મરાઠીમાં कौतुक એક મજાનો શબ્દ છે. આ શબ્દ અસલ મરાઠીમાં જે ભાવ સૂચવે છે તેના માટે બિલકુલ બંધબેસતો કોઈ એક ગુજરાતી શબ્દ મને તો વર્ષોથી જડી રહ્યો નથી.
कौतुक એટલે હેતથી કરેલાં વખાણ, હેતથી આપેલી શાબાશી, હેતભર્યાં વખાણની મનની અવ્યક્ત લાગણી. मेघा छान गायली म्हणून सासुबाईंनी तिचं खूप कौतुक केलं અથવા संगीता कराटे चॅम्पियन आहे याचं तिच्या घरातील सर्वांना खूप कौतुक आहे અથવા स्टेजवर बक्षिस घ्यायला उभ्या असलेल्या आपल्या मुलीकडे तो कौतुकानी पहात होता આવી રીતે આ શબ્દ વપરાય છે.
મારા જન્મ સાથે મા થકી મને મળેલી ભાષાનો આ શબ્દ મને ઉર્વીશભાઈના પુસ્તક ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ના 16 જુલાઈએ યોજાયેલા ઉદ્દઘાટન સમારંભ માટે બરાબર બંધબેસતો લાગે છે.
એ અવસરની મહેક મારા મનમાં આજે ચૌદ દિવસ પછી પણ છે. વરસાદ અને ઢળતા સૂરજની અવરજવરભરી સુંદર સાંજે કાર્યક્રમમાં આવેલાં સહુના મનમાં ઉર્વીશભાઈ માટે कौतुक કહેતાં હેતભર્યા વખાણની લાગણી હતી. દરેકના ચહેરા પર જાણે ઓછવનો આનંદ હતો.
આમ તો ચાર-પાંચ દિવસથી જે મિત્રો સાથે ફોન પર વાત થાય, એને છેડે આ આવે : ‘…તો શનિવારે ઉર્વીશના કાર્યક્રમમાં મળીએ.’ આ વાત લગભગ ‘ઉર્વીશ-સોનલના લગનમાં મળીએ’ એવા તાલે કહેવાતી હતી.
મિત્રો પણ દેખીતી રીતે નોખા-નોખા હોય. મહેમદાવાદ કૉલેજના અધ્યાપક જિતેન હોય, સિનિયર પત્રકાર નયીમ, બૅન્કમાં કામ કરતો અઝીઝ, ભાવનગરની એન.જી.ઓ.માં કામ કરતો પાર્થ, બી.બી.સી.માં દિલ્હી ખાતે કામ કરતો સુરેશ, ઉમિયા કૉલેજના અધ્યાપક અજય રાવલ, સ્કૉલરશીપ પર પરદેશ જનારો શારિક … આ બધા અને આવા બીજા થોડાક સાથેની વીતેલાં અઠવાડિયામાં થયેલી વાત ‘ઉર્વીશને ત્યાં’થી પૂરી થતી.
વડોદરા, ભાવનગર, માણસા, મુંબઈ અને કોને ખબર બીજે ક્યાં ક્યાંથી મહેમાન આવ્યાં હતાં. ‘ઉર્વીશભાઈ અનેક જુદા જુદા પ્રકારના માણસોને જોડનારી કડી છે’ – એવી મારા મનની વાત કાર્યક્રમ દરમિયાન ધૈવત ત્રિવેદીએ કેવી સરસ કરી!
જો કે ઘણાં બધા લોકો આવવાના છે, વરસાદની આગાહી છે, જમવાનું પણ છે – આવી બધી હકીકતો ધ્યાનમાં આવતી ગઈ તેમ મને એમ થવા લાગ્યું કે ‘આમણે કેટલાંકને બોલાવ્યા છે ? જેની સાથે વાત કરો તે એ કાર્યક્રમની જ વાત કરે છે ?’ – મને મારા સ્વભાવ મુજબ નાહકની ચિંતા પણ થતી હતી. પણ રાહત તરીકે દસ ‘સાર્થક જલસા’ સહિત એવો પણ બહોળો સ્વાનુભવ હતો કે ઉર્વીશ અને ‘સાર્થકવાળા’ ઇવેન્ટ મૅનેજમેન્ટના એક્કા છે. આપણે જેવો કાર્યક્રમ બે-ત્રણ વર્ષે માંડ એક વાર માથે ભાર રાખીને કરી શકીએ તે કાર્યક્રમ કરતાં વધુ વહીવટવાળા બે-ત્રણ પ્રસંગ આ ‘સાર્થકવાળા’ દર વર્ષે હસતાં-રમતાં પાર પાડે છે.
‘સફર’ પુસ્તકના સમારંભમાં ઉર્વીશભાઈના લેખનના દાયકાની મજાની ઝલક હતી. આખા ય કાર્યક્રમમાં ભરપૂર wit – નર્મમર્મ છલકાતો હતો, કૃતજ્ઞતા હતી, દિવંગતોનું ભાવપૂર્ણ સ્મરણ હતું. દીપકભાઈ, હેતલબહેન, પ્રશાંતભાઈ, પ્રણવભાઈ, પૂર્વીબહેન – આ ઉર્વીશભાઈની પેઢીના તેમના ભાઈબંધો. તેમની વાતોમાં દોસ્તારી અને દિલદારી હતી, નેકદિલી અને ખેલદીલી હતી. સંભારણાના મુલકની ઝલક હતી. ઉર્વીશ માટેનું कौतुक ઊભરાતું હતું. પછીની પેઢીના ધૈવતભાઈ અને હર્ષલભાઈમાં મૈત્રીભાવ સહિતનો આદર હતો.
ઉર્વીશભાઈએ પોતાના આદરસ્થાનો, તેમના ‘ઘરના ઠાકોરજી’ (household deities) એવી પાંચ વ્યક્તિઓને મંચ પર બેસાડી હતી, તેમને હાથે પુસ્તકનું ઉદ્દઘાટન કરાવ્યું, પણ તેમની પાસે વક્તવ્યો ન અપાવ્યાં. તેની પાછળના વિવેકની વાત પોતાના બયાનમાં કરતાં ઉર્વીશભાઈએ એમ કહ્યું કે એ બધાં એને બાળપણથી કે ઘડતરનાં વર્ષોથી જોતાં આવ્યાં છે. એટલે એ એનાં વખાણ (મારા શબ્દોમાં कौतुक) જ કરે, જેનું એને કાર્યક્રમના સંદર્ભે ઔચિત્ય જણાતું ન હતું.
ઉર્વીશભાઈનું પોતાનું વક્તવ્ય કંઈક મોટા અવાજવાળું, કંઈક વધારે પડતાં assertive tone વાળું, લગભગ breathless અને હંમેશ મુજબની સાફ સમજવાળું હતું. તેમાં પોતાના વ્યવસાય અંગેની ટિપ્પણી હતી, સાથે આ પુસ્તકના આશયની સ્પષ્ટતા હતી. આ આત્મકથા નથી, તેનો હેતુ આત્મશ્લાઘાનો કે ખુદને પ્રસ્થાપિત કરવાનો નથી, એ મુદ્દો પહોંચાડવામાં desperationની છાંટ પણ હતી.
‘સાચવણ’ શબ્દના ઉપયોગથી ઉર્વીશભાઈએ documentation દસ્તાવેજીકરણની આખી વૃત્તિ-પ્રવૃત્તિને જે લાગણીનો સ્પર્શ આપ્યો તે લાજવાબ હતો. અલબત્ત, આ પુસ્તક જેવું પુસ્તક ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં લખાયું નથી, એ મતલબના વિધાનનો અભ્યાસપૂર્ણ, નક્કર આત્મવિશ્વાસ પણ નોંધપાત્ર હતો.
પુસ્તકનું નિર્માણ પણ અત્યંત દૃષ્ટિસંપન્ન, માવજતભર્યું, elegant, impeccable છે, જેને પુસ્તકનિર્માણના ક્ષેત્રે એક માપદંડ benchmark ગણવાનું મન થાય તેવું છે.
પુસ્તક તો પહેલાં કહ્યું તેમ કૌતુકાલય museum જ છે. સાચવણમાં, ફરીથી ઉર્વીશભાઈના શબ્દોમાં કહું તો ‘જોણું’ કેટલું બધું છે ! પાનેપાને, ઠેરઠેર ‘જોણાં’ છે. પહેલાં જોઉં કે પહેલાં વાંચું કે બંને સાથે કરું એવું થઈ જાય. જો કે મેં આ ત્રણમાંથી કશું જ ખુદને સંતોષ થાય તે રીતે કર્યું નથી. એકથી વધુ વખત અલપઝલપ પુસ્તક જોયું, browse કર્યું તેમાં રોમાંચ થયો.
પુસ્તકમાંથી સમજાય છે કે આરંભે ખાસ કોઈ માહોલ કે બાહ્ય મોટિવેશન વિના ઉર્વીશભાઈ પત્રકારત્વમાં પ્રવેશ્યા. તેમણે ખૂબ લગન અને મહેનતથી, મેમદાવાદથી બારે ય મહિના અપ-ડાઉન કરીને, ટૂંકા રસ્તા કે aberration વિના, હાસ્યલેખન સહિતની અસાધારણ વૈવિધ્ય અને ગુણવત્તાપૂર્ણ કામગીરી કરી.
પુસ્તકમાં તેનો બડાશ વિનાનો, યથાયોગ્ય સ્વમૂલ્યાંકન સાથેનો આલેખ છે. વાચનરસિકો માટે તેની ચુસ્તીભરી લખાવટ રોચક છે અને આખું પુસ્તક નવોદિતો માટે પ્રેરક છે. ‘ધ્રુવીકરણ અને ધિક્કારના યુગમાં પ્રવેશ’ અને ‘ઝેરનાં વાવેતર પછી મબલખ ફસલની મોસમ’ પ્રકરણોમાં તે પહેલાંના પ્રકરણો કરતાં જુદા ઉર્વીશભાઈ દેખાયા. આ બદલાવ નિર્ણાયક જણાયો છે.
ખૂબ અગત્યનો લાગ્યો તે ‘સફર ચાલુ છે …’ વિભાગ, અને તેમાં ય આ સફરના કેટલાક મહત્ત્વના પડાવ. ઉર્વીશભાઈની કારકિર્દીના એક દાયકાનું પ્રેક્ષણીય સ્મરણરંજન પુસ્તકમાં માણ્યા બાદ, છેલ્લાં સાત પાનાંમાં નોંધાયેલી, પછીના દાયકાની, અને બિલકુલ નજીકના સમયની કર્મઠતા તરફ ધ્યાન દોરવું જરૂરી છે.
‘સફર ચાલુ છે …’ વિભાગના કેટલાંક મથાળાં હેઠળ ઉર્વીશનાંભાઈનાં કેટલાંક બહુ ઊંચા સ્તરના, આપણાં સમયના બહુ ઓછા ગુજરાતી પત્રકારોએ કરેલાં કામ નોંધાયાં છે. તેમાં ઉર્વીશભાઈના વિવિધ કૌશલ્યોની સાથે જ્ઞાનઝંખના અને એકંદર નિસબતનો નિર્દેશ મળે છે. તેમાંથી થોડાંક કામ મેં વત્તાં-ઓછાં જોયાં છે, તેમની ગુણવત્તા-મહત્તાની મને પ્રતીતિ છે.
એવાં કેટલાંક મથાળાં અને તેની નીચેના લખાણ પર વાચકોએ સહેજ વિગતે ધ્યાન આપવા જેવું છે. તે આ મુજબ છે : વૈશ્વિક માનવવાદ, અંગ્રેજી બ્લૉગ, સાયબર સફર, રિડીફ અંગ્રેજી, ‘સેપ્ટ’માં ‘હિસ્ટરિ ઑફ ઇન્ડિયન પૉલિટિક્સ થ્રૂ કાર્ટૂન્સ’ વિષય પર સેપ્ટમાં સમરસ્કૂલ, ‘ગાંધીજીના લખાણોમાં હિંદુ-મુસ્લિમ સંબંધોનું નિરૂપણ (વિચારપત્ર ‘નવજીવન’ના સંદર્ભમાં) વિષય પર ગુજરાત વિદ્યાપીઠમાંથી ડૉ. અશ્વિનકુમારના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી., ગાંધીજીના પત્રવ્યવહારમાંથી પાંચસોથી વધુ પત્રોનો રામચન્દ્ર ગુહા માટે અંગ્રેજી અનુવાદ, બી.બી.સી. ગુજરાતીમાં ગાંધીજી વિશેના અણિયાળા સવાલોના આધારભૂત જવાબો આપતી ત્રીસેક ભાગની શ્રેણી, ‘ધ પ્રિન્ટ’ વેબસાઇટમાં ગાંધી, સરદાર, પટેલ, નહેરુ અને ડૉ.આંબેડકર વિશે અભ્યાસલેખો, કોવિડ કાળમાં એપ્રિલ 2020થી ‘ડિજિટલ નિરીક્ષક’ના રોજેરોજ આઠ પાનાંના કુલ 65 અંકનું ચંદુભાઈ મહેરિયા સાથે સંપાદન, આ જ ગાળામાં ટ્વિટર પર હિંદીમાં સો દિવસ સુધી રોજ હાસ્યવ્યંગ વીડિયો. આ વીડિયોઝમાંથી જૂજ જોયાં હતાં. તેમાં સાંપ્રત માટેના તેના આક્રોશને ધારદાર કટાક્ષના માધ્યમથી વ્યક્ત કરવામાં રહેલી તેની પ્રતિભા અને અગન બંને માટે ભારોભાર માન ઊપજ્યું હતું, અને અલબત્ત ચિંતા પણ થઈ હતી.
અત્યારે આ સ્વકથન અને દસ્તાવેજીકરણ એક રોમાંચકારી વાચન પૂરું પાડે છે. પણ ઉર્વીશભાઈ જ્યારે તેનાં પ્રકરણો ફેઇસબુક પર મૂકતા હતા ત્યારે એક-બે વાર અલપઝલપ જોયાં પછી મને એના વિશે ખાસ ઉમળકો થયો ન હતો. એ વખતે આ ઉપક્રમ બાબતે કોઈને cynical લાગે તેવી મારી માન્યતા એ હતી કે ઉર્વીશભાઈના પત્રકારત્વના અનુભવોની વાત વાંચવા કરતાં હું, દાખલા તરીકે, પી. સાઇનાથ, મનોજ મિત્તા કે વિવેક ખેતાનના અનુભવોને વાંચવાનું વધુ પસંદ કરું; જો ઉર્વીશભાઈ આવું અને આટલું લખે તો અરુણ શૌરી કે રવીશ કુમારને કેવું અને કેટલું લખવાનું થાય ?
આ માન્યતમાં ઉર્વીશભાઈ માટેનો અણગમો કે દ્વેષભાવ નથી,એવું કહેવાની ભાગ્યે જ જરૂર છે. પણ તેની પાછળ પત્રકારત્વની મારી પોતાની વિભાવના કામ કરે છે.
મુદ્રિત માધ્યમો એટલે કે મુખ્યત્વે છાપાં અને સામયિકોનાં પત્રકારત્વના, મારી સમજ પ્રમાણે, મેં બે પ્રકાર પાડ્યા છે. પહેલો પ્રકાર તે એકંદર ઑફિસની અંદર રહીને સમાચાર પસંદગીથી લઈને સંપાદન-સંમાર્જન અર્થાત copy-editingમાં થઈને page making અને printing થકી અખબાર વાચકના હાથમાં પહોંચે ત્યાં સુધીનું કરેલું કામ. તેમાં સંપાદકીય નીતિ, સંપાદકીય લેખન, પ્રાસંગિક લેખન, સંશોધિત લેખન, વિષ્લેષણ અનુવાદ જેવી બાબતો આવે છે.
પત્રકારત્વનો મારી દૃષ્ટિએ બીજો પ્રકાર તે રિપોર્ટિંગ તેમ જ ફીલ્ડવર્કથી સમાચાર અને વિશેષ સમાચાર (સ્ટોરી) લખવાનું પત્રકારત્વ. તે પ્રકાર અંગેના મારા ખ્યાલમાં ફીલ્ડ વર્ક સાથેની પડકારભરી હાર્ડ સ્ટોરી, સ્થાપિત વ્યવસ્થાના દૂષણોને ખુલ્લાં પાડવાની મથામણ, નાનો-મોટો impact અને making a differenceની કોશિશ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આવું કંઈ ઑફિસમાં બેસીને કરેલા પત્રકારત્વ થકી થઈ શકે કે કેમ એ અંગે મને શંકા છે. અલબત્ત, ઑફિસ-પત્રકારત્વ એને મોટા પાયે પૂરક બની શકે. અખબારને જીવાતી દુનિયાના એક મહત્ત્વના ઘટક ગણનાર વાચક અને એક નાગરિક તરીકે મારી પોતાની વધારે રુચિ બીજા પ્રકારના પત્રકારત્વમાં છે.
બીજા પ્રકારના, મને વધુ મહત્ત્વના લાગતા પત્રકારત્વનો મારો ખ્યાલ જે છૂટાછવાયાં, મર્યાદિત વાચનથી બંધાતો રહ્યો છે તેમાંથી કેટલુંક આ મુજબ છે : ઘણાં વર્ષોથી ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’, ‘એક્સપ્રેસ ગ્રૂપ’ના જ રામનાથ ગોયન્કા અવૉર્ડસ ફૉર જર્નાલિઝમ માટે દર વર્ષે પસંદ થતી સ્ટોરીઝ, એક ટૂંકાં ગાળાનું અંગ્રેજી ‘ઇન્ડિયા ટુડે’, અરુણ શૌરી (જેમની પાચસો પાનાંની આત્મકથા The Commissioner for Lost Causes હું અત્યારે થોડી થોડી વાંચી રહ્યો છું) અને પી. સાઇનાથનું કામ, ‘તહેલકા’ની કેટલીક સ્ટોરિઝ, કૉલેજનાં વર્ષોમાં વાંચેલું All the President’s Men, રાના અયૂબનું ‘Gujarat Files’ અને નિરંજન ટકલેનું ‘Who Killed Judge Loya ?’ જેવાં પુસ્તકો.
અત્યારે પણ અખબારોમાં મને મારા ખ્યાલ મુજબની આવી પત્રકારિતા ભલે ઓછા પ્રમાણમાં પણ જોવા મળે છે, ત્યારે મને તેના માટે માન થાય છે, કારણ કે ગયાં પંદરેક વર્ષથી investigative, critical પત્રકારિતા માટે વધુ કપરો સમય આવતો રહ્યો છે. મુદ્રિત અખબારો-સામયિકોમાં માત્ર રૂટિન કામ કે ટેબલ વર્ક કરનારને, વિવિધ પ્રકારના લેખો લખનારને હું પત્રકાર ગણતો નથી એવું નથી, તેમના માટે મને અણગમો છે એવું પણ નથી. તેમાંથી મેં ઘણું મેળવ્યું જ છે. તેમાંથી જે ઉત્તમ છે તેમને તેમના કામ મુજબ પહેલાં પ્રકારના પત્રકારત્વના અચ્છા સહસંપાદક, પ્રતસંપાદક, નિરીક્ષક, વિશ્લેષક, સંશોધક તરીકે સાદર સ્વીકારું.
પત્રકારત્વ તરફના આ દૃષ્ટિબિંદુ સાથે મારે ઉર્વીશભાઈનું પુસ્તક વાંચવાનું થઈ રહ્યું છે. તે મારી સમજ મુજબના પહેલાં પ્રકારના પત્રકારત્વમાં આવે છે. તેમાં તેની સફરના કૌતુકાલયની મુલાકાત અલબત્ત આનંદદયી જ છે.
સૌજન્ય – ફોટો : ડૉ. અશ્વિનકુમાર, ફોટો કોલાજ : નીતિન કાપૂરે
29 જુલાઈ 2022
********
‘મારી પત્રકારત્વ-લેખનની સફર ‘, સાર્થક પ્રકાશન, અમદાવાદ, ફોન 9825290796, પાનાં 8+290, રૂ. 990/- પ્રાપ્તિસ્થાન : બુકશેલ્ફ, સી.જી. રોડ, અમદાવાદ
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર