ચીનની વાત આવે, ત્યારે સામાન્ય રીતે તેની આર્થિક અને લશ્કરી તાકાત માટે અહોભાવ વ્યકત થતો હોય છે, પરંતુ તેના ઇતિહાસમાં અંધાધૂંધી અને તબાહીનો એક ગાળો જો તપાસવામાં આવે, તો તેની વર્તમાન પ્રગતિ કેટલી ઇચ્છનીય છે તેવો પ્રશ્ન થાય. સાંસ્કૃતિક ક્રાંતિ(કલ્ચરલ રિવોલ્યુશન)ના નામે ચીનનો એક દાયકો એવો હતો, જેમાં તેનું અર્થતંત્ર નષ્ટ થઇ ગયું હતું, લાખો લોકોની જિંદગી તબાહ થઇ ગઈ હતી. એ એક આવું ગૃહયુદ્ધ હતું જેના પરિણામે દેશ ભૂખમરા તેમ જ ખૂનામરકીમાં સરકી ગયો હતો.
ચીનના ઇતિહાસમાં 16 મેનું ખાસ મહત્ત્વ છે. એ દિવસે, 1966માં, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ-ત્સે—તુંગે, ચીની કોમ્યુનિઝમનું શુદ્ધિકરણ કરવા અને સ્વદેશી વિચારધારા (જેને ચીનની બહાર માઓવાદ કહે છે) લાગુ કરવા માટે એક ક્રાંતિનું આહ્વાન કર્યું હતું. દસ વર્ષ પછી, 1976માં માઓના અવસાન સાથે એ ક્રાંતિ નિષ્ફળ સાબિત થઇ હતી. જો કે તે દરમિયાન ચીનની સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિનું ભયાનક નુકસાન થયું હતું.
ચીનના વિકાસની ગાડી પૂરપાટ દોડી જ માઓના અવસાન પછી. સાંસ્કૃતિક ક્રાંતિનું મૂળ માઓની ગ્રેટ લીપ ફોરવર્ડ ચળવળમાં છે. આપણે ત્યાં જેમ પંચ વર્ષીય યોજના હતી, તેવી રીતે માઓએ 1958થી 1962 વચ્ચે આર્થિક અને સામાજિક સુધારની ચળવળ શરૂ કરી હતી. અમુક લીડરો બહુ મોટી મોટી યોજનાઓ ઘડતા હોય છે, અને પછી વગર વિચારે તેનો અમલ કરતા હોય છે. ગ્રેટ લીપ ફોરવર્ડ યોજના એવી જ હતી. એમાં દેશમાંથી પરંપરાગત કૃષિ અર્થવ્યવસ્થાને સમાપ્ત કરી દઈને તેના સ્થાને કોમ્યુનિસ્ટ વિચારધારા અનુસાર સહકારી કૃષિ અને ઔદ્યોગિક વ્યવસ્થા લાવવાનો ઈરાદો હતો.
સાદી ભાષામાં કહીએ તો ચીનના ખેડૂતોએ સરકારના દિશાનિર્દેશો પ્રમાણે સહકારી ધોરણે ખેતી કરવાની અને દેશના ઔધોગિકરણમાં આર્થિક યોગદાન આપવાનું. આ સુધાર ઉપરથી નીચે, જબરદસ્તી લાગુ કરવામાં આવ્યો હતો. માઓની ગણના વિશ્વ ઇતિહાસના સૌથી દૃઢ નેતા તરીકે થાય છે. દૃઢ નેતાની સમસ્યા એ છે કે તમને એ ખબર ન પડે તે એ નાયક છે કે ખલનાયક. તેનું આકલન તેના ગયા પછી ભાવિ પેઢીઓ કરે છે. આપણે હિટલર અથવા સ્ટાલિનની તાનાશાહીના અનેક કિસ્સા સાંભળ્યા છે, પરંતુ ચીનના માઓ તેમનાથી ચાર પગલાં આગળ હતા.
પાંચ વર્ષમાં પશ્ચિમની સત્તા સામે ઊભા રહેવાની તાલાવેલીમાં માઓએ જે ફરજિયાત સહકારી-કૃષિ દાખલ કરી એમાં એવી તબાહી મચી કે 3થી 4 કરોડ લોકો ભૂખે, ગરીબીમાં, મજદૂરીમાં, હત્યામાં અને આત્મહત્યા મરી ગયા. માનવ ઇતિહાસમાં વિનાયુદ્ધે આટલા બધા માણસો મરી ગયાનું આ એકમાત્ર ઉદાહરણ છે. આખા દેશમાંથી ખાનગી ખેતરો નાબૂદ કરી નાખવાની ઉતાવળમાં ચીનમાં ભયાનક દુકાળ પડ્યો હતો અને ગામડાંના લોકો વનસ્પતિ ખાઈને જીવતા રહેતાં હતા.
ગ્રેટ લીપ ફોરવર્ડની આ પંચ વર્ષીય યોજના ભયાનક રીતે નિષ્ફળ ગઈ, તેના માટે માઓએ પાર્ટીના જૂનાં કમ્યુનિસ્ટો, દેશના બુદ્ધિજીવીઓ અને મૂડીવાદીઓને જવાબદાર ઠેરવ્યા. મજબૂત નેતાઓની આ એક બીજી મુશ્કેલી હોય છે. તેને ક્યારે ય પોતાના વિચારો કે વહીવટમાં શંકા ન પડે. એ પોતાની નિષ્ફળતા માટે બીજાને જવાબદાર બનાવે. માઓને લાગ્યું કે દેશમાં વધુ પડતી જ આઝાદી છે, અને એટલે જ મોટા સુધાર થતા નથી. માઓને લાગ્યું તેના માટે ચીની સમાજના પારંપરિક ચાર જૂના સ્તંભ (તેને ફોર ઓલ્ડ કહે છે) ખતમ કરવા પડેશે; જૂના વિચારો, જૂની સંસ્કૃતિ, જૂના રિવાજો અને જૂની આદતો.
સાદી ભાષામાં કહીએ તો, માઓએ પાર્ટીની અંદર અને પાર્ટીની બહાર તેમના હરીફો અને ટીકાકારોને ઠેકાણે પાડવાનું નક્કી કર્યું હતું, જેથી તેમની સત્તા સુરક્ષિત થઇ જાય. રાજનૈતિક કટ્ટરવાદથી યુવાનો જલદી ગેરમાર્ગે દોરાઈ જાય છે. દુનિયાના અધિકતમ દેશોનો આ ઇતિહાસ છે. માઓની સાંસ્કૃતિક ક્રાંતિ પણ એમાંથી બાકાત નહોતી. માઓએ કથિત શત્રુઓની સફાઈ કરવા માટે યુવાનોને ઉશ્કેર્યા હતા. ત્યાં સુધી કે કોલેજો બંધ કરી દેવામાં આવી હતી, જેથી વિધાર્થીઓ ‘રાષ્ટ્રના ઘડતર’માં સંપૂર્ણ ધ્યાન આપી શકે.
16 ઓગસ્ટ 1966ના રોજ બેજિંગના તિયાનમેન ચોકમાં હજારો યુવાનોની રેલીમાં માઓએ ક્રાંતિકારી નારાઓ લગાવડાવ્યા હતા (આ જ તિયાનમેન ચોક પર, 1989માં સરકાર વિરોધી રેલીમાં ભેગા થયેલાં યુવાનો પર ચીનીએ સેનાએ ગોળીઓ છોડી હતી અને ટેન્કો ચલાવી હતી જેમાં 10 હજાર લોકો માર્યા ગયા હતા. ચીનમાં એ ઇતિહાસ આખો મિટાવી દેવાયો છે). આ યુવાનોમાંથી રેડ ગાર્ડસ નામના સંગઠનની રચના કરવામાં આવી હતી. આ એક સમાંતર સૈન્ય હતું. એ યુવાનોએ પુસ્તકાલયો પર હુમલાઓ કર્યા, પુસ્તકો સળગાવી દીધાં, સંગ્રહાલયો, થિયેટરો, બૌદ્ધ મંદિરો, ચર્ચ, મસ્જિદો તબાહ કરી દીધી હતી, પ્રોફેસરો, લેખકો, બુદ્ધિજીવીઓની મારપીટ કરી હતી.
સપ્ટેમ્બર-ઓક્ટોબર 1966માં ખાલી બેજિંગમાં જ 2,000 લોકોને અને શાંઘાઈમાં 1,500 લોકોને મારી નાખવામાં આવ્યા હતા. આ તબાહીમાં પોલીસનું પણ મૌન સમર્થન હતું. ખુદ માઓ જ હિંસાને પ્રોત્સાહન આપતાં હતા. જે યુવાન હત્યાઓ કરે તેને દેશભક્ત માનવામાં આવતો હતો. કહેવાય છે કે 1966થી 1969 વચ્ચે લગભગ 5 લાખ લોકો માર્યા ગયા હતા. ટૂંકમાં, માઓવાદનો વિરોધ કરતી હોય તેવી વ્યક્તિઓ અને વસ્તુઓને શોધી-શોધીને નષ્ટ કરવામા આવી હતી.
આ ક્રાંતિમાં માઓ-ત્સે-તુંગની ત્રીજી પત્ની જિયાંગ કિંગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. ઇન ફેક્ટ, તેની સાથે બીજા ત્રણ નેતાઓ (ઝાંગ ચૂંકીઓ, યાઓ વેનયુઆન અને વાંગ હોંગવેન) પણ હતા. આ ચાર જણાની ટીમ ગેંગ ઓફ ફોર કહેવાય છે. આ ચંડાળ ચોકડી ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી ચલાવતી હતી અને આ હિંસક ક્રાંતિનો દોરી સંચાર કરતી હતી. માઓનું સ્વાસ્થ્ય કથળ્યું ત્યારે આ ગેંગ જ દેશ ચલાવતી હતી.
એ દરમિયાન, માઓની તેમના વિરોધીઓ દ્વારા હત્યાની કોશિશ થઇ હતી જે નિષ્ફળ રહી હતી. 1987માં, માઓનું અવસાન થયું અને ક્રાંતિ ધીમી પડી ગઈ. એ પછી પણ માઓવાદના પ્રચાર માટે જિયાંગ કિંગે તેનું આક્રમણ ચાલુ રાખ્યું હતું, પરંતુ અંતત: નવી સરકારે જિયાંગ અને તેના ત્રણ સાથીઓને પકડી લીધા હતા.
1981માં, તેમની સામે રાજદ્રોહ અને અન્ય અપરાધ બદલ ખટલો ચલાવામાં આવ્યો હતો. તેમની સામે 34,375 લોકોના મોતનો આરોપ હતો. અ ખાટલો દેખાડા માટે જ હતી. ગેંગના ત્રણ સભ્યોએ તેમનો બચાવ કરવા કોશિશ કરી નહોતી. ખટલા દરમિયાન, હોંગવેન અને વેનયુઆને તેમની પરના આરોપ સ્વીકારી લીધા હતા અને પ્રશ્ચાતાપ વ્યક્ત કર્યો હતો. ઝાંગ ચૂંકીઓએ તે નિર્દોષ હોવાનું ગાણું ગાયે રાખ્યું હતું. માઓની પત્નીએ ચીસાચીસ કરી મૂકી હતી અને પોતે નિર્દોષ છે તેવું કહીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી. તેણે એવો બચાવ કર્યો કે તેણે ચેરમેન માઓના આદેશોનું પાલન કર્યું હતું.
આ ચારેને આજીવન કેદની સજા ફરમાવામાં આવી હતી. ત્રણ સભ્યો સજા ભોગવીને વારાફરતી અવસાન પામ્યા હતા. જિયાંગને તેની દીકરીના ઘરમાં નજરકેદ કરવામાં આવી હતી. 1984માં તેણે જાતે જ જીવનનો અંત આણી દીધો હતો.
માઓની સાંસ્કૃતિક ક્રાંતિમાંથી દુનિયા એટલું શીખી કે એક નેતાને જ્યારે તારણહારની કક્ષાએ મૂકી દેવામાં આવે ત્યારે તે તેની અંગત મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા માટે અકલ્પનીય તબાહી નોતરે છે. હિટલર અને સ્ટાલિનના કિસ્સામાં પણ આવું જ થયું હતું.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 જુલાઈ 2022
સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર