સામાન્ય વાતચીતમાં આપણે ઘણીવાર બીજાઓને એમ કહેતા હોઈએ છીએ કે “તું તારું કર”. આમ તો આપણે કોઈ વિશેષ પ્રયોજન કે આશય વિના સહજ ભાવે આમ બોલતા હોઈએ છીએ, પણ જો આ સૂત્ર પાછળનો ભાવાર્થ જાણવા પ્રયાસ કરીશું તો ખ્યાલ આવશે કે આ લઘુસૂત્રને જીવનનો મૂળમંત્ર બનાવીએ તો વ્યક્તિવિશેષ અને રાષ્ટ્ર સમસ્ત માટે ઝાઝી માથાકૂટ વિના અપ્રતિમ પરિણામો હાંસલ કરી શકાય એમ છે. વસ્તુત: આ ત્રિઅક્ષરી લઘુસૂત્ર જીવનનો મૂળમંત્ર છે એ કદાચ બોલતી વખતે આપણી જાણ બહાર હોય છે.
આવો, આપણે ગાગરમાં સાગર જેવા આ ત્રણ શબ્દો કેટલું અર્થગાંભીર્ય ધરાવે છે તેની વાત કરીએ. વાત સીધી-સાદી અને નાની અમથી છે. જ્યાં જ્યાં મોકો મળે ત્યાં આપણે તે કહેતા ફરતા હોઈએ છીએ કે, “બીજી બધી પંચાતમાં પડ્યા વિના તું તારું કર ને, ભાઈ”! અહીં ‘તું તારું કર’, અર્થાત તું તારા જીવન-લક્ષ્ય સિવાયની બીજી આડી-અવળી વાતોમાં પડ્યા વિના અને વાહિયાત બાબતોમાં મગજ ચલાવ્યા વિના તારે જે કરવાનું છે તેના પર તું તારું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર, જેથી કરીને તું તારું લક્ષ્યાંકિત કાર્ય તારી બધી આવડત, કુનેહ, કૌશલ્ય, ક્ષમતા અને બુદ્ધિશક્તિને કામે લગાડીને શ્રેષ્ઠ રીતે પાર પાડી શકે અને તેમાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરી શકે. ઉપરાંત અન્યોના કામકાજમાં દખલ નહિ કરીને તેઓને પણ તેમના કાર્ય શ્રેષ્ઠ રીતે કરવામાં મદદ કરી શકે.
કેટલી સુંદર વાત! માત્ર ત્રણ શબ્દોમાં કેટલી મોટી વાત ધરબાયેલી પડી છે! સાચે જ, આ ત્રિઅક્ષરી મંત્ર મુજબ જો પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના કામમાં પોતાનું સો ટકા ધ્યાન કેન્દ્રિત કરી પોતાની સમસ્ત શક્તિ કામે લગાડી દે તો સામાન્ય કરતાં અનેકગણું વધારે ફળદાયી પરિણામ હાંસલ કરી શકાય છે, એમાં ઝાઝી શંકા કરવાને કોઈ સ્થાન નથી. માત્ર એટલું જ નહિ, દરેક વ્યક્તિ આ તદ્દન સાદા-સીધા મંત્ર (તું તારું કર) ને પોતાનો જીવનમંત્ર બનાવી લે અને તે પ્રમાણે દરેક કાર્ય તે કરે તો કલ્પનાતીત પરિણામો હાંસલ કરી શકાય છે.
સામાન્ય રીતે અન્યોની કામગીરીમાં બિનજરૂરી દખલ કરવી એ માનવ-સહજ પ્રકૃતિ છે. આના પરિણામે કોઈ ફળદાયી નિષ્કર્ષ કે નિપજ વિના નાહકનો આપણો પોતાનો અને અન્યોનો કિંમતી સમય આપણે બગાડતા હોઈએ છીએ. વ્યક્તિ અમીર હોય કે ગરીબ, સમયનું મૂલ્ય સૌને માટે સરખું છે. આપણે ગમે તેવી વ્યક્તિ હોઈએ તો પણ વિના કારણ કોઈનો મૂલ્યવાન સમય બગાડવાનો આપણને કોઈ હક નથી. દરેકના જીવનમાં સમયનું મૂલ્ય તો હોય જ છે કોઈકને માટે ઓછું હોય તો કોઈકને માટે વધારે.
‘તું તારું કર’ એ મર્મસભર વિધાનમાં વ્યક્તિ-વિકાસની વાત તો છે જ, પરંતુ એનાથી આગળ વધી તેમાં રાષ્ટ્ર સમસ્ત અને માનવજીવનના સર્વાંગી વિકાસની વાત પણ આડકતરી રીતે ધરબાયેલી પડી છે. કોઈ વ્યક્તિ જ્યારે પોતાના કાર્યમાં પૂર્ણત: મગ્ન થઈ પોતાની તમામ શક્તિ, જ્ઞાન, જાણકારી, કાબેલિયત અને કૌશલ્યો અને શ્રમ તેમાં રેડી દઈ પોતાનાથી બનતા શ્રેષ્ઠત્તમ પ્રયાસો કરે છે ત્યારે ચોક્કસપણે તે કાર્ય તેની સંભવિત શ્રેષ્ઠ ગુણવત્તાની કક્ષાએ પહોંચે છે. આ રીતે પાર પડેલા કાર્યનો હેતુ યથાર્થ રીતે સિદ્ધ થાય છે, એટલું જ નહિ આવું કાર્ય તેના કર્તાને તો ગૌરવ અપાવે જ છે, સાથોસાથ અન્યો માટે પણ તે ઉપયોગી અને પ્રેરણાદાયી નીવડે છે. આખરે તો વ્યક્તિ કેવી રીતે કાર્ય કરે છે એ વધુ અગત્યનું છે, નહિ કે વ્યક્તિ ક્યું કાર્ય કરે છે. કાર્ય નહિ પણ કાર્ય કરવાની શૈલી વ્યક્તિને અન્યો કરતાં અલગ તારવે છે. સારી રીતે કાર્ય કરવાની સલાહ આપવી એક વાત છે અને પોતે સારી રીતે કાર્ય કરવું અલગ વાત છે. કોઈને સારી રીતે કાર્ય કરવાની સલાહ આપીએ એના કરતાં એ સલાહનો પહેલો ઉપયોગ આપણા પોતાના જ કાર્ય માટે કરીએ તો એ વધુ ઉપયોગી પુરવાર થશે. આપણી સલાહ કરતાં આપણું કાર્ય અન્યોને વધુ સારી રીતે પ્રેરિત કરી શકે છે.
આનાથી સહેજ આગળ વાત કરીએ. રાષ્ટ્રની અંદર એક સામાન્ય પટાવાળાથી માંડી પ્રધાન મંત્રી સુધી, એક સાધારણ શ્રમિકથી માંડી માલેતુજાર ઉદ્યોગકર્મી સુધીની દરેક વ્યક્તિ જો આ રીતે કાર્ય કરે તો દરેક કાર્યની કેટલી ગુણવત્તા જળવાય અને એના આધારે રાષ્ટ્ર કેટલી પ્રગતિ કરી શકે એની તમે કલ્પના પણ નહિ કરી શકો ! સાર્વજનિક ચર્ચાઓમાં આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે રાષ્ટ્રના વિકાસ માટે આમ કરવું જોઈએ કે તેમ કરવું જોઇએ. ઘણી વાર કોઈ રાષ્ટ્રના અવિકસિત રહી જવા માટે આપણે અપૂરતા સંસાધનો અને સાધનોને દોષ દેતા હોઈએ છીએ. અલબત્ત આ બધામાં સમય વેડફ્યા વિના આપણી પાસે જે કંઈ સંસાધનો-સાધનો છે તેનો ઈષ્ટત્તમ ઉપયોગ કરી “તું તારું કર” એ જીવનમંત્રને ધ્યાનમાં રાખી દરેક વ્યક્તિ પોતાના કાર્યમાં તમામ શક્તિ, ક્ષમતા, આવડત, કૌશલ્ય અને બૌદ્ધિક કાબેલિયત વડે પોતાના લક્ષ્યાંકિત કાર્યો કરે તો ખૂબ ઉમદા પરિણામો હાંસલ કરી શકાય છે અને ટાંચા સાધનો વડે પણ રાષ્ટ્ર બહુ ઝડપથી પ્રગતિ કરી શકે એમાં શંકા કરવા જેવું લાગતું નથી. અસ્તુ.
ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com