સાચું તો એ છે કે હવે જગતમાં ખોટું કૈં રહ્યું જ નથી. બધું જ ખોટું, સાચું થઈ ગયું હોય તેમ ક્યાં ય અસત્ય જેવું કૈં લાગતું જ નથી. ચારે બાજુએ અનાચાર જ સદાચારની જેમ ફેલાઈ રહ્યો છે. ખોટું જ એટલું બધું વ્યાપકપણે ચાલે છે કે ખરું કોને કહેવાય એની સમજ જ નથી પડતી. બળાત્કાર, ખૂનની ઘટનાઓ વગરનું વર્તમાનપત્ર જડતું નથી. ખૂન સ્વાભાવિક થઈ ગયાં છે. જાણે કોઠે પડી ગયાં છે ! આઝાદી સાથે વારસામાં મળેલી કોમી હોળી હજી ક્યાંક ક્યાંક સળગતી જ રહે છે. નાની નાની વાતમાં (અ)ધર્મ એટલો ઊંડે ઊતરી ગયો છે કે લોહી ઠંડું પડતું જ નથી. કોઈ કૈં જરા ધર્મ વિષે બોલે છે કે તેમાં ખોટું શું છે તેની ખોળાખોળ ચાલુ થઈ જાય છે. બીજું ગમે તે બોલો, પણ ધર્મ વિષે કૈં બોલાયું કે તેનો હિંસક વિરોધ શરૂ થઈ જાય છે. ભાગ્યે જ કોઈ ધર્મ એમાંથી બાકાત હશે. કોણ જાણે કેમ પણ કટ્ટરતા જ ધર્મ થઈ પડ્યો છે. બહુ મહેનત કરીને ઝનૂન ઉછેરવામાં આવી રહ્યું છે. આ સારું નથી. દુ:ખની વાત છે કે હિન્દુઓ પણ વાત વાતમાં ઉશ્કેરાય છે. તે પણ બદલાની વાતો કરતા થયા છે. કેટલાક વિધર્મીઓ, હિન્દુઓ તરફ આંગળી ચીંધે છે કે હિન્દુઓ પણ ઝનૂનને પોષે છે, તો તે સંદર્ભે એટલું જ કહેવાનું કે કોઈ હિંદુએ આજ સુધી તલવારની અણીએ કોઈને મુસ્લિમ બનાવ્યો નથી. ઝઘડાની શરૂઆત ક્યારે ય હિન્દુઓથી થઈ નથી. પહેલો પથ્થર હંમેશાં સામેથી આવ્યો હોય ને પછી પ્રતિક્રિયા આવી હોય એમ બને, બાકી પહેલ હિન્દુઓએ કરી નથી. એનું કારણ છે કે હિન્દુ ધર્મ મૂળથી જ સહિષ્ણુ અને ઉદાર રહ્યો છે. એની ધીરજની કસોટી અનેકવાર થઈ છે ને થતી રહે છે. 28 જૂને ફરી એક વાર કસોટી કરતી એક ભયંકર ઘટના રાજસ્થાનનાં ઉદેપુરમાં બની છે.
કનૈયાલાલ નામના ઉદેપુરના એક દરજીની બે મુસ્લિમો – રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસે દુકાનમાં ઘૂસી જઈને છરીના 26 ઘા મારીને કરપીણ હત્યા કરી છે. આ અરેરાટીપૂર્ણ જઘન્ય અપરાધનો વીડિયો ઉતારવામાં આવ્યો અને તેને વાયરલ પણ કરવામાં આવ્યો, જેથી દહેશત ફેલાય. વીડિયોમાં હત્યારાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી અને કોઈ પણ જાતના ખોફ વગર આપી. આ પૂર્વ નિયોજિત કાવતરું હતું. એક જણ છરીના ઘા મારે અને બીજો એનો વીડિયો ઉતારે એવું આયોજન હતું. દુકાનમાં સી.સી.ટી.વી. કેમેરા હતો અને બે કારીગરો કામ કરતા હતા, પણ તેની હત્યારાઓને જરા ય ચિંતા ન હતી. તે ધોળે દિવસે કોઈ ખોફ વગર દુકાનમાં ઘૂસ્યા ને માથું અલગ કરી નાખવાની ગણતરીએ હત્યા કરીને ચાલતા થયા. જો કે, પોલીસ હત્યારાઓને પકડવામાં સફળ થઈ છે ને કાનૂની રીતે એમના પર હવે કામ ચાલશે, પણ આ હત્યા અનેક પ્રશ્નો ઊભા કરે છે.
મૂળ વાત આટલી છે. કનૈયાલાલની પોસ્ટ તેનાં દીકરાની ભૂલથી મુકાઇ હતી, જેમાં નુપૂર શર્માનાં સમર્થનની વાત હતી. દરજીને તો સ્માર્ટ ફોન વાપરવાની આવડત ન હતી, પણ પોસ્ટ મુકાઇ જતાં, ડરીને કનૈયાલાલે પોલીસ રક્ષણ માંગ્યું હતું ને ત્યારે તેણે ઉમેર્યું હતું કે તેના મુસ્લિમ પડોશીએ જ તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી ને તેણે જ પોસ્ટ વાયરલ કરી હતી. તે એ પણ જાણતો હતો કે દરજીને ફોન વાપરતાં આવડતું નથી. જે નૂપુર શર્માનું સમર્થન કરવાની વાત તેની જાણ બહાર વાયરલ થઈ હતી, તે શર્માને તો કૈં થયું ન હતું, પણ એક દરજી બલિનો બકરો બની ગયો હતો.
આમાં પોલીસની ભૂમિકા પણ સંદિગ્ધ રહી છે. એક તરફ કનૈયાલાલની ધરપકડ પણ કરવામાં આવી હતી ને જ્યારે તેણે રક્ષણ માંગ્યું ત્યારે પોલીસે હત્યારાઓની સાથે મુલાકાત ગોઠવીને વાતને વાળી લીધી હતી. ગંભીરતાથી વાતને લેવાઈ ન હતી. દરજીએ મોતની મળેલી ધમકીને પગલે અઠવાડિયું દુકાન પણ બંધ રાખી હતી ને જે દિવસે તેણે દુકાન ખોલી એ જ દિવસે કમનસીબે તેની હત્યા થઈ ગઈ હતી. હત્યારાઓ હત્યા કરીને કોઈ ધાર્મિક કાર્ય પાર પડ્યું હોય તેમ નિર્ભય થઈ ગયા હતા. કોઈ ધર્મ હત્યાની અનુમતિ આપતો નથી, પણ કટ્ટરપંથીઓ એવું માનીને ચાલતા હોય છે કે હત્યા ધાર્મિક કાર્ય છે.
કનૈયલાલની હત્યાને પગલે રાજસ્થાન સરકારે શાંતિ જાળવવાની ને ગુનેગારને બક્ષવામાં નહીં આવે એવી વાત રાબેતા મુજબ કરી છે, તો બધાંએ જ હત્યાની નિંદા પણ કરી છે, એ નિંદા કરવામાં પાકિસ્તાન પણ ખરું. આ હત્યાને આતંકવાદ સાથે પણ જોડવામાં આવી રહી છે, કારણ આ હત્યા તાલિબાની સ્ટાઇલે કરવામાં આવી છે. એક વાત નક્કી છે કે આતંકવાદી ઘટના ગમે ત્યાં બને તો પણ તેનો છેડો પાકિસ્તાનમાં તો નીકળે જ છે. કનૈયાલાલની હત્યાનું પગેરું પણ પાકિસ્તાનમાં નીકળે છે. નુપૂર શર્માનું નિવેદન આવ્યું ત્યારે વિદેશી મુસ્લિમ રાષ્ટ્રોએ ભારતનો સામૂહિક વિરોધ નોંધાવેલો. એમાંનાં કોઈએ ઉદેપુરની આ હત્યાને મામલે અત્યાર સુધીમાં એક હરફ સુધ્ધાં કાઢયો નથી. એટલે બતાવવાના ને ચાવવાના તો બધે જ જુદા છે.
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત કનૈયાલાલને ઘરે ખરખરો કરવા જઈ આવ્યા છે. તેમણે 31 લાખના વળતરની જાહેરાત પણ કરી છે ને ઘટનાના તાર પાકિસ્તાન સાથે જોડાતા હોવાનો સંકેત પણ આપ્યો છે. એ હકીકત છે કે આરોપીઓ પાસેથી 8થી 10 નંબરો પાકિસ્તાનના મળી આવ્યા છે જેની મદદથી આરોપીઓ સંપર્કમાં રહેતા હતા, એટલું જ નહીં, આરોપીઓ રાજસ્થાનના 8 જિલ્લાઓમાં આઈ.એસ.આઈ.એસ. માટે સ્લીપર સેલ પણ બનાવી રહ્યા હતા. કાશ્મીરમાં મોટી આતંકી ઘટનાઓ શક્ય નથી એટલે હવે ટાર્ગેટ કિલિંગ દ્વારા દહેશત ફેલાવવામાં આવે છે, એ જ રીતે રાજસ્થાનમાં પણ કનૈયાલાલનો શિકાર થયો હોય એમ બને. રિયાઝે આતંકી હેતુઓ પાર પાડવા કરાંચીમાં 45 દિવસની ટ્રેનિંગ પણ લીધી છે ને તે દાવતે ઇસ્લામ નામનાં આતંકી સંગઠન સાથે જોડાયો હોવાનું પણ બહાર આવ્યું છે. એ સંસ્થાના મૌલાનાએ રિયાઝનું બ્રેઇન વોશ કર્યું હતું. કનૈયાલાલની હત્યા કરવાનું 20 જૂને નક્કી કરવામાં આવ્યું હતું ને રિયાઝના તાર તો અન્ય આતંકી સંગઠન અલસુફા સાથે પણ જોડાયેલા છે જેની મદદથી જયપુર અને અન્ય શહેરોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનું કાવતરું પણ ઘડાયું હતું.
ચાર દિવસથી ઉદેપુરમાં કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. ઈન્ટરનેટ સેવાઓ રાજ્યમાં બંધ કરી દેવામાં આવી છે, તો સમગ્ર રાજસ્થાનમાં મહિના માટે 144મી લાગુ કરી દેવાઈ છે. જયપુર, ઉદેપુરમાં લોકરોષ ચરમસીમાએ છે. સીટ અને એન.આઈ.એ.એ તપાસ હાથ ધરી છે. એસ.કે. એન્જિનિયરિંગ નામની ફેક્ટરી પણ તપાસ દરમિયાન હાથ લાગી છે જ્યાં આરોપી રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસે હથિયાર બનાવ્યું ને એ હથિયાર ત્યાંથી મળી પણ આવ્યું છે. અહીં હત્યા પહેલાં ને પછી વીડિયો પણ બનાવાયો હતો. હાલ તો સીટ દ્વારા ફેક્ટરી અને ઓફિસને જપ્ત કરવામાં આવી છે. હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા ગુરુવારે મૌન રેલી કાઢવામાં આવી હતી ને રાજ્યભરમાંથી હત્યારાઓને વહેલી તકે ફાંસી આપવામાં આવે એવી માંગ ઊઠી છે. આ એક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે.
એક વાત સ્પષ્ટ છે કે આ કાવતરું છે અને પોલીસ અને સરકારની ઉદાસીનતાને કારણે એ પાર પડ્યું છે. કનૈયાલાલના બે દીકરાઓના કહેવા મુજબ જો પોલીસે રક્ષણ પૂરું પાડ્યું હોત તો તેમનો પિતા જીવતો હોત, પણ પોલીસે વાતને ગંભીરતાથી લીધી નહીં ને પરિણામ હત્યામાં આવ્યું. રાજ્ય સરકાર પણ રાજસ્થાનમાં ચાલી રહેલી આતંકી હિલચાલને મામલે જોઈએ એટલી સજાગ નથી જણાતી. જયપુરમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની વાતો તો હવે બહાર આવી ગઈ છે, પણ એ ઉપરાંત પણ બીજી વાતો હશે જે બહાર આવી નથી. એ અંગે સરકાર સતર્ક નહિ રહે તો આતંકીઓનો ઇરાદો તો રાજસ્થાનને ભડકે બાળવાનો છે જ. સરકારે પૂરતી સતર્કતા દાખવવાની રહે જ છે.
એ પણ છે કે મોટે ભાગના વિધર્મીઓ આ દેશમાં શાંતિથી રહે જ છે ને તે ભારતીય જન જીવનમાં ભળી-ગળી ગયેલા છે, પણ કેટલાક કટ્ટરવાદી તત્ત્વો શાંતિ નથી જ ઇચ્છતા. કોઈને કોઈ રીતે ઝનૂન પોષ્યાં વગર એમને રાહત થતી નથી. કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને પણ ધ્યાન ખેંચતા કહ્યું છે કે મદ્રેસાઓમાં અપાતું શિક્ષણ નાનેથી જ બાળકોમાં ઝનૂન જ સીંચે છે. આવું કરવાથી શું હાથમાં આવતું હશે તે નથી ખબર, પણ એનાથી બીજાઓને તો ઠીક પણ એ કટ્ટરવાદીઓના હાથમાં પણ કૈં આવતું હોય એમ લાગતું નથી. લોહી વાવવાથી તો લોહી જ ઊગે ને ! કેમ એવું છે કે ધર્મો લાગણી, પ્રેમ અને સહકારના અભાવમાં જ લાગણી, પ્રેમ અને સહકારની અપેક્ષા રાખે છે? ગળાકાપ સ્પર્ધાઓ વચ્ચે જીવન રોજે રોજ સાંકડું થતું જાય છે ત્યારે ખરેખર ગળું કાપવાથી તો જિંદગી વધારે સાંકડી થઈ રહી છે તે કેમ નહીં સમજાતું હોય? કોઈને હવે દયા, માયા, પ્રેમની જાણે જરૂર જ ન રહી હોય તેમ સૌ બેફિકર ને બેફામ થઈ ગયા છે. આ બરાબર છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 જુલાઈ 2022