ગયા એકાદ દાયકાથી આજે, અર્થાત્ આષાઢસ્ય પ્રથમ દિવસે, કાલિદાસના ‘મેઘદૂત’ને રજનીકુમાર પંડ્યાના ‘મેઘદૂત’ દ્વારા યાદ કરું છું.
‘આપણા સહુના’ રજનીકુમારે 'મેઘદૂત'ની એક એવી અનન્ય આવૃત્તિ તૈયાર કરી છે કે જે કાલિદાસની કૃતિની જેમ જ સૌંદર્યથી ઓતપ્રોત છે. પાનેપાને ચિત્રોના રંગોત્સવ સાથેના આ પુસ્તકમાં, મેઘદૂતના કિલાભાઈ ઘનશ્યામે 1913માં કરેલાં સમશ્લોકી ગુજરાતી અનુવાદ, વિવરણ અને પૂરક માહિતી છે. પુસ્તક સાથે બે કૉમ્પૅક્ટ ડિસ્ક (સી.ડી) છે. તેમાં અગ્રણી ગાયક પ્રફુલ્લ દવેના આવાજમાં મેઘદૂતનું સંગીત-સ્વરૂપ સાંભળવા મળે છે, જેની સ્વરરચના આશિત દેસાઈએ કરી છે. મન્દાક્રાન્તા છંદના શ્લોકોના વૈવિધ્યપૂર્ણ ઢાળમાં કરેલાં ગાયનની વચ્ચે માધૂર્યસભર સમાલોચના (કૉમન્ટરી) વિદ્યુલ્લતા ભટ્ટે કરી છે.
આંખ, કાન અને મનને એક સાથે અત્યંત આનંદથી તરબતર કરી દેનારું આવું બીજું પુસ્તક ભાગ્યે જ જોવા મળે. આ ગ્રંથરત્ન 26 એપ્રિલ 2010ના રોજ મને ભેટ આપનાર રજનીભાઈનો અત્યંત ઋણી છું.
આ પુસ્તકની માત્ર પરિકલ્પના જ નહીં,પણ તેના સમગ્ર નિર્માણનું દિગ્દર્શન કરનાર રજનીકુમાર સંપાદકીયમાં જણાવે છે કે તેઓ પહેલેથી જ 'મેઘદૂત'ના અભ્યાસી ન હતા. તેમનો 'મેઘદૂત' સાથેનો જૂજ પરિચય તેની પરથી 1945માં બનેલી હિંદી ફિલ્મમાં જગમોહન સૂરસાગરે ગાયેલાં એક ગીત થકી હતો. આ કૃતિના ‘અસલી વિત્તનો ઉઘાડ’ તેમના ચિત્તમાં તેમના વાચક અને શ્રેષ્ઠી નવનીતલાલ શાહને કારણે થયો. બેન્ટોનાઈટ(એક પ્રકારની માટી)નો ધંધો ચલાવનાર મુંબઈના સાહિત્યરસિક નવનીતલાલે એક વખત રજનીભાઈને મેઘદૂતના કિલાભાઈના અનુવાદના કેટલાક શ્લોકો સંભળાવ્યા અને તેની ભૂરકી હેઠળ રજનીભાઈએ મેઘદૂતનો પ્રકલ્પ હાથમાં લીધો. નવનીતલાલને આ પ્રકલ્પ શી રીતે સૂઝ્યો તે અંગેની તેમના ‘હૃદની વાત’માં તેમની રસિકતાનો નિર્દેશ કરે છે.
નવનીતલાલના હિરાલક્ષ્મી મેમોરિયલ ફાઉન્ડેશનના ઉપક્રમે આ પુસ્તક માર્ચ 2010માં પ્રસિદ્ધ થયું. આ જ ફાઉન્ડેશનના ટેકા હેઠળ રજનીભાઈએ ધીમંત પુરોહિત સાથે ‘વીસમી સદી’ અને ‘પ્રકૃતિ’ નામના, સીમાચિહ્ન સમાં ગુજરાતી સામયિકોનું ડીજિટાઇજેશન કર્યું.
ત્યાર બાદ બિરેન અને ઉર્વીશ કોઠારીની સાથે નવનીતલાલના મિત્ર શાયર રુસ્વા મઝલૂમી વિશેના ગ્રંથ તેમ જ ગાયિકા જૂથિકા રૉયની આત્મકથાના પ્રકાશન તેમ જ આ બંને કલાકારો પરની ડૉક્યુમન્ટરી બનાવવાનાં કામ ઉત્તમ રીતે પાર પાડ્યાં.
રજનીકુમારની 'મેઘદૂત'ની આવૃત્તિ 123 શ્લોકોમાં રચાયેલી આ મહાન કૃતિ માટેનો જાણે એક નાનકડો સર્વસંગ્રહ – compendium છે. તેમાં ભરપૂર પૂરક માહિતીમાં છે, જેમાં સહુથી આકર્ષક રામગિરીથી અલકાપુરી સુધીના મેઘમાર્ગનો ભૂગોળ અને કળાના સંયોજન સાથેનો નકશો. મેઘદૂતમાં ઉલ્લેખાયેલાં સ્થાનો, વનસ્પતિ, પશુપક્ષી ઇત્યાદિની રસપ્રદ યાદી છે.
કાલિદાસ વિશેની કથની અને કિંવદંતીઓ સ્વાભાવિકપણે હોય; સાથે 'મેઘદૂત'ના રચનાસ્થળ રામટેક, 'મેઘદૂત'ની ટપાલટિકિટ અને ઉજ્જૈનની કાલિદાસ સંસ્કૃત અકાદમી વિશેની નોંધ પણ છે. 'મેઘદૂત'ના ગુજરાતીમાં થયેલાં ચાળીસ જેટલા અનુવાદોમાંથી આઠની યાદી અહીં છે. તેમાંથી સૌથી લોકભોગ્ય અને નિવડેલા અનુવાદના કર્તા કિલાભાઈ ઘનશ્યામ (1868 -1913) વિશે સંતોષકારક માહિતી મળે છે.
નોંધપાત્ર છે કે તમામ પૂરક અભ્યાસપૂર્ણ સામગ્રી સરળ ભાષામાં અને ટૂંકમાં રજૂ થઈ છે.
'મેઘદૂત' ચિત્રકારો માટે હંમેશાં ખૂબ આકર્ષણનો વિષય રહ્યો છે. તેવા કલાકારોનાં હજારો ચિત્રોમાંથી સત્તર ચિત્રો ‘ચિત્રસમૃદ્ધિ’ વિભાગમાં, દરેક ચિત્રને લગતા શ્લોક સાથે જોવા મળે છે. તેમાં છ ચિત્રો કનુ દેસાઈનાં છે. અન્ય ચિત્રકારો આ મુજબ છે : વાસુદેવ સ્માર્ત, રામકુમાર, જૉન ફર્નાન્ડિઝ, એસ. એમ.ફરીદ, કુમાર મંગલસિંહ અને અજ્ઞાત કલાકારો.
ગુજરાતી અનુવાદનું વિવરણ સંસ્કૃતના જાણીતા અભ્યાસી ગૌતમ પટેલે તેમ જ મુદ્રણ અને ભાષા પરામર્શન હસમુખ રાવળે કર્યું છે .માહિતી એકત્રીકરણ તેમ જ એકંદર પરામર્શનની જવાબદારી બિરેન કોઠારીએ નિભાવી છે. સમગ્ર પુસ્તકને લાવણ્યમય બનાવવાનો યશ સંપાદકે પુસ્તક ડિઝાઇનિંગના નિષ્ણાત એસ. એમ. ફરીદને આપ્યો છે.
ઉત્તમ સાહિત્ય માટેનો લગાવ, તેને બહોળા વાચકવર્ગ સુધી પહોંચાડવાની ધખના, તેના માટેની સૂઝ, ઘણી મહેનત અને ઉત્કૃષ્ટતા માટેનું ઊંચું ધોરણ – રજનીકુમાર પંડ્યાની આવી અનેક ક્વાલિટીઝથી ‘મેઘદૂત’ની મળતાં મળે તેવી આ આવૃત્તિનું સર્જન થયું છે.
પુસ્તકના મુખપૃષ્ઠ પર જ ચૂકી ન જવાય તેવી ટૅગ-લાઇન છે : ’પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાનો એક પ્રયાસ’. તેમાં રજનીકુમાર અને તેમનું નિર્માણજૂથ આહ્લાદક રીતે સફળ થાય છે.
આ પુસ્તકની હવે જૂજ નકલો રજનીકુમાર પંડ્યા પાસે છે. એટલે સફળતાનો હવે પછીનો તબક્કો આ પુસ્તકની નવી આવૃત્તિ કરી શકે તેવી સંસ્થાઓ અને પ્રકાશકો પાર પાડી શકે.
(આ લેખમાં મદદરૂપ થવા માટે બિરેન કોઠારીનો આભાર; કોલાજ સૌજન્ય : કિરણ કાપૂરે)
30 જૂન 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર