ગુજરાતીમાં જેનું નામ બહુ લેવાતું નથી, તેવા પત્રકાર, કવિ અને લેખક શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા ઉર્ફે ‘શેખાદમ’ રાજકીય કવિતાઓ લખવા માટે જાણીતા હતા. હવે તો રાજકારણ એટલું ખરાબ થઇ ગયું છે કે તેના પર કવિતાઓ લખતાં પણ કવિઓ ડરે છે, રખેને અભડાઈ જવાય! ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના સમયે શેખાદમનાં આવાં કાવ્યોનો ‘ખુરશી’ નામથી નાનકડો કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો. એ જ વખતે ઇન્દિરા ગાંધીએ કટોકટી પણ જાહેર કરી હતી. યોગાનુયોગ કહો કે શેખાદમનું રાજકીય નિરીક્ષણ, તેમણે એક ધારદાર મુક્તક લખ્યું હતું, જેમાં ભારતીય રાજનીતિની ખરાબી અને ખાસ તો મહાત્મા ગાંધીએ જે આદર્શો પર આઝાદીની લડાઈ લડી હતી, તેના પતનની ઝલક હતી.
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો
ગયા શનિવારે, ૨૩ જુલાઈના રોજ, કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જે રીતે મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો, તેમાં શેખાદમના આ મુક્તકની યાદ આવી ગઈ. ગડકરીનું વિધાન રાજકીય વર્તુળો માટે ચોંકાવનારું હતું. તેમણે કહ્યું કે તેમને વખતોવખત રાજનીતિ છોડવાનું મન થાય છે કારણ કે તેમને લાગે છે કે કરવા માટે જિંદગીમાં ઘણું છે.
તેમના શહેર નાગપુરમાં સમાજસેવક ગિરીશ ગાંધીના સન્માનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગડકરી બોલ્યા હતા કે, “મને ઘણી વાર લાગે છે કે મારે રાજનીતિ છોડી દેવી જોઈએ. રાજનીતિ સિવાય પણ જિંદગીમાં કરવા માટે ઘણું છે. આજે આપણે જે રાજનીતિ જોઈ રહ્યા છીએ, તે 100 ટકા સત્તામાં આવવા પર કેન્દ્રિત છે. રાજનીતિ વાસ્તવમાં સામાજિક બદલાવનું માધ્યમ છે, એટલા માટે આજના રાજનેતાઓએ સમાજમાં શિક્ષણ-કળા વગેરેના વિકાસ પર કામ કરવું જોઈએ. આપણે એ સમજવું જોઈએ કે રાજનીતિ શબ્દ છે શું. શું તે સમાજ અને દેશના કલ્યાણ માટે છે કે પછી સરકારમાં બની રહેવા માટે છે?
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદ પર રહી ચુકેલા ગડકરીએ ખિન્ન ભાવ સાથે કહ્યું હતું કે, “મહાત્મા ગાંધીના સમયમાં રાજનીતિ સામાજિક આંદોલનનો હિસ્સો હતી, પરંતુ પાછળથી રાષ્ટ્ર અને વિકાસના લક્ષ્ય પરથી તેનું ફોકસ હટી ગયું.”
નીતિન ગડકરીના આ વિધાનનું સ્વાગત થવું જોઈએ. તેમણે ભારતની વર્તમાન રાજનીતિમાં જે પ્રકારે જાળાં બાઝેલાં તેને સાફ કરવા પ્રયાસ કર્યો છે. એ વાતનું મહત્ત્વ એ છે કે તેમણે હાલની રાજનીતિની સરખામણી મહાત્મા ગાંધીના સમયની રાજનીતિ સાથે કરી છે અને વચ્ચેની રાજનીતિના લાંબા સમયને છોડી દીધો છે.
એ અર્થમાં એવું કહેવાય કે ઇન્દિરા ગાંધીના સમયથી રાજનીતિની ચાલ અને ચરિત્ર્ય બદલાવાનું શરૂ થયું હતું, જે આજે તેની ચરમસીમાએ છે. મહાત્મા ગાંધીએ રાજનીતિ સહિત જીવનનાં તમામ ક્ષેત્રોમાં સાધન-શુદ્ધિનો આગ્રહ રાખ્યો હતો. તેમને ખબર હતી કે સત્તા એક એવું સાધ્ય છે જે વ્યક્તિને અનૈતિક બનાવી દેવા માટે સક્ષમ છે. એટલા માટે તેમણે સાધ્ય કરતાં સાધન પર ભાર મુક્યો હતો. તેમના મતે સાધ્ય ગમે તેટલું સારું હોય, તેને સિદ્ધ કરવાનું સાધન જો અશુદ્ધ હોય તો સાધ્ય પણ નકામું કહેવાય.
તેમણે રાજનીતિમાં એટલા માટે જ સત્ય, અહિંસા અને સત્યાગ્રહને સાધનની શુદ્ધતાનાં માપદંડ બનાવ્યાં હતાં. તમે નીતિન ગડકરીના વિધાનનો મર્મ સમજો તો ભારતમાં સત્તાના સાધ્યને સિદ્ધ કરવા માટે આ ત્રણે માપદંડોનું ઉલ્લંઘન થાય છે. ઇન્દિરા ગાંધી માટે કહેવાય છે કે તેમણે ગાંધીજીની નૈતિક રાજનીતિને કોરાણે મૂકીને સત્તાની રાજનીતિ શરૂ કરી હતી. ઇન્દિરા તો સત્તાને જ નૈતિક લક્ષ્ય માનતાં હતાં. સ્વર્ગસ્થ પત્રકાર કુલદીપ નૈયર કટોકટીને યાદ કરીને એક ઠેકાણે લખે છે, “જે રીતે મૂલ્યોનાં તાણાવાણા છિન્નભિન્ન કરી નાખવામાં આવ્યાં હતાં તે જોઇને મહાત્મા ગાંધી જો આજે જીવતા હોત તો સૌથી દુઃખી આત્મા હોત.”
ગડકરીની ખિન્નતા પણ આવી જ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને અટલ બિહારી વાજપેઈની શૈલીની રાજનીતિમાં રંગાયેલા છે. લોકશાહીનું તેઓ મનફાવે તેવું અર્થઘટન કરતા નથી, પરંતુ ભારતના ઘડવૈયાઓએ મહામહેનતે બંધારણમાં જે પ્રકારની વ્યવસ્થા કરી હતી તેનું શબ્દશ: પાલન કરે છે. એટલા માટે જ થોડા વખત પહેલાં તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં મજબૂત વિરોધ પક્ષ હોવો અનિવાર્ય છે અને કાઁગ્રેસ પક્ષ નબળો પડે તે લોકશાહી માટે સારું નથી.
હાલની રાજનીતિ ક્યારથી શરૂ થઇ અને ગાંધીની રાજનીતિ ક્યાંથી સમાપ્ત થઇ તેનો ગડકરીએ ખુલાસો નથી કર્યો (ઉપર તો આપણે આપણી રીતે અર્થઘટન કર્યું), પણ ભા.જ.પ.ના બીજા એક વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહનું એક વિધાન કંઈક અંશે સૂચક છે. ગયા રવિવારે કારગિલ દિવસ પર બોલતાં તેમણે કહ્યું હતું કે, “બહુ બધા લોકો જવાહર લાલ નહેરુની ટીકા કરે છે. હું પણ એક ખાસ રાજનીતિક પક્ષમાંથી આવું છું, હું ભારતના કોઈ પણ પ્રધાન મંત્રીની ટીકા કરવા નથી માંગતો. સાથે જ હું કોઇ પણ પ્રધાન મંત્રીની નિયત પર સવાલ ઉઠાવવા માંગતો નથી. કોઈની નીતિ ખરાબ હોઈ શકે છે, નિયત નહીં.”
વર્તમાન રાજનીતિમાં સૌથી વધુ બકવાસ અને બેઈજ્જતી જો કોઈની થતી હોય, તો તે ગાંધી-નહેરુની છે અને ભા.જપ.ના. જ બે કદાવર નેતાઓ તે બંનેનું નામ લઈને રાજનીતિમાં વ્યાપેલા અંધારાને સાફ કરવાનો પ્રયાસ કરે તે સૂચક અને સરસ બંને છે.
લાસ્ટ લાઈન :
“રાજનીતિ એટલે જ્યાં ને ત્યાં મુસીબત ઊભી કરવાની, તેનું ગલત અર્થઘટન કરવાની અને તેની ખોટી સારવાર કરવાની કળા.”
— ગ્રોચો માર્ક, અમેરિકન કોમેડિયન
••••
પ્રગટ : ‘ક્રોસલાઇન’ નામક લેખકની નવોદિત સાપ્તાહિક કોલમ, ‘સન્નડેલાઉન્જ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”; 31 જુલાઈ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર