ર્ય પછી પણ કરતા રહ્યા હતા. ૧૯૪૮માં શ્રીલંકાએ તેની અનુમતિ વિના ભારતીય નૌસેના અભ્યાસ નહીં કરી શકે એમ જણાવ્યું અને ૧૯૫૫માં ત્યાં શ્રીલંકન એરફોર્સે અભ્યાસ કર્યો. તેથી પણ તણાવ વધ્યો. ૧૯૭૪માં તત્કાલીન ભારતીય વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને શ્રીલંકન વડા પ્રધાન સીરીમાવો બંડારનાયક વચ્ચે સમુદ્રી સીમા સમજૂતી થઈ અને ભારતે કચ્ચાથીવુ પર પોતાના દાવો જતો કરી તેની માલિકી શ્રીલંકાને આપી દીધી. બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય જળ સીમા નિર્ધારિત થઈ હોવા છતાં માછીમારોની અવરજવર અને ધાર્મિક ઉત્સવમાં વિના વિસાએ જવાનું ચાલુ રહ્યું હતુ. ૧૯૭૬માં બંને દેશો વચ્ચેની અન્ય સમજૂતીમાં એકબીજાના વિશેષ આર્થિક ઝોનમાં માછીમારી કરવા પર પ્રતિબંધ લદાયો. તેથી તમિલનાડુના માછીમારો માટે મુશ્કેલીઓ ઊભી થઈ.
તમિલનાડુ સરકારે કચ્ચાથીવુ દ્વીપ શ્રીલંકાને આપી દેવાના નિર્ણયનો ૧૯૭૪થી જ વિરોધ કર્યો હતો. તમિલનાડુની રાજ્ય સરકારને આ નિર્ણય તેમના રાજ્યના માછીમારોના હિત વિરુદ્ધનો લાગતો હતો. રાજ્યમાં રાજવટ ડી.એમ.કે.ની હોય કે એ.આઈ.ડી.એમ.કે.ની બંને પક્ષો કેન્દ્રના આ નિર્ણયને રાજ્યના હિત વિરુદ્ધનો ગણતા હતા. ૨૦૦૮ અને ૨૦૧૧માં રાજ્યની વિધાનસભામાં કચ્ચાથીવુ દ્વીપ પરત મેળવી લેવા વિનંતી કરતો પ્રસ્તાવ પણ પસાર થયો હતો. હાલના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને પણ કેન્દ્ર સરકારને પત્રો લખી વિનંતી કરી છે. તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ ટાપુ પરત લેવા દાદ માંગી હતી.
શું કચ્ચાથીવુ દ્વીપ પરત લઈ શકાય ? ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓથી મૈત્રીપૂર્ણ સંબંધો છે. ભારત તેના પાડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. ૧૯૭૪ અને ૭૬ની સમજૂતીઓનો ઉદ્દેશ દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવા માટેનો હતો. આ પ્રકારની સમજૂતી બંને પક્ષોની સંમતિથી અને બંનેના હિતમાં હોય તે પ્રકારે થાય છે. સમુદ્રમાં સંસાધનોનું પ્રબંધન અને કાયદાના અમલનો પણ તેનો ઉદ્દેશ હતો. એટલે કચ્ચાથીવુ પરત મેળવવો થુકેલું ચાટવા બરાબર છે. ૨૦૧૪માં સુપ્રીમકોર્ટમાં તમિલનાડુ સરકારની અપીલના સંદર્ભે ભારત સરકારનો પક્ષ રજૂ કરતા તત્કાલીન એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘કચ્ચાથીવુ દ્વીપ સમજૂતી પ્રમાણે શ્રીલંકાને આપ્યો છે. હવે તે વૈશ્વિક જળ સીમાનો હિસ્સો છે. હવે તેને પરત મેળવવા માટે શ્રીલંકા સામે યુદ્ધ કરવું પડે.’ શું આ શક્ય છે?
સીમા વિવાદો ઉકેલવાનો સ્થાપિત ચીલો જમીનની લેવડદેવડ છે. ભારતે કચ્ચાથીવુ દ્વીપ આપ્યો છે તો બદલામાં કન્યાકુમારી તરફની વાડ્જ બેંક (ઈકો સિસ્ટમ માટેનો સામાન્ય શબ્દ) મેળવી પણ છે. અહીં માછીમારી પણ થઈ શકે છે અને ખનિજ સમૃદ્ધ વિસ્તાર પણ છે. હાલની કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સાથેના જમીન વિવાદમાં કરેલી સમજૂતીમાં વધુ જમીન આપીને ઓછી મેળવી છે. ચીન સરહદે ભારતે જમીન ગુમાવ્યાના આક્ષેપો વિપક્ષ સતત કરે જ છે ને?
જ્યારે કોઈ મુદ્દો લોકહિતના નામે રાજકીય રૂપ ધારણ કરે છે ત્યારે સારાસાર વિવેક પણ ચૂકી જવાય છે. વડા પ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર સભાઓમાં કચ્ચાથીવુ મામલે વિરોધ કર્યા પછી વિદેશ મંત્રી એસ. જયશંકરે પત્રકાર પરિષદમાં કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા. વર્તમાન વિદેશમંત્રીનું પૂર્વના વિદેશ સચિવ તરીકેનું વલણ અને અભિપ્રાય અને હાલનું વલણ ધ્યાનથી ચકાસીએ તો તેમાં વિવાદનો ધુમાડો વધુ છે અને વાસ્તવિક પ્રકાશ ઓછો છે.
કચ્ચાથીવુ તરફ માછીમારી માટે જતા ભારતીય માછીમારોની ધરપકડો, તેમના વહાણોની જપ્તી અને ગોળીબારની ધમકીના બનાવો બન્યા છે. આ માછીમારોના અધિકારોનું હનન છે કે શ્રીલંકાની જોહુકમી ? તેવો સવાલ થાય ત્યારે ભારત સરકારના વિદેશ મંત્રાલયની વેબસાઈટ જોઈ લેવી. તેમાં ૧૯૭૪ અને ૭૬ની સમજૂતીનો હવાલો આપીને કચ્ચાથીવુ શ્રીલંકાનો હોવાનું સ્પષ્ટ જણાવ્યું હોય કે ૨૦૧૪માં મદ્રાસ હાઈકોર્ટ સમક્ષના જવાબમાં ભારતનું વિદેશ મંત્રાલય ભારતીય માછીમારો શ્રીલંકાની જળસીમામાં જઈ શકે નહીં તેમ જણાવે તો અધિકારોનું હનન ક્યાં? તેનો જવાબ મળે છે.
રાજકીય નિરીક્ષકોના મતે કચ્ચાથીવુ વિવાદની અસર તમિલનાડુની રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ખાસ થઈ નથી, તો લોકસભા ચૂંટણીમાં તેની નહિવત અસર થઈ શકે છે. પણ લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો ઉઠ્યો તે બંને દેશોના સંબંધોને અસર કરનારો ન નીવડે પણ ઉકેલ લાવનારો નીવડે તો સારું. કચ્ચાથીવુ પરત મેળવવાનો મુદ્દો કેટલો ભાવનાત્મક છે અને કેટલો માછીમારોની રોજીરોટીનો છે, તેનો તર્કબધ્ધ અને અભ્યાસપૂર્ણ જવાબ મેળવવાનો પણ હજુ બાકી છે.
e.mail : maheriyachandu@gmail.com