Opinion Magazine
Number of visits: 9882527
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત

રમેશ ઓઝા|Opinion - Opinion|31 May 2026

રમેશ ઓઝા

ઈ.સ. ૧૯૦૬ના જુલાઈ મહિનામાં વિનાયક દામોદર સાવરકર લંડન ભણવા ગયા તેના ૧૮ વરસ પહેલાં ગાંધીજી લંડન ભણવા ગયા હતા. સાવરકર લંડન ભણવા ગયા તેના ૧૩ વરસ પહેલાં ગાંધીજી દક્ષિણ આફ્રિકા રોજીરોટી કમાવા ગયા હતા. જે વરસમાં સાવરકર લંડન ગયા એ જ વરસમાં, એના મહિના પહેલાં (૨૭મી મે ૧૯૦૬) ગાંધીજીએ પોતાના મોટા ભાઈ લક્ષ્મીદાસ ગાંધીને પત્ર લખીને કહી દીધું હતું કે “મેં મારા અંગત જીવનને સમાપ્ત કરી દીધું છે … હવે ભયને હું ઓળખતો પણ નથી.”

આ વિગત આપવા પાછળ ખાસ કારણ છે. બંનેની નજરમાં અને ગ્રહણશક્તિમાં ફેર હતો. ગાંધીજીની શોધ મનુષ્યત્વની હતી અને સાવરકરની શોધ પૌરુષત્વની હતી. (જાણીતા સમાજશાસ્ત્રી આશિષ નંદીના શબ્દોમાં feminine અથવા માતૃહૃદયી અને macho અર્થાત્ masculine અથવા પૌરુષત્વયુક્ત) ગાંધીજીની શોધના કેન્દ્રમાં ભલે પૌરુષત્વ નહોતું, પણ સાવરકર પૌરુષત્વની શોધમાં વિલાયત જાય એ પહેલાં ગાંધીજીએ જણાવી દીધું હતું કે, “હવે ભયને હું ઓળખતો પણ નથી.” નિર્ભયતા સર્વોચ્ચ આધ્યાત્મિક અવસ્થા છે અને ગાંધીજીની નિર્ભયતા મનુષ્યત્વની શોધનું પરિણામ હતું. યુરોપની સભ્યતા જોઈને તેમને સમજાઈ ગયું હતું કે પાશ્ચાત્ય સભ્યતા ભૂખાળવી સભ્યતા છે, એ કારણ વિના પોતાની જરૂરિયાત વધારનારી અને સંગ્રહ કરનારી સભ્યતા છે. તેની સુખની શોધ અને મેળવેલું ઐશ્વર્ય શોષણજન્ય અને હિંસાજન્ય છે. પરસ્પરંગોએ વિકસાવેલી માનવીય મૂલ્યવ્યવસ્થા દરેક મનુષ્યજાતિ માટે સાર્વત્રિક નથી અને માટે ઢોંગી છે. લોકભાગીદારીની બાંહેધરી આપનારી તેની લોકશાહી વ્યવસ્થા તેમને ત્યાં પણ ખોખલી અને બીકાઉ છે, જ્યાં વ્યવસ્થાના કેન્દ્રમાં ન્યાય અને માણસાઈ ન હોય ત્યાં અસલામતીની ભાવના સ્વાભાવિક છે. સદૈવ ડરમાં જીવતી પ્રજા શસ્ત્રોમાં અને અન્યત્ર સુરક્ષા શોધે છે. ટૂંકમાં પાશ્ચાત્ય આધુનિકતા ભારત માટે સંપૂર્ણપણે ઉપયોગી નથી.

ગાંધીજી દૂર રહીને ભારતની સ્થિતિ પર નજર રાખતા હતા અને તેમાં તેમના ધ્યાનમાં આવ્યું કે ભારતની સમસ્યા સ્વઓળખના અભાવની છે. ભારતની પ્રજા જો પોતાને ઓળખતી થાય તો તે દુનિયાનું માર્ગદર્શન કરી શકે એમ છે.

સંજોગવશાત્ બન્યું એવું કે લંડનથી ભણી આવીને ગાંધીજીને ૧૮૯૩ની સાલમાં (જ્યારે સાવરકરની ઉંમર એક વરસની હતી) દક્ષિણ આફ્રિકા જવાનું બન્યું. ત્યાં તેમણે કાળી પ્રજાનું અમાનવીય અને દર્દનાક શોષણ નજીકથી જોયું. ગોરી પ્રજાએ કાળા આફ્રિકનોનું એવું શોષણ કર્યું હતું કે કાળી પ્રજા નિર્માલ્ય થઈ ગઈ હતી. શ્વાસ લેનારી નિષ્પ્રાણ પ્રજા. જેટલી પ્રજાતિ છે તેમાં સૌથી વધુ શારીરિક તાકાત આફ્રિકન પ્રજા ધરાવે છે. કદાવર શરીર ધરાવનારા એકથી વધુ આફ્રિકન ગોરાને જોઈને ડરીને ભાગી જતા હતા. તેમના ધ્યાનમાં આવ્યું કે તાકાત શરીરમાં નથી, કાળજામાં છે.

અને સૌથી મોટી વાત. તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે કાળજાની તાકાત શોષણ, ઉપેક્ષા અને તિરસ્કાર દ્વારા મારી પણ શકાય છે અને જગાડી તેમ જ વધારી પણ શકાય છે. દક્ષિણ આફ્રિકામાં તેમણે પચાસેક હજાર જેટલા ભારતીય ગિરમીટિયાઓ અને અન્ય ભારતીયોની કાળજાની તાકાત જાગૃત કરવાનું શરૂ કર્યું. બાકી અધમુઆ તો ગિરમીટિયાઓ પણ હતા. તમે બાહ્ય અને પારંપરિક તાકાતથી શોષણ કરનારાઓને નહીં પરાજિત કરી શકો, કારણ કે તેમણે તમારું શોષણ કરીને બાહ્ય તાકાત એકઠી કરી છે અને તે અનેકગણી છે. પણ કાળજાની તાકાતને પરાજિત કરનારી બાહ્ય ભૌતિક તાકાત આજ સુધી કોઈ વિકસાવી શક્યું નથી. શરૂઆત પોતાથી કરી હતી અને ૧૯૦૬ની સાલમાં મોટાભાઈને લખ્યું હતું કે, “હવે ભયને હું ઓળખતો પણ નથી.”

ગાંધીજી દૂર રહીને ભારતની સ્થિતિ પર નજર રાખતા હતા અને તેમાં તેમના ધ્યાનમાં આવ્યું કે ભારતની સમસ્યા સ્વઓળખના અભાવની છે. ભારતની પ્રજા જો પોતાને ઓળખતી થાય તો તે દુનિયાનું માર્ગદર્શન કરી શકે એમ છે. વસુધૈવ કુટુંબકમ્‌વાળું વૈવિધ્ય અને સહઅસ્તિત્વ ભારતની ઓળખ છે. સહિષ્ણુતા ભારતની ઓળખ છે. શુદ્ધ મનુષ્યત્વ ભારતની ઓળખ છે, પણ ભારતના લોકો, ખાસ કરીને શિક્ષિત લોકો, પશ્ચિમની નકલ કરે છે. તેઓ પશ્ચિમની અન્યાય અને શોષણજન્ય સભ્યતાને આદર્શ અને અનુકરણીય સભ્યતા તરીકે જુએ છે. તેઓ વૈવિધ્યતાને મર્યાદા તરીકે જુએ છે, જ્યારે કે વૈવિધ્યતા ભારતની તાકાત છે. તેઓ સર્વસમાવેશક સમાન ભૂમિ શોધવાનો પ્રયાસ કરતા નથી અને એકબીજા સામે શરતો રાખે છે. વેદ-ઉપનિષદ-શ્રમણ બ્રાહ્મણ દર્શન, સૂફીઓ અને સંતોએ તેમ જ કુદરતી અને માનવીય વૈવિધ્યે ભારતીય પ્રજાનો જે પીંડ ઘડ્યો છે અને જેવું ભારત ઘડ્યું છે એ તેની સાચી ઓળખ છે અને તેમાં જ તાકાત રહેલી છે.

ટૂંકમાં ભારતે પશ્ચિમનું અનુકરણ કરવાની જરૂર નથી, પણ સ્વઓળખ કરવાની જરૂર છે. પશ્ચિમની બાહ્ય તકલાદી ભૌતિક તાકાતની ઈર્ષ્યા કરવાની જરૂર નથી, પણ પોતાની તાકાતને ઓળખવાની જરૂર છે. વિદ્યાર્થી તરીકે પશ્ચિમની સભ્યતાના કેન્દ્રબિંદુ સમાન ઇંગ્લેન્ડને જોયા પછી, વકીલ તરીકે સંસ્થાઓમાં અને અન્યત્ર કહેવાતી આધુનિક સભ્યતાની મૂલ્યવ્યવસ્થા જોયા પછી, એક કર્મશીલ તેમ જ સાધક તરીકે આફ્રિકામાં કારમું શોષણ જોયા પછી અને ઉપાયો અજમાવ્યા પછી તેમને ખાતરી થઈ ગઈ હતી મનુષ્યત્વની ઉપાસના જ દોટ મૂકીને ભાગતા જગતને બચાવી શકે એમ છે અને ભારત આ કરી શકે એમ છે, કારણ કે ભારતનો સ્વભાવ આને અનુકૂળ છે. માત્ર ભારતની પ્રજાએ પોતાનો સ્વભાવ અને સ્વધર્મ સમજવાની અને ઓળખવાની જરૂર છે.

ગાંધીજીના પશ્ચિમના ગુરુ પણ હેન્રી ડેવિડ થોરો, જોહ્ન રસ્કિન અને લિયો તોલ્સતોય જેવા હતા જેઓ પશ્ચિમે અપનાવેલા માર્ગથી રાજી નહોતા, પણ તેના ટીકાકાર હતા. ૧૮૮૮થી ૧૯૦૯ દરમ્યાન ગાંધીજી વિલાયતમાં અને આફ્રિકામાં રહીને સતત બારીક નજરે પશ્ચિમને જોતા હતા અને ઉપાય શોધતા હતા. ગાંધીજી પાશ્ચાત્ય પુરુષાર્થ અને ઐશ્વર્યથી જરા ય પ્રભાવિત નહોતા થયા. તેમને એમ લાગવા માંડ્યું હતું અને લખ્યું પણ છે કે પશ્ચિમે તો ઊલટું પૂર્વ પાસેથી, મુખ્યત્વે ભારત પાસેથી [વિવેકનો] પાઠ લેવો જોઈએ. પણ લાખ રૂપિયાનો સવાલ એ હતો કે આજનું ભારત અને ભારતીય પ્રજા પશ્ચિમનું માર્ગદર્શન કરી શકે એમ છે? ૧૯૦૯ની સાલમાં તેમણે લખેલાં નાનકડાં પુસ્તક ‘હિન્દ સ્વરાજ’માં આની છણાવટ કરી છે. તેમણે લખ્યું છે કે આત્મવિશ્વાસ ગુમાવી ચૂકેલી, લઘુતાગ્રંથિથી ગ્રસ્ત, બીજાનું આંધળું અનુકરણ કરનારી પ્રજા વિશ્વનું માર્ગદર્શન ન કરી શકે. ભારતીય પ્રજા માત્ર રાજકીય આઝાદી નહીં, પણ તેના ‘સ્વરાજ્ય’ને તેના દરેક અર્થમાં ઓળખશે ત્યારે તે બીજાનો હાથ ઝાલવા જેટલી સમર્થ બનશે. ‘હિન્દ સ્વરાજ’ ગાંધીજી જગતને, પશ્ચિમને, આધુનિક સભ્યતાને અને ભારત તેમ જ ભારતની પરંપરાને કઈ રીતે જોતા હતા તે સમજવાની ચાવી છે. દક્ષિણ આફ્રિકામાં તેમણે ભારતીય પ્રજા સાથે મળીને તેમણે વિકસાવેલી સમજ સાથે પશ્ચિમનો પ્રતિકાર કરવાનો પ્રયોગ કર્યો હતો અને તેણે દુનિયાને ચોંકાવી દીધી હતી.

ગાંધીજીથી ઊલટું સાવરકર પૌરુષત્વ અને ઐશ્વર્યની શોધમાં વિલાયત ગયા હતા. માત્ર સાવરકર નહીં, સાવરકરની પહેલાં અને પછી બીજા અનેક લોકો વિલાયત ગયા હતા અને તેમની શોધ એકંદરે આ જ હતી: પૌરુષત્વ અને ઉદ્યમ. પણ સાવરકર આ બધામાં જુદા પડતા હતા. તેમની ખોજ પૌરુષત્વયુક્ત રાષ્ટ્રવાદ (macho અર્થાત્ masculine nationalism) માટેની હતી. વિલાયત ગયેલા અન્ય લોકોથી ઊલટું તેમની પહેલી નિસ્બત ભારતની આઝાદી નહોતી, પણ હિંદુઓની સરસાઈ હતી. masculine nationalism માટે ભારતની બહુમતી હિંદુ પ્રજા મરદ (masculine) બને એ પહેલી શરત હતી. બીજી શરત હતી હિંદુઓ સંગઠિત બને. ત્રીજી શરત હતી હિંદુઓની અંદર હિંદુ તરીકેની (માણસ તરીકેની ઓળખ જરૂરી નથી) આપઓળખ વિકસાવવી. ચોથી શરત હતી આ ભૂમિમાં જ્યાં સુધી હિંદુઓની વસ્તી હોય અને જ્યાં સુધી હિંદુ સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળતો હોય ત્યાં સુધીની ભૂમિ પર દાવો કરવો, પાંચમી શરત હતી એક દુ:શ્મનની. પ્રજાને જોડી રાખવા માટે ડર જરૂરી છે. ટૂંકમાં બહુમતી પ્રજાનો ધર્મ, તેની સંસ્કૃતિ, તેની ભૌગોલિક સરહદ અને દુ:શ્મનનો ભય. આ masculine nationalismના અનિવાર્ય પદાર્થો છે જે પશ્ચિમમાં વિકસ્યા છે. જેમ ગાંધીજીના પાશ્ચાત્ય ગુરુ હતા તેમ સાવરકરના પણ હતા. નામ આપવા હોય તો જોસેફ મેઝીની, જોસેફ ગેરીબાલ્ડી, ફ્રેડરિક નિત્શે, ચાર્લ્સ ડાર્વિન, જે.એસ. મિલ, હર્બર્ટ સ્પેન્સર અને હેનરિક વોન ટ્રીશકે (Heinrich Von Treitschke) વગેરેનાં આપી શકાય. આ વિચારકો માનવતાવાદી નહોતા. તેઓ ન્યાય અને સમાનતામાં માનતા નહોતા. જેના હાથમાં લાઠી એની ભેંસના ન્યાયમાં માનતા હતા. તેઓ ઉપયોગિતાવાદી હતા એટલે સાધનશુદ્ધિમાં માનતા નહોતા. તેઓ પ્રજાકેન્દ્રી કાયદાના રાજમાં નહીં, પણ બહુમતી કેન્દ્રી કાયદાના રાજમાં માનતા હતા કે જેથી અરાજકતાની કિંમત બહુમતી પ્રજાએ ચૂકવવી ન પડે. જે પરિઘની બહાર છે તેના અધિકાર અને ન્યાયની ચિંતા કરવાની જરૂર નથી.

તો વાતનો સાર એ કે ગાંધીજીનો પીંડ દરેક અર્થમાં ભારતીય હિંદુનો હતો. તેમની પ્રેરણાસ્રોત વેદ, ઉપનિષદ, ભગવત ગીતા, સંતો અને સૂફીઓ અને પશ્ચિમના કેટલાક માનવતાવાદી વિચારકો હતા. તેમની શ્રદ્ધા માનવીના મનુષ્યત્વમાં હતી. તેઓ વિવેક અને સંયમમાં માનતા હતા અને ભોગના અતિરેકને સમૃદ્ધિ નહીં, પણ વિકૃતિ તરીકે જોતા હતા. તેઓ માનવીની નિર્ભયતામાં માનતા હતા, પણ સાચી નિર્ભયતા અંદરથી ઉગે છે બહારથી નહીં. બાહ્ય તાકાત ગમે એટલી હોય, પણ માણસ જો અંદરથી ડરતો હોય તો એને ડરપોક જ કહેવાય. ૧૯૧૬માં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં તેમણે અંગ્રેજ ગવર્નરની સિક્યુરિટીના તામજામ જોઈને કહ્યું હતું કે આ રીતે ભયમાં જીવવા કરતાં પોતાને વતન જતા રહીને નિર્ભયતા સાથે જીવવું જોઈએ. તેઓ ભારતની વિવિધતાને ભારતની ઓળખ અને તાકાત તરીકે જોતા હતા, મર્યાદા તરીકે નહીં.

ગાંધીજીથી ઊલટું સાવરકરનું ચિત્ત પશ્ચિમ દ્વારા ઘડાયું હતું. તેઓ હિંદુઓની માનવતાવાદી પરંપરા માટે અણગમો ધરાવતા હતા. બુદ્ધ અને મહાવીર માટે તો ભયંકર અણગમો ધરાવતા હતા. તેમનાં લખાણમાં કે ભાષણોમાં તમે ક્યારે ય વેદ-ઉપનિષદને કે સંતો કે સૂફીઓને ટાંકેલા જોવા નહીં મળે. ગાંધીજી ભારતનું સર્જન હતા, સાવરકર પશ્ચિમનું. 

(ક્રમશઃ)
31 મે 2026
મુદ્રાંકન સહાય : હિદાયતભાઈ પરમાર
e.mail : ozaramesh@gmail.com

Loading

31 May 2026 Vipool Kalyani
← Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?

Search by

Opinion

  • Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?
  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન
  • સગડ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved