પુખ્ત થવું એટલે શું? સમાનાર્થી શબ્દો છે; પાકટ, પરિપક્વ. એવી વ્યક્તિ જે પોતાનાં જીવનને લગતા તમામ મહત્ત્વનાં નિર્ણયો પોતે લેવાની ક્ષમતા ધરાવતી હોય. તેમના વતી કોઈ વ્યક્તિ, સમૂહ કે સંસ્થાને નિર્ણય લેવાની જરૂર ન પડે એવી વ્યક્તિ. ટૂંકમાં સ્વતંત્ર વ્યક્તિ. એટલે તો તેને પુખ્ત, પાકટ, પરિપક્વ કે પ્રૌઢ તરીકે ઓળખાવવામાં આવે છે. પુખ્ત થયેલો માણસ કાખઘોડીથી મુક્ત થાય છે. ભારતનાં બંધારણમાં પુખ્ત થયેલ વ્યક્તિને જીવનસાથી પસંદ કરવાનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે અને ત્યાં સુધી કે તે પોતાના વિવેકને અનુસરીને ધર્મ પણ બદલી શકે છે અને જો કોઈ ધર્મ કે ઈશ્વરમાં ન માનવું હોય તો નાસ્તિક પણ રહી શકે છે. મનુષ્યની પુખ્તતા (તેનાં દરેક અર્થમાં) એક અનોખી અવસ્થા છે.
પણ મનુષ્ય પુખ્તતાથી ડરે છે, કારણ કે પુખ્તતા સાથે સ્વતંત્રતા જોડાયેલી છે અને સ્વતંત્રતા એક જવાબદારી છે. સ્વતંત્ર માણસ સ્વતંત્ર નિર્ણય કરે તો તેનાં પરિણામની જવાબદારી પણ તેની જ રહે. એ બીજા કોઈને જવાબદાર ન ઠેરવી શકે. પણ માણસને સ્વતંત્ર થવું નથી અને એમાં એવું બન્યું કે પાંચસો-સાતસો વરસ પહેલાં યુરોપમાં પુનર્જાગરણનાં આંદોલનના ભાગરૂપે મનુષ્યને સ્વતંત્ર કરવામાં આવ્યો. ધર્મથી સ્વતંત્ર કરવામાં આવ્યો, ધર્મગ્રંથ અને ધર્માચાર્યોથી સ્વતંત્ર કરવામાં આવ્યો. સમાજથી સ્વતંત્ર કરવામાં આવ્યો, સામજિક રીતિરિવાજ અને બંધનોથી મુક્ત કરવામાં આવ્યો. માણસને સમાજથી (સમાજના આધિપત્યથી) સ્વતંત્ર કરીને વ્યક્તિ તરીકે સ્થાપવામાં આવ્યો. આને આધુનિકતા કહેવામાં આવે છે અને આધુનિકતાના કેન્દ્રમાં વ્યક્તિ અને તેનું સ્વાતંત્ર્ય છે. તમામ પ્રકારનાં આધિપત્યો વ્યક્તિની સ્વતંત્રતા સામે ગૌણ ગણાવા લાગ્યાં.
આમ તો આ આનંદનો અવસર હતો, પણ માણસ દુઃખી થવા લાગ્યો. એ લોકો પણ દુઃખી થઈ ગયા જેમણે જન્મ સાથે મળતું કે વિશેષ અધિકારના ભાગરૂપે મળતું આધિપત્ય ગુમાવી દીધું. એકને સ્વતંત્રતાથી ભાગવું હતું, કોઈકના ચરણોમાં બેસવું હતું, કોઈકના આદેશ મુજબ જીવવું હતું, કોઈકની આંગળી પકડી લેવી હતી, જીવન જીવવાના પડકારોથી હાથ ખંખેરી નાખવા હતા અને બીજી બાજુ જેણે આધિપત્ય ગુમાવ્યું હતું એ મુક્ત થયેલા લોકોને પાછા પિંજરે પૂરવા માગતા હતા. પણ સમસ્યા એ હતી કે વ્યક્તિના અધિકારોના મશાલચીઓનો ડારો એટલો મોટો હતો કે પિંજરે પૂરવા માગનારાઓ અને પૂરાવા માગનારાઓ એમ બન્ને ડરતા હતા. શંકા કરો, પ્રશ્ન કરો, આધિપત્યને નકારો, અંતરાત્માને કે વિવેકને અનુસરો, પ્રવાહપતિત નહીં બનો, જરૂર પડે તો એકલા ચાલતા શીખો, પોતાના અભિપ્રાયમાં શ્રદ્ધા રાખો વગેરે પ્રકારની સ્વતંત્રતાપરક શીખનો પ્રભાવ એટલો હતો કે ભાગનાર કે પકડનાર એમ બન્ને ડરતા હતા. પણ એનો અર્થ એવો નહોતો કે ભાગનારે ભાગેડુવૃત્તિ અને પકડનારે હાથકંડા અજમાવવાનું બંધ કરી દીધું હતું. એ પ્રવૃત્તિ તો ચાલતી જ હતી. જાણીતા મરાઠી કવિ વિંદા કરંદિકરે કહ્યું છે કે ભારતમાં વિજ્ઞાનની શરૂઆત ચાર્વાકથી થઈ છે, આર્ય ભટ્ટ વગેરે વિજ્ઞાનીઓ દ્વારા નહોતી થઈ. ચાર્વાકદર્શન ભોગવાદી કે જડવાદી દર્શન નથી, તે આધિપત્યને નકારનારું શંકા અને પ્રશ્ન કરનારું દર્શન છે અને વિજ્ઞાનની શરૂઆત ત્યાંથી થાય છે. વિજ્ઞાનનિષ્ઠા વિના વિજ્ઞાન સંભવ નથી.
પણ જેમ વ્યક્તિના જીવનમાં બને છે એમ સમાજજીવનમાં પણ પ્રાગ-પ્રૌઢાવસ્થા તરફ પરાગમન થતું હોય છે. પ્રાગ-પ્રૌઢાવસ્થા એટલે વ્યક્તિ પુખ્ત બન્યો તે પહેલાંની અવસ્થા. પરાગમન એટલે પાછા ફરવું. એ દિવસો હતા જ્યારે મમ્મી આંગળી પકડતી હતી, પપ્પા શું પહેરવું, શું ભણવું, ક્યાં ભણવું વગેરે નિર્ણયો લેતા હતા. એ આંગળિયાતપણામાં નિરાંતનો અનુભવ થતો હતો. કોઈ જવાબદારી નહીં. પરાવલંબનનું સુખ. સિગમંડ ફ્રોઈડ અને બીજા મનોવિજ્ઞાનીઓએ આ અવસ્થા વિષે ઊંડું ચિંતન કર્યું છે. માણસ દોટ મૂકીને પાછો ફરવા માંગે છે, કારણ કે તેને પડકારોથી ડર લાગે છે. એકલાં ચાલતા ડર લાગે છે. આ એક પ્રકારની મનોરુગ્ણતા છે.
વ્યક્તિની જેમ સમાજ પણ આવી અવસ્થાનો વચ્ચે વચ્ચે અનુભવ કરે છે અને આજનો યુગ પ્રાગ-પ્રૌઢાવસ્થા પરાગમનનો યુગ છે એવું નિરીક્ષણ આપણા કવિ સિતાંશુ યશશ્ચન્દ્રે ફાર્બસ ગુજરાતી સભાના ત્રિમાસિકમાં કર્યું છે અને તેમાં તેમણે કરેલી વિવેચના મનનીય છે. સમાજ પુખ્તતાનો ડર અનુભવે છે. જે યુગમાં સંકટ ઘેરાવા લાગે, વિકટ થવા લાગે, પડકારો મોટા થવા લાગે, ધોરી રસ્તો ટૂંકો થતો જાય અને છેવટે રૂંધાતો લાગે, ભવિષ્ય વિષે ચિંતા થવા લાગે ત્યારે લોકો ડરી જાય અને એ સામૂહિક ડર અનેકરૂપે પ્રગટ થાય. આજે આપણે તેનો અનુભવ કરી રહ્યા છીએ. વ્યક્તિની સ્વતંત્રતાને સ્થાપનારી આધુનિકતા સામે જેમનો પરાજય તો નહોતો થયો, પણ જે લોકો થોડાક હાંસિયામાં ધકેલાઈ ગયા હતા એ લોકોને પાછું આધિપત્ય જમાવવાનો અવસર મળી ગયો છે. એ લોકો ડરાવીને નિર્ભય બનાવે છે. ગાંધીજીએ ડર છોડાવીને નિર્ભય બનાવ્યા હતા, જ્યારે આ લોકો ડરાવીને નિર્ભય બનાવે છે. અમારી આંગળી નિર્ભયતાની ગેરંટી આપે છે, પણ એ માટે અમારી આંગળી પકડવી પડશે અને જો નહીં પકડો તો તમારું શું થશે એ તમે જાણો.
આધુનિક યુગમાં સમાજે ક્યારે ય નહોતું અનુભવ્યું એવું મોટું સંકટ સામે છે. માણસ ડરેલો છે અને માટે તેને વધારે ડરાવીને નિર્ભય બનાવવાનો ખેલ ચાલી રહ્યો છે. ભૂલી જાઓ સ્વતંત્રતા અને અધિકારો. એણે શું આપ્યું તમને? આ ભવસાગરમાં નોંધારા છોડી મૂક્યા માટે પૂળો મૂકો તેને, અને આવો પાછા, વાડે પૂરાઈ જાઓ. તમારે કાંઈ જ કરવાનું નથી, માત્ર અમારામાં શ્રદ્ધા રાખવાની છે. આ અવસ્થાનું નામ પ્રાગ-પ્રૌઢાવસ્થા પરાગમન.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 ઍપ્રિલ 2024