પહેલવહેલાં ગુજરાતી બીબાં બનાવ્યાં એક પારસીએ, બહેરામજી છાપગરે. પણ ગુજરાતી મુદ્રણનો પાયો નાખ્યો તે તો બીજા એક પારસીએ. સુરતની કણપીઠમાં કમનગરની શેરીને નાકે આવેલા મોબેદ (ધર્મગુરુ) પિતાના મકાનમાં ૧૭૮૭માં એમનો જન્મ. નામ, ફરદુનજી મર્ઝબાનજી. હા, મોટે ભાગી આપણે તેમને પહેલવહેલા ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક-તંત્રી તરીકે ઓળખીએ છે, પણ ફરદુનજીનો ફાળો એના કરતાં ઘણો વધુ મોટો છે. બાર વર્ષની ઉંમરના થયા ત્યાં સુધીમાં પિતા પાસેથી ધાર્મિક વિધિઓ ઉપરાંત ગુજરાતી અને ફારસી શીખ્યા. પછી એક પંડિત પાસેથી સંસ્કૃત શીખ્યા અને એક મૌલવી પાસેથી ફારસીનો અભ્યાસ વધુ પાકો કર્યો. ભરૂચના એક વૈદ પાસેથી વૈદક શીખ્યા. પણ પછી બાપ કહે કે હવે બહુ ભણ્યા, બેટા. કામે લાગી જાવ. પણ બેટાને તો હજી વધુ ભણવું હતું, અને તે ય પાછું મુંબઈ જઈને. પણ બાપ માન્યા નહિ. એટલે ૧૭૯૯માં પોતાની બધી ચોપડીઓ પોટલામાં બાંધી કોઈને કહ્યા વગર ફરદુનજી ઘરમાંથી ભાગી ગયા. રાત પડી એટલે એક ગામમાં રોકાયા. કકડીને ભૂખ લાગેલી. પણ કોઈ પાસે હાથ લાંબો કેમ કરાય? ગામને ચોરે બેસીને મોટે મોટેથી સંસ્કૃત શ્લોકો લલકારવા લાગ્યા. ગામના લોકોને નવાઈ પણ લાગી અને ખુશ પણ થયા. ખાવાનું આપ્યું, રાતવાસાની સગવડ કરી આપી. પણ ફરદુનજી ભાગી ગયા તે પછી તેમના બાપે તેમને શોધવા માણસો મોકલ્યા હતા. બીજે દિવસે તેમને હાથે પકડાઈ ગયા અને પાછા સુરત ભેગા થયા.
પણ મુંબઈ જવાની તક અણધારી રીતે ૧૮૦૫માં મળી ગઈ. પિતા મર્ઝબાનજીના મુંબઈવાસી ખાસ મિત્ર દસ્તુર મુલ્લાફિરોઝના ઘરે લગ્ન પ્રસંગ હતો. તેમાં પોતે ન જતાં બાપે દીકરાને મોકલ્યો. બસ, તે પછી ફરદુનજીએ ફરી ક્યારે ય સુરતમાં પગ ન મૂક્યો. મુલ્લાફિરોઝ પાસેથી અરબી-ફારસી શીખ્યા, તેમના અંગત ‘પુસ્તકખાના’(લાઈબ્રેરી)નું ધ્યાન રાખ્યું. પછી પોતાના પગ પર ઊભા રહેવાના ઈરાદાથી અલાયદો બુક બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. પણ એ વખતે આખા મુંબઈમાં છાપખાનાં હતાં એક આંગળીને વેઢે ગણાય એટલાં. એમાં કેટલાં પુસ્તકો છપાય? પહેલા છ મહિનાની કુલ આવક રૂપિયો દોઢ! પણ પછી અણધારી રીતે અંગ્રેજ સરકારના લશ્કરના દેશી સિપાઈઓ માટેની ટોપીનાં ખોખાં બનાવવાનું કામ મળી ગયું. થોડા દિવસમાં એકલે હાથે ૩૦૦૦ ખોખાં બનાવી દોઢ હજાર રૂપિયા કમાયા!
બુક બાઇન્ડર તરીકે બોમ્બે કુરિયર પ્રેસ અને બીજાં છાપખાનાંમાં આવરો-જાવરો તો હતો જ. વિચાર આવ્યો કે કેવળ ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું શરૂ કેમ ન કરવું? ૧૮૧૨માં કર્યું, મુંબઈના કોટ વિસ્તારમાં જૂની માર્કેટની સામેના એક નાના મકાનમાં. અને ફરદુનજીની નમ્રતા – અથવા પારસીઓ કહે તેમ નમનતાઈ – તો જુઓ! કેવળ જાતમહેનતથી જે છાપખાનું ઊભું કર્યું તેને ન પોતાનું નામ આપ્યું, ન પોતાના કોઈ કુટુંબીનું. પ્રેસની બહાર નામનું પાટિયું જ લગાડ્યું નહિ! લોકો એને ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખે. ૧૮૧૪માં પહેલવહેલું પંચાંગ છાપ્યું. એ જમાનામાં ઘણી મોંઘી ગણાય એવી બે રૂપિયાની કિંમતે પણ નકલો ચપોચપ વેચાઈ ગઈ. એમણે શરૂ કરેલું પંચાંગ આજે પણ દર વર્ષે નિયમિત પ્રગટ થાય છે, ‘મુંબઈ સમાચાર પંચાંગ’ તરીકે. ૧૮૧૫ના વર્ષમાં બે પુસ્તકો છાપ્યાં : ઓક્ટોબરમાં છાપ્યું ‘ફલાદીશ’ નામનું જ્યોતિષનું પુસ્તક અને ડિસેમ્બરમાં છાપ્યું ‘દબેસ્તાન.’ ગુજરાતી ભાષામાં, એક ગુજરાતીએ, પોતાના છાપખાનામાં છાપેલાં આ પહેલાં પુસ્તકો. પછી તો ગાડી સડસડાટ ચાલવા લાગી. પોતાનાં ‘બનાવેલાં’ વીસેક પુસ્તકો છાપ્યાં. તેમાંનું એક તે ‘પંચોપાખીઆંન’ નામે કરેલો સંસ્કૃત પંચતંત્રનો અનુવાદ. ૧૮૨૪માં પ્રગટ થયેલું આ પુસ્તક તે સંસ્કૃતમાંથી અર્વાચીન ગુજરાતીમાં થયેલો પહેલો અનુવાદ. તો બીજાઓનાં ‘બનાવેલાં’ ૨૨ જેટલાં પુસ્તકો ફરદુનજીએ છાપ્યાં. પુસ્તકના લેખક, સંપાદક, અનુવાદક, બધા માટે ફરદુનજી ‘બનાવનાર’ શબ્દ વાપરતા. તેમાંનાં કેટલાંક પુસ્તકોની તો બે-ત્રણ આવૃત્તિ પણ થયેલી! જરૂર પડી તેમ પ્રેસ મોટું કરતા ગયા.
અને પછી એ જ પ્રેસમાં છાપીને ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખે શરૂ કર્યું અઠવાડિક ‘શ્રી મુમબઈનાં શમાચાર’ જે આજે પણ ‘મુંબઈ સમાચાર’ નામે પ્રગટ થાય છે. માત્ર આપણી ભાષામાં નહિ, માત્ર આપણા દેશમાં નહિ, આખા એશિયામાં આજે પ્રગટ થતાં બધી ભાષાનાં અખબારોમાં સૌથી જૂનું અખબાર. તે વખતે માસિક લવાજમ રાખેલું બે રૂપિયા. પહેલો અંક છપાયો તે પહેલાં ૧૫૦ ગ્રાહકો નોંધાઈ ગયા. પચાસ નકલો મુંબઈ સરકારે નોંધાવેલી. બાકીના ગ્રાહકોમાં ૧૪ અંગ્રેજ, ૮ હિંદુ, ૬ મુસ્લિમ, અને ૬૭ પારસી હતા. પછીનાં દસ વર્ષ જાહોજલાલીનાં વીત્યાં. ગાડી ઘોડા, વાડી-બંગલા, નોકરચાકર. અંગ્રેજ અમલદારો, ‘દેશી’ વેપારીઓ, મુંબઈના અગ્રણીઓ વગેરે સાથે ઊઠતાબેસતા થયા. ‘ફરદુનજીશેઠ’ તરીકે ઓળખાતા થયા.
પણ ચડતી પછી પડતી. પારસી કેલેન્ડરની કાળગણના અંગે વિવાદ થયો તેમાં ઝંપલાવ્યું. વાત વણસી. બે પક્ષના માણસો વચ્ચે મારામારી પણ થવા લાગી. વિરોધીઓએ ચાલાકીપૂર્વક એક મિલકતના કિસ્સામાં ફરદુનજીને સપડાવ્યા. સાથોસાથ ‘ફરદુનજી ભાંગ્યા’ એવી અફવા ફેલાવી. દેવું ચૂકવવા વાડી-વજીફા વેચ્યા, ‘મુંબઈ સમાચાર’ અને તેનું છાપખાનું વેચ્યું. છતાં બે લાખ રૂપિયાનું દેવું બાકી રહ્યું. એ વખતે દેવાદાર માટેના અંગ્રેજ હકુમતામાંના કાયદા ભારે કડક હતા. એટલે મુંબઈ છોડી પહેલાં વસઈ ગયા, અને ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૧મી તારીખે ત્યાંથી દમણ જઈ વસ્યા. કારણ દમણમાં પોર્ટુગીઝ શાસન હતું તેથી અંગ્રેજ સરકારના કાયદા ત્યાં લાગુ ન પડતા. પણ જીવ હતો છાપખાનામાં. એટલે દમણમાં પહેલા લિથોગ્રાફ અને પછી મુવેબલ ટાઈપ વાપરતું છાપખાનું શરૂ કર્યું. તેમાં પણ થોડાં પુસ્તકો છાપ્યાં. સાથોસાથ વૈદક અને જ્યોતિષીના ધંધા પણ કર્યા. ૧૮૪૭ના માર્ચ મહિનાની ૨૩મી તારીખે ફરદુનજી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. ગુજરાતી મુદ્રણ રૂપી શકુંતલાના જનક વિશ્વામિત્ર હતા બહેરામજી છાપગર, પણ ફરદુનજી તેના પાલક પિતા બન્યા. એટલું જ નહિ, ફરદુનજી એટલે અર્વાચીન યુગના પહેલા ગુજરાતી લેખક, સંપાદક, અનુવાદક, ખબરપત્રી, તંત્રી, મુદ્રક, પ્રકાશક, પુસ્તક વિક્રેતા. એક નહિ, અનેક જ્યોતિને ધારણ કરનાર જ્યોતિર્ધર.