લોકશાહી વિષે ભણવાનું થયેલું ત્યારે એવું ભણાવાયેલું કે લોકશાહી લોકો માટે, લોકો દ્વારા ને લોકોની છે. આમ તો રાજાશાહી કે સરમુખત્યારશાહીમાં પણ લોકો તો હોય જ છે. એ જુદી વાત છે કે તે લોકો દ્વારા કે લોકોની નથી હોતી, પણ લોકો તેને માટે હોય છે. લોકો હોય તો તેને લૂંટી શકાય, તેનું અનેક રીતે શોષણ થઈ શકે. એ રીતે લોકો આપખુદશાહી માટે જરૂરી છે. રાજાઓને ગુલામ જરૂરી હોય, એમ જ લોકશાહીમાં લોકો જરૂરી હોય છે. ભારતમાં લોકશાહી છે એની ના નથી, પણ તે લોકો દ્વારા કે લોકોની હોય એવું દરેક વખતે સાચું નથી. એ ખરું કે લોકો બહુમતી આપીને પ્રતિનિધિઓને ચૂંટે છે. ચૂંટણી થાય છે ને એમ જે જીતે છે તે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ … થાય છે, પણ વડા પ્રધાન, મુખ્ય મંત્રી કે મેયર લોકો ચૂંટતા નથી. મંત્રીઓ પણ લોકો ચૂંટતા નથી. એમને જીતેલા લોક પ્રતિનિધિઓ ચૂંટે છે, અમેરિકામાં લોકો પ્રેસિડેન્ટ ચૂંટે છે, એવું ભારતમાં નથી. વડા પ્રધાન, મુખ્ય મંત્રી કોણ બને, કયા મંત્રીને કયું ખાતું મળશે જેવી બાબતોમાં લોકોનો સીધો ફાળો હોતો નથી. લોકોને વડા પ્રધાન ન ગમે કે મંત્રીઓને સોંપાયેલું ખાતું યોગ્ય ન હોય તો લોકો કૈં કરી શકતા નથી. લોકો ચૂંટે ખરા, પણ હોદ્દાઓ કે ખાતાઓની ફાળવણીમાં તેમનો હાથ નથી. લોકોને મંત્રી ન ગમે તો તે બદલી શકતા નથી. એનો અર્થ એ થયો કે ભારતીય લોકશાહીમાં લોકોને પ્રતિનિધિઓ ચૂંટવાનો અધિકાર છે, પણ મંત્રીઓ ચૂંટવામાં તેમનો મતજરૂરી નથી. એ તો ઠીક, પણ સરકાર બનાવવા જરૂરી સંખ્યાબળ એકઠું કરવાનું હોય ત્યારે જે પક્ષનો સહકાર લેવાય છે ત્યારે પણ લોકો તો બાજુ પર જ મુકાય છે. જરૂરી સંખ્યાબળ માટે જે પક્ષનો સહકાર લેવાય છે તે પક્ષને લોકો ઈચ્છે જ છે એવું દર વખતે નથી પણ બનતું. લોકો આવી મિશ્ર સરકાર માટે જવાબદાર ખરા, કારણ તેમણે જે તે પક્ષને ક્લિયર કટ મેજોરિટી આપી નથી. આપી હોત તો બીજા પક્ષનો સહકાર લેવાની વાત જ ઉપસ્થિત થઈ ન હોત. તાજાં ઉદાહરણથી આ વાત જોઈએ.
મહારાષ્ટ્રમાં જે સરકાર સામે આવી રહી છે, તે લોકોની ઈચ્છાની સરકાર ન હોય એમ બને અથવા ઠાકરેની જે સરકાર ગઈ તે પણ લોકોની ઈચ્છાની સરકાર જ હતી એવું પણ ક્યાં હતું? મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેની શિવસેનાનું જે વર્ચસ્વ એક સમયે હતું તેનું સ્વરૂપ હવે બદલાયું છે. શિવસેના સામે અનેક વાંધા હોય તો પણ, શિવસેનાનો આદર્શ હિંદુત્વનો જ હતો, કદાચ છે. મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ તો એને લીધે હિન્દુત્વ જ ઈચ્છે એમ બને. કેટલા ય લોકોએ એ મુદ્દે જ મત આપ્યા હોય ને જ્યારે સરકાર બનાવવામાં સંખ્યા ઘટે ને બીજા એવા પક્ષ સાથે જોડાણ કરવું પડે જેની માન્યતા શિવસેનાથી વિપરીત હોય તો એવું સમાધાન મતદારો ઇચ્છતાં હતા, માટે મત આપ્યા એમ કહી શકાય નહીં. શિવસેનાનું હિન્દુત્વ એન.સી.પી. ને કાઁગ્રેસ સાથે જાય ખરું? એ ન જતું હોય તો એવું જોડાણ કરીને શિવસેના તેની પોતાની આઈડિયોલોજીથી વિપરીત રીતે વર્તે તો એ ઘણાંને ન ગમે એમ બને. શિવસેનાના આટલા સૈનિકો સરકાર બનાવવાની લાલચમાં સામે ચાલીને દાંત-નખ એવા પક્ષોને હવાલે કરી દે જે એક પંગતે બેસી શકે એમ જ ન હોય ને છતાં બેસે તો એમાં કેવળ સત્તા સ્વાર્થ જ છે એ કહેવાની જરૂર નથી. દેખીતું છે કે એકનાથ શિંદે જેવા ચુસ્ત હિન્દુત્વવાદી નેતાને આ સમાધાન ખૂંચે ને તે એવી જ માન્યતા ધરાવતા ધારાસભ્યોને પાંખમાં લઈને વિદ્રોહ કરે તેમાં નવાઈ નથી.
એ પછી પણ એકલો એક પક્ષ સરકાર રચી શકે એમ ન હોય ને તેણે પણ ભા.જ.પ. જેવાને આશરે જવું પડે ત્યારે એટલો ફેર પડે કે સમાન વિચારસરણીવાળા સરકાર રચે, પણ અહીં પણ સમય જતાં શરતો વધે ને ત્યારે મૂળ પક્ષે સમાધાન જ સ્વીકારવાનું આવે અથવા તો સરકારથી હાથ ધોઈ નાખવા પડે એમ બનવાનું. શિવસેનાના એકનાથ શિંદેને મુખ્ય મંત્રી બનાવાય ત્યારે ભા.જ.પ. મહેરબાની કરે છે, ઉદારતા દાખવે છે એમ માનવું મુશ્કેલ છે. ભા.જ.પ. પોતાના જ મુખ્ય મંત્રી બનાવવાને મુદ્દે શિવસેના સાથે અગાઉ છેડો ફાડી શકતો હોય તો તે આ વખતે પોતાનો મુખ્ય મંત્રી મૂકવાને બદલે શિવસેનાના શિંદેને મુખ્ય મંત્રીનો તાજ પહેરાવવા સામે ચાલીને તૈયાર થાય એ ગળે ઉતારવાનું મુશ્કેલ છે. આ સંઘ કાશીએ પહોંચે તો એ ચમત્કાર જ ગણવાનો રહે.
શિંદે કે ફડનવીસનું મંત્રીપદું અત્યારે તો કોર્ટના નિર્ણય પર અવલંબે છે. એ જ કારણ છે કે દેવેન્દ્ર ફડનવીસને ભા.જ.પે. મુખ્ય મંત્રી નથી બનાવ્યા, કારણ 2019માં થોડા સમયનું મુખ્યમંત્રીપદ શોભાવવાનો અનુભવ તેમની પાસે ઓલરેડી છે જ ને ભા.જ.પ. ફરી એવો ટૂંકજીવી અનુભવ લેવા તૈયાર ન થાય તે સમજી શકાય એવું છે. એના કરતાં શિંદેને મુખ્ય મંત્રી બનાવાય તો એટલું તો બહાર આવે કે ભા.જ.પ.ને મુખ્યમંત્રીપદનો મોહ નથી ને ભા.જ.પ.નો હાથ ઉપર રહે તે નફામાં. એકનાથ શિંદેના બળવાખોર ધારાસભ્યો શિવસેના તરીકે સત્તા પર રહે ને એ શિવસેના મંજૂર રાખે એ મુશ્કેલ છે. શિવસેના સામે બળવો કરનાર શિવસેનાનો પણ સભ્ય ગણાય એવી ઉદારતા ઉદ્ધવ ઠાકરે દાખવે એ અશક્યવત છે. એટલે શિંદેના સાથીદારોનું સ્ટેટસ પણ સ્પષ્ટ કરવું પડે. 1991માં છગન ભુજબળે બળવો કરેલો ત્યારે તે જૂથને શિવસેના-બીની ઓળખ મળેલી એવું એકનાથ શિંદેનું જૂથ પણ જુદી ઓળખ પામે એમ બને. ગંધ તો એવી પણ આવે છે કે બળવો કરાવીને પ્રાદેશિક પક્ષનું વર્ચસ્વ તોડવાનો આ પ્રયત્ન હોય. એમ થાય તો રાષ્ટ્રીય પક્ષની બોલબાલા વધે. હવે જો શિંદે મુખ્ય મંત્રી તરીકે ચાલુ રહે છે તો બેકસીટ ડ્રાઇવિંગ કરતાં ભા.જ.પ.ને કોણ રોકે એમ છે એટલે 106 સભ્યો ધરાવતા ભા.જ.પ.ને વારે વારે શિંદેનું નાક દબાવવાની તકો તો ઊભી જ છે. શિંદે પાસે 39 વિધાયકો છે. એમણે સુરતથી ગુવાહાટી અને ત્યાંથી ગોવા ને ત્યાંથી મુંબઈ એમ તેમના સમર્થકોને ફેરવ્યા છે. એમાં ઘણાં ‘ફરી ગયા’ હોય એમ પણ બને, કારણ પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેનું માનવું છે કે શિંદેના કેટલાક સમર્થકોનું મન બદલાયું છે. જો એ સાચું હોય તો એ ધારાસભ્યોની દયા ખાવાની રહે જે બળવો પોકારીને ગુવાહાટી ઊડ્યા. એ તો જે થવાનું હશે તે થશે, પણ આ આખો ખેલ સત્તાની સાઠમારીનો છે. આમાં લોકો ક્યાં ય નથી ને કમાલ એ છે કે આ બધું લોકોને નામે થાય છે.
સરકાર કામ કરતી જ નથી એવું નથી. રેલવે, વીજળી, પાણી, રસ્તા, ખેતી વગેરેમાં સારી નબળી સૌ સરકારોએ ઓછુંવત્તું કામ કર્યું જ છે. તે વગર આટલી સગવડો લોકો ભોગવી શકે નહીં, પણ સરકારને મોટાં કામોમાં હોય છે એટલો રસ સાધારણ પ્રજાના કામોમાં હોતો નથી. સ્થાનિક કક્ષાએ રસ્તાની હાલત ખરાબ જ હોય છે. બંધો બંધાય, પણ હેન્ડપંપમાં પાણી નથી જ આવતું. અન્નમાં વિશ્વને મદદ કરવા જેટલું સ્વાવલંબન કેળવાયું હોય, પણ લોકોને રેશનિંગમાં અનાજના ફાંફાં પડે જ છે. આવું થવામાં સત્તાધીશોનો પ્રમાદ અને અહંકાર ભાગ ભજવતો હોય છે. મોટે ભાગે મંત્રીઓ ફાળવાયેલા ખાતાંઓમાં પહેલાં તો પોતાનું કલ્યાણ કરતાં હોય છે. એમ કરતાં થોડી ઘણી સમાજ સેવા થઈ જતી હોય તો તેમને બહુ વાંધો નથી, કારણ તેમને જિતાડે તો લોકો જ છે. લોકો, લોકશાહીમાં એકદમ ગૌણ થઈ જતા હોય છે. એમાં કોઈ મંત્રી ખરેખર લોકસેવામાં માનતો હોય તો લોકો એટલા લાભમાં રહે છે. લોકશાહીની વ્યાખ્યામાં લોકો કેન્દ્રમાં હોય છે, પણ વ્યવહારમાં લોકો છેલ્લે હોય છે.
એવું નથી કે લોકોનો લોકશાહીમાં ખપ નથી. ખપ છે જ. રેલી, રેલા કાઢવા લોકો જોઈએ છે. મત આપવા લોકો ન હોય તો લોકશાહીના ચહેરે શાહી ફરી વળે. ગોળીઓ છૂટે તો વીંધાવા લોકો જોઈએ જ છે. વિરોધ કરવા લોકો ન હોય તો આટલા બધા પથ્થરો પોલીસ પર ફેંકશે કોણ? લોકો નહીં હોય તો લાઇન પણ નહીં લાગે. બેકારીનો આંક નક્કી કરવા પણ લોકો તો જોઈએ જ છે. ટ્રેન સળગાવવાનું નિમિત્ત ભલે કોઈ પણ હોય, પણ તેને ભડકે બાળવા તો લોકો જોઇએ જ છે. લોકશાહી હોય અને લોક જ નહીં હોય તો શાહી જ રહે કે બીજું કૈં?
લોકશાહીને લીધે ઠોકશાહી પણ ટકી ગઈ છે. દંડાશાહી પણ લોકશાહીનો જ ભાગ છે. ખરાખોટા કેસ કરવા પણ લોકો તો જોઈએ જ ને ! મોંઘવારીની બૂમો પાડવા, પગાર વધારો માંગવા, નોકરીની ઉઘરાણી કાઢવા, કસ્ટમ ડ્યૂટી વધારવા, જી.એસ.ટી.ની આવકનો લાખો કરોડનો વિક્રમ તોડવા, લાગણી દુભાવવા, લાગણી ભડકાવવા, કરફ્યુ નાખવા લોકો જોઈએ જ. લોકો વગર લોકશાહી વિધવા જેવી છે. સરકાર લોકદ્રોહ કરતી હશે, પણ દેશદ્રોહ નથી કરતી. દેશદ્રોહ તો લોકો જ કરતા હોય છે. હવે તો સરકારનો વિરોધ પણ દેશદ્રોહ ગણાય છે. દેશદ્રોહને નામે ગમે તેને એક વખત સળિયા પાછળ ધકેલી શકાય એવી લોકશાહીમાં સરકાર પ્રેરી અનુકૂળતા હોય છે.
દેશમાં ઠોકશાહી છે એમ જ ઠોકાઠોકશાહી પણ છે. સરકાર કોઈ પણ હોય, કોઈ પણ પાર્ટી હોય, મંત્રી હોય કે નેતા હોય, પણ બફાટ કરવામાં બધા જ સ્પર્ધામાં છે. એમાં સૌથી હાથવગું કોઈ હોય તો તે મહાત્મા ગાંધી છે. એને ગોડસેથી પણ નાના ચીતરી શકાય છે. એક નેતાએ તો ગાંધીને સુભાષચંદ્ર બોઝના હત્યારા પણ ઠેરવી દીધા. પછી હોબાળો થયો તો વાત એમણે વાત બદલતાં બોઝને, નહેરુને બદલે વડા પ્રધાન બનાવી શકાયા હોત એવો બીજો બફાટ કર્યો. એ વાત જુદી છે કે નહેરુ 1947માં આઝાદી મળી ત્યારે વડા પ્રધાન થયા હતા ને બોઝનો તો 1944 પછી કોઈ પત્તો જ ન હતો, તો એમને કેવી રીતે વડા પ્રધાન બનાવાયા હોત તે તો એ વિદ્વાન નેતા જ કહી શકે. ભારતમાં એટલું છે કે કોઈ પણ સત્તા પર આવે છે કે તેને બધું જ આવડી જાય છે. તે ખુરશી પર બેસે છે તે સાથે જ નાણાં ખાતું આવડી જાય છે. દિવાળીમાં ફટાકડી ય ન ફોડી હોય, પણ સંરક્ષણ મંત્રી બનવાનું અઘરું નથી.
વારુ, બોલવામાં તો આપણા નેતાઓને કોઈ પહોંચે એમ નથી. એક વિપક્ષી નેતાએ મે મહિનામાં જ જણાવ્યું હતું કે ગાંધી, નહેરુની જેમ જ આઝાદી અપાવવામાં મોહમ્મદ અલી ઝિન્નાનું પણ યોગદાન હતું. કર્ણાટકના એક પૂર્વ મંત્રીએ તો સંઘના ધ્વજમાં રાષ્ટ્રધ્વજ કલ્પીને ઉમેર્યું પણ કે સંઘના ધ્વજનું સન્માન આજે જ નથી થતું, હજારો વર્ષથી થાય છે. કમાલ છે ને કે હજાર વર્ષ થયા એની સંઘને જ ખબર નથી ! ગુજરાતના શિક્ષણ મંત્રીએ થોડા વખત પર લોકોનું અપમાન કરતાં કહ્યું જ હતું કે જેમને ગુજરાતનું શિક્ષણ ન ફાવતું હોય તે બીજે જઈ શકે છે. કર્ણાટકના કાઁગ્રેસના એક ધારાસભ્યે તો બેશરમ થઈને કહ્યું હતું કે રેપ રોકી ન શકો તો તેને માણો ને એ નિવેદનને ગૃહમાં એટલી જ બેશરમીથી સ્પીકરે આનંદ લેતાં લેતાં અનુમોદન પણ આપ્યું હતું. આવું તો એટલું બધુ છે કે તેનું સ્વતંત્ર પુસ્તક થઈ શકે. આ નેતાઓ એમ જ માને છે કે આ દેશની પ્રજામાં અક્કલ જ નથી અને કૈં પણ બકવાસ કરીશું તો આ પ્રજા સાંભળી લેશે. એ સાચું પણ છે, કારણ આ દેશની પ્રજા એવા કોઈ નિવેદનનો વિરોધ કરતી ભાગ્યે જ જણાય છે.
… પણ આ પ્રજાને બહુ મૂરખ સમજવાની જરૂર નથી. એ બહુ ઝડપથી બદલાતી નથી, પણ તે સરકાર બદલી શકે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 જુલાઈ 2022