દંતકથાત્મક અને મુક્ત વિચારધારાના આ માલિકે ભારતીય મહાકાવ્ય ‘મહાભારત’ને નાટ્યકૃતિ રૂપે વિશ્વભરમાં રજૂ કરીને એક ઇતિહાસ રચેલો
એટલાન્ટીક સમુદ્રની પાર, સાત સાત દાયકા લગી, અત્યંત મહત્ત્વાકાંક્ષી, સાહસિક અને અનંત સર્જનાત્મક સ્ટેજ વર્ક કરનાર વીસમી સદીના મહાન થિયેટર ડિરેક્ટર પીટર બ્રૂક હવે નથી રહ્યા. 97વર્ષની વયે ગઇકાલે [03 જુલાઈ 2022] આખરી શ્વાસ લઈને આ મહાન કલાકારે એમની જીવનલીલા સંકેલી લીધી.
એમના મૃત્યુના સમાચાર એમના પુત્ર દ્વારા મળ્યા, પરંતુ પીટરબ્રૂક ક્યાં અવસાન પામ્યા એ વિષે ન જણાવ્યું. “પીટર એક શોધક હતા.” થિયેટર ડિરેક્ટર પીટર હોલે એકવાર કહેલું. રંગમંચની સરહદ પરના આ પ્રથમ સૈનિક જીવનભર થિયેટર દ્વારા સત્યને શોધવાની કોશીશ કરતાં રહ્યા. એમની પેઢીના એ એક મહાન ઇનોવેટર હતા. Maverick, Classicist, Romantic જેવા અનેક વિશેષણો દ્વારા એની વિશ્વ વ્યાપી ઓળખ ઊભી થયેલી, પરંતુ, પીટર કોઈ ઓળખના પિંજરે પુરનારા વ્યક્તિ નહોતા. બ્રિટિશ નાગરિકત્વ ધરાવનારા પીટર બ્રૂક 1970થી પેરિસમાં જ રહેતા હતા. વ્યાવસાયિક રંગમંચમાં એમણે વર્ષો સુધી કામ કર્યું, અને શેક્સપિયરના ‘મિડ સમર્સ નાઈટ’ અને પીટર વેઇસ(Peter Weiss)ની એક ક્લાસિક કૃતિનું પુનઃ નાટ્ય રૂપાંતર કરીને 1966માં અને 1971માં પ્રતિષ્ઠિત ટોની એવોર્ડ પ્રાપ્ત કરેલો.
માત્ર ક્લાસીસીસ્ટની ઇમેજને ભાંગીને ભુક્કો કરી દેવા માટે એણે દર્શકોને ખૂબ ગમી જાય એવી એક લોકપ્રિય સંગીતમય કૃતિ “ઇર્મા લાદૂસ( Irma La Douce)નું સર્જન પણ કર્યું. આર્થર મિલરની મહાન નાટ્ય કૃતિ ‘ અ વ્યૂ ફ્રોમ ધ બ્રિજ’નું પણ મંચન કર્યું. બ્રિટનમાં પણ અવાર નવાર નિવાસ કરીને પીટર બ્રૂકે મહાન નાટ્યકારો શેક્સપીયર, બર્નાર્ડ શો, બેકેટ, સાત્રે અને ચેખોવનાં નાટકો સર્જતાં રહ્યા અને મંચન કરતાં રહ્યા. પીટર એક ખૂબ પ્રયોગશીલ અને સાહસિક હતા. રિસ્ક લેનારા ડિરેક્ટર હતા. વેદ વ્યાસ રચિત ભારતીય સંસ્કૃત મહાકાવ્ય ‘મહાભારત’નું નવ કલાકનું અદ્દભુત નાટ્ય રૂપાંતર કરીને પીટરે એમની પ્રતિભાને ચાર chand લગાવી દીધેલાં. 1987માં ફ્રાંસમાં નિર્માણ થયેલી આ કૃતિને ન્યૂયોર્કના સ્ટેજ પર રજૂ કરીને એમણે નાટ્ય જગતને વધુ સમૃદ્ધ કરી દીધું, વધુ રળિયાત કરી દીધું! પીટરની એ મહાન નાટ્ય કૃતિમાં દ્રૌપદીના પાત્રમાં આપણાં મલ્લિકા સારાભાઇનો અભિનય પણ ખૂબ પ્રશંસા પામેલો એ યાદ આવે.
1995માં પુનઃ પીટરે એક કૃતિનું સર્જન ફ્રાંસમાં કર્યું. ઓલિવર સાક્સ(Olivar sacks)ની એક લોકપ્રિય કૃતિ ‘ધ મેન હૂ’(The Man Who)નું ન્યોયોર્કમાં મંચન કર્યું. ન્યૂરોલોજિકલ કેસ સ્ટડી ને દર્શાવતાં આ નાટકે નાટ્ય જગતમાં એક નવી જ કેડી કંડારી આપી.
સન 2011માં , 87 વર્ષની વયે, મોઝાર્ટની એક કૃતિ ‘મોઝાર્ટ્સ ફ્લૂટ’નું લિંકન સેન્ટર ફેસ્ટિવલમાં મંચન કર્યું. એમની પ્રલંબ અને યશસ્વી કારકિર્દીમાં સતત ઉત્સાહી, ઉદ્યમી અને સર્જક પીટરે લગભગ સો જેટલાં નાટકોનું દિગ્દર્શન અને પ્રોડકશન કર્યું.
માત્ર 21 વર્ષની વયે, જ્યારે 1946માં બેરી જેકસન જેવા મહાન ડિરેક્ટરના નેતૃત્વમાં ‘સ્ટ્રેટફોર્ડ –અપોન-એવન’માં સમર ફેસ્ટિવલનું આયોજન થયેલું, ત્યારે નવયુવાન પીટર બ્રુકે શેક્સપિયરની એક જાણીતી નાટ્યકૃતિ ‘લવ્સ લેબર લોસ્ટ’(Love’s Labour’s lost) રજૂ કરીને સન્માન પ્રાપ્ત કરેલું. ત્યારે સ્વયં જેક્સને એમની પ્રશંસા કરતાં કહેલું કે “મેં ક્યારે ય ન અનુભવેલો સૌથી યુવાન ભૂકંપ”.
માર્ચ 21, 1925માં લંડનમાં પીટર સ્ટીફન બ્રૂકનો જન્મ. પિતા સિમનબ્રિક લતીવાથી અહીં આવેલા એક જ્યુશ માઈગ્રંટ હતા. બાલ્ટિક ગામ છોડીને તેઓ મોસ્કો આવેલા અને ત્યાર બાદ ક્રાંતિકારી રાજકારણમાં જોડાયા, પરંતુ તરત જ એમને ત્યાંથી નાસવું પડ્યું. પહેલા તેઓ પેરિસ આવ્યા અને ત્યાંથી લંડન. અહીં તેઓ અંગ્રેજ નાગરિક બન્યા, અંગ્રેજી નામ પણ ધારણ કર્યું. સિમન અને એનાં પત્ની ઈદા – બંને કેમિસ્ટ બન્યાં અને લંડનમાં જ સ્થાયી થયાં. એમના ધંધાનો સારો વિકાસ પણ થયો.
એમના બે સંતાનોમાં નાનો પીટર ખાનગી સ્કૂલમાં ભણ્યો. શાળામાં એ મજાક મશ્કરીનો ભોગ બન્યો, દુ:ખી થયો. 16 વર્ષની વયે એને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો.
માત્ર સાત જ વર્ષની વયે, ટોય થિયેટરમાં એણે પોતાના માત-પિતા માટે હેમલેટની એક કૃતિનું ચાર કલાકનું વર્ઝન રજૂ કર્યું. એ વખતે બધા જ પાત્રોના સંવાદો એ સ્વયં બોલતો હતો. એક કિશોર તરીકે એ ભાગ્યે જ કોઈ થિયેટરમાં ગયો હશે! એની દૃષ્ટિએ થિયેટરમાં જવાનું ઉદાસ અને મૃત્યુ પામી રહેલ સિનેમાના એક અગ્રદૂત જેવુ હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો, કારણ કે પીટર બ્રકે 1943માં તો યુનિવર્સિટી ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી દીધેલી અને એનું તન-મન –ધન આ સંસ્થાને જ સમર્પિત કરી દીધેલું. આવા એક મહાન નાટ્ય નિર્માતા –દિગ્દર્શકને આખરી વંદન!