લોકતંત્રમાં એક વાર આપેલો અધિકાર પાછો ખેંચી શકાય? આ લાખ રૂપિયાનો સવાલ છે. કારણ એ છે કે વર્ચસ ધરાવનારા લોકોએ વર્ચસહીન સામાન્ય પ્રજાને કોઈ અધિકાર સખાવતના ભાગરૂપે નથી આપ્યા, તેમણે તે લડીને લીધા છે અને વર્ચસ ધરાવનારા લોકોએ તે મજબૂરીથી આપવા પડ્યા છે. કોઈ બ્રાહ્મણ કે સવર્ણો હરિજનવાસમાં હરિજનોને નોતરું આપવા નહોતા ગયા કે તમારું ગામમાં સ્વાગત છે, ગામમાં પ્રવેશી શકો છો, ચંપલ પહેરીને ઘોડા પર બેસીને ગામમાં ફરી શકો છો, ગામનાં મંદિરમાં આપ પ્રવેશી શકો છો અને ગામને કૂવેથી પાણી ભરી શકો છો. વર્ચસ ધરાવનારા પુરુષે ક્યારે ય સામે ચાલીને પોતાનાં ઘરની સ્ત્રીને કોઈ અધિકાર નહોતા આપ્યા. લગ્ન નહીં કરીને અપરણિત રહેવાનો, લગ્ન પોતે ઈચ્છે ત્યારે જ કરવાનો, ખાસ સ્થિતિમાં લગ્નના ભોગવટાનો ઇન્કાર કરવાનો, ભણવાનો, પોતાના મનપસંદ યુવક સાથે લગ્ન કરવાનો, છૂટાછેડા લેવાનો, પુનર્લગ્ન કરવાનો વગેરે કોઈ પ્રકારના અધિકાર નહોતા આપ્યા. પોતાની સગી દીકરીને નહોતા આપ્યા. જ્યારે અધિકારો આધારિત લોકતંત્ર જગતમાં આકાર પામવા લાગ્યું ત્યારે પણ વર્ચસ ધરાવનારા શાસકવર્ગે સામે ચાલીને સ્ત્રીઓને અને સંપત્તિ નહીં ધરાવનાર ગરીબોને મતદાનનો અધિકાર નહોતો આપ્યો. શ્વેત પ્રજાએ અશ્વેત પ્રજાને દેશના નાગરિક તરીકેનો દરજ્જો આપીને સામે ચાલીને રાજ્યમાં ભાગીદાર નહોતી બનાવી, પછી ભલે અશ્વેતો બહુમતીમાં હોય. તેમને ધરાર બહાર રાખવામાં આવ્યા હતા અને અંદર પ્રવેશવા માટે જે તે પ્રજાએ સંઘર્ષ કર્યો છે. સગી દીકરીને બાપ સામે સંઘર્ષ કરવો પડ્યો છે અને આજે પણ કરે છે એ તમે ક્યાં નથી જાણતા!
જગતમાં અન્યાય કેવા કેવા હતા અને ન્યાય મેળવવા માટે જે તે પ્રજાએ કેવા કેવા સંઘર્ષ કર્યા છે એ એક આખા પુસ્તકનો વિષય છે. એક પુસ્તક નહીં, પુસ્તકોની શ્રેણી થાય અને થઈ પણ છે. ન્યાય માટેનો સંઘર્ષ એ દરેક સભ્યતાનું મહાકાવ્ય છે. વાલી, શંબુક અને એકલવ્ય હાંસિયામાંથી પોકાર કરે છે અને તેનાથી ભાગવા માટે શબરીનાં એઠાં બોર ભગવાન દયાળુ રામે ખાધાં હતાં તેનો આશરો લેવો પડે છે.
તો મુદ્દો એ છે કે સતાધારી વર્ગે અથવા વર્ચસ ધરાવનારા વર્ગે ક્યારે ય સામે ચાલીને પોતાની સત્તા કે વર્ચસ છોડ્યાં નથી. એ છોડાવવાં પડ્યાં છે અને એને માટે સંઘર્ષ કરવો પડ્યો છે. એ સંઘર્ષ કોઈ એક આંદોલન પૂરતો નહોતો, સદીઓ સુધી સંઘર્ષ કરવા પડ્યા છે અને હજુ તેનો અંત આવ્યો નથી. જ્યાં સુધી જગતમાં અન્યાય અને પક્ષપાત છે ત્યાં સુધી સંઘર્ષ થતા રહેશે અને થવા જોઈએ. પણ જેને ફરજિયાત સત્તા કે વર્ચસ છોડવાં પડ્યાં છે એનું અસુખ પણ તેમના માટે અસહ્ય છે. તે બે-ચાર સદી જૂનું છે અને સદીઓ સુધી રહેવાનું છે તે વાતનો તેમને ડર છે. માટે તેઓ બેચેન છે. તેમને એ વાતનો પણ ડર છે કે રહીસહી સત્તા કે વર્ચસ પણ એક દા’ડે જતાં રહેશે. તેમને તે ટકાવી રાખવાં છે. યેનકેન પ્રકારેણ તે ટકાવી રાખવાં છે. બ્રાહ્મણના દીકરાએ દલિતના દીકારાની સાથે લાઈનમાં ઊભા રહેવું પડે અને દલિતનો દીકરો આગળ નીકળી જાય એ તેનાથી ખમાતું નથી. પુરુષને પાછળ રાખીને કોઈ સ્ત્રી આગળ નીકળી જાય એ તેનાથી ખમાતું નથી. કોઈ શ્વેતે અશ્વેત જજને અદાલતમાં માય લોર્ડ કહેવું પડે એ તેનાથી ખમાતું નથી. બહુમતી પ્રજાના ફરજંદને લઘુમતી કોમના ફરજંદને આદર આપવો પડે એ તેનાથી ખમાતું નથી. જ્ઞાતિ કે ધર્મનું અભિમાન ધરાવનારા લોકોને પોતાની દીકરી બીજી જ્ઞાતિના કે ધર્મના યુવક સાથે લગ્ન કરે એ તેનાથી ખમાતું નથી. આમ જેટલો લાંબો ઇતિહાસ ન્યાય માટેના સંઘર્ષનો છે એટલો જ લાંબો ઇતિહાસ આ ન ખમી શકવાનો પણ છે. સક્રિયતા બન્ને પક્ષે છે. છોડાવનારાઓ પણ સક્રિય છે અને નહીં છોડવા માગનારાઓ પણ સક્રિય છે.
પણ એક ફરક છે. જે લોકો ન્યાયના પક્ષે દલીલ કરી રહ્યા છે તેમની પાસે નક્કર દલીલો હોય છે અને જે લોકો ન્યાય નથી કરવા માગતા, પોતાનું વર્ચસ કાયમ જાળવી રાખવા માગે છે તેમની પાસે કોઈ તર્કપૂર્ણ દલીલો નથી હોતી. તમને અન્યાય કરવાનો અમને ઈશ્વરદત્ત અધિકાર છે એમ અત્યારે કહેવું થોડું મુશ્કેલ છે. જો કે એવા ભડવીર પણ મળી આવે છે જે દલિતોને કહે છે કે તમે તમારાં પાછલા જનમના કરમ ભોગવો છો ત્યાં અમે શું કરીએ? સ્ત્રીની જગ્યા ચૂલામાં (રસોડામાં) છે એમ મહારાષ્ટ્રના બી.જે.પી.ના અધ્યક્ષે રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષનાં સંસદસભ્ય સુપ્રિયા સુલેને હજુ મહિના પહેલાં કહ્યું હતું. ગાંધી-ઈરવીન વાટાઘાટો વખતે પાછળથી બ્રિટનના વડા પ્રધાન બનનારા વિન્સ્ટન ચર્ચીલે કહ્યું હતું કે ગુલામ દેશનો અર્ધનગ્ન ફકીર બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ સામે સમકક્ષ આસને બેસીને આંખમાં આંખ પરોવીને વાત કરે એ દૃશ્ય જ અકળાવનારું અને સામ્રાજ્યના અપમાન સમાન છે. જેને ગઈ કાલ સુધી હાંસિયામાં રાખ્યા હતા તેઓ આજે આંખ સામે આંખ મેળવીને વાત કરે એ ઘણા લોકોથી ખમાતું નથી. તેમને એ જગ્યા પાછી જોઈએ છે.
પણ કઠણાઈ એ છે કે તેઓ તર્કપૂર્ણ દલીલો કરી શકતા નથી, જ્યારે ન્યાય માગનારાઓ તર્કપૂર્ણ દલીલો કરે છે. કારણ બહુ સ્પષ્ટ છે. ન્યાય માગનારાઓના પક્ષે માનવીયતા હોય છે જ્યારે અન્યાય કરનારાઓના પક્ષે અમાનવીયતા. સોશ્યલ મીડિયા ઉપર આજકાલ તમે જોતા હશો કે ભક્તો બિચારા ચકલીની ચરકની જેમ એક વાક્યથી વધારે દલીલ કરી શકતા નથી. બહુ અકળાઈ જાય ત્યારે ગાળો દેવા લાગે અથવા બીજાનો અન્યાયનો ઇતિહાસ શોધવા લાગશે. તેમને ભેદભાવયુક્ત અમાનવીય વ્યવસ્થા જાળવી રાખવી છે, પણ બોલી શકતા નથી. તમને ખબર છે? ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણનું આંદોલન શરૂ કર્યું ત્યારે સૌથી વધુ વિરોધ કોણે કર્યો હતો? સનાતની હિંદુઓએ. મુખ્યત્વે બ્રાહ્મણોએ. દલીલો દ્વારા નહીં, પણ ગાળો દઈને અથવા ગંદી ઇશારતો કરીને. નનામા પત્રોનો ટપાલમાં ત્યારે ઢગલો આવતો. પણ ગાંધી તો ગાંધી હતા! નનામા પત્રોનો પણ જવાબ આપે. એક તો એમાં પત્ર લખનારનું સરનામું જ ન હોય ત્યાં જવાબ કોને આપવો એટલે ગાંધીજી તેમના મુખપત્ર દ્વારા જવાબ આપતા. એક ભાઈએ લખ્યું હતું કે, “તું તારા દીકરા(હરિલાલ ગાંધી)ને તો સુધારી શક્યો નથી ત્યાં ગામને સુધારવા ક્યાં નીકળ્યો છે?” ગાંધીજીએ એ પત્ર આખો છાપીને આવી મતલબનો જવાબ આપ્યો હતો કે મારા દીકરાની બાબતમાં હું મારી નિષ્ફળતા સ્વીકારું છું, પણ જો તમે તેમાં મદદરૂપ થઈ શકતા હો તો હું તમારો ઋણી રહીશ. સનાતનીઓ દ્વારા ગાંધીજીની હત્યા કરવાનો પ્રયાસ થયો હતો અને રસ્તા રોકવાનો અને માર મારવાના પ્રયાસ તો અનેકવાર થયા હતા. આખી જિંદગી તેમને સતાવવામાં આવ્યા હતા.
ટૂંકમાં તેઓ પોતાના વર્ચસને કાયમ રાખનારી વ્યવસ્થા જાળવી રાખવા માગે છે અને ગુમાવેલી વ્યવસ્થા પાછી સ્થાપવા માગે છે, પણ તેમની પાસે તર્કપૂર્ણ દલીલો હોતી નથી એ તેમની મોટી સમસ્યા છે. બેએક સદીઓથી તેઓ તરફડી રહ્યા છે અને સદીઓ સુધી તરફડવું પડશે એ ડર તેમનાથી ખમાતો નથી. તેમણે હાર કબૂલી નથી અને કબૂલવા માગતા પણ નથી. તેઓ એટલા જ સક્રિય છે જેટલા ન્યાયની માગણી કરનારા પરિવર્તનવાદીઓ સક્રિય છે. તુલનામાં તેઓ વધારે સક્રિય છે, કારણ કે આધુનિક યુગમાં તેમણે ઘણું બધું છોડવું પડ્યું છે અને વેદના વસમી થતી જાય છે. તેઓ ક્યારે ય નહોતા એટલા આજે સંગઠિત છે અને તેમની સક્રિયતા આક્રમકતામાં ફેરવાઈ રહી છે.
તેમને ગુમાવેલું વર્ચસ પાછું મેળવવાનો માર્ગ પણ જડી ગયો છે. એ કયો માર્ગ છે એની ચર્ચા રવિવારના લેખમાં કરીશું.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2022