આષાઢસ્ય પ્રથમ દિવસે, ગુરુવારે સાંજે, કાલિદાસના ‘મેઘદૂત’ પરની નૃત્યનાટિકા એ પ્રેક્ષકોને સવા કલાક સુધી આનંદથી ઝકઝોળી દેનારો પ્રયોગ હતો.
લાલિત્ય અને લાવણ્યથી પરિપ્લાવિત આ પ્રયોગનું નૃત્ય નિર્દેશન અને દિગ્દર્શન ભરતનાટ્યમના ગુરુ ચંદન ઠાકોરે કર્યું હતું.
વિરહી યક્ષનો સંદેશાવહક મેઘ અને તેનો આકાશમાર્ગ, આંબા અને જાંબુનાં વૃક્ષો, મોરલા અને હરણ, ઉજ્જૈનીની વનિતાઓ અને તેમનો શૃંગાર-વિહાર, નિર્વિન્ધ્યા નદી અને હિમાલય, જેવાં કવિના કલ્પનોને દિગ્દર્શકે નૃત્યમય દૃશ્યરચનાઓ દ્વારા પૂરેપૂરાં તરાશીને મંચ પર મૂક્યાં હતાં. આ દિગ્દર્શકની પરિકપલ્પનાની અને તેમના વૃંદના પરિશ્રમની બહુ મોટી સિદ્ધિ હતી.
નૃત્ય નાટિકાની કલાકારો ચંદન અને તેમનાં પત્ની નિરાલી દ્વારા સંચાલિત ‘નૃત્યભારતી’ નામની ભરતનાટ્યમ્ શિક્ષણ સંસ્થાની વિદ્યાર્થિનીઓ છે.
નાટિકાની રજૂઆત માટેનો સાંગિતીક આધાર વિશ્વમોહન ભટ્ટના સંગીત નિર્દેશનમાં કવિતા કૃષ્ણમૂર્તિ અને હરિહરને ગાયેલું ‘મેઘદૂત’ હતું. તેમણે આ કૃતિના જુદા જુદા તબક્કાના તેર શ્લોકો ગીત સ્વરૂપે કેટલાક શાસ્ત્રીય રાગોમાં પ્રલંબ રીતે ગાયા છે. ‘ઇન્ડિયા ટુડે મ્યુઝિક’ના નેજા હેઠળનું એક કલાકનું આ રેકૉર્ડિંગ યુ-ટ્યૂબ પર છે. ગીતની સાથે મંચ પર નૃત્યના માધ્યમથી દૃશ્યો ભજવાતાં. બે ગીતોની વચ્ચે ફેડ-આઉટ અને ઉદ્દઘોષણા/સમાલોચના (કૉમેન્ટરિ) હતાં.
ચંદનના પત્ની નિરાલીએ પ્રોષિતભર્તુકા નાયિકા યક્ષિણીની, અને ચંદન પાસે વીસ વર્ષથી નૃત્ય સાધના કરી રહેલા વિદ્યાર્થી અને અર્થશાસ્ત્રના અધ્યાપક આત્મન શાહે વિરહી નાયક યક્ષની ભૂમિકા ભાવવાહી રીતે ભજવી હતી. નિરાલી મોટા ભાગની દૃશ્યરચનાઓમાં ઉપસી આવતાં હતાં. તેમણે એક દૃશ્યમાં બતાવેલાં, યક્ષિણીનાં પ્રફુલ્લિત તન્વી શ્યામા અને પછી ગલિતગાત્ર વિરહિણી એવાં બે રૂપો વિશેષ નોંધપાત્ર હતાં. આત્મન માટે સુશોભિત વેશભૂષા કે આંગિક અભિનયમાં પ્રભાવશાળી પોશ્ચર્સ બતાવવાની તક ઓછી હતી. તેમણે સૌષ્ઠવપૂર્ણ આંગિક અને અસરકારક હાવભાવ થકી વ્યથિત યક્ષનું પાત્ર ઊભું કર્યું હતું.
આગળ ઉપર જે દૃશ્યરચનાઓનો ઉલ્લેખ કર્યો તેમાં દરેક કલાકારની દરેક મુદ્રા, હસ્ત-પદવિન્યાસ, આંગિક અભિનય, વેષભૂષા, રંગભૂષા, સમયપાલન એ બધામાં ભાગ્યે જ કચાશ હતી – આંગળીનાં ટેરવે લગાવેલી મેંદીમાં પણ કચાશ નહીં.
મંચના પાછળના હિસ્સા આપેલી લેવલ પરથી મેઘ તરીકે પસાર થતી કલાકારોનાં ગતિ અને લય, સફેદ કાપડથી ઊભા કરેલાં હિમાલયના વિવિધ શિખરોને પળવારમાં બદલી બતાવનારી, કાપડની પછવાડે ઊભી રહીને પોતે દેખાયા વિના કસબ સાધનારી કલાકારો, હિલોળા લેતી નદીનાં દૃશ્યમાં વૃંદની વિલક્ષણ સંવાદિતા – આવી બીજી મનભર વિશિષ્ટતાઓ પણ બતાવી શકાય. દરેક કલાકારની લગન અને અનેક રિહર્સલ્સની મહેનત સર્વત્ર દેખાતી હતી. એ પણ કહેવું જોઈએ કે આખી ય રજૂઆતમાં ક્યાં ય ભડકપણું ન હતું, રૂપરંગ અને સજ્જાસજાવટમાં સુરુચિ તેમ જ આભિજાત્ય હતાં. પ્ર્કાશ અને મંચસજ્જાથી તખ્તા પર આહ્લાદક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.
જો કે હરિહરને ગાયેલાં પહેલાં ગીતમાં કેટલીક વખત स्वाधिकारात प्रमत्त: ને બદલે स्वधिकारात प्रमत: કે स्वधिकरात प्रमत સંભળાય છે, જે કાનને ખટકે છે,અને અર્થ પણ બદલાય છે. પ્રયોગની ઉત્કૃષ્ટતા અને આભિજાત્ય સાથે બંધબેસતી જરૂરી અન્ય થોડીક બાબતો સુજ્ઞ રસિકોના ધ્યાનમાં આવી હશે.
નૃત્યભારતી સંસ્થા નિર્મિત આ નૃત્ય નાટિકાના પ્રયોગનું આયોજન મનીષ પાઠકે ઓમ કમ્યુનિકેશનના ઉપક્રમે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની આર્થિક સહાયથી ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસરમાં કર્યું હતું. કલાકૃતિની ગુણવત્તામાં જેમનો ફાળો હતો તે સહુ આ આ મુજબ છે. રંગભૂષા : હેતુલ અને આકાશ તપોધન; પ્રકાશ આયોજન : અશ્વિન તપોધન અને ઉર્વીશ જળગાવકર; મંચ સજ્જા : અશ્વિન તપોધન અને ધ્વનિ કિશોર રાઠોડ.
પ્રયોગ બાદ પરિચય-અભિવાદન વખતે દરેક કલાકારે અલગ રીતે પ્રક્ષકોને વંદન કર્યાં.
આ સહુ કલાકારો છે : દેવાંશી, ઝીલ, પાહિની, ઔશી, હરિક, તનુશ્રી, સ્વધા, શૈલી, ખૂશ્બુ, દીર્ઘા, હેલી, નુપુર, કશીશ, સલોની, ભવાની, હિમાની, દિશા, શિવાની, દિયા, એકતા, ખુશી.
(ફોટો સૌજન્ય : મનીષ પાઠક)
03 જુલાઈ 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર