
ચંદુ મહેરિયા
ભારતની પહેલથી સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૦૨૩ના વરસને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે. અગાઉ ૨૦૧૮માં ભારત સરકારે નેશનલ મિલેટ્સ યર મનાવ્યું હતું. આ ઉજવણીનો ઉદ્દેશ મિલેટ્સ એટલે કે પોષણયુક્ત બરછટ અનાજના મહત્ત્વને સ્થાપિત કરી, તેનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રસાર કરવાનો છે. બાજરી, મકાઈ, જુવાર, રાગી, કોદરા કે કોદરી જેવા બાર પ્રકારના ધાન્ય બરછટ અનાજ કે જાડું ધાન્ય કહેવાય છે. પોષણના પાવરહાઉસ જેવા સ્વદેશી બરછટ અનાજ સુપરફૂડ છે. તે પોષકતત્ત્વોથી ભરપૂર અને આરોગ્યપ્રદ છે. જો દેશ-વિદેશમાં બરછટ અનાજનો વપરાશ વધે તો પોષણનું સ્તર ઊંચુ આવી શકે તેમ છે.
જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અનાજની તીવ્ર તંગી હતી. મોટા ભાગનું અનાજ વિદેશોથી મંગાવવું પડતું હતું. તત્કાલીન સરકારને તેનો ઉકેલ હરિયાળી ક્રાંતિમાં જણાયો. એટલે ઘઉં-ચોખાનું ઉત્પાદન વધારી ખાધ્યાનમાં આત્મનિર્ભરતા હાંસલ કરી છે. આજે આપણા દેશમાં ઘઉં-ચોખાનો સરપ્લસ પુરવઠો છે. આ પહેલો તબક્કો હતો. પણ હવેનો તબક્કો ના માત્ર પેટ પૂરતું અન્ન પણ પોષણયુક્ત અનાજનો છે. ઘઉં-ચોખા કરતાં બરછટ અનાજમાં વધુ પોષકતત્ત્વો છે એટલે તેનો દેશ અને દુનિયાને પરિચય કરાવી તેનો લાભ અપાવવા સરકાર પ્રયાસરત છે.
બરછટ અનાજના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વીસ ટકા છે. તો એશિયામાં એંસી ટકા છે. ચીન, અમેરિકા, નાઈજીરિયા, નાઈજર, આર્જેન્ટિના અને સુદાન સહિત દુનિયાના ૧૩૦ દેશોમાં તેનું ઉત્પાદન થાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ બરછટ અનાજ એક પ્રકારે ઘાસના ફળ છે. દર વરસે પાકતા નાના બી વાળા ઘાસનો સમૂહ છે. તેને ઘાસના બીજ કે બીવાળાં ફળ પણ કહી શકાય. આ ધાન્ય ફળદ્રુપ, રેતાળ, પથરાળ, ખારી કે એવી કોઈપણ જમીનમાં ઊગી શકે છે. તેનો પાક ઘણી ગરમી સહન કરી શકે છે. તેની ખેતી ઓછાં પાણીથી થઈ શકે છે. તે ઓછા ખર્ચે, ઓછા સમયમાં પાકે છે. તેને ગ્લોબલ વોર્મિંગની ઓછી અસર થાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓન ઉપયોગ વિના સરળતાથી પાકે છે. મુખ્યત્વે હલકી ગુણવત્તાની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો, જે ઓછાં પાણીથી સૂકી ખેતી કરે છે, તેઓ તેનું વાવેતર કરે છે. આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં તેની ખેતી સવિશેષ થાય છે.
મિલેટ્સમાં ફાઈબર, પ્રોટીન, મિનરલ્સ અને વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. તે પોષણયુક્ત અને જીવનરક્ષક છે. તેનો આહારમાં ઉપયોગ થાય છે ત્યારે શરીરમાં તે ધીમે ધીમે ગ્લુકોઝમાં ફેરવાય છે, એટલે સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. તેમાં રહેલ ફાઈબર આંતરડાની દીવાલ પર ફિલ્ટર બનાવે છે. આ ફાઈબર ખોરાકના ગ્લુકોઝ રૂપાંતરને ધીમું કરે છે. તેને કારણે લોહીના પ્રવાહમાં પોષકતત્ત્વો માટે વધુ જગ્યા ઊભી થઈ શકે છે. સ્વાદિષ્ટ અને કાર્બોહાઈડ્રેટ્સયુક્ત ખોરાકની તુલનાએ બરછટ ખોરાકથી વધુ પોષણ મળે છે. પચવામાં આસાન મિલેટ્સનો આહાર વજન નિયંત્રિત કરે છે, હાડકાં મજબૂત કરે છે અને લોહી વધારે છે. વજન વધારતા ગૂલેટન(એક જાતનો પ્રોટીન)નું પ્રમાણ મિલેટસમાં બહુ ઓછું હોય છે.
બીજી ઘણી બાબતોની જેમ બરછટ અનાજને જગત ચોકમાં મૂકવાનું શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવે છે. બોંતેર દેશોના સહયોગથી ૨૦૨૧માં ભારતે યુનોની બેઠક સમક્ષ વિશ્વ કક્ષાએ મિલેટ્સ યરની ઉજવણીનો પ્રસ્તાવ મંજૂર કરાવ્યો હતો. ૨૦૨૩-૨૪ના કેન્દ્રીય બજેટમાં પણ બરછટ અનાજના બનેલા ઉચ્ચ કક્ષાના ભોજનની પ્રસંશા કરવામાં આવી છે. ભારત જેની અધ્યક્ષતા કરી રહ્યું છે તે જી-૨૦ની બેઠકોમાં મિલેટ્સની બનેલી વાનગીઓ પિરસવામાં આવી રહી છે. એક હજાર જેટલા સ્ટાર્ટ અપ્સ મિલેટ્સના અનૂઠા ઉત્પાદનો બજારમાં મૂકવાના છે. ઘઉં-ચોખા કરતાં બરછટ અનાજની એમ.એસ.પી. વધારે નક્કી કરી છે. જો કે ૨૦૧૩માં યુ.પી.એ. સરકારે સૌ પ્રથમ વખત બરછટ અનાજની એમ.એસ.પી. વધારી હતી તે પણ નોંધવું જોઈએ.
બરછટ અનાજના ‘ખાયે બુઢા જુવા હો જાય’ની હદના ગુણગાન ગવાય છે. તેની પ્રશસ્તિનો આશય તેની ઉપયોગિતા છે કે બીજો પણ છે તે પણ ચર્ચાનો મુદ્દો છે. ભારતમાં ૨૦૨૧-૨૨માં મિલેટ્સનું ઉત્પાદન ૧,૫૯૨ કરોડ મેટ્રિક ટન થયું હતું. પરંતુ માત્ર એકા જા ટકો નિકાસ થઈ હતી. એટલે સરકાર તેને પ્રોત્સાહન આપીને, નિકાસ વધારી, વિદેશી હૂંડિયામણ કમાવા માંગતી હોવાનો આશય પણ હોઈ શકે. એશિયા-આફ્રિકાના લગભગ સાઠ કરોડ લોકો, મોટેભાગે ગરીબો, તેનો ખોરાકમાં ઉપયોગ કરે છે. છતાં દુનિયામાં ૭૬.૮ કરોડ અને ભારતમાં ૨૨.૪ કરોડ લોકો કુપોષિત છે. જો જાડું ધાન્ય કુપોષણનો એક માત્ર ઈલાજ હોય તો મુખ્યત્વે તે જ ખાતા ગરીબ આદિવાસીઓનાં બાળકો કુપોષિત કેમ છે ? જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબોને મફત કે સસ્તા ભાવે ઘઉં-ચોખાને બદલે બરછટ અનાજ કેમ અપાતું નથી? તેવા સવાલો થવા સ્વાભાવિક છે.
એક સર્વ પ્રમાણે ૧૯૬૨માં ભારતમાં બરછટ અનાજનો પ્રતિ વ્યક્તિ વાર્ષિક ઉપયોગ ૩૩ કિલોગ્રામ હતો. ૨૦૧૦માં તે ઘટીને માત્ર ૪ કિ.ગ્રા. થઈ ગયો છે. ૨૦૧૮ના નેશનલ મિલેટ્સ યરમાં ભારત સરકારે કેટલાક જાડા ધાન્યોને ન્યૂટ્રી સિરિયલ્સ જાહેર કર્યા પછી તેના વપરાશમાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી. હરિત ક્રાંતિના દાયકા પછી, ૧૯૭૦ સુધી, તેનો વપરાશ ૨૦ ટકા હતો પણ હવે ૬ ટકા જ છે. ૨૦૨૨-૨૩ના રવિ પાકમાં જાડા ધાન્યનો વાવેતરા વિસ્તાર પાંચ ટકા અને છેલ્લા દાયકામાં પંદર ટકા ઘટ્યો છે. ૧૯૫૫-૬૫માં દેશમાં ૩.૫ કરોડ હેકટર જમીનમાં નવ મિલેટ્સ ઉગાડાતા હતા હવે ૧.૪ કરોડ હેકટરમાં પાંચ ઉગાડાય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે આજે ૧.૫ કરોડ ટન ઘઉં અને ૧.૬ કરોડ ટન ચોખાનો બફરસ્ટોક છે પરંતુ બરછટ અનાજનો સ્ટોક ૧૧.૯ લાખ ટન જ છે. એમ.એસ.પી.થી સરકારી ખરીદી પણ ઘઉં-ચોખાની જ થાય છે ત્યારે મિલેટ્સ રિવોલ્યુશન બહુ આઘું ભાસે છે.
ભારતીયો આરોગ્યના ભોગે પણ સ્વાદિષ્ટ ભોજન પસંદ કરે છે. તેમની આહારની ટેવો બદલવાનું કામ બહુ ધીરજ માંગી લેતું અને લાંબા ગાળાનું છે. કેટલાક લોકો માટે મિલેટ્સનો ખોરાકમાં ઉપયોગ ફેશનેબલ છે. વળી જાડા ધાન્યને મુખ્ય આહાર બનાવી શકાય તેવી શક્યતાઓ બહુ ઓછી છે. તે ઘઉં-ચોખાનો વિકલ્પ બનવાને બદલે તેના આહારમાં પૂરક બની શકે. બરછટ અનાજની આહારમાં ઉપયોગિતા નિ:શંક ઘણી વધારે છે. પરંતુ તેનો વપરાશ સતત ઘટતો રહ્યો છે અને ગરીબોને પણ તેનાથી દૂર કરાયા છે, ત્યારે ફરી તેને ખોરાકની મુખ્ય ધારામાં સામેલ કરવાનો પડકાર આસાન નથી.
e.mail : maheriyachandu@gmail.com