Opinion Magazine
Number of visits: 9859088
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીરાંગના વિનેશ ફોગટ : મલ્લ અને માતાએ છેડ્યો નવો જંગ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|19 May 2026

વિનેશ ફોગટ

દિલ્હીની વડી અદાલતે 18 મેએ હોનહાર કુસ્તીબાજ વિનેશ ફોગટની કુસ્તીમાં વાપસી પર ભારતીય કુસ્તી મહાસંઘે લગાવેલા પ્રતિબંધમાંથી વચગાળાની રાહત માગતી અરજી મંજૂર કરી નથી અને બીજી સુનાવણી 6 જુલાઈએ રાખી છે. એશિયન ગેમ્સ માટેની પસંદગીની સ્પર્ધા 30 અને 31 મેએ રાખી છે, જેમાં ફોગટ ભાગ લઈ શકશે નહીં. એટલે એ ગેમ્સ અને એના પછીની ઑલિમ્પિક્સ માટેના બારણા વિનેશ માટે લગભગ બંધ થઈ ચૂક્યા છે. 

વિશ્વવિખ્યાત કુસ્તીબાજ અને દસ મહિનાના દીકરાની માતા વિનેશ ફોગટની રમતમાં વાપસીનો માર્ગ ભારતીય જનતા પક્ષના કલંકિત સાંસદ બ્રિજ ભૂષણ સિંહ અને તેની ટોળકીના નીચ સત્તાવાળાઓ રોકી રહ્યા છે. તેમની સામે વિનેશ લડી રહી છે. વિનેશ 2028ની લૉસ એન્જલ્સ ઑલિમ્પિકમાં રમવાના ધ્યેય સાથે પુનરાગમન કરવા ઇચ્છે છે. કમનસીબે તેની પહેલી હાર એશિયન રમતો માટેની પસંદગી માટે ઉત્તર પ્રદેશના ગોંડા ખાતે રમાયેલી પ્રાથમિક કક્ષાની સ્પર્ધાથી થઈ. ભારતીય કુસ્તી મહાસંઘે 10 થી 12 મે દરમિયાન થયેલી આ સ્પર્ધામાં વિનેશને તેમાં ભાગ લેવા દીધો નહીં. સંઘે તેના માર્ગમાં નિયમો અને નોટિસોના ખીલા જડી દીધા, જવાબ આપવા માટે નહીંવત સમય આપ્યો. વિનેશે આપેલી સ્પષ્ટતાઓને હડસેલી દીધી.

સંઘ વિનેશની કારકિર્દી ખતમ કરવાની નેમ લઈને બેઠો છે, કારણ કે તે બ્રિજ ભૂષણની સાપચૂડમાં છે. બ્રિજની જાતીય સતામણી સામે છ મહિલા ખેલાડીઓએ દિલ્હીમાં એક મહિના સુધી ચલાવેલી અહિંસક મક્કમ લડતની આગેવાની વિનેશે લીધી હતી. એટલે તેની પર વેર વાળવામાં આવી રહ્યું છે.

બ્રિજની ટોળકીએ વિનેશ પર કરેલા ચારેક આરોપોમાંથી સહુથી શરમજનક આરોપ એ છે કે વિનેશે પેરિસ ઑલિમ્પિકમાં વજન ન જાળવીને ભારતને મળવાપાત્ર સુવર્ણ ચંદ્રક ગુમાવ્યો છે અને દેશના ગૌરવને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડ્યું છે. પેરિસ ઘટના બાદ છે બે વર્ષે આવો આરોપ કરનાર નિંભર સત્તાવાળાઓ એ તો જાણતા જ હોય કે માત્ર સો ગ્રામ વજન ઘટાડવા માટે વિનેશે મરણિયો પ્રયાસ કર્યો હતો. ખોરાક અને પાણી પર કડક નિયંત્રણ રાખીને તેણે 98 ડિગ્રી તાપમાનવાળા સોના બાથમાં કસરત કરી હતી. પણ તે એટલી બધી ડિહાઇડ્રેટ થઈ ચૂકી હતી કે પરસેવાનું એક ટીપું ય પડ્યું નહીં. તેણે સાથી ખેલાડી સાથે બૉક્સિંગ કરી. તેણે વાળ કપાવ્યાં એટલું જ નહીં પણ કુસ્તી માટેનો પોતાનો વન-પીસ સિન્ગ્લેટ એટલે કે ડ્રેસ પણ ટૂંકાવ્યો હતો. તેણે તેના શરીરમાંથી કેટલુંક લોહી કાઢી લેવા માટે ડૉક્ટરોને આજીજીઓ કરી હતી. વજન ઊતારવા માટે તેણે પોતાના શરીર પર જે કંઈ અખતરા કર્યા તેમાં તેને ભારે તબીબી તકલીફ ઊભી થવાની, તેના એકાદ અંગને કાયમી નુકસાન થવાની સંભાવના હતી. જો કે સો ગ્રામ વજન ઓછું ન થયું અને તે સુવર્ણ ચન્દ્રકમાંથી બાકાત રહી. ફાઈનલની આખરી કુસ્તી પહેલાં વિનેશે જેને હરાવી હતી તે જાપાની કુસ્તીબાજ Yui Sukasi દુનિયાની સર્વશ્રેષ્ઠ ગણાતી કુસ્તીબાજ હતી. વિનેશને ફાઇનલમાંથી વજનને કારણે દૂર કરવામાં આવી તે વખતે સર્વકાલીન શ્રેષ્ઠ અમેરિકન કુસ્તીબાજ Joradan Burroughsએ કહ્યું હતું કે વિનેશને રૌપ્ય ચન્દ્રક તો મળવો જ જોઈએ, અને ફાઈનલ પહેલાંના વજનના નિયમમાં ફેરફાર કરવો જોઈએ.

વિનેશે દેશને ગૌરવ અપાવવા માટે જે અસાધારણ પ્રયાસ કર્યો તેને ભારતીય જનતાએ હારમાં પણ જીત તરીકે વધાવી લીધો. જો કે ત્યાર બાદ ઑગસ્ટ 2024માં વિનેશે કુસ્તી ક્ષેત્રમાંથી નિવૃત્તિ જાહેર કરી. તે કેટલોક સમય પંજાબના કિસાન આંદોલન સાથે જોડાઈ. લોકસભાની 2024ની ચૂંટણીમાં તે હરયાણા જુલાના મતવિસ્તારમાંથી કૉન્ગ્રેસની સાંસદ તરીકે પણ ચૂંટાઈ. ડિસેમ્બર 2025માં તેણે કુસ્તી ક્ષેત્રે ફરીથી પ્રવેશ કરવાની જાહેરાત કરી. તેણે એ મતલબનું કહ્યું કે નિવૃત્તિ દરમિયાન કરેલા મનોમંથનમાંથી પછી તેને સમજાયું કે તેની અંદરની આગ ઠરી નહોતી ગઈ, પણ થાક અને ઘોંઘાટમાં મંદ પડી ગઈ હતી. તેના ધ્યાનમાં આવ્યું કે હજુ પણ તે રમતને ચાહે છે અને સ્પર્ધામાં ઊતરવાની તાકાત ધરાવે છે. વિનેશે એમ પણ કહ્યું કે હવે તેનું ધ્યેય 2028ની લૉસ એન્જેલિસ ઑલિમ્પિક પર છે અને તેની ટીમમાં એક સભ્ય ઉમેરાયો છે અને એ તેનો દીકરો છે ‘my biggest motivation, my little cheerleader on the way to the LA Olympics’.

દેશની એક અગ્રણી મહિલા ખેલાડીનાં સ્વપ્નને રોળવા માટે બ્રિજ ભૂષણ મેદાને પડ્યો છે સ્પોર્ટસ સેલીબ્રિટિઝ સહિત આખો દેશ એકંદરે ચૂપ છે. એક અપવાદ ઓલિમ્પિક સુવર્ણ ચન્દ્રક વિજેતા સાક્ષી મલિકનો છે. તેણે આ મતલબનું નિવેદન આપ્યું છે : ‘ઘણાં દેશો તો મહિલા ખેલાડીઓ માતા બન્યા પછી પણ કારકિર્દી ચાલુ રાખી શકે તે માટેની અનુકૂળતા ઊભી કરે છે. જ્યારે આપણા કુસ્તી મહાસંઘે નિયમોમાં એવા ફેરફાર કર્યા કે જેથી વિનેશ ફરીથી રમી ન શકે. હું વડા પ્રધાન, રમતગમત મંત્રી અને કુસ્તી મહાસંઘને  વિનંતી કરું છું કે તેઓ વિનેશની કસોટી કરીને તેને રમવા દે જેથી તે  ચંદ્રક જીતીને દેશને ગૌરવ અપાવી શકે.’

વિનેશ મહાસંઘના અધ્યક્ષ અને બ્રિજના સાગરીત સંજય સિંગને 11 મેના રોજ મળી, પણ તેને ઓપન રૅન્કિન્ગ ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી ન આપવામાં આવી. એ મીટિંગ પછી તરત જ ધ ઇન્ડિયન એક્સપ્રેસે’ તેનો ઇન્ટર્વ્યૂ લીધો જે 12 મેના રોજ પ્રસિદ્ધ થયો છે. તેને અહીં મૂક્યો છે. 

મહાસંઘ સાથેની તમારી બેઠક કેવી રહી ? 

મહાસંઘના અધ્યક્ષને મેં કહ્યું કે શો કૉઝ નોટિસ મને બે દિવસ પહેલાં જ મળી છે અને જવાબ આપવા માટે ચૌદ દિવસ આપવામાં આવ્યા છે. મારે દીકરાનું ધ્યાન રાખવાનું છે, વજન ઊતારવાનું છે અને હું સ્પર્ધા માટે તૈયારી કરી રહી છું. એટલે મેં મહાસંઘને ટૂંકો જવાબ આપ્યો, કારણ કે મને સમયની ખેંચ હતી. મેં કહ્યું કે હું તમને ચૌદ દિવસમાં વિગતવાર જવાબ આપીશ, પણ અત્યારે મને સ્પર્ધામાં ભાગ લેવા દો. ચૌદ દિવસના સમયગાળામાં મેં આપેલો વિગતવાર જવાબ જો તેમને મંજૂર ન હોય તો તેઓ મારી સામે પગલાં લઈ શકે.

પણ મહાસંઘના અધ્યક્ષે કહ્યું કે ‘તમારે વિગતવાર જવાબ આપવો જ પડશે.’ એમણે કહ્યું કે મારા જવાબના દસ-પંદર દિવસ બાદ એ લોકો એક સમિતિ બનાવશે જે નિર્ણય લેશે. મેં એમને કહ્યું કે એ સમિતિ 2028ની ઓલિમ્પિક્સ પહેલાં મળે એવી હું આશા રાખું છું. પાયાની વાત તો એ છે કે મહાસંઘ મને એશિયન ગેમ્સમાં ભાગ લેવા દેવા માગતો નથી, એ મારી નિવૃત્તિ ઇચ્છે છે. 

આજે તમે જે લેખિત જવાબ આપ્યો એમાં શું હતું ? 

મેં જવાબમાં એમ લખ્યું છે કે ઇન્ટરનૅશનલ ટેસ્ટીન્ગ એજન્સીને ડિસેમ્બર 2025ની ડોપ ટેસ્ટ હું શા માટે ચૂકી ગઈ તે અંગે જણાવી દીધું છે, અને એજન્સીએ મને 1 જાન્યુઆરી 2026થી આંતરરાષ્ટ્રીય તેમ જ રાષ્ટ્રીય કક્ષાએ રમવાની મંજૂરી પણ આપી છે. મેં મહાસંઘને અમ કહ્યું કે જ્યારે હું વિગતવાર જવાબ લખું ત્યારે એ જવાબમાં અને અત્યારે હું જે જવાબ આપી રહી છું તેમાં કોઈ વિસંગતિ જણાય તો તેઓ મારી સામે મગલા લઈ શકે. મેં એ પણ સ્વીકાર્યું કે હું એક ડોપ ટેસ્ટ ચૂકી ગઈ હતી અને એ મારી ભૂલ હતી. 

એક ટેસ્ટ ચૂકી ગયા બાદ 12 ડિસેમ્બર 2025ના રોજ મારી ફરીથી ટેસ્ટ લેવામાં આવી. મેં ભારતીય મહાસંઘ અને આંતરરાષ્ટ્રીય મહાસંઘ બંનેને જાણ કરી હતી કે મારે ફરીથી સ્પર્ધામાં ઊતરવાનું ચાલુ કરવું છે. એ સમય અને અત્યારના સમય વચ્ચે પાંચ મહિનાનો ગાળો છે. પણ મારી આ વાત અંગે ભારતીય મહાસંઘે કોઈ પ્રતિભાવ ન આપ્યો. તેમણે ઓપન રૅન્કિન્ગ ટુર્નામેન્ટ માટેની મારી નોંધણી સ્વીકારી પણ લીધી, તેના પછી દસ દિવસે તેની ફી પણ લીધી. એ લોકો વિચારી રહ્યા હતા કે ‘આને અટકાવવી શી રીતે ?’ એટલે તેમણે શો કૉઝ નોટિસ આપી. ભારતીય કુસ્તી મહાસંઘમાં તાનાશાહી ચાલે છે. એમને ડર છે કે હું ફરીથી ચંદ્રકો જીતીશ. 

બે પૂર્વે વર્ષ પેરિસ ઑલિમ્પિક દરમિયાન તમારું હૈયું ભાંગી પડ્યું હતું. તેના એક વર્ષ પછી તમે અને સોમવીર માતા–પિતા બન્યાં.આ બે વિરોધી લાગણીઓ વિશે કહેશો ?

मेरे बेटेने जोड दिया हार्ट. પેરિસમાં હું ગેરલાયક ઠરી એ પછી મારી લાગણીઓ થંભી ગઈ હતી. પણ મારો દીકરો મારી જિંદગીમાં ખુશી પાછી લઈ આવ્યો. તંત્રની વિરુદ્ધ લડવાની મારી તાકાત મારા દીકરા પાસેથી મળી રહી છે. સંતાન એ ભગવાનની દેણ કહેવાય છે. મારી લડતમાં હું કોઈના અધિકાર પર તરાપ મારી રહી નથી. બધું મૅટ પર (અર્થાત આખાડામાં) નક્કી થવું જોઈએ.

તમે કુસ્તીબાજ તરીકે જે અનુભવ્યું તેના કરતાં માતૃત્વનો અનુભવ અલગ છે …

સાચું કહું તો ઑલિમ્પિકમાંથી પાછા આવ્યા બાદ મને પરિવારમાં પણ નહોતું ગમતું. મારે બસ એકલા રહેવું હતું. પછી અમારી જિંદગીમાં ક્રિધવ આવ્યો. અમને દીકરી જોઈતી હતી. હવે હું બધું ક્રિધવ માટે કરું છું. હું જે ખાઉં તે ક્રિધવ માટે, હું કુસ્તીની તાલીમ લઉં તો તે પણ ક્રિધવ માટે. એ દરરોજ મને જોતો હોય છે. મારા મનમાં એવું જ ચાલતું હોય કે હું કંઈ કરું તો ક્રિધવને તે કેવું લાગશે. એ મોટો થશે ત્યારે મારા વિશે જાણશે. એ વાત મને મોટિવેટ કરે છે. એને મારે મહેનતુ બનાવવાનો છે, એને હું સાચી વાત માટે લડતા શીખવવાનું છે, એ પાંચ વર્ષનો થશે ત્યારે પણ હું કુસ્તી લડતી હોઈશ. એ મને લડતી જોશે, અને શીખશે.

તમે કુસ્તીમાં પાછા ફરવાનો નિર્ણય ક્યારે અને શા માટે લીધો ?

મને એવો આત્મવિશ્વાસ ન હતો કે હું પાછી આવી શકીશ કારણ કે લાગણીના સ્તરે હું નિચોવાઈ ચૂકી હતી. તેના પછી તો માત્ર મોત જ શક્ય હતું. આગળ કૂવો પાછળ ખાઈ. મારું પહેલું ધ્યેય ફિટનેસ –  તંદુરસ્તી પાછી મેળવવાનું હતું. તમે મા બનો એટલે જુદી વ્યક્તિ બની જાઓ છો. પણ અત્યારે હવે મને રમતમાં પાછા ફરવામાં બહુ સારું લાગી રહ્યું છે, કારણ કે ક્રિધવ મને જોઈ રહ્યો છે. મને એવું સપનું આવે છે કે હું ઑલિમ્પિક્સમાં રમી રહી છું અને મારો દીકરો મને ચીઅર કરી રહ્યો છે. એ વિચાર મોટું મોટિવેશન છે.

મા બનવાનું અને કુસ્તીબાજ બનવાનું એ બંને વચ્ચે સંતુલન શી રીતે સધાઈ રહ્યું છે ?

હું તો રાજકારણી પણ છું. હું જે જુલના મતવિસ્તારમાંથી ચૂંટાઈ છું ત્યાંના લોકો બહુ સારા છે અને તેઓ મને તેમની દીકરી જ ગણે છે. મારે મારા કામ થકી તેમને ગૌરવ અપાવવું છે. મારે તેમને એ બતાવવું છે કે તેમણે એ વ્યક્તિને ચૂંટી છે કે જે જીતવા માટે કાબેલ છે. ઘરનો પણ બહુ ટેકો છે – મારા પતિ સોમવીર, મારી મા… મદદ કરવા માટે અહીં બધાં છે. મુશ્કેલી આવી જ શકે કારણ કે બાળક તમને રાત્રે બરાબર ઉંઘવા ન દે, એટલે રિકવરી અર્થાત શરીરમાં તાકાત પાછી આવવાના પ્રશ્નો થાય, પણ પડકારો વચ્ચે પણ પછી બાળક ખાતર બધું કરવાનું મોટિવેશન તમારી પાસે હોય.

મા બન્યા પછી ફિટનેસ પાછી મેળવવામાં કયા પડકારો હતા?  

ફિટનેસ પાછી મેળવવાનું અઘરું હતું. મારી નૉર્મલ નહીં પણ સિઝેરિયન ડિલિવરી હતી. દીકરાના જન્મના એક મહિના બાદ મેં કસરત શરૂ કરી. હું પુશ અપ્સ ન કરી શકી, મારું શરીર બહુ ભારે થઈ ગયું હતું, અને મેં તેને આટલું બધું ભારે ક્યારે ય અનુભવ્યું જ ન હતું. પણ મારી પાસે શરીરનો ઘાટ પાછો મેળવવા માટે મોટિવેશન હતું. પહેલાં ચાર-મહિના બહુ કપરા હતા, કારણ કે હું ધવડાવતી હતી. વળી એ બરાબર સૂતો ન હતો, અને વહેલો જાગી જતો. એટલે તાલીમ માટેની મારી રિકવરી બરાબર થતી ન હતી, પણ મેં કસરત ચાલુ રાખી. રમતગમતમાં એવું હોય છે કે પરફેક્શન ઉત્કૃષ્ટતા મેળવવા કરતાં કન્સિસ્ટન્સી સાતત્ય જાળવવાનું મહત્ત્વનું હોય છે. એટલે મેં એવું રાખ્યું કે ભલે હું થોડી ઓછી કસરત કરું, પણ નિયમિતપણે કરું. ચાર મહિનામાં મને પરિણામો દેખાવા લાગ્યાં. 

તમે 2023માં જંતર મંતર મુકામે વિરોધ કર્યો હતો, પણ હવે નવી લડાઈ છે. તમે આ લાંબી મજલ માટે તૈયાર છો ? 

ક્યારેક મને ચોક્કસ એમ લાગે છે કે બસ હવે બહુ થયું, અને હવે મારે લડવાનું બંધ કરી દેવું જોઈએ. પણ બાળપણથી અત્યાર સુધી મેં ક્યારે ય નમતું જોખ્યું નથી, પાછી પાની કરી નથી. કોઈ વાતમાં કાં તો હું પડું નહીં, અને પડું તો છોડું નહીં. જો હું અત્યારે હથિયાર હેઠાં મૂકી દઉં તો દર્પણમાં મારું મોં ન જોઈ શકું. લોકોએ મને રસ્તા પર લડતી જોઈ છે, અને ઑલિમ્પિક્સમાં પણ લડતી જોઈ છે. એટલે હવે લોકોને હું એવું ન માનવા દઉં કે તંત્ર મને ખતમ કરી શકે છે. હું એવી વ્યક્તિ છું કે જે આખું તંત્ર મારી વિરુદ્ધ હોય તો પણ છેલ્લા શ્વાસ સુધી લડે. મારી કિસ્મત જ હું ઘડું, બીજા કોઈને ઘડવા ન દઉં. મારે ક્રિધવને એ પણ બતાવવું છે કે તે જેની સામે પડ્યો છે એની તાકાત ગમે તેટલી હોય, એણે છેક સુધી લડી લેવાનું છે. જે વિરોધ કરતા નથી અને મૂંગા રહે છે તેમને દુનિયા યાદ કરતી નથી. ઝાંસીની રાણીને લોકો એટલા માટે યાદ કરે છે કે તે રણમેદાને લડતાં લડતાં મોતને ભેટી હતી. 

તાજેતરમાં તમે એવું કહ્યું કે બ્રિજ ભૂષણ ભૂષણની વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ કરનાર ખેલાડીઓમાં તમે પણ હતાં. તેની વિરુદ્ધ તમે શા માટે બોલ્યાં? 

મારે એટલા માટે બોલવું પડ્યું કે તંત્રએ આંખે પાટા બાંધ્યા હતા. આઘાતમાંથી પસાર થઈ ચૂકેલી એક યુવતીને ગોંડા જવું પડે, કે જ્યાં બધું જ બ્રિજનું હોય, બધા ય બળિયા હોય અને બ્રિજને ટેકો આપતા હોય. અને કુસ્તી મહાસંઘે પણ સ્પર્ધા યોજવા માટે દેશ આખામાંથી બ્રિજ ભૂષણનો ઇલાકો જ પસંદ કર્યો. અને બ્રિજના અત્યાચારનો ભોગ બનેલી એક યુવતી તરીકે હું અત્યારે અવાજ ન ઉઠાવું તો પછી ક્યારે ઉઠાવું ? મને ખબર છે કે મારો પ્રભાવ છે એટલે હું જો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરું તો લોકોનું ધ્યાન ખેંચાય. હું એવી યુવતીઓને જાણું છું કે જે એમની પરના અત્યાચારો વિશે લખે તો પણ કોઈ નોંધ ન લે. 

આ વર્ષ માટેનું તમારું ધ્યેય એશિયન ગેમ્સ છે, પણ ઑલિમ્પિક્સ પણ તમારા નિશાન પર છે? 

ઑલિમ્પિક્સ 2028 ચોક્કસ મારા નિશાન પર છે, પણ મારે તે પહેલાંની મુખ્ય સ્પર્ધાઓમાં ભાગ લેવો છે. હજુ મારે પાંચ-છ વર્ષ રમવાનું-લડવાનું છે. 

19 મે 2026
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

19 May 2026 Vipool Kalyani
← અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન યુદ્ધે લોકો માટે ભલે આફત નોતરી હોય પણ સરકાર માટે તો આ ચીજવસ્તુઓના ભાવ વધારવાનો સોનેરી અવસર છે! 

Search by

Opinion

  • અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન યુદ્ધે લોકો માટે ભલે આફત નોતરી હોય પણ સરકાર માટે તો આ ચીજવસ્તુઓના ભાવ વધારવાનો સોનેરી અવસર છે! 
  • માણસ સિવાય બધું મોંઘું થઈ રહ્યું છે …
  • ટ્રમ્પની બેઈજિંગ મુલાકાતઃ અમેરિકાના માનસિક વર્ચસ્વના અંતનું સ્પષ્ટ થતું ચિત્ર
  • હિંદુ ફાસીવાદનું વારણ ગાંધી-નેહરુ-વિનોબા
  • ચલ મન મુંબઈ નગરી—341

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved