સુપ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શક કૃષ્ણકાન્ત – કે.કે. – માહિતી ખાતાના હોલમાં, કદાચ 1977માં, ગુજરાતી ફિલ્મો અંગે વાતો કરવા સુરત આવેલા, ત્યારે તેમને સાંભળવા ગયેલો. તેમાં ફિલ્મ બનાવવા અંગેની કોઈ વાત હશે ને મેં ઊભા થઈને કહેલું કે શ્યામ બેનેગલ જેવા, 5 લાખ ખેડૂતોના બબ્બે રૂપિયામાંથી ‘મંથન’ જેવી ફિલ્મ બનાવી શકતા હોય, તો ગુજરાતી ફિલ્મો બનાવવાનું અઘરું ન બનવું જોઈએ. એ વાત અત્યારે કરવાનું કારણ એ છે કે ‘મંથન’ 48 વર્ષ પછી, 77માં કાન્સના રેડ કાર્પેટ વર્લ્ડ પ્રીમિયરમાં પહોંચી છે. ‘મંથન’ અનેક રીતે નોંધપાત્ર ફિલ્મ ત્યારે હતી ને આજે ય છે.
આજે તો ફિલ્મ મેકિંગનું બજેટ અબજો પર પહોંચ્યું છે ને કરોડો રૂપિયામાં મોં મારવામાંથી અભિનેતાઓ કે અભિનેત્રીઓ ઊંચા નથી આવતાં, ત્યારે 1976માં રિલીઝ થયેલી ‘મંથન’ 10 લાખના બજેટમાં બની હતી એ વાત ગળે ન ઊતરે, પણ હકીકત તો એ જ છે. ભારતની એ પ્રથમ ક્રાઉડ-ફન્ડેડ ફિલ્મ હતી. એ પછી આમ લોકો પાસેથી ફાળો ઉઘરાવીને બીજી કોઈ ફિલ્મ બની હોય એવું ધ્યાનમાં નથી. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા નિર્મિત આ ફિલ્મ એક તરફ કાન્સમાં પહોંચી છે અને અમૂલ બ્રાન્ડનાં નામ હેઠળ દૂધ અને દૂધનાં ઉત્પાદનોનું વેચાણ કરતું આ ફેડરેશન તેની સુવર્ણ જયંતી ઊજવી રહ્યું છે. ‘મંથન’નો સ્ટોરી આઇડિયા શ્વેત ક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયનનો છે ને એને ડેવેલપ બેનેગલે કર્યો છે.
ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાનું કહેવું છે કે ફિલ્મ, ડેરી સહકારી ચળવળથી પ્રેરિત છે. આ ફિલ્મે દેશભરના લાખો ખેડૂતોને ડેરી સહકારી મંડળીઓ બનાવવા પ્રેર્યા છે અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યા છે. આજે તો કો-ઓપરેટિવ સોસાયટીઓ ઉત્પાદકને ઓછું આપે છે ને ગ્રાહક પાસેથી વધુ વસૂલી બેવડી મલાઈ ખાય છે, પણ ઉત્પાદકોને વધુ મળે એ હેતુ આવી મંડળીઓ શરૂ કરવાનો હતો. આ ફિલ્મે ખેડૂતોમાં એવો આત્મવિશ્વાસ જગાવ્યો કે પશુપાલન અને દૂધ ઉત્પાદન આજીવિકાનું સબળ માધ્યમ બની શકે છે. 1998માં ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો ને ત્યારથી તે આજ સુધી તેણે એ સ્થાન જાળવી રાખ્યું છે. ‘મંથન’ને 1977નો શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ને તે ઉપરાંત વિજય તેંડુલકરને પણ બેસ્ટ સ્ક્રીન પ્લેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. 1976ની શ્રેષ્ઠ વિદેશી ભાષાની કેટેગરીમાં એકેડેમી એવોર્ડ માટે પણ આ ફિલ્મ ભારત તરફથી સબમિટ થઈ હતી.
*
સેમલા સ્ટેશન પર ટ્રેન આવતી દેખાય છે ને ગુજરાતનાં 5 લાખ ખેડૂતો આ ફિલ્મ રજૂ કરે છે એવી લાઇન સાથે ‘મંથન’ ટાઇટલ સ્ક્રીન પર આવે છે, એ સાથે જ નીતિ સાગરનું ગીત ‘મેરો ગામ કાથા પારે …’ પ્રીતિ સાગરના અવાજમાં શરૂ થાય છે. ‘હે મારે ઘર અંગનાના ભૂલો ના’માં ‘હે’ જે લહકાથી ગવાય છે તે મનમાં રમ્યા કરે એવો છે. આમ તો આ ફિલ્મ ગુજરાતનાં કોઈ પ્રોડ્યુસર-દિગ્દર્શકે બનાવવી જોઈતી હતી, પણ તે બેનેગલે બનાવી ને તેને એટલી ગુજરાતી તો રાખી જ કે તેની હિન્દી ભાષા પણ ગુજરાતી વાતાવરણ બાંધવામાં ઉપકારક નીવડે. ફિલ્મમાં એક જ ગીત બેકગ્રાઉન્ડમાં ગવાતું રહે છે ને નાયિકા બિંદુ(સ્મિતા પાટિલ)નાં હૈયાના ભાવોને પ્રગટ કરતું રહે છે. ફિલ્મમાં ગીત ન હોય એ બને, પણ એક જ ગીત હોય ને તે પણ બેકગ્રાઉન્ડમાં ગવાતું હોય એવો આ એક જ દાખલો મારી જાણમાં છે. વનરાજ ભાટિયાનું સંગીત સૌરાષ્ટ્રી વાદ્યો સાથે કાઠિયાવાડી વાતાવરણ ઊભું કરવામાં ઉપકારક છે. ફિલ્મના સંવાદોમાં જે ગામઠી ભાષા-બોલીનો ઉપયોગ થયો છે તેણે ફિલ્મમાં પ્રાણ પૂર્યો છે. ગોવિંદ નિહલાનીએ પછી તો દિગ્દર્શક તરીકે ઘણું કાઠું કાઢ્યું, પણ આ ફિલ્મમાં તેમની નયનરમ્ય ફોટોગ્રાફી એવી સરસ છે કે ગામની નિર્જન બપોર અને ધૂળિયા સૂના માર્ગોની ઉદાસી સ્પર્શ્યા વગર ન રહે. એ ઉપરાંત આગનાં, અંધકારનાં, ક્રોધ, કરુણાના ભાવો પણ કેમેરા અત્યંત સજીવ રીતે પ્રગટ કરે છે.
રેલવે પ્લેટફોર્મ પર મહાપાત્ર (સાધુ મહેર) અને ગિરીશ કર્નાડ (ડો. મનોહર રાવ) સામાન સાથે ઊતરે છે ને તેમને રિસીવ કરવા આવનારાઓ મોડા પડે છે, તો કહે છે, ‘માફ કરજો, ગાડી ટાઈમ પર આવી ગઈ.’ તે વખતે ટ્રેન ભાગ્યે જ સમયસર આવતી હતી, એ વાત સૂચક રીતે કહેવાઈ છે. એવું જ યુવાનો આદર્શવાદી હોય છે એ સંદર્ભે શ્રી ગંગાનાથ ડેરીના જી.પી. મિશ્રા(ઓમ પુરી)ના મોંમાં આવો સંવાદ મુકાયો છે, ’યુવાનોમાં આદર્શ ભાવનાઓ જોઈને ખૂબ સારું લાગે છે, કારણ કે એ જલદી જ ગાયબ થવાવાળી ચીજ છે. આ દેશમાં આદર્શવાદીઓની ઘણી જરૂર છે.’ આવા માર્મિક સંવાદો કૈફી આઝમીના છે. મિશ્રાની ડેરીમાં ગામ લોકો દૂધ ભરે છે, પણ ફેટનાં પ્રમાણમાં તેની કિંમત મળતી નથી. વધારે કિંમત મળવી જોઈએ એ ભાન ડો. રાવ કરાવે છે.
ઢોરોનાં ડૉક્ટર રાવ ગામમાં ડેરી સોસાયટી (જેને ગામ લોકો ‘સિસોટી’ કહે છે) શરૂ કરવા આવ્યો છે, પણ ગામ લોકોને તેનો ભરોસો નથી પડતો. એવામાં એક દીકરો માંદો પડે છે ને તેનો ઈલાજ, માણસનો ડૉક્ટર ન આવતાં, આ ઢોરનો ડૉક્ટર કરે છે (જો કે, હરિજનોની સ્થિતિ ઢોરથી કૈં બહુ સારી ન હતી) ને દીકરો સાજો થઈ જતાં ગામ લોકો ડો. રાવ તરફ વળે છે. સોસાયટી શરૂ થવાની તકો વધે છે, પણ ગામનો સરપંચ અને હરિજનોનો માથા ફરેલ ‘ભોલો’ (નસીરુદ્દીન શાહ) જોડાતા નથી. જો કે, ‘સાંગણવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી’ની શરૂઆત તો થાય જ છે. સરપંચ (કુલભૂષણ ખરબંદા) પણ મંડળીમાં જોડાય છે ને ગામનાં લોકો પણ આવે છે, પણ ભોલો જોડાતો નથી, એટલે ઘણાં હરિજનો પણ જોડાતા નથી. રાવનું માનવું છે કે હરિજનો નહીં જોડાય તો એ ગરીબ ખેડૂતો માટેની મંડળી નથી એવો એનો અર્થ થશે, પણ પછી તો ભોલો પણ જોડાય છે ને મંડળી આખા ગામની બને છે.
મંડળીનો પ્રમુખ બનાવવા ચૂંટણી થાય છે ને હરિજન મોતી પ્રમુખ બને છે. એ વાતે 20 વર્ષોથી જીતતો આવેલો સરપંચ ઘવાય છે ને અલગ પડે છે. ગામમાં ચાલતું લોકલ પોલિટિક્સ પણ ફિલ્મમાં બતાવાયું છે. હરિજનવાસમાં આગ લગાવનારા જ ગામ લોકોને ઘરવખરી પણ આપે છે. ભેંશનું દૂધ વેચીને પત્ની ગુજરાન ચલાવે છે, એ જાણનાર પતિ ભેંશને ઝેર આપીને મારી નાખે છે, જેથી તે સોસાયટીમાં દૂધ ભરી ન શકે. ફિલ્મમાં ક્યાં ય દસ્તાવેજી મૂલ્ય ઊભું કરવાનો પ્રયત્ન નથી કે દૂધ મંડળીના લાભનો પણ પ્રચાર નથી. તેમાં સંવેદનશીલ દૃશ્યો, સ્પર્ધા, શત્રુતા જેવી ઘણી વાતો સહજ રીતે વણાઈ છે.
રાવની પત્ની શાંતા આવે છે, પણ તેને તે સમય આપી શકતો નથી ને ઘરમાં એકલી મૂંઝાતી પત્ની માંદી પડે છે. ભોલો શહેરી લોકોને ધિક્કારે છે, કારણ તેની માતાને એક શહેરી કોન્ટ્રાકટર જ ગર્ભવતી કરીને ભાગી ગયો હતો. એવી જ રીતે રાવનો સાથી પણ હરિજન છોકરીને લગ્નની લાલચે ભોળવે છે, તો રાવ રાતોરાત તેને ગામમાંથી હાંકી કાઢે છે. પત્નીની ગેરહાજરીમાં રાવની, બિંદુની નજીક જવાની ક્ષણો ઊભી થાય છે, પણ બિંદુ તે પામી જાય છે ને તેને ત્યાંથી જતાં રહેવાનું કહે છે. એ પછી રાવ અંતર રાખીને વર્તે છે. આર્થિક મદદ કરે છે, પણ બિંદુ એટલી સ્વમાની છે કે તેને ફગાવી દે છે. મિશ્રા બિંદુ પાસે એ કાગળ પર અંગૂઠો મરાવે છે, જેમાં રાવે તેની પર બળાત્કાર કર્યાની કબૂલાત છે ને બિન્દુને એની ખબર નથી. એ સાથે જ સંજોગો એવા ઊભા થાય છે કે બિંદુ, રાવને ઝંખતી થઈ જાય છે ને રાવ નજીક હોવા છતાં દૂરને દૂર થતો જાય છે. પછી તો બીમાર પત્નીને લઈને ડો. રાવ ગામ છોડી જાય છે. જે સેમલા ગામે રાવના આવવાથી ફિલ્મ શરૂ થયેલી એના જ ગામ છોડવાથી ફિલ્મ પૂરી થાય છે.
ના, ફિલ્મ પૂરી થતી નથી, કારણ સોસાયટી શરૂ કરાવનાર રાવના જવાથી સોસાયટી ભાંગી પડે એમ હતું, પણ ચાલે છે, જે સૌથી છેલ્લે જોડાયેલો, એ ભોલા અને ગ્રામજનો જ એ ચાલુ રાખે છે ને ‘મેરો ગામ કાથા પારે ..’ની પંક્તિઓ સાથે ફિલ્મ પૂરી થાય છે …
નસીરુદ્દીન શાહે અંગારા વેરતો સોંસરો અભિનય આપ્યો છે. સ્મિતા પાટિલ તો અભિનય માટે જાણીતી હતી જ, પણ આ ફિલ્મમાં તે પાત્રમાં એટલી ઓતપ્રોત છે કે કાઠિયાવાડી લાગ્યા વગર રહેતી નથી ! ધિક્કારના, તલસાટના ભાવો તે જે રીતે સમગ્ર વર્તનમાં પ્રગટ કરે છે તેની જોડ મળવી મુશ્કેલ છે. સરપંચ તરીકે કુલભૂષણ ખરબંદા એક આંખ બંધ કરીને જે વેધકતાથી જુએ છે તેમાંથી જમાનાના ખાધેલ માણસની છબી ઉપસે છે. ગિરીશ કર્નાડ શિક્ષિત, સ્વસ્થ અને સંતુલિત વ્યક્તિને સરસ રીતે ઉપસાવી આપે છે. ડેરી સંચાલક તરીકે સહાનુભૂતિ દર્શાવતા જઈને ઓમ પુરીએ ખંધા ને ખુરાંટ માણસને સ્ક્રીન પર જીવંત કરી દીધો છે. સ્ત્રી-પુરુષોની સ્થળકાળ પ્રમાણેની શહેરી અને ગામડાંની પ્રજાની વેશભૂષાએ પણ વાતાવરણ ખડું કર્યું છે. આ બધું જ શ્યામ બેનેગલે એક કાબેલ અભ્યાસુની જેમ એવી અસરકારક રીતે પ્રગટ કર્યું છે કે ‘મંથન’ શ્રેષ્ઠ ફિલ્મ થઈને જ રહે.
જેમણે થોડું પણ સારું જોવું, જાણવું છે તેમણે આ ફિલ્મ ચૂકવા જેવી નથી. 48 વર્ષ પછી પણ આ ફિલ્મને કાટ લાગ્યો નથી, તેનો એક જ પુરાવો એ છે કે તે 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ક્લાસિક વિભાગ હેઠળ મે, 2024માં પ્રસ્તુત થવા જઈ રહી છે. યાદ રહે, આવું સન્માન મેળવનારી તે ભારતીય ભાષાની એક માત્ર ફિલ્મ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 એપ્રિલ 2024