ભારતમાં ૧૮૫૭ના બળવા પછી ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીને નામંજૂર કરી ભારતનું રાજતંત્ર બ્રિટનના રાજવીઓએ હાથમાં લીધું. આ બનાવ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચેની દરિયાઈ મુસાફરી કરનાર બ્રિટિશ કુટુંબોની સંખ્યા વધી ગઈ. બ્રિટિશ આયાઓ કરતાં હિંદી આયાઓ સસ્તી પડે, તેથી ઘણાં કુટુંબો આ લાંબી મુસાફરી દરમિયાન બાળકોની સંભાળ રાખવા તેમને નોકરીમાં રાખતાં. એમાં મદ્રાસી આયાઓ ખાસ વખણાતી.
બ્રિટિશ કુટુંબોના ઘણા ફોટાઓમાં આ આયાઓ તેમનાં બાળકે જોડે આપણને જોવા મળે છે. એમને ફોટાઓમાં સાથે રાખવામાં એ કુટુંબોનો પૈસાપાત્ર તરીકેનો મોભો વધે એ જ આશય હતો.
૧૮૬૯માં સૂએઝ નહેર (કનાલ) ખૂલ્યા પછી, આ મુસાફરીઓનું પ્રમાણ વધી ગયું. એવું મનાય છે કે દર વર્ષે લગભગ ૧૪૦ આયાઓ ઈંગ્લંડ આવતી. દુ:ખની વાત તો એ હતી કે ઈંગ્લંડ પહોંચ્યાં પછી આ આયાઓને નેકરીમાંથી છૂટી કરવામાં આવતી. અમુક ભાગ્યશાળી આયાઓને ભારત પાછાં જતાં કે નવાં કુટુંબો નોકરીમાં રાખી લેતાં, પણ ઘણી આયાઓને ઈંગ્લંડ આવી પોતાનું પોષણ જાતે કરવું પડતું. પગારમાં મળેલી રકમ પૂરી ન થતાં ઘણી વાર તેમને ભીખ માગવાનો વારો આવતો. બિચારી એ સ્ત્રીઓ કંગાળ હાલતમાં ગંદા ઘરોમાં રહીને એકબીજાંને આધારે પેટ ભરતી.
એમની આવી હાલત જોઈ અમુક ક્રિશ્ચિયન મિશનરીઓ અને સ્થાનિક ચર્ચોએ ફાળો એકઠો કરી આ આયાઓને એક ઘર લઈ આપ્યું. પણ સાથે સાથે એમનો આશય આયાઓને ક્રિશ્ચિયન ધર્મમાં વટલાવવાનો હતો, જો કે એ આશયમાં તેમને કેટલી સફળતા મળી, એ માટે કોઈ નિશ્ચિત આંકડા મોજૂદ નથી.
૧૯૦૦ની સાલમાં લંડન સિટી મિશને આયાઓને પૂર્વ લંડનના હેક્ની બરોમાં, ૨૬ કિન્ગ એડવર્ડ રોડ પર, ઘર ખરીદી આપ્યું. ફક્ત ભારતીય જ નહીં પણ ચીન, મલેઝિયા વગેરે દેશોની આયાઓ પણ ત્યાં હતી. અમુક અમ્મા તરીકે ઓળખાતી હતી. ત્યાર પછી તેમને ૧૯૨૧માં ૪ કિન્ગ એડવર્ડ રોડ પર ઘર આપવામાં આવ્યું હતું, પણ તે મકાનની જગ્યાએ નવા ફ્લેટ્સ બની ચૂક્યા છે. એટલે તક્તિ મૂકાઈ છે ૨૬ નંબરના મકાન પર.
૨૬ કિન્ગ એડવર્ડ રોડના મકાન પર બ્લૂ તક્તિ મૂકાવવાની ઝૂંબેશ હાથ ધરી ફરહાના મામુજી નામની એક ગુજરાતી યુવતીએ.
ફરહાનાનો આશય એના જ શબ્દોમાં અહીં મૂકું છું :
“The first aim was to campaign for a Blue Plaque with English Heritage to raise a fundamental awareness amongst the public. This was after discovering records online, which I highlighted in my application. It’s been dishearteningly hard to find first-hand accounts from the Ayahs themselves due to their background being obliterated, but I was able to find second-hand sources via English matrons or law officials and other documented evidence e.g. there’s a story about a group of Ayahs who were found in a dilapidated shack, getting horrendously drunk together; another reports an Ayah who stole jewellery from their owner to pawn in order to secure the passage back to India. Often caught by police, some were even referred to as murderesses in the press. There are also many visual records of Ayahs in the background of period paintings as well as in photographs.”
ફરહાનાને પોતાના સંશોધન માટે આધારભૂત વધુ માહિતિ મળી બીજી એક ગુજરાતી બહેન ડો. રોઝિના વિસરામનાં બે પુસ્તકોમાંથી. જે માટે એ રોઝિનાનું ઋણ અદા કરે છે. એ પુસ્તકો હતાં :
Originally published in 1986
Published in 2002
ફરહાનાએ ઉપાડેલી ઝૂંબેશ આખરે ફળીભૂત થઈ ૧૬ જૂન ૨૦૨૨ના દિવસે. એ અવસર પર હું હાજર હતી અને એ તક્તિ પર ઢાંકેલો પડદો ખોલી આ મકાનને લંડનનું ઐતિહાસિક સ્મારક બનાવનાર બહેનો હતી – બ્રિટનની લેખિકા અને એક્ટર મીરા સ્યાલ અને અનિતા આનંદ, જે બ્રિટિશ રેડિયો અને ટેલિવિઝનની પ્રિઝેન્ટર, પત્રકાર અને લેખિકા છે.
તે પ્રસંગે શરૂઆતમાં The English Heritage London Blue Plaque Schemeના CEO Kate Mavor એ આ સ્કીમનો ઇતિહાસ જણાવતાં કહ્યું કે રાષ્ટ્રીય ક્ષેત્રે આ સ્કીમ ૧૮૬૬માં શરૂ થઈ હતી અને લંડનની સ્કીમ ૧૯૮૬માં સ્થપાઈ. સ્ત્રીઓને પણ પુરુષો જેટલું મહત્ત્વ મળે તે માટે ૨૦૧૬માં ‘Plaques for Women’ની સ્કીમ શરૂ થઈ. એમણે એમ પણ જણાવ્યું કે લંડનમાં ૯૫૦ બ્લૂ તક્તિઓ છે, જેમાં ફક્ત ૧૪% પ્રસિદ્ધ સ્ત્રીઓનાં રહેઠાણો પર છે, જેમાં લઘુમતિ પ્રજાની સ્ત્રીઓ જવલ્લે જ જોવા મળે છે, એટલે આજનો આ પ્રસંગ ઐતિહાસિક દૃષ્ટિએ પણ બહુ મહત્ત્વનો છે, જેનો જશ ફરહાના અને રોઝિનાને જાય છે.
ત્યાર બાદ રોઝિના વિસરામે આયાઓ વિશેની પાર્શ્વભૂમિકા રજૂ કરતું વક્તવ્ય આપ્યું, તે ઉપરાંત બ્રિસ્ટલ યુનિવર્સિટીના લેક્ચરર ડો. Florian Stadtlerએ પણ એ વિષયમાં તેમણે કરેલા સંશોધન વિશે કહ્યું અને ત્યા રબાદ ફરહાનાએ પોતાના ઝૂંબેશની વાત કરી; અને છેવટમાં, હેક્નીનાં એક મહિલા કાઉન્સિલરે ૫૦ જેટલી હાજર રહેલી વ્યક્તિઓ, જેમાં મુખ્યત્વે સ્ત્રીઓ હતી, એમનો આભાર માન્યો હતો. એ પ્રસંગના ફોટાઓ અહીં પ્રસ્તુત છે.
e.mail: bv0245@googlemail.com
પ્રસંગોચિત છબિઓ :