
રમેશ ઓઝા
સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પછી તો વડા પ્રધાને કમાલ જ કરી. ચૂંટણીસભામાં કહી નાખ્યું કે અદાણી અને અંબાણી કાઁગ્રેસને પૈસા આપી રહ્યા છે અને એ પણ કેટલા? ટેમ્પો ભરીને. કાઁગ્રેસે ટેમ્પો ભરીને આ બે ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લીધા છે એટલે રાહુલ ગાંધી આ બે જણની ટીકા કરતા નથી જે પહેલાં તો દિવસરાત કરતા હતા. આ પહેલાંનો પ્રચાર પણ ભારત જેવા મહાન દેશના વડા પ્રધાનને શોભે એવો નહોતો. કાઁગ્રેસ સત્તામાં આવશે તો તમારી પાસે જો બે ભેંસ હશે તો એક ભેંસ લઈ જશે. કાઁગ્રેસ આવશે તો મહિલાઓનું મંગળસૂત્ર આંચકી લેશે. કાઁગ્રેસ આવશે તો તમારો અડધો અડધ બાપીકો વારસો લઈ લેશે. કાઁગ્રેસ આવશે તો અન્ય પછાત કોમ માટેના અનામતના કોટા મુસલમાનોને આપી દેશે. કાઁગ્રેસ આવશે તો અયોધ્યાના રામમંદિર પર તાળાં લાગશે. કાઁગ્રેસ આવશે તો આમ થશે અને તેમ થશે. દિવસરાત કાઁગ્રેસ, કાઁગ્રેસ અને કાઁગ્રેસ.
નીકળ્યા તો હતા ભારતને કાઁગ્રેસમુક્ત કરવા અને અત્યારે કાઁગ્રેસ આવશે એનો ડર બતાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં કાઁગ્રેસનો પ્રજાને ડર બતાવવામાં નથી આવી રહ્યો, પોતે કાઁગ્રેસથી ડરી રહ્યા છે. એટલે તો ચૂંટણીની પૂર્વસંધ્યાએ કાઁગ્રેસ પક્ષ પર ઇન્કમટેક્ષે ૧,૮૦૦ કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ બજાવી હતી અને કાઁગ્રેસનાં બેંક એકાઉન્ટ્સ સ્થગિત કર્યા હતા અને હજુ પણ સ્થગિત છે.
પણ અદાણી અને અંબાણી પર પાછા ફરીએ કારણ કે વડા પ્રધાનનું એ કથન જેટલું ગમ્મત કરનારું છે એટલું ગંભીર પણ છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ પહેલાં દેશમાં કેટલા લોકોએ અદાણીનું નામ સાંભળ્યું હતું? અને ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછીથી આ દેશમાં અદાણીનું નામ કોણ નથી જાણતું? નરેન્દ્ર મોદીના પ્રધાનોને કોઈ નથી ઓળખતું, પણ અદાણીને સૌ ઓળખે છે. જે રીતે અદાણી અને અંબાણીને, વિશેષ કરીને અદાણીને ખેરાત કરવામાં આવી છે એની કોઈ કલ્પના પણ ન કરી શકે. પોર્ટ તો કે અદાણી. એરપોર્ટ અદાણી, કોલમાઈન્સ અદાણી, વીજળી અદાણી, મુંબઈમાં ધારાવીની ઝૂંપડપટ્ટીની ૨૭ એકર જમીન તો કે અદાણી. ૨૦૦૨ની સાલમાં અદાણી જૂથ ત્રણ હજાર કરોડ (૩૦ અબજ) રૂપિયાની કુલ સંપત્તિ ધરાવતું હતું. ૨૦૧૩માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પૂર્વે અદાણી જૂથની કુલ સંપત્તિ વધીને ૬૪૨.૭૭ અબજ રૂપિયા સુધી પહોંચી હતી અને અત્યારે ૨૦૨૪ની સાલમાં અદાણીની સંપત્તિ દસ ગણી વધીને ૬,૬૦૦ અબજ રૂપિયા સુધી પહોંચી છે. માત્ર બે દાયકામાં ત્રીસ અબજ રૂપિયા ૬,૬૦૦ અબજ રૂપિયામાં ફેરવાયા એ શું આવડત અને પરિશ્રમનું પરિણામ હતું? આજ સુધી આવો આવડત ધરાવતો ઉદ્યોગપતિ જગતમાં થયો નથી એટલે એને તો વાણિજ્યનાં પાઠ્યપુસ્તકોમાં સ્થાન મળવું જોઈએ. ૨૦૦૨માં વિશ્વના સૌથી શ્રીમંતોની ૫૦૦ લોકોની યાદીમાં અદાણીનું નામ પણ નહોતું એ અત્યારે ૨૦૨૪માં ૧૭મું સ્થાન ધરાવે છે. આ બધું નરેન્દ્ર મોદીની કૃપાથી થયું છે અને એટલે તેમને મોદાણી તરીકે ઓળખાવવામાં આવે છે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાના જવાબદાર લોકોએ કહ્યું કે ભારતના વડા પ્રધાને અમારે ત્યાંની મુલાકાત વખતે અદાણી માટે લોબિંગ કર્યું હતું અને એટલે અમારે નાછૂટકે અદાણીની તરફેણ કરવી પડી હતી. ફ્રાંસના ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણી માટે લોબિંગ કર્યું હતું એટલે નાછૂટકે અમારે રાફેલનો સોદો અંબાણીને આપવો પડ્યો હતો. હજુ કેટલાં પ્રમાણ જોઈએ છે? હિડનબર્ગે અદાણીની કંપનીઓની માર્કેટ વેલ્યુ ફૂગાવેલી છે એમ કહ્યું ત્યારે ભારતના નાણાં પ્રધાન તેમની વહારે આવ્યા હતા અને કહ્યું હતું કે આ તો દેશની બદનામી કરવાનું કાવતરું છે.
તો પછી રહી રહીને વડા પ્રધાને અદાણી અને અંબાણીને કાઁગ્રેસના તંબુમાં કેમ ધકેલ્યા? શું અદાણી અંબાણી (મુખ્યત્વે અદાણી) સાથેનો ઘરોબો અત્યારે યોજાઈ રહેલી ચૂંટણીમાં મોંઘો પડી રહ્યો છે? કે પછી આ બન્ને ઉદ્યોગપતિઓને ચૂંટણી પછી ભારતમાં કોણ શાસન કરવાનું છે અને કઈ રીતની રાજકીય ઊથલપાથલ થવાની છે એ સમજાઈ ગયું છે? તેમને માટે કોઈ ક્ષમતાવાન પ્રોફેશનલ એજન્સી પાસે લાખ બે લાખ કે તેનાથી પણ વધુ મતદાતાઓની સેમ્પલ સાઈઝ સાથે ખાનગી સર્વેક્ષણ કરાવવું અઘરું નથી. આવું ખાનગી સર્વેક્ષણ વડા પ્રધાને પણ કરાવ્યું હોય એમ બની શકે. ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીમાં મતદાનનો છેલ્લો રાઉન્ડ પૂરો થયો એ જ દિવસે અનિલ અંબાણી (ત્યારે અંબાણીબંધુઓ સાથે હતા) કાઁગ્રેસના નેતા સોનિયા ગાંધીને મળવા ગયા હતા અને પછી ત્રીજા દિવસે ચૂંટણીમાં એન.ડી.એ.નો પરાજય થયો હતો. જે આપણે નથી જાણતા અને જાણવા માટે તેમને ૪થી જૂન સુધી રાહ જોવી પડે એમ નથી. પ્રજાના મૂડને જાણવાની તેમની પાસે યંત્રણા છે. માત્ર ભારતમાં નહીં, જગત આખામાં આમ બની રહ્યું છે. આજે કુબેરપતિઓના હાથ તમે કલ્પના પણ ન કરી શકો એટલી હદે લાંબા થઈ ગયા છે. શાસકો તો તેમના ખાંધિયા છે.
તો શક્યતા એવી છે કે અદાણી-અંબાણીને ભળાઈ ગયું છે કે ચૂંટણીમાં શું પરિણામ આવવાનું છે અને એ વડા પ્રધાન પણ જાણે છે. અથવા અદાણી સાથેનો ઘરોબો મોંઘો પડી રહ્યો છે. આમાંથી પહેલું અનુમાન છે અને બીજી વાસ્તવિકતા છે. રાહુલ ગાંધીએ ઉપરાઉપર નરેન્દ્ર મોદીના અદાણી અંબાણી સાથેના સંબંધ વિષે બોલે છે અને મોદીનું નામ અદાણી સાથે એટલી હશે જોડી દીધું છે કે હવે આખો દેશ કહી રહ્યો છે કે મોદી અદાણી અંબાણી (વિશેષ કરીને અદાણી) માટે કામ કરે છે. પૈસા મળ્યા પછી રાહુલ ગાંધીએ અદાણી-અંબાણી વિષે બોલવાનું બંધ કરી દીધું છે એ વડા પ્રધાનની વાત ખોટી છે. જે દિવસે વડા પ્રધાને આમ કહ્યું એ જ દિવસે અને તેના આગલા દિવસે અને તેના આગલા દિવસે રાહુલ ગાંધીએ અદાણીની માળા નરેન્દ્ર મોદીના ગળામાં પહેરાવી હતી. હવે ડરીને વડા પ્રધાને એ ફાંસીના ફંદા જેવી માળાને રાહુલ ગાંધીના ગળામાં ફગાવવાનો પ્રયાસ કર્યો છે.
વડા પ્રધાન જ્યારે બોલે છે ત્યારે તેમનાં કથનમાંથી શું નિષ્પન્ન થશે તેની ચિંતા તેઓ કરતા નથી. અત્યાર સુધી તેમને એવી જરૂર પણ નહોતી કારણ કે ગોદી મીડિયા વડા પ્રધાનની ખિદમત કરતા રહે છે અને ભક્તોની બૌદ્ધિક ક્ષમતા વિષે વડા પ્રધાન આશ્વસ્ત છે. એને કારણે આગળપાછળ વિચાર્યા વગર કાંઈ પણ બોલે. એક ટેમ્પો ભરીને પૈસા આ બે ઉદ્યોગપતિઓએ કાઁગ્રેસને આપ્યા છે એમ વડા પ્રધાને કહ્યું છે. સાહેબ, તો પછી નોટબંધીનું શું થયું? જો ટેમ્પો ભરાય એટલા રોકડા રૂપિયા કુબેરપતિઓ આજે પણ ધરાવે છે તો નોટબંધી શું પ્રજાને હેરાન કરવા માટે, નાના વેપારધંધાને તોડી નાખવા માટે અને એ રીતે ઉદ્યોગપતિઓને મદદ કરવા માટે લાવવામાં આવી હતી? બીજું, વાઘના જડબામાંથી પણ હું ભ્રષ્ટાચારનું કાળું નાણું ખેંચી કાઢીશ એવી બધી જે વાત કરી હતી તેનું શું? વાઘોના જડબામાં ટેમ્પો ભરાય એટલું કાળુ નાણું છે અને એ સિવાયનું કેટલું હશે કોને ખબર! બધું તો કાઁગ્રેસને નહીં જ આપી દીધું હોય, બીજું દસ ટ્રક રોકડું કાળું નાણું તેમની પાસે હોવું જોઈએ. આ સિવાય બીજા ઉદ્યોગપતિઓ પાસે પણ હશે એ તો જુદું. ઈશ્વરના અવતાર સમાન વડા પ્રધાને દેશમાં આટલું બધું રોકડ કાળું નાણું કેટલાક હાથોમાં એકઠું કેમ થવા દીધું? ઇ.ડી., આઈ.બી., સી.બી.આઈ., આવકવેરા ખાતું અને બીજી એજન્સીઓ સૂતી હતી? એ શું રાજકીય વિરોધીઓને સતાવવા માટે છે? કે પછી ટ્રકો ભરાય એટલું રોકડ નાણું એકઠું કરવા દેવા સામે કોઈ લાભ મળતો હતો?
વાત એમ છે કે વડા પ્રધાન ઘાંઘા થઈ ગયા છે. કોઈ ગાયકને રાગ ન મળે, સમ હાથ ન લાધે અને જે હાલ થાય એવા હાલ વડા પ્રધાનના થતા નજરે પડે છે. એમાં પ્રચાર કરવાની અનુકૂળતા ખાતર ચૂંટણીપંચ પર દબાવ નાખીને ચૂંટણી નિરાંતે સાત તબક્કામાં લંબાવી એ હવે ફાયદામાંથી નુકસાનમાં ફેરવાઈ ગઈ છે. કોઈ કારી હાથ લાગતી નથી એટલે લંબાણ અકળાવે છે. આગલો તબક્કો પછીના તબક્કા પર માઠી અસર પેદા કરે છે. તો હકીકત એ છે કે વડા પ્રધાન અકળાયા છે. સંભાવના એ છે કે આગળ કહ્યું એમ અદાણી અને અંબાણીને ચૂંટણીનાં પરિણામોનો અંદેશો મળી ગયો છે અને તેમણે સોડ બદલવાનું શરૂ કરી દીધું છે. વડા પ્રધાન આ જાણે છે અને તેમની ગમગીનીમાં વધારો થયો છે. એક નજર શેરબજાર પર પણ ર કરી જુઓ.
બાકી જેને ઉછેર્યા હોય એના ઉપર કોઈ અમસ્તો આરોપ કરે કે તેઓ દુ:શ્મન સાથે મળી ગયા છે? અને હા, કલ્પના કરો કે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની અત્યારે મનોદશા કેવી હશે! આટઆટલી સેવા કરી, બોન્ડ્સ ખરીદી ખરીદીને આપ્યા, સાહેબની સેવા કરવા મીડિયા ખરીદ્યાં, પોતાનાં વિમાન અને હેલીકોપ્ટર સાહેબના હવાલે ધરી દીધાં, વિદેશમાં નરેન્દ્ર મોદીને દેશના અત્યાર સુધીના વિઝનરી વડા પ્રધાન તરીકે ઓળખાવ્યા અને આવો બદલો! અને વળી વડા પ્રધાને ન્યુઝ પણ એવા આપ્યા કે ખિદમત કરનારી ચેનલોમાં બતાવી પણ ન શકાય! આ સમજવું અઘરું નથી. સ્વાર્થ અને સ્નેહ સાથે ન રહી શકે. તેમની વચ્ચે સ્વાર્થનો સંબંધ હતો. નહોતો કોઈ સ્નેહ કે નહોતી દેશની કે પ્રજાની ચિંતા.