2024ની લોકસભા ચૂંટણીમાં આ વખતે લોકોમાં ઉત્સાહનો અભાવ દેખાઈ રહ્યો છે. કમ-સે-કમ, પ્રથમ ચરણમાં નોંધાયેલું 65.5 ટકાનું મતદાન, જે 2019 કરતાં 4 ટકા (69.9 ટકા) ઓછું હતું, તે રાજકીય પક્ષો અને રાજકીય નિરીક્ષકોને મુંઝવણમાં મૂકી ગયું હતું, ખાસ કરીને જ્યારે હજુ બીજાં છ ચરણો બાકી છે અને માથા પર કાળઝાળ ગરમી છે. ચૂંટણી પંચે પણ મતદારોમાં દેખાયેલા નિરુત્સાહથી સચેત થઈને, રાજકીય પક્ષોની જેમ જ, બીજા ચરણમાં વધુને વધુ મતદારો મતબૂથ સુધી આવે તે માટે બનતા પ્રયાસ કર્યા છે.
આ લેખ શુક્રવારે બીજા ચરણનું મતદાન પૂરું થયું ત્યારે લખાતો હતો, અને હજુ તેના સત્તાવાર આંકડા આવ્યા નથી, પરંતુ એકંદર વલણ જોતાં તે પહેલા ચરણ કરતાં પણ ખરાબ રહેશે એવું મનાય છે. બિનસત્તાવાર રીતે, બીજા ચરણમાં, ફક્ત 63 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું લાગે છે, જ્યારે 2019માં, આ બેઠકો પર 70 ટકાથી વધુ લોકોએ મતદાન કર્યું હતું.
ઓછા મતદાને રાજકીય પક્ષોનું ગણિત બગાડી મુક્યું છે. અગાઉ 2014 અને 2019માં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું, પરંતુ આ વખતે મતદારોનો ઉત્સાહ દેખાતો નથી.
ઉત્તર પ્રદેશ, જ્યાં આઠ બેઠકો માટે ચૂંટણી થઇ હતી, ત્યાં પાંચ વાગ્યા સુધીમાં પહેલા ચરણ કરતાં પણ ઓછુ મતદાન થયું હતું. પહેલા ચરણમાં જ્યાં 57 ટકા મતદાન થયું હતું, ત્યારે બીજા ચરણમાં 53 ટકા પણ મતદાન થયું નહોતું. સાંજે 5 વાગ્યા સુધી પૂર્વોત્તર રાજ્યોમાં જબરદસ્ત મતદાન થયું હતું, પણ ઉત્તર પ્રદેશની જેમ મહારાષ્ટ્ર, બિહાર અને મધ્ય પ્રદેશમાં સુસ્તી દેખાઈ હતી.
પ્રથમ ચરણમાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. તેમાં દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યા હતા, જ્યારે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આંશિક રીતે આવરી લેવામાં આવ્યા હતા.
બીજા ચરણમાં આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીર સહિત 13 રાજ્યોની 89 લોકસભા બેઠકો આવરી લેવામાં આવી છે.
એ વાત સાચી છે કે 2019ની સરખામણીએ આ વખતે પ્રથમ ચરણનું મતદાન તુલનાત્મક રીતે ઓછું નોંધાયું છે. પાછલી લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણમાં 20 રાજ્યોની 91 બેઠકો પર મતદાન થયું હતું. આ વખતે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું, જેમાંથી 65.5 ટકા મતદાન થયું હતું. તેમાં 0.5 ટકાનો તફાવત છે. જો કે, જે બેઠકો પર મતદાન થયું છે તે 2019માં ત્યાં નહોતી. તેથી, મતદાનની ટકાવારીની બેઠક મુજબની સરખામણી યોગ્ય નથી.
અલબત્ત, પ્રથમ ચરણમાં મતદાનમાં વધઘટને એકંદર ચૂંટણી પરિણામો સાથે જોડવું ઉતાવળું કહેવાય, પણ જો સળંગ ત્રણ ચરણ સુધી ઓછું મતદાન થાય તો, ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકાય. અમુક રાજ્યોમાં તો ચૂંટણીમાં જરા ય ઉત્સાહ દેખાતો નથી (જેમ કે ગુજરાત) અને જ્યાં ભા.જ.પ. સિવાયનું શાસન છે ત્યાં જ કટ્ટર ટક્કર થઇ છે કારણ કે ભા.જ.પ.ને ત્યાં સ્ટીમરોલર ફેરવવું છે. શું ભા.જ.પ.નાં ગઢ મનાતાં રાજ્યોમાં મતદરો અને પાર્ટીના કાર્યકરો વધુ પડતા આશ્વસ્ત થઇ ગયા છે?
ઓછા મતદાન માટે એવું કહેવામાં આવે છે કે મતદારો સરકાર પ્રત્યે ઉદાસીન છે અને જેમ ચાલતું હોય તેમ ચાલવા દો તેવા મૂડમાં છે, પણ ભારતમાં ચૂંટણીનો ઇતિહાસ દર્શાવે છે કે ઓછા અને વધુ મતદાનનાં પરિણામો લગભગ મિશ્ર રહ્યા છે. તેમ છતાં, મતની ઘટેલી ટકાવારીએ તમામ પક્ષોને ચિંતામાં મૂકી દીધા છે, અને બંને પક્ષો તરફથી હારના જોખમનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
પ્રથમ ચરણમાં મતદારોની સંખ્યા ઘણી ઓછી નજર આવતાં ગત સોમવારે રાત્રે ભા.જ.પ.માં આ અંગે એક બેઠકમાં ચર્ચા થઈ હતી. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી. તે પછી કાર્યકર્તાઓ અને પક્ષના પ્રમુખોને સંદેશ આપવામાં આવ્યો કે તેઓ મતદારોને બહાર નીકળવા અને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે.
આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અને ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરી હતી. સોમવારે ઉત્તર પ્રદેશના અલીગઢમાં પોતાની રેલી દરમિયાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ઓછા મતદાનનો ઉલ્લેખ કર્યો હતો. 2014માં જ્યારે ભા.જ.પ. સત્તામાં આવી ત્યારે 66 ટકા મતદાન થયું હતું. વર્ષ 2009માં માત્ર 58 ટકા મતદાન થયું હતું.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પ્રથમ ચરણમાં ઓછા મતદાનથી કાઁગ્રેસની આંખોમાં ચમક આવી છે અને લોકોનો ‘મૂડ’ જોઈને રાહુલ ગાંધીની સાથે તેમની બહેન પ્રિયંકાને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. રાહુલ ગાંધી વયનાડની સાથે અમેઠી, જ્યારે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તેમ મનાય છે. પ્રિયંકાની પહેલી ચૂંટણી હશે. અત્યાર સુધી તેઓ પક્ષ માટે પ્રચાર કરી રહ્યાં છે, પરંતુ તેમણે સીધી ચૂંટણી લડી નથી. કાઁગ્રેસે અત્યાર સુધી સગાંવાદના આરોપો અથવા અન્ય કોઈ કારણોસર પ્રિયંકાને મેદાનમાં ઉતારવાનું ટાળ્યું છે.
પ્રથમ તબક્કાના મતદાનની અનેક દૃષ્ટિકોણથી સમીક્ષા કરવામાં આવી રહી છે. વિપક્ષ તેને પોતાના ફાયદામાં જુવે છે, જયારે બીજી બાજુ સત્તાધારી ભા.જ.પ. માટે એવું કહેવાય છે તેના કાર્યકરો ‘400 પાર’ના નારાથી અતિ વિશ્વાસમાં આવી ગયા છે અને ‘400 નહીં તો 300 તો આવશે જ’ તેવા વિશ્વાસથી નિશ્ચિંત થઇને નિષ્ક્રિય થઇ ગયા છે.
અલબત્ત, મતદાનની ટકાવારીમાં ઘટાડો ભા.જ.પ. છાવણીમાં ચિંતાનો વિષય છે. આ જ કારણ છે કે પ્રથમ ચરણના મતદાન પછી અને બીજા ચરણ પહેલા જ હિંદુ-મુસ્લિમ મુદ્દો ઉછાળવામાં આવ્યો છે. કાઁગ્રેસનો ઘોષણાપત્ર વડા પ્રધાન પાસે અગાઉથી જ હતો, પરંતુ પ્રથમ ચરણના પ્રચારમાં તેમની અને અન્ય નેતાઓની સભાઓમાં ‘400 પાર’ અને ‘રામ મંદિર’ કેન્દ્રમાં હતું.
પ્રથમ ચરણના ઓછા મતદાન પછી ભા.જ.પ.ની છાવણીમાં પુનઃ મંથન થયું હતું અને બીજા ચરણ માટેના પ્રચારમાં વડા પ્રધાને કાઁગ્રેસના ઘોષણાપત્ર પર આક્રમક પ્રહારો કરવાનું શરૂ કરી દીધું હતું. એ જ વ્યૂહરચનાના ભાગરૂપે તેમણે ‘કાઁગ્રેસ દેશનાં સંસાધનોને મુસ્લિમોને આપવા માંગે છે’થી શરૂ કરીને ‘તમારાં મંગલસૂત્ર ચોરી જવા માંગે છે’ના આરોપ મુક્યા હતા. એવું પણ કહેવાય છે કે ‘400 પાર’ના નારાથી પાર્ટીના કાર્યકરો સુસ્ત થઇ ગયા છે એવું લાગતાં હવે એ સ્લોગનને કંઇક અંશે ‘ચૂપ’ કરવામાં આવ્યું છે.
વડા પ્રધાને 21 એપ્રિલે રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીમાં આરોપ લગાવ્યો હતો કે જો કાઁગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ ઘૂસણખોરો અને જેમને વધુ બાળકો હશે તેમને વહેંચી દેશે. કાઁગ્રેસ સત્તામાં આવશે તો મહિલાઓ પાસેથી મંગલસૂત્ર છીનવી લેશે. નરેન્દ્ર મોદી તેમણે આ વિચાર પાછળનું કારણ સમજાવ્યું અને કહ્યું કે 2006 માં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે તેમના નિવેદનમાં કહ્યું હતું કે દેશના સંસાધનો પર મુસ્લિમોનો પ્રથમ અધિકાર છે.
વડા પ્રધાનના આવા સીધા હુમલાથી ઘણા ઠરેલ લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ઘણા ચૂંટણી વ્યૂહરચનાકારોનું માનવું છે કે વડા પ્રધાન મોદી સહિત સમગ્ર ભા.જ.પ. દ્વારા કાઁગ્રેસના ઘોષણાપત્રમાંથી વારસાઈ કર અથવા એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ઘટાડવાના મુદ્દા ઉઠાવવાનું કારણ પ્રથમ ચરણનું ઓછુ મતદાન છે.
વડા પ્રધાનનું જોઈને ભા.જ.પ.ના મોટા નેતાઓએ પણ એવા મુદ્દાઓ પણ ઉઠાવવાનું શરૂ કર્યું છે જે છેલ્લા 5 વર્ષથી ‘વિકસિત ભારત’, ‘400 પાર’ અને ‘ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા’ના નારાઓમાં દબાયેલા હતા.
ચૂંટણી પરિણામો પર વધુ કે ઓછા મતદાનની અસર પડે છે? પરંપરાગત માન્યતામાં વધુ મતદાનને પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે જ્યારે ઓછું મતદાન ‘જેમ ચાલે છે તેમ ચાલવા દો’નો સંકેત છે. જો કે પાછલાં વર્ષોનાં આંકડા અને તથ્યો એવું માનવા પ્રેરતાં નથી.
રાજકીય લેખક અને પત્રકાર અમિતાભ તિવારી આંકડાકીય માહિતી આપતાં કહે છે કે 1951-52થી 2019 સુધી લોકસભાની 17 ચૂંટણીઓ થઈ છે. પ્રથમ ચૂંટણીને બાદ કરતાં, 16 ચૂંટણીઓમાં મતદાનમાં 6 વખત ઘટાડો થયો હતો અને 10 વખત વધારો થયો હતો. તેમાં 8 સરકારો ઘરે બેસી હતી અને 8 સરકારો ફરી સત્તામાં આવી હતી. જે 10 વખત મતદાન ઊંચું થયું હતું, તે ચૂંટણીઓમાં 4 સરકારો હારી હતી અને 6 વખત જીતી હતી. ટકાવારી પ્રમાણે, સરકારની 60 ટકા વખત સત્તામાં વાપસી થઇ હતી. જે 6 વખત મતદાનમાં ઘટાડો થયો, તે ચૂંટણીઓમાં સત્તાપક્ષ 4 વખત હારી ગયા હતા અને 2 વખત જીત્યા હતા. એનો અર્થ એ થયો કે સરકારોએ માત્ર ૩૩ ટકા વખત સત્તામાં વાપસી કરી હતી.
મતદાન માત્ર લોકોની લાગણીઓ પર જ નહીં પરંતુ મતવિસ્તાર, ઉમેદવારો, જાતિનાં સમીકરણ વગેરે પર પણ આધાર રાખે છે.
2014ની સરખામણીએ 2019માં 79 બેઠકો પર મતદાન વધ્યું હતું. આમાંથી 43 બેઠકો પર 2014ની વિજેતા પાર્ટી 2019માં ચૂંટણી હારી ગઈ હતી. બાકીની 36 પર, વિજેતા પક્ષ બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. 23 બેઠકો પર મતદાનમાં ઘટાડો નોંધાયો હતો. તેમાં 18 બેઠકો પર 2014નો વિજેતા પક્ષ ચૂંટણી હારી ગયો હતો અને બાકીની 5 બેઠકો પર વિજેતા પક્ષ બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યો હતો.
લાસ્ટ લાઈન :
“લોકશાહી એટલી ઉત્તમ હોય, જેટલી લોકોમાં તેને લઈને સમજ ઉત્તમ હોય.”
– સેનેકા, રોમન ચિંતક
(પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 28 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર