કુટુંબમાં અને સમાજમાં જેમનું વર્ચસ હતું એ લોકો સમાનતા અને માનવતાના નામે પોતાનું વર્ચસ છોડવા માગતા નહોતા, પણ છેલ્લી બે-ત્રણ સદીમાં તેમને તે છોડવું પડ્યું છે તેની પીડા તેમને કવરાવે છે. તેઓ ગુમાવેલું વર્ચસ પાછું મેળવવા માગે છે અને જે કાંઈ હજુ હાથમાં છે એ તેઓ ગુમાવવા માગતા નથી. પણ કરવું શું? હવે તેમને માર્ગ જડી ગયો છે. આ જો કે થવાનું જ હતું કારણ ક્રિયા-પ્રતિક્રિયા કુદરતનો ક્રમ છે. સુધારાવાદીઓની અથવા તો પરિવર્તનવાદીઓની ક્રિયા સામે પોતાનો ફાયદો જળવાઈ રહે એવી સમાજવ્યવસ્થાને ટકાવી રાખવા માગનારાઓની પ્રતિક્રિયા પેદા થવાની જ હતી. ભદ્રંભદ્રો હવે રમણભાઈ નીલકંઠનાં પાનાંઓમાંથી બહાર આવવા લાગ્યા છે.
તેઓ આપણી આસપાસ જ હતા, પણ હવે સોશ્યલ મીડિયા દ્વારા તેમનો ગોત્રમેળ જામી ગયો છે. તેમને સંગઠિત થવા મળ્યું છે અને હામ ખુલ્લી ગઈ છે. પહેલાં ગાંડી-ઘેલી દલીલ કરતાં તેઓ શરમાતા હતા પણ હવે ડિજીટલી ટોળાંમાં હોવાથી તેમનામાં હિંમત આવી ગઈ છે. બીજું ચોક્કસ વર્ગની વર્ચસવાળી જડ સનાતનતાને ધર્મ, સંસ્કૃતિ, સમૃદ્ધ પરંપરા, આપણા અમૂલ્ય વારસા સાથે જોડી દેવાઈ છે. આ પહેલાં પણ આવો પ્રયાસ કરવામાં આવતો હતો, પરંતુ હવે ડિજીટલ પ્લેટફોર્મ્સ હાથ લાગવાથી તેમની લૂલી દલીલોને તેઓ એક દૃષ્ટિકોણમાં અથવા તો એક પક્ષમાં ફેરવી રહ્યા છે. આ પણ એક પક્ષ છે જેને સાંભળવો જોઈએ. આ પણ એક જીવનમાર્ગ છે અને તે જ સાચો છે, વગેરે.
ત્રીજું આ લોકો જેમની વોટબેંક છે એવા રાજકીય પક્ષો કે નેતાઓ (માત્ર ભારતમાં નહીં, જગત આખામાં) બહુમતી પ્રજાનાં ધર્મ અને સંસ્કૃતિને રાષ્ટ્ર સાથે જોડી આપે છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ. આ શબ્દપ્રયોગ તમે સાંભળ્યો હશે. ઉપરથી તેમણે બહુમતી પ્રજાને એક અથવા એકથી વધુ દુશ્મન પકડાવી દીધા છે. રમત એવી છે કે દુશ્મનોએ કરેલાં કહેવાતાં કૃત્યોને તમે અહર્નિશ યાદ કરતા રહો. તમે ભૂલવા માગતા હો અને કામે લાગવા માગતા હો તો પણ તેઓ તમને ભૂલવા ન દે. રોજ કાંઈક એવું કરે કે તમને દુશ્મનની યાદ આવતી જ રહે. દુશ્મનોનાં કૃત્યો યાદ કરીને ક્રોધિત થાવ, રડો, તમારી અંદર પ્રતિશોધની અગ્નિજ્વાળા પેદા કરો અને આપણા ભવ્ય વારસાને અને અતીતમાં કરેલા પુરુષાર્થને યાદ કરીને પોરસાવ. કેવી મહાન સંસ્કૃતિનો વારસો આપણે ધરાવીએ છીએ એમાં કોઈ ઉણપ હોય! જે ઉણપ શોધે છે અને તેમાં પરિવર્તનની માગણી કરે છે એ લોકો દેશદ્રોહી છે. આપણા વારસાને નકારે એને આ દેશમાં રહેવાનો અધિકાર નથી. તેમને તો પાકિસ્તાન મોકલી આપવા જોઈએ, વગેરે.
આમ ડિજીટલ પ્લેટફોર્મ્સ દ્વારા સંગઠિત થયેલા ભદ્રંભદ્રોને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો સ્વીમીંગ પુલ મળી ગયો છે જેમાં તેઓ ધુબાકા મારે છે. બીજી બાજુ તેનો ઉપયોગ કરનારા રાજકીય પક્ષોને અને નેતાઓને મજબૂત વોટબેંક મળી ગઈ છે. ઘડીકમાં ચસકે નહીં એવી.
અહીંથી ખતરનાક ખેલ શરૂ થાય છે. સંગઠિત થયેલા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નશામાં રહેતા ભદ્રંભદ્રોની મજબૂત વોટબેંકનો લોકતાંત્રિક ઉપયોગ કરીને સત્તા સુધી પહોંચો અને એ પછી લોકતંત્રને નબળું પાડો. લોકતંત્ર દ્વારા જ લોકતંત્રને ક્ષીણ કરો. તમે કાંઈ પણ કરો; પરિવર્તનનો વિરોધ કરનારાઓ, ગુમાવેલું વર્ચસ પાછું મેળવવા માગનારાઓ અને અતીતમાં રાચનારાઓનો ટેકો મળતો રહેશે. લોકતંત્રને ક્ષીણ કરવું એટલા માટે જરૂરી છે કે તમારે ઊંધી દિશામાં પાછા ફરવું છે અને તે પ્રચંડ બહુમતીવાળા પણ પ્રાણ વિનાના લોકતંત્ર વિના શક્ય નથી. બન્ને વસ્તુ જરૂરી છે; પ્રચંડ બહુમતી પણ જરૂરી છે અને નિષ્પ્રાણ લોકતંત્ર પણ જરૂરી છે. ટૂંકમાં લોકતંત્ર દ્વારા લોકતંત્રને મારવું છે.
આ કેવી રીતે કરી શકાય? બહુ સરળ છે. લોકતંત્રમાં અદના નાગરિકના અધિકારોની અને મૂળભૂત માનવીય મૂલ્યોની રક્ષા કરનારી સંસ્થાઓમાં આપણા વિચારોના માણસોને ભરો. મીડિયામાં, યુનિવર્સિટીઓમાં, શાળા-કૉલેજોમાં, કેળવણી મંડળોમાં, સાહિત્ય અને સાંસ્કૃતિક સંસ્થાઓમાં, પોલીસ દળમાં, તપાસકર્તા સંસ્થાઓમાં, વહીવટીતંત્રમાં, ચૂંટણીપંચમાં, બીજી લોકશાહી સંસ્થાઓમાં અને નાયતંત્રમાં આપણા માણસોને ભરો. આપણે પાછા ફરીશું અને પદ તેમ જ પ્રતિષ્ઠિતા ધરાવનારાઓ તેને મંજૂરી આપશે. પોતાનું વર્ચસ પુન: સ્થાપિત કરવા ઈચ્છનારાઓનો ટેકો તો મળવાનો જ છે. વળી મીડિયા અને શિક્ષણસંસ્થાઓ આવતીકાલ માટે પણ ભદ્રંભદ્રો પેદા કરવાનું કામ કરવાના જ છે એટલે ચિંતા નથી.
અમેરિકામાં આવું જ બન્યું. ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વરસ માટે અમેરિકન પ્રમુખ બન્યા અને તેમણે સર્વોચ્ચ અદાલતમાં ખ્રિસ્તી-શ્વેત સર્વોપરિતાવાદી જૂનવાણી વિચાર ધરાવનારા લોકોને મોટી સંખ્યામાં જજ તરીકે નીમ્યા. તેમણે ૧૯૭૨માં મહિલાઓને આપવામાં આવેલા ગર્ભપાતના અધિકારને ઉલટાવતો ચુકાદો આપ્યો. આનો અર્થ એ થયો કે અમેરિકામાં ટ્રમ્પ નામના માણસે સત્તા ગુમાવી હોવા છતાં ટ્રમ્પપ્રવૃત્તિ સત્તામાં છે. રખેવાળ જ આપણા હોય તો ચિંતા શી વાતની? લડીઝઘડીને માંડ મેળવેલા અધિકારો એકલવ્યો પાસેથી પાછા છીનવી લેવાના છે. અહીં એકલવ્ય એ તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેને વર્ચસ ધરાવનારા લોકોએ હાંસિયામાં રાખ્યા હતા અને તેમની સાથે અન્યાય કરવામાં આવતા હતા અને આજે પણ હજુ અન્યાય કરવામાં આવે છે. દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ, ધાર્મિક અને વાંશિક લઘુમતી કોમો, નાસ્તિકો, સમલિંગીઓ, કિન્નરો, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિચારનારાઓ અને પ્રશ્ન કરનારાઓ વગેરે બધા જ.
તો બોધપાઠ કોના માટે છે? ચેતવાની જરૂર કોને છે? બોધપાઠ કે ચેતવણી એ એકલવ્યો માટે કે એકલવ્યોના વારસો માટે છે જે રાષ્ટ્રવાદના રંગથી રંગાયેલા છે. તેમને ભાન નથી કે તેઓ પોતે જ સામે ચાલીને પોતાની કબર ખોદી રહ્યા છે. પૂર્વજોએ લડીઝઘડીને અને મોટી કીમત ચૂકવીને જે મેળવ્યું હતું તેને તેઓ પાછા એ લોકોને જ ચરણે ધરી રહ્યા છે જે ત્યારે આપવા માગતા નહોતા અને આજે પાછા છીનવી લેવા માગે છે.
ધબકતી પ્રાણવાન લોકશાહીમાં નબળાઓને સુરક્ષા મળે છે. સામાજિક નિસરણીમાં નીચલા પગથિયે રહેલાઓને લોકશાહીમાં સુરક્ષા મળે છે. જેને માટે સામાજિક નિસરણીમાં કોઈ જગ્યા જ નથી તેને તો સૌથી વધુ સુરક્ષા મળે છે, કહો કે નિસરણીમાં ચડવાની જગ્યા મળે છે. આર્થિક રીતે બે પાંદડે થઈ ગયા એનો અર્થ એવો નહીં સમજતા કે તમે બ્રાહ્મણ થઈ ગયા. બ્રાહ્મણ એ જાત નથી, પવૃત્તિ છે જેનો સ્વભાવ વર્ચસતાવાદી છે.
વિચારો, તમારું અને તમારી આવનારી પેઢીનું હિત શેમાં છે!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 જુલાઈ 2022