(1)
‘ડાયસ્પોરા’ એ અત્યંત સંકુલ સંજ્ઞા છે; તેની સાથે ઐતિહાસિક, સામાજિક, રાજકીય તેમ જ સાંસ્કૃિતક પરિપ્રેક્ષ્ય જોડાયેલો છે. મૂળ ગ્રીક ભાષાની આ સંજ્ઞા છે, જે યહૂદી (જ્યૂઈશ) પ્રજા માટે સૌપ્રથમ પ્રયોજાઈ હતી. યહૂદી પ્રજાને પોતાની ઇચ્છાવિરુદ્ધ બળપૂર્વક દેશમાંથી હાંકી કાઢવામાં આવી હતી; જે ઈરાન, ઈજિપ્ત, ગ્રીસ, ઇટાલી વગેરે રાષ્ટ્રોમાં છૂટીછવાઈ વસી. એટલે પોતાના વતનથી બળપૂર્વક હટાવાયા બાદ અનુભવાયેલી વેરવિખેરપણાંની, કેન્દ્રથી ચ્યુત થયાની વેદના, આ સંજ્ઞાના પ્રયોગ માટે નિમિત્ત બની. આજે આ સંજ્ઞામાં પરિવર્તન પ્રગટ્યું છે. આખી યહૂદી પ્રજા માટે પ્રયોજાયેલી આ સંજ્ઞા આજે કોઈ વ્યક્તિવિશેષને પણ લાગુ પડે છે. વળી, યહૂદી પ્રજાને અનિચ્છાએ દેશ છોડવો પડ્યો હતો પરંતુ જે પોતાની ઇચ્છાથી નોકરી, વ્યવસાય, અભ્યાસ કે અન્ય કારણોસર પરદેશમાં સ્થાયી થયા છે, તે સર્વને માટે આજે આ સંજ્ઞા પ્રયોજાવા લાગી છે, મૂળમાં જે ભાવ હતો તે આજે અદૃશ્ય થતો જાય છે. આ સંજ્ઞાના મૂળમાં સંઘર્ષ રહેલો છે, સ્વેચ્છાએ કે અનિચ્છાએ દેશ છોડ્યો હોય પરંતુ મૂળ વતન છોડીને નવી જગ્યાએ પોતાને ગોઠવવા માટે વેઠવો પડતો સંઘર્ષ, પર સંસ્કૃિત સાથે સાધવું પડતું અનુકૂલન, પરદેશમાં પોતાની સ્વ-ઓળખ ટકાવવા માટેની મથામણ, તેમ જ પરદેશમાં સ્થાયી થઈને મેળવેલ સિદ્ધિ-વિકાસને ‘ડાયસ્પોરા’ના અભ્યાસ અંતર્ગત સૈદ્ધાંતિક ભૂમિકાએ તપાસવાં જોઈએ.
(2)
ગુજરાતી ડાયસ્પોરા એ મોટા ભાગે સ્વૈચ્છિક ડાયસ્પોરા છે. પરાણે દેશ છોડવાનું ફરમાન નથી, પોતાની ઇચ્છાથી નોકરી, વ્યવસાય કે અર્થપ્રાપ્તિ અર્થે પરદેશમાં સ્થાયી થવાનું બન્યું છે, પરંતુ વતન વિચ્છેદની આવી પરિસ્થિતિના પરિણામે વ્યક્તિનું ચૈતસિક જોડાણ પણ તૂટે છે. વળી, નવીન આબોહવામાં, નવીન પરિસરમાં, નવીન દેશ-કાળ કે સંસ્કૃિતમાં પોતાની જાતને ગોઠવવી પડે છે; ત્યારે તેમાંથી એક જાતનો સંઘર્ષ ઊભો થાય છે. આ સંઘર્ષ અતીત અને વર્તમાન વચ્ચેનો, સ્વદેશી અને પરદેશી સંસ્કૃિત વચ્ચેનો હોય છે. ડાયસ્પોરા સર્જકે આ સંઘર્ષમાં પોતાના સ્વને, પોતાની અસલિયતને ટકાવી રાખવાની મથામણ કરવાની હોય છે. પરદેશી સંસ્કૃિત સાથેના સંઘર્ષ જે સમન્વયને ઉજાગર કરવાનો હોય છે.
(3)
બ્રિટન સ્થિત કવિઓના બે પ્રવાહ દૃશ્યમાન થાય છે. એક કે જેઓ ગુજરાતથી સીધા જ બ્રિટનમાં સ્થાયી થયા છે અને બીજો પ્રવાહ કે જેઓ ગુજરાતથી સીધા બ્રિટન ગયા નથી પરંતુ આફ્રિકા કે પાકિસ્તાન જેવા દેશમાંથી નિષ્કાસિત થઈને બ્રિટનમાં શરણાર્થી થયા છે. આવા બીજા પ્રવાહના કવિઓની રચનામાં દ્વિસ્તરીય સ્થળાંતરણના અનુભવો અભિવ્યક્તિ થયા છે. બ્રિટન ગુજરાતી ભાષાના કવિઓમાં અદમ ટંકારવી, દીપક બારડોલીકર, અહમદ ‘ગુલ’, જગદીશ દવે, કદમ ટંકારવી, અરવિંદ જોશી, ડાહ્યાભાઈ પટેલ, દિલીપ ગજ્જર, દોલતરામ મહેતા, નિરંજના દેસાઈ, પંકજ વોરા, ભારતી વોરા, પંચમ શુક્લ, મહેક ટંકારવી, ભાનુશંકર વ્યાસ, બેદાર લાજપુરી, પ્રેમી દયારવી, પ્રફુલ્લ અમીન, રમેશ પટેલ ‘પ્રમોર્મિ’, યોગેશ પટેલ, સિરાજ પટેલ, સૂફી મનુબરી, હારૂન પટેલ, સેવક આલીપુરી, વિનય કવિ, પ્રેમી દયારવી, ચંચળ ચૌહાણ, ઇસ્માઇલ દાજી ‘અનસ’, ફારૂક ઘાંચી ‘બાબુલ’ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં કવિઓમાંથી થોડા પ્રમુખ કવિઓની રચનાઓમાં ડાયસ્પોરાનો ભાવ કેવો પ્રગટ થયો છે તેને ઉદાહરણ સાથે પ્ર-માણવાનો ઉપક્રમ છે.
બે ભાષા કે સંસ્કૃિત વચ્ચેનો વિરોધ અદમ ટંકારવીએ તેમની ‘ગુજLish ગઝલો’માં રજૂ કર્યો છે. મિશ્રભાષા વડે બે સંસ્કૃિત વચ્ચેના વિરોધને રજૂ કરીને, સ્વભાષા કે સ્વ-સંસ્કૃિતનું મૂલ્ય ઊંચું આંકવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે,
‘સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું
ગુજરાતીમાં આવજો બોલાય છે.
તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમા
અહીંયાં આંસુ ટીસ્યૂથી લૂંછાય છે.’
પરદેશમાં ગુજરાતી ભાષા, ગુજરાતીપણું, ગુજરાતી સંસ્કૃિત, ગુજરાતી મૂલ્યો જે રીતે હ્રાસ પામી રહ્યાં છે તેનો નિર્દેશ પણ તેમની ગઝલોમાંથી મળે છે. ગઝલમાં ઘર-વતન પ્રીતિનો ભાવ તો રજૂ થયો જ છે પરંતુ પરદેશમાં વેઠવો પડતો પોતીકાપણાંનો અભાવ, સાંપ્રત પ્રશ્નો, બદલાતાં જતાં જીવનમૂલ્યો, તકવાદી ને તકલાદી સંબંધો, ઉપયોગિતાવાદી માનસિકતા તેમ જ અતીત અને સાંપ્રત વચ્ચે જોજનો દૂરની ખાઈ ઇત્યાદિ ભાવોની અભિવ્યક્તિ ડાયસ્પોરિક ગુણ-લક્ષણો સાથે પ્રગટી છે. તેમની પાસેથી મળતી અમેરિકન સભ્યતા-સંસ્કૃિત વિષયક રચનાઓમાં અમેરિકાની અસલિયત, તેની ઝાકઝમાળ સંસ્કૃિત અને ડોલરના પ્રભાવ તળે સમગ્ર વિશ્વને ધમકાવતું અમેરિકા ભીંતરથી કેટલું ખંડિત છે તેનું નિર્ભીક બયાન ડાયસ્પોરા કવિતાને નવી દિશા પૂરી પાડે છે. તેમની એક રચનામાં થયેલ અધ્યાત્મભાવ દ્વારા ડાયસ્પોરાની અનુભૂતિનું આલેખન ધ્યાન ખેંચે છે.
‘હતો તારી ગલીમાં, ત્યાંથી નિર્વાસિત કરી દીધો,
મને હોવાવીને હોવાથી ય વંચિત કરી દીધો.’
ડાયસ્પોરાની અનુભૂતિની સમાંતર અન્ય ભાવોની અભિવ્યક્તિમાં પણ અદમ ટંકારવીની રચનાઓ ધ્યાનાકર્ષક બની છે, પરંતુ જ્યાં ભાવનું વ્યંજનામય પોત વિકસ્યું નથી ત્યાં કાવ્યાત્મકતા પ્રગટી નથી પરિણામે એવી રચનાઓમાં બોદો ખખડાટ જ અનુભવાય છે.
જન્મ ભારતમાં, યુવાની પાકિસ્તાનમાં વિતાવી અને હાલ વયસ્ક અવસ્થામાં માન્ચેસ્ટર-બ્રિટનમાં સ્થિત છે એવા દીપક બારડોલીકરની કવિતામાં આ ત્રણેય ભૂમિ-સંસ્કૃિત અંગેની રજૂઆત દ્વિસ્તરીય સ્થળાંતરની અનુભૂતિને પ્રગટાવે છે. તેમની બધી જ રચનાઓ ‘ફુલ્લિયાતે દીપક’ સંગ્રહમાં મુકાઈ છે. દીપક બારડોલીકરની રચનાઓમાં વતનપ્રેમ માત્ર ઝુરાપો બનીને અટકી ન જતાં, સ્વદેશાભિમાનમાં પરિણમે છે. ‘અમારા દેશની માટી’, ‘અકળાતું ઘર’, ‘અમૃતનો પ્યાલો પિવરાવો’, ‘જ્યોત એ હોલાઈ ગઈ’, ‘માતૃભાષા’ જેવી રચનાઓમાં વતનપ્રેમ ડાયસ્પોરાના ભાવને વાચા આપનાર બન્યો છે. ‘અમારા દેશની માટી’ રચનાના અંતે પ્રગટતો મૃત્યુ વખતે પણ વતનની માટી સુલભ નહીં બને એવો વસવસો સમગ્ર ડાયસ્પોરિક પ્રજાની વ્યથા-પીડાને વાચા આપનાર બની રહે છે. જુઓ –
‘સમંદર પાર ક્યાંના ક્યાં, વિલય પામી જશું ‘દીપક’
સુલભ નહિ થાય, જાણું છું, અમારા દેશની માટી.’
ઈ.સ. 1961થી ઈ.સ. 1990 સુધીનાં વર્ષો કરાંચીમાં રહ્યા તેનાં સંસ્મરણો અને રાજકીય ગતિવિધિનો ચિતાર પણ તેમની રચનાઓમાં ડાયસ્પોરિક બનીને પ્રગટ્યો છે. ડાયસ્પોરા અંતર્ગત આ પ્રકારની રચનાઓનું ઝાઝું મૂલ્ય છે. માત્ર સ્વદેશપ્રેમ કે ઝુરાપાના ગુણ-ગાન ગાવાને બદલે સાંપ્રતકાલીન પરિસ્થિતિનો પ્રતિઘોષ રચનાઓમાં સમાવે છે ત્યારે તેમાંથી તત્કાલીન દેશ-દુનિયાની ગતિવિધિનો ખ્યાલ સાંપડે છે. પાકિસ્તાનના રાજકારણ વિષયક રચનાઓ આ દષ્ટિએ નોંધપાત્ર ઠરે છે. પોતાને થયેલ ભારત-પાકિસ્તાનના નાગરિકત્વના પ્રશ્નના પરિણામે જે ભયાનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું હતું, તેનો નિર્દેશ ‘લાચારી’ લઘુકાવ્યમાં આપ્યો છે. તેમાં ડાયસ્પોરા પ્રજાની મન:સ્થિતિ અને યાતના વ્યક્ત થયાં છે. એમાં પ્રયોજાયેલ ‘કતલખાના’ શબ્દની વ્યંજના જુઓ.
‘લોકશાહી માટે પણ,
ઘણી વાર,
ઘણી પ્રજાને,
કતલખાનામાંથી પસાર થવું પડે છે.’
દીપક બારડોલીકરની રચનાઓમાંથી આપણને અતીત અને સાંપ્રત વચ્ચે પોતાને ગોઠવવા મથતા વ્યક્તિત્વનો પરિચય થાય છે. ક્યાં ય કશો ય વિરોધ કે વિદ્રોહ કર્યા વિના પોતાની વાતને જે સહજતાથી મૂકે છે તેમાંથી ડાયસ્પોરાનો ભાવ અભિવ્યક્ત થાય છે, જેમ કે –‘શું હવે કરવી કોઈ ફરિયાદ પણ
યાદ ક્યાં છે અમને અત્યાચાર પણ
ઠામ ઠેકાણાં આ દીપકનાં ઘણાં
સિંધ છે, ઇંગ્લૅન્ડ ને ગુજરાત પણ.’
‘એ નગર’ જેવી રચનામાં ડાયસ્પોરા ચિત્તની વિષાદજન્ય અવસ્થા દૃષ્ટિગોચર થાય છે. તેમની રચનામાં પ્રગટતી માતૃભાષાને ચાહવાની વાત જીવન પ્રત્યેના વિધયાત્મક વલણને રજૂ કરે છે. પરદેશમાં પણ પોતાના વતન, માતૃભાષા અને સંસ્કૃિતને ચાહવાની અને તેના પાલન-પોષણ અને જીવંત રાખવામાં ડાયસ્પોરા સર્જકોનો ખૂબ મોટો ફાળો છે.
અહમદ ‘ગુલ’ પાસેથી ‘ઉપવન’, ‘પમરાટ’, ‘મૌન પડઘાયા કરે’, ‘મોનનું તેડું’, ‘પાંખડી’, ‘સંગતિ’, ‘મૌનાલય’ જેવા કાવ્યસંગ્રહો પ્રાપ્ત થયા છે. અહમદ ‘ગુલ’ પાસેથી ખરા અર્થમાં ડાયસ્પોરાનો ભાવ ધરાવતી રચનાઓ સાંપડે છે. ‘બ્રિટનને ….’, ‘મારું સરનામું’, ‘હું’, ‘યુવાનો તમારે’, ‘એક નવલું પ્રભાત’, ‘મા’, ‘કેરીની સફર’, ‘હરપળ છે ગૂંગળાતું’, ‘બેવફાનો દેશ છે આ તો’ જેવી રચનાઓમાં અભિવ્યક્ત થયેલ સંવેદન ડાયસ્પોરાના ભાવને સંકેતાત્મક રીતે વાચા આપે છે. ડાયસ્પોરા પ્રજાની જે મૂળ વિડંબણા છે તેને ‘બ્રિટનને …’ રચનામાં એવી રીતે આકારિત કરાઈ છે કે જેના કારણે આ પ્રકારની રચનાઓનું મૂલ્ય નોંધપાત્ર કરે છે. એક વૃક્ષની જેમ પોતાની સ્વ-ભૂમિમાંથી ઊખડીને પરદેશની ભૂમિ પર રોપાઈ, વિકસીને ઘટાદાર વૃક્ષમાં પરિણમ્યાની સુખદ લાગણી અનુભવવા છતાં પોતાના નિજના માળાની શોધ સતત રહે છે. ડાયસ્પોરા પ્રજા પરદેશમાં પોતીકાપણાના ભાવથી સતત વંચિત રહે છે તેની સંકેતાત્મક રીતે રજૂઆત કરી છે. આખી રચના અહીં ઉદ્ધૃત કરું છું.
‘હતાશ, નિસ્તેજ, નિરસ, જર્જરિત
એ કાળી રાતને
થપથપાવી, પંપાળી
હળવેકથી હડસેલી
હું નીકળી પડ્યો’તો
એક અજાણ્યા રસ્તે -પશ્ચિમે
એક નવા સૂરજની તલાશમાં
જેમ તેમ
અનેક વિટંબણાઓ પાર કરી અહીં પહોંચ્યો
અહીં
આવકારાયો, સત્કારાયો, આલિંગાયો, ગોઠવાયો,
રોપાયો
ઋણી છું ! તારા વિશાળ બાહુપાશનો !
મારી ઝંખના
મારી આવતીકાલને
રોપી
તુજ ધરા પર
અને હવે એ છોડ વૃક્ષ
થતો જાય છે
કંઈક શાતા જેવું તૃપ્તિ જેવું ઘટાદાર
છતાં માફ કર
આ ઘટાદાર વૃક્ષમાં હજુ શોધું છું
એક માળો’
‘મા’ રચનામાં સ્વદેશ અને પરદેશ વચ્ચેનો ભેદ ડાયસ્પોરાના ભાવને નવી અર્થવત્તા આપે છે તો ‘યુવાનો તમારે’ અને ‘કેરીની સફર’ જેવી રચનાઓમાં આવતીકાલની પેઢીને પોતીકાપણું સાચવવાનું આહ્વાહન છે. તેમની ગઝલોમાં પણ ડાયસ્પોરાનો ભાવ તીવ્રતાથી અભિવ્યક્ત થયો છે. પરદેશમાં અનુભવાતી ગૂંગળામણ કે પરાયાપણાની ભાવના અને તેના પરિણામે આવતી વતનની યાદ જેવા ભાવો તેમાં કેન્દ્રસ્થાને રહ્યા છે. પણ જ્યારે ‘ગુલ’ ઉલા મિસરામાં પરદેશને બેવફાનો દેશ કહીને સાની મિસરામાં જે કહે છે તેમાં ડાયસ્પોરાનું ખોટું સંવેદન પ્રગટ્યું છે.
‘બેવફાનો દેશ છે આ તો, વફા મળશે નહીં,
આવકારો હોઠના, દિલમાં જગા મળશે નહીં.’
‘ઠંડો સૂરજ’ અને ‘સાતે અશ્વો શોધે સૂરજ’ જેવા કાવ્યસંગ્રહો આપનાર જગદીશ દવેની કવિતામાં બ્રિટનની સંસ્કૃિત, સભ્યતા તેમ જ ભૌગોલિક પરિસ્થિતિ ઇત્યાદિનું સૂક્ષ્મ ચિત્રણ સાંપડે છે. ‘હું ગુર્જર લંડનવાસી’ રચનામાં સ્વદેશી સભ્યતા-સંસ્કૃિતની સામે પરદેશી સંસ્કૃિતની રીતભાત અપનાવવા મથતા કાવ્યનાયકની અર્થપૂર્ણ બાઘાઈ અને પરદેશમાં સ્થાયી થયેલ ભારતીય પ્રજાની બદલાયેલ જીવનશૈલી પ્રત્યેનો કટાક્ષ વ્યંજનાત્મક રીતે આલેખાયો છે. કાવ્યારંભે વ્યક્ત થતો પોતાનાઓ તરફથી થતો અનાદર ડાયસ્પોરા કવિતામાં નવીન અર્થપરિણામ ધારણ કરે છે.
‘જી… હા
હું ભારતથી આવું છું
ભારત
આપ જેને ઇન્ડિયા કહો છો
વળી હું
વાયા આફ્રિકા પણ નથી
અરેરે,
તો, તો આપણો નહીં ? નહીં ?
તો ‘સદી ગયું …’ રચનામાં બ્રિટનના ગરમ પોશાક અને ફાસ્ટફૂડની સંસ્કૃિતની વ્યંજનામય રજૂઆતમાંથી પરદેશ અને સ્વદેશ વચ્ચેનો વિરોધ અને તેમાંથી પ્રગટતો અતીતરાગ તળપદીબાનીમાં સુંદર રીતે અભિવ્યક્ત થયો છે, જેમ કે –
‘ને ભૈ, કે છે કે ભારતમાં દૂધઘીની નદીઓ
વે’તી’તી,
હશે
પણ આ ધોળિયાવે ઐ આવતાં આવતાં
ભેગી તાણી લીધી લાગે છે ઐકણે
એ… યને પ્યોર મિલ્ક, જોઈએ એટલું,
ને ઘીને બદલે પ્યોર બટર,
ને ચીઝની તો કેટલી જાતો,
અધધધ ! ગણી ગણાય નૈ
ફ્ૃૂટ અને જ્યુસ
ખાધે રાખો ને પીધે રાખો …
ઇ બધું ય હાચું પણ ગમે ઇ કો
બબલીની બા રોટલા ને મરચાનું અથાણું
બપ્પોરના લાવતી’તી શેતરે
ઇ રૈ રૈ ને હાંભરી આવે ને
તંઇ…’
‘મેઘધનુષના સપ્તરંગ’ માં ‘હું ભારતવાસી ગુર્જર બ્રિટનવાસી’ની ઓળખ પુરવાર થઈ છે. પરદેશમાં રહ્યે રહ્યે પણ મનથી પોતાના અતીતમાં જઈ ચડતા કાવ્યનાયકના ચૈતસિક પરિમાણો ડાયસ્પોરિક ભાવને પુષ્ટિ આપનારાં નીવડ્યાં છે. સમગ્ર રચનામાં પમાતું ગુજરાતી વાતાવરણ અને સાંસ્કૃિતક સંદર્ભ, કાવ્યાત્મક અર્થસંકેતો પ્રગટાવે છે. ‘ઢળતી સાંજ’માં પણ આ ભાવને વાચા મળી છે. કાવ્યનો અંત અર્થસભર, ભાવસભર બન્યો છે, આરંભ અને અંત જુઓ …
‘ઢળતી સાંજ
તુલસી ક્યારે પ્રગટતો ઘીનો દીવો
દૂરના મંદિરની આરતીના ઘંટારવના સૂર …
આ ઘરમાંથી હું ક્યાં બહાર જ ગયો હતો !’
‘જરા સુધર’માં પરદેશી રીતભાત અપનાવવા સામેનો કટાક્ષ કાવ્યાત્મક રીતે મુકાયો છે, તો ‘ટહુકો’માં માનવની બંધન અને વિવિધ વાડાઓમાં પુરાયેલ પરિસ્થિતિ સાથે મુક્ત પંખીની જાતનો નિર્દેશ ડાયસ્પોરાના ભાવને બળવત્તર રીતે પ્રગટાવે છે. તેમની પાસેથી મળતી ગાંધીજી, સરદાર અને નરસિંહ મહેતા વિષયક ભાવાભિવ્યક્તિ ધરાવતી રચનાઓ પણ ડાયસ્પોરા કવિતા ક્ષેત્રે નવીન પ્રકાશ પાથરે છે. ‘બટન દબાવો’, ‘ખાલી ખોખાં’, ‘હટ્ટાકટ્ટા થઈ ગયા પરદેશમાં’ જેવી રચનાઓ પણ સંવેદનની દૃષ્ટિએ ડાયસ્પોરિક બની રહે છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિની દૃષ્ટિએ પણ જગદીશ દવેની રચનાઓ સફળ બની છે.
પંકજ વોરા પાસેથી ‘અહંગરો’, ‘ઘરઝુરાપો’ અને ‘રેનબસેરા’ જેવા ત્રણ કાવ્યસંગ્રહો મળે છે. ગીત, ગઝલ અને અછાંદસમાં પોતાની કલમ ચલાવતા આ કવિની કવિતામાં દ્વિસ્તરીય સ્થળાંતરનો ભાવ દૃષ્ટિગોચર થાય છે. ભારતથી આફ્રિકા અને પછી ત્યાંથી બ્રિટન સ્થાયી થયા તે વાતનો નિર્દેશ ‘તેહિના દિવસા ગતા:’માં આપ્યો છે.
‘આવ્યા તા લઈને કાચી દોરી
નીકળ્યા ભરેલો લોટો મૂકી
વીખરેલી ગઠરીને ખાલી મૂકી
હાય હાય ! માયા ગઈ વસૂકી’
અહીં આફ્રિકાના સ્થળાંતર સમયે ‘કાચી દોરી’ અર્થાત્ ‘અનિશ્ચિત ભવિષ્ય’ અને બ્રિટન સ્થળાંતરમાં ‘ભરેલો લોટો’ અર્થાત્ ‘સમુદ્ધ જીવનનો સંકેત’ છે, એ છોડીને નીકળી પડવામાંથી વ્યક્ત થતી ડાયસ્પોરાની પીડા અભિવ્યક્ત થઈ છે. ‘હોમકમીંગ’માં પરદેશમાંથી પાછા ફરતાં પોતાને સત્કારાશે કે કેમ? પોતીકાપણું અનુભવાશે કે કેમ? તે વિશેનો સાશંક, પ્રશ્નાર્થ જ ડાયસ્પોરાના ભાવને વાચા આપનાર બની રહે છે, જુઓ –
‘ને એક દિવસ
હું ઘરે પાછો ફરીશ ત્યારે
ઘરની છત ઊંચી થઈને
મારી વાટ જોતી હશે ?
દિશાઓ પૂરવૈયાનો પાલવ પકડી
મને આશ્લેષવા દોડી આવશે ?
પંકજ વોરાની કવિતામાં તળસંસ્કૃિતથી લઈને વૈશ્વિકતા સુધીના સંકેતો, વતન પ્રેમથી માંડીને બ્રિટન-ન્યૂયોર્ક જેવાં નગરોનું સંકુલ-સૂક્ષ્મ જગત, તેની કાળી-ઊજળી બાજુઓનો ચિતાર ડાયસ્પોરા કવિતાક્ષેત્રે નવીન શક્યતાઓને ચીંધે છે. પરદેશમાં અનુભવાતો પરાયાપણાનો ભાવ જે તીવ્રતાથી રજૂ થયો છે તેમાંથી પ્રગટતો ડાયસ્પોરાનો ભાવ ધ્યાન ખેંચે છે.
‘ના અપના કોઈ, ના કોઈ પરાયા
વિષના હોઠ, ઘૂંટ અમીના ગળે નહિ
આંખ મીંચીને ક્યાં પહોંચ્યા પંકજ
મને લંડનની તાસીર પકડે નહીં
સમૃદ્ધિ, સંપત્તિ, સવલતો આપતા પશ્ચિમી સમાજમાં પોતીકાપણાંનો અભાવ છે ! તેમ છતાં સમગ્ર દુનિયાને તેનું ખેંચાણ રહ્યું છે. ‘બરફ-બરફ’ રચનામાં આ અભાવ આલેખાયો છે.
ચારે તરફ બરફ-બરફ
ના હૂંફાળો ક્યાંય એક હરફ’
‘નવી સંસ્કૃિતનું બેરંગી મેઘધનુષ્ય’માં વિવિધ પ્રશ્નોની કાવ્યાત્મક અભિવ્યક્તિ અને તેમાંથી પ્રગટતો ડાયસ્પોરાનો ભાવ આસ્વાદ્ય નીવડ્યો છે. ડાયસ્પોરા સાથે સંકળાયેલ સમસ્યાઓ અને સંવેદનાઓને અહીં આકારિત કરે છે, તે પૈકી નિર્વાસિતા એટલે શું ? તે અંગે કવિ કહે છે કે,
‘સર પરનું છતર છપ્પરપગી ઝંઝાએ જ્યાં
વિખેરી દીધું છે
સલામતીનો પરપોટો પલપલની મહેરબાની પર તલસે છે
જીવન, ઊતરી ગયેલા અન્ની જેમ ઉબાઈ ગયું છે
ધરતીની રતિ સાવકી માના વ્યવહારની જેમ કણસે છે
એવા વિયેટનામના વલવલતા બાળકને પૂછો નિર્વાસિતા એટલે શું ?’
પંકજ વોરાનાં પત્ની ભારતીબહેન વોરાની રચનાઓ પણ ધ્યાનપ્રેરક બની છે. તેમની કવિતામાંથી વ્યક્ત થતું ડાયસ્પોરિક સંવેદન ભારતીયતાની ઓળખ પુરવાર કરે છે. તેમની ‘પરાઈ આત્મીયતા’માં પીડાનો ભાવ ડાયસ્પોરિક બનીને પ્રગટ્યો છે. તો ‘પરદેશી ભારતવાસી’, ‘ડાયસ્પોરાની સંવેદના’, ‘આત્મનિવેદન’, ‘થેંક્યું ને સૉરી’, ‘પરવાસી ગુજરાતણ’ જેવી રચનાઓમાં વ્યક્ત થતો બ્રિટન અને ભારતીય સંસ્કૃિત વચ્ચેનો વિરોધ સૂક્ષ્મ-સંકુલ સંદર્ભો સાથે ડાયસ્પોરિક ભાવપરિમાણને પ્રગટાવે છે. ‘વિશ્વ નિવાસી ગુર્જરનારી’માં નારી સંવેદના અને ડાયસ્પોરાનો બેવડો ભાવ ડાયસ્પોરા કવિતા પરંપરાને વધુ સમૃદ્ધ અને અર્થસભર બનાવે છે.
‘આફ્રિકાનું અંધારું મેં ખમી ન લીધું
ઇંગ્લૅન્ડનું અજવાળું મને ખમી ન શક્યું
ભારતના અજવાળા-અંધારાની તુલા જાળવી ન શકી.’
પરદેશમાં ભારતીય અને ભારતમાં પરદેશી તરીકેની ઓળખ એ ડાયસ્પોરિક પ્રજાની મૂળ સંવેદના છે, ક્યાં ય પોતીકાપણાનો ભાવ અનુભવાતો નથી. પરદેશમાં પરાયાપણા, આગંતુકાનો ભાવ અનુભવતું ચિત્ત જે વ્યથા-વેદના અનુભવે છે આથી જ અસ્મિતાનો ડાયસ્પોરામાં ગાય છે કે –
‘પરદેશને વતન કરવા જાતાં
આજે વતન પરદેશ લાગે છે
ઠંડા કલેજાનાં હીબકાં આજે
જીવન પાસે હિસાબ માંગે છે.’
અરવિંદ જોશી પાસેથી મળતા ‘અવાજને ઓશિકે’ અને ‘અધખુલ્લી બારી’ સંગ્રહોમાં એકલવાયાપણાનો ભાવ અને પરદેશમાં લુપ્ત થતી ગુજરાતી સંસ્કૃિતનું ચિત્ર સાંપડે છે. નકારના ભાવને સતત પુનરાવર્તન કરીને જે કાવ્યાત્મકતા સિદ્ધ કરી છે તે જુઓ –
‘ન ઉબર, ન ગોખ, ન ટોડલા, ન તોરણ
ન ખાટપાટ, ઢોલિયાની મોજ ક્યાં ?
પાણિયારું માટલાં બુઝારાં પવાલાને
કોઠી ડોયાનું નામ ક્યાં ?
ન હીંચકાની લહેર, પાન પેટી સોપારી
કે ગાદી તકિયાની એ સહેલ ક્યાં ?
લંડનની લાડી ને લંડનનો લવ
ઘર પરદેશી – ગુજરાતી ગુમ ક્યાંક ?’
આખી રચનામાં વ્યક્ત થતું વાતાવરણ, ભાવ-પરિવેશ, ગુજરાતી સંસ્કૃિત અને તેના આગવાપણાંનો અભાવ જ ડાયસ્પોરાને જન્મ આપે છે. ‘ગરવું સહુનું ગામ’માં બ્રિટનની સભ્યતા, સંસ્કૃિત અને માનવસ્વભાવની રજૂઆત ડાયસ્પોરિક બનીને પ્રગટી છે. તેમની ‘ઊંડી છે બારીઓ’, ‘વાવીએ સૌંદર્ય’, ‘ભાગ્ય ક્યારે ખૂલશે’, ‘One way Entry’ જેવી જેવી રચનાઓમાં પણ આ જ ભાવ અભિવ્યક્ત થાય છે.
પરદેશમાં ખોરાક, પોશાકથી માંડીને સભ્યતા, સંસ્કૃિત, ભાષા, ધર્મ, રહેઠાણ, વાતાવરણ જેવી અનેક બાબતોનો પરભોમમાં અભાવ જ નહીં તેનો સંઘર્ષ પણ અનુભવવો પડે છે અને તેમાંથી જ સર્જાય છે ડાયસ્પોરાની સંવેદના, જે કાવ્યરૂપ ધારણ કરીને પ્રગટ છે. બેદાર લાજપુરીની ‘પરદેશ’ અને વિનય કવિની ‘ઘરસંસારની વાતો’માં આવો અભાવ રજૂ થયો છે. ડાહ્યાભાઈ પટેલની સૉનેટ રચનાઓમાં ભાવ, વિચાર કે પાત્ર-પરિસ્થિતિનું નિરૂપણ ઇન્દ્રિયસંવેદ્ય રીતિ-બાનીના કારણે જીવંત બની રહે છે. બળવંત નાયકનો ‘નિર્ઝરા’ સંગ્રહ બ્રિટનની સંસ્કૃિતને, તેની આબોહવાને પામવાનો પ્રયત્ન કરે છે. બ્રિટનની કલા, સંસ્કૃિત કે ભાષા પ્રત્યેની પ્રસન્નતા અનુભવવા છતાં પોતાની માતૃભૂમિ, જ્યાં મૂળિયાં નખાયાં છે તે ગુર્જર ભૂમિના રંગે રંગાવાની મહેચ્છા ‘હું વળી ક્યાં બ્રિટિશ’ જેવી રચનામાં વ્યક્ત થાય છે. આ ઉપરાંત કવિઓની કવિતામાંથી ડાયસ્પોરાની અનુભૂતિ કવિતારૂપે અભિવ્યક્ત થઈ છે પરંતુ ડાયસ્પોરા કવિતા સંદર્ભે સૌથી મોટો પ્રશ્ન સાહિત્યિકતાના અભાવવાળી સામગ્રીનો જણાય છે. વસ્તુ કે ભાવ, અભિવ્યક્તિરીતિ સાથે ન સંયોજાતાં એવી રચનાઓ અર્થસંતર્પક, ભાવસંતર્પક બનતાં અટકી જાય છે. તેવી જ રીતે ડાયસ્પોરાનો ભાવ ધરાવતી રચનાઓએ પણ પહેલાં હોય તો તેવી રચનાઓનું કોઈ મૂલ્ય નથી. આથી જ ડાયસ્પોરા ગુજરાતી કવિતાની તપાસ તટસ્થ અને સૈદ્ધાંતિક ગુણ-લક્ષણોના આધારે થાય તો તેની સિદ્ધિ-મર્યાદાનો ખ્યાલ મેળવી શકાય.
સંદર્ભસૂચિ :
૧. બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો – મકરંદ મહેતા, શિરીન મહેતા, વિશ્વ ગુજરાતી સમાજ, અમદાવાદ, ૨૦૦૯.
૨. બ્રિટનમાં ગુજરાતીઓ – પ્રવીણ ન. શેઠ, જગદીશ દવે, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૭.
૩. બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કાવ્યા ધારા-સંપા. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૪.
૪. અહમ ટંકારવીની ડાયસ્પોરા કવિતા – સંપા. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦.
૫. અહમલ ગુલની ડાયસ્પોરા કવિતા, સંપા. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૨.
૬. પંકજ વોરાની ડાયસ્પોરા કવિતા, સંપા. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦.
૭. દીપક બારડોલીકરની ડાયસ્પોરા કવિતા, સંપા. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦.
૮. રમેશ પટેલની ડાયસ્પોરા કવિતા, સંપા. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૧.
૯. ભારતી પંકજની ડાયસ્પોરા કવિતા, સંપા. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૨.
૧૦. ડાયસ્પોરા સારસ્વત, જગદીશ દવે, સંપા. બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૦૯.
૧૧. સાતે અશ્વો શોધે સૂરજ – જગદીશ દવે, પાર્શ્વ પબ્લિકેશન, ગાડી રિસર્ચ ઇન્સ્ટીટયૂટ ઓફ ડાયસ્પોરાઝ સ્ટડીઝ, રાજકોટ-૫, ૨૦૧૩.
સૌજન્ય : “બુદ્ધિપ્રકાશ”, નવેમ્બર 2017; પૃ. 36-41