પાકિસ્તાન પંજાબમાં કરતારપુર ખાતે કૉરિડોરનું ઉદ્દઘાટન કરતાં પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં એક જ અડચણ છે, અને એ છે કાશ્મીરની. તેમણે કહ્યું હતું કે ‘હું જ્યારે પણ ભારત જઉં છું ત્યારે ત્યાંના લોકો મને સવાલ કરે છે કે પાકિસ્તાની લશ્કર ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાંતિમાં રોડા નાખે છે. આજે અંગત રીતે હું, પાકિસ્તાનનો વડો પ્રધાન, અમારો પક્ષ અને પાકિસ્તાની લશ્કર એક ભૂમિકાએ રહીને કહીએ છીએ કે એ ભારત સાથે સભ્ય સંબંધ (સિવિલાઈઝ્ડ રિલેશનશિપ) માટે આતુર છીએ.
હવે ઇમરાન ખાનના આ કથન સામે ભારતને વાંધો છે. શા માટે? કારણ કે તેમણે કાશ્મીરનો ઉલ્લેખ કર્યો. એક સત્તાવાર નિવેદનમાં ભારત સરકારે કહ્યું છે કે કરતારપુર કૉરિડોરના ઉદ્દઘાટન જેવા પવિત્ર પ્રસંગે પાકિસ્તાનના વડા પ્રધાને કાશ્મીરનો ઉલ્લેખ નહોતો કરવો જોઈતો. ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું છે કે ભારત પાકિસ્તાનમાં યોજાનારી સાર્ક દેશોની પરિષદમાં ભાગ નહીં લે.
સાર્ક દેશોના ચાર્ટર મુજબ સાર્કની શિખર પરિષદ જે દેશ સાર્કનું નેતૃત્વ કરતો હોય એ દેશમાં યોજાય છે અને નેતૃત્વ વારાફરતી દરેક સભ્ય દેશને મળે છે. અત્યારે પાકિસ્તાન સાર્કનું નેતૃત્વ કરી રહ્યું છે. સાર્કની સ્થાપના થઈ ત્યારથી એવું બનતું આવ્યું છે કે જ્યારે પણ પાકિસ્તાન સાર્કનું નેતૃત્વ કરતું હોય, ત્યારે ભારત ત્રાસવાદના વાંધાવચકા કાઢીને શિખર પરિષદનો બહિષ્કાર કરે છે, જેને પરિણામે સાર્કનો રથ આગળ જ નથી વધી શકતો. જગતનાં ઘણાં બ્લોકસ (સમહિતાર્થી દેશોના જૂથ) પરિણામ આપતાં થયાં છે, માત્ર સાર્ક જ તેમાં વાંઝિયું છે અને તેને માટે ભારત અને પાકિસ્તાન જવાબદાર છે.
અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે પાડોશી પૂછીને નથી મળતાં અને તેની સાથેના પ્રશ્નોમાં કોઈ પસંદગી નથી હોતી. તેમણે એ પછી આગળ વધીને કહ્યું હતું કે પસંદગી ઉકેલની હોય છે. ત્યાં નિયતિ કામ નથી કરતી, વિવેક કામ કરે છે. વાજપેયીને કેટલીકવાર નેહરુ સાથે સરખાવવામાં આવે છે, એ આ કારણે. જે પાડોશી મળ્યો એ મળ્યો અને એની સાથેના જે પ્રશ્નો આવ્યા એ આવ્યા. ઉકેલ આપણા હાથમાં છે જો વિવેક હોય તો. બને છે એવું કે ભારત અને પાકિસ્તાન ઘરઆંગણેની રાજકીય જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને સાર્કને બાન પકડે છે. જમ્મુ અને કાશ્મીરનો પણ રાજકીય ઉપયોગ કરવામાં આવે છે.
આપણા વડા પ્રધાને ભારત અને પાકિસ્તાન વચ્ચેની બર્લિનની દીવાલ તોડી નાખવાની વાત કરી હતી. બોલવા મળે ત્યારે કાં તો ગાંધી થઈ જવાનું અને અને કાં સીધા લડવૈયા સૈનિક બની લલકારવાનું. વચ્ચેની ભૂમિ શોધવાની જ નહીં. આમ ઇમરાન ખાનનું નિવેદન બર્લિનની દીવાલ જેવું હોઈ શકે છે. ઇમરાન ખાન તોળીને બોલવા માટે અને વિવેક જાળવી રાખવા માટેની કોઈ ખ્યાતિ નથી ધરાવતા. હા, ત્યારે તેઓ વિરોધ પક્ષમાં હતા અને અને અત્યારે તેઓ શાસક છે એટલે ભાષા બદલાઈ હોય એ શક્ય છે. તેઓ કેટલા પોતાના શબ્દોની બાબતે ઈમાનદાર છે એની હવે ખબર પડશે.
સવાલ એ છે કે પ્રશ્નોને હાથ નહીં ધરો તો પ્રશ્ન ઉકેલાશે કઈ રીતે? આપણે જ પ્રશ્ન હાથ ધરવા પડતા હોય છે અને આપણે જ ઉકેલવા પડતા હોય છે. બાકી અત્યારે રાજકીય સ્વાર્થ સાધીને સળગતો પ્રશ્ન સંતાનોને આપી જવા જેટલા સ્વાર્થી બાપ હો તો જુદી વાત છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે દાયકાઓથી આવું જ થઈ રહ્યું છે. બીજું, કોઈ એમ તો કહેતું નથી કે આંખ બંધ કરીને ઇમરાન ખાનના ખોળામાં માથું મૂકી દો. વિદેશ વ્યવહાર સાવધાની સાથેના ભરોસા પર ચાલતો હોય છે. વિદેશ વહેવાર શા માટે, જગતનો દરેક વહેવાર આ રીતે જ ચાલતો હોય છે. પાકિસ્તાનમાં સત્તાપરિવર્તન થયું છે તો ભારતે એક અજમાયશ કરી લેવી જોઈએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં એક માત્ર અડચણ કાશ્મીર છે એવું ઇમરાન ખાને કહ્યું છે તો એમાં ખોટું શું કહ્યું છે? ભારતમાં ધાવણું બાળક પણ આ વાત જાણે છે. છાશ લેવા જવું અને દોણી સંતાડવાનો કોઈ અર્થ છે? કાશ્મીરની પ્રજા સાથે વાત કરવાની આવે ત્યારે કહેવામાં આવે કે જમ્મુ અને કાશ્મીર ભારતની અંગત બાબત છે. વિદેશોના મંચ પર કહેવામાં આવે કે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય પ્રશ્ન છે એટલે ત્રીજા પક્ષકારને એમાં દરમ્યાનગીરી કરવા દેવામાં નહીં આવે. આવું ભારતે એક વાર નહીં સાત દાયકામાં સાતસો વાર કહ્યું હશે.આવાં બે છેડાનાં વલણ ભારત સરકાર સાત દાયકાથી અપનાવતી આવી છે. જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન કાશ્મીરની પ્રજા સાથેનો અંગત પ્રશ્ન છે તો મોટાભાઈ તરીકે કે બાપ તરીકે કાશ્મીરની પ્રજાને હૂંફ આપો ને! આપણા ઘરમાં આપણે આવું વલણ નથી અપનાવતા? હૂંફ આપશો અને કાશ્મીરીઓનાં દિલ જીતી લેશો એટલે આપોઆપ પાકિસ્તાન એક પક્ષકાર તરીકેની અને વિશ્વદેશો મધ્યસ્થ તરીકેની ભૂમિ ગુમાવી દેશે. પણ કાશ્મીરની સળગતી સમસ્યાનો બાકીના ભારતમાં રાજકીય ખપ છે તેનું શું? જો જમ્મુ અને કાશ્મીર એ પાકિસ્તાન સાથેનો દ્વિપક્ષીય પ્રશ્ન છે તો પાકિસ્તાન પક્ષકાર બન્યું કે નહીં? અને જો એમ હોય તો ઇમરાન ખાને શું ખોટું કહ્યું છે? સ્વાભાવિકપણે પાકિસ્તાન સાથે જમ્મુ અને કાશ્મીર અંગે વાત કરવી રહી અને ભારતે ભૂતકાળમાં અનેકવાર કરી પણ છે.
૨૦૧૪માં એક મજેદાર પ્રસંગ બન્યો હતો. ૨૦૧૪ના ઑગસ્ટ મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સચિવ સ્તરે ઇસ્લામાબાદમાં વાતચીત થવાની હતી. બેઠકના બે દિવસ પહેલાં ભારત ખાતેના પાકિસ્તાનના એલચીએ કાશ્મીરના હુર્રિયતના નેતાઓને મળવા બોલાવ્યા. એલચી કહે છે કે હુર્રિયતના નેતાઓ બેઠક પહેલાં તેમનો પક્ષ રાખવા માટે મળ્યા હતા, એટલે એ મિટિંગ હુર્રિયતના નેતાઓના કહેવાથી યોજાઈ હતી. ભારતે આનો વિરોધ કરીને સચિવના સ્તરની મંત્રણા રદ કરી નાખી હતી. શા માટે? કારણ કે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય બાબત છે અને તેમાં કાશ્મીરની પ્રજા સુદ્ધાં પક્ષકાર ન હોઈ શકે. એક બાજુ કહો છો કાશ્મીરનો પ્રશ્ન અમારો અંગત પ્રશ્ન છે અને બીજી બાજુ પોતાની જ પ્રજા ત્રીજો પક્ષકાર બની ગઈ? અને પાકિસ્તાન બીજો પક્ષકાર બની ગયું? ત્યારે ભારતના નિર્ણયની ઘણી ટીકા થઈ હતી, કારણ કે વિસંગતિમાં કોઈએ વિચાર્યું નહોતું એવું નવું પરિમાણ ઉમેરાયું હતું. એ પછી ઇન્ડોનેશિયાની મદદ સાથે ત્રીજા દેશમાં છૂપી મંત્રણા કરવી પડી હતી એ જૂદી વાત છે.
રોકડી હકીકત એ છે કે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ભારત માટે આંતરિક પ્રશ્ન પણ છે અને પાકિસ્તાન સાથેનો દ્વિપક્ષીય પ્રશ્ન પણ છે. બંન્ને પ્રશ્નો એક સાથે અસ્તિત્વ ધરાવે છે એટલે તેનો એ રીતે સ્વીકાર કરવો રહ્યો. ક્યારેક બર્લિનની દીવાલ જેવો સહેજે તોડી શકાય એવો માખણ જેવો બની જાય અને ક્યારેક માથું અફળાવો તો લોહી નીકળે એવો બની જાય એનો શો અર્થ છે? તેને તેના સાચા સ્વરૂપમાં સ્વીકારોને! અને સાવધાન રહેતા ક્યાં કોઈ રોકે છે? પણ આપણું ઘર બળતું રાખીને રાજકીય લાભ લેવો હોય તો? કાશ્મીર સાથે સાત દાયકાથી આમ કરવામાં આવી રહ્યું છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 30 નવેમ્બર 2018