2019માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાંગ્લાદેશ તરફથી ‘શાંતિનિકેતન અને બેલિયાઘાટામાં ગાંધીજી’ની થિમ પર આ ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો
કવિએ ભલે ભોમિયા વિના ભમવા ચાહ્યું હોય, આપણે સારુ તો કેમ જાણે ભોમિયા રૂપે જ એમણે ચચ્ચાર ‘ગુજરાત સ્તવનો’ રમતાં મૂક્યાં જ છે. એ સ્તવનોના ઉજાસમાં વાત કરતે કરતે આપણે ગયે અઠવાડિયે, બરાબર ગુજરાત દિવસે સ્તો, ગાંધીજી અને રવીન્દ્રનાથ – એકમેકના ‘મહાત્મા’ અને ‘ગુરુદેવ’ કને લાંગર્યા હતા.
આજે અલબત્ત ખબર નથી કે ગઈ કાલે 7 મે, રવીન્દ્ર જયંતી પર્વે ગુજરાતે એનું મન કેવું ને કેટલું, કઈ દિશામાં આપ્યું છે. હમણાં તો જો કે વખતોવખત લાગ્યા કરતું હોય છે કે ગુજરાતે એમને બંનેને પ્રસંગે યાદ કરવાનો ઉપચાર બાદ કરતાં એકંદરે અભરાઈ રાબેતો જાળવી રાખ્યો છે.
ગાંધીજી અને રવીન્દ્રનાથને મળવાનું તો જરી મોડેથી થયું છે. પણ દક્ષિણ આફ્રિકાના ભાંડુઓની ભાળ લેવા ગયેલા દીનબંધુ (ચાર્લ્સ એન્ડ્રુઝ) મારફતે બંનેના પરોક્ષ સંપર્કની શરૂઆત થઈ હતી. ગાંધી ને એન્ડ્રુઝ તો એટલા નજીક આવી ગયેલા કે એકબીજાને ‘મોહન’ ને ‘ચાર્લી’ તરીકે સહજ સંબોધતા.
આ પરોક્ષ સંપર્ક અલબત્ત આગળ વધવાને નિરમાયેલો હતો કેમ કે કાયમ માટે ભારત આવવાનું નક્કી કર્યા પછી પોતે આવે તે આગમચ ગાંધીજીએ આશ્રમસાથીઓના એક જથ્થાને શાંતિનિકેતન મોકલી આપ્યો હતો.
શાંતિનિકેતનના પ્રબંધનમાં ત્યારે દ.બા. કાલેલકર કાર્યરત હતા. વતન પરત થઈ ગાંધીજી સાથીઓને મળવા શાંતિનિકેતન ગયા ત્યાં એમનો ને કાલેલકરનોયે પરિચય થયો. (રવીન્દ્રનાથ પાછળથી જરી પ્રણયકલહ પેઠે ગાંધીજીને ફરિયાદ પણ કરતા કે તમે અમારા દત્તુબાબુને લઈ ગયા તે લઈ જ ગયા … પાછા આપવાનું નામ જ નથી લેતા!)
કાલેલકરના મિત્ર કૃપાલાની ત્યારે મુઝફ્ફર કૉલેજમાં ઇતિહાસના અધ્યાપક હતા. કાલેલકરે કૃપાલાનીને લખ્યું કે આફ્રિકાખ્યાત ગાંધી અહીં છે. તું મળવા આવ. આમ તો બેઉ ફર્ગ્યુસોનિયન, હિમાલયના રસિયા સહયાત્રી અને વળી ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે ય કંઈક સંકળાયેલા. પણ હવે એક હિમાલય સદૃશ પ્રતિભાના સંપર્કે નવો અધ્યાય નિરમાયેલો હતો.
કૃપાલાની ને ગાંધીની એ પહેલી મુલાકાત! ‘તેઓ અવારનવાર મારા તરફ ટીકીને જોતા હતા.’ કૃપાલાની લખે છે, ‘તે પરથી મેં ધાર્યું કે તેઓ મારું માપ કાઢે છે.’ વળી સટાક ઉમેરે છે, ‘હું પોતે પણ એ જ કરતો હતો.’
એ આરંભિક મુલાકાતોમાં ગાંધીજીના રાજકીય વિચારોની તો કૃપાલાની પર ખાસ અસર નહીં થઈ હોય, પણ ‘હું જોઈ શક્યો કે તેઓ ગરીબો પ્રત્યે કેવળ સહાનુભૂતિ જ નહોતા ધરાવતા, પણ ગરીબોની જેમ જીવવા પ્રયત્ન કરતા હતા. ગરીબો પ્રત્યેનો તેમનો પ્રેમ નહોતો બૌદ્ધિક કે નહોતો વેવલો કે નહોતો ભાવનાપ્રધાન. તેઓ ગરીબોને મુરબ્બીની પેઠે મદદ નહોતા કરતા, તેઓ તેમની સાથે તાદાત્મ્ય અનુભવવા મથતા હતા.’
ગમે તેમ પણ તે પછી બે’ક વરસે ચંપારણની જાતતપાસ માટે જતાં ગાંધીજી મુઝફ્ફરપુરમાં કૃપાલાનીના મહેમાન થયા. ગાંધીજીએ એમને પૂછ્યું કે ચંપારણના પ્રશ્ન વિશે તમે શું જાણો છો. કૃપાલાનીએ જણાવ્યું કે ખેડૂતો સાથે ક્રૂરતાથી વર્તાવ થઈ રહ્યો છે. તે સિવાય મને ખાસ ખબર નથી.
આટલું સંભાર્યા બાદ કૃપાલાનીએ જે ટિપ્પણ કર્યું છે તે અર્થગર્ભ છે : ‘તે જમાનામાં આપણું રાષ્ટ્રાભિમાન એવું હતું કે પાસેના ગામડામાં શું બની રહ્યું છે એની પણ આપણને ખબર નહોતી! આપણે શિક્ષિતો એક અલગ વર્ગ તરીકે રહેતા હતા. આપણી દુનિયા શહેરો અને કસબાઓ તથા આપણા શિક્ષિતો પૂરતી મર્યાદિત હતી. આમજનતા સાથે આપણો સંપર્ક જ નહોતો.’
રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજચિંતનનું આ અભિનવ અર્થઘટન જોયું તમે? ગરીબો સાથે મુરબ્બીવટ નહીં પણ તાદાત્મ્યની સાધના – અને દેશ એટલે કોઈ અમૂર્ત કલ્પના નહીં પણ આમજનતા, એનાં સુખ-દુ:ખ, એની સાથે સંધાન.
1922માં અમદાવાદમાં બ્રુમફિલ્ડની કોર્ટમાં (સરકિટ હાઉસમાં) ગાંધીજી પર કેસ ચાલ્યો છે અને સજા થઈ છે. (અદાલતમાં તસવીર તો ક્યાંથી ખેંચાય, પણ ર.મ.રા.નો ‘લંડન ટાઈમ્સ’માં પ્રકાશિત સ્કેચ એક મોંઘેરું સંભારણું છે.) જુબાનીમાં ગાંધીએ પોતાનો વ્યવસાય ખેડૂત અને વણકરનો કહ્યો છે.
સુદૂર બંગાળમાં અનુશીલન સમિતિના એક ક્રાંતિકારી મિત્ર નોંધે છે કે હું રહું છું ત્યાં નીચેના ભાગમાં એક ગરીબ મુસલમાન વણકર રહે છે. એને ગાંધીની ચળવળ વિશે તો શું ખબર હોય, પણ ‘મારો જાતભાઈ’ પકડાયો છે એ ખયાલે એની આંખોમાં આંસુ આવી ગયાં! ક્રાંતિકારી તે અમે અનુશીલનવાળા … કે આ ગાંધી?
એ જ વરસના ડિસેમ્બરમાં રવીન્દ્રનાથ અમદાવાદ આવ્યા છે ને ગાંધીસૂના આશ્રમમાં ‘એમની ગેરહાજરીથી તમને સૌને કેવું વસમું લાગતું હશે એ હું સમજું છું’ એ ઉદ્દગારો સાથે પોતે ગાંધીજીને મહાત્મા કેમ કહે છે એનીયે હૃદયવાર્તા માંડી છે : ‘મને ખાતરી છે કે મહાત્માજીનો આત્મા તમારી વચ્ચે સક્રિય છે એવું તમે અનુભવી રહ્યા હશો. ‘મહાત્મા’ એટલે મહાઆત્મા, મુક્ત આત્મા … એનું જીવન ‘સ્વ’માં સીમિત નથી … એની જીવનચર્યા સમગ્ર વિશ્વ માટે, સમસ્ત મનુષ્યજાતિ માટે છે, નહિ કે સીમિત જગત અને સંકુચિત જીવન માટે.’
મેનું પહેલું અઠવાડિયું વટાવતે વટાવતે ગુજરાત જોગ જે ઇતિહાસબોલ સાંભર્યા, મહાત્મા ને ગુરુદેવ વાટે, તે અહીં ઉતારતા ઊંબરે ઊભી વાલમબોલ સાંભળતો હોઉં એમ લાગે છે. પણ ગાંધી-રવીન્દ્રે એકવીસમી સદીને કે બેસતી નવી સહસ્ત્રાબ્દીને જે ઇતિહાસ-ખો આપી છે એની સામે ગુજરાત બલકે ભારત ક્યાં છે? ચોથી જૂને એનો એક જાડો જવાબ જડે તો જડે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 08 મે 2024