દુનિયાભરના મહેનતકશો તેમના સંઘર્ષની સ્મૃતિ તાજી કરતો અને નવા સંઘર્ષની તૈયારી કરતો મે દિન ઉજવે છે. ઈન્ટર નેશનલ લેબર ડે, મજૂર દિન, શ્રમિક દિન, કામદાર દિવસ કે વર્કર ડે જેવા નામે ઓળખાતો આ દિવસ શ્રમિકોનાં બલિદાન અને યોગદાનનાં સ્મરણોનો દિવસ છે. કામદારોના સન્માન સાથે તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો આ દિવસ છે. કામદારોમાં ટ્રેડ યુનિયન પરંપરા અને આંદોલનોને કારણે વિકસેલી વર્ગ ચેતનાને દૃઢાવવાના સંકલ્પનો આ દિવસ છે. મજદૂરોના અધિકારો માટેની જાગૃતિનો આ દિવસ છે. વિશ્વના કરોડો કામદારોના મહેનત, દૃઢ નિશ્ચય અને ઉજળી આવતીકાલના સપનાં સજાવવાનો આ દિવસ છે. યોગ્ય અને સમાન વેતન (ગાંધીજીના શબ્દોમાં જીવન યોગ્ય દરમાયો), કામની સલામત સ્થિતિ, કામના કલાકો જેવી અનેક માંગ અને હક માટે અદાલતો અને સરકારો સામે લડવા, સમાજમાં કામદારોની સ્થિતિ મજબૂત કરવાનો તેમ જ ‘દુનિયા કે મજદૂર એક હો’નો નારો બુલંદ કરવાનો પણ આ દિવસ છે.
કામદારોનાં લોહી પરસેવાની કોઈ પણ દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા છે. પરંતુ ખુદ કામદારોની હાલત દયનીય છે. અમેરિકા જેવા મૂડીવાદી દેશ પાસે જે સમૃદ્ધિ, સત્તા અને શક્તિ છે તેના પાયામાં મજૂરોનો પસીનો છે. ઔદ્યોગિક ક્રાંતિએ દુનિયામાં ઘણાં પરિવર્તનો આણ્યાં છે, પરંતુ તે કામદારોના શોષણ પર વિસ્તરી હતી તે ભૂલાઈ ગયું છે. લોઢા સાથે બાથો ભરતા શ્રમિકોને આંતેડા ઘોઘરે આવે ત્યાં સુધી મજૂરી કરવી પડતી હતી. તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા. પંદરથી અઢાર કલાક સુધી કામ કરતા મજૂરોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. અમેરિકા અને કેનેડાના કામદારોએ પહેલી મે ૧૮૮૬ના રોજ કામના મહત્તમ આઠ જ કલાકની માંગણી માટે હડતાળ પાડી હતી. આ હડતાળ લોહિયાળ બનતાં, કામદારો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. ગોળીબારમાં કામદારો મરાયા ને ઘણાં ઘવાયા હતા. તેના ત્રણ વરસ પછી ૧૮૮૯માં પેરિસમાં મળેલી ઈન્ટરનેશનલ સોશ્યાલિસ્ટ કોન્ફરન્સમાં અમેરિકાના કામદારોની પહેલી મેની હડતાળની યાદમાં દર વરસે પહેલી મેનો દિવસ વિશ્વ મજૂર દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું. આજે તો એ ઘટનાને ૧૩૫ વરસ થયા, પરંતુ હજુ કામદારોનું શોષણ અને તેની વિરુદ્ધના આંદોલનો ચાલે છે એટલે લગભગ આખી દુનિયામાં કામદાર દિવસ મનાવાય છે.
ભારતમાં ૧૯૨૩માં પહેલવહેલો મજૂર દિન ચેન્નઈમાં ઉજવાયો હતો. તેને પણ હવે સો વરસ વીતી ગયાં છે .જો કે હજુ દેશના મહેનતકશોની હાલત તો બદતર જ છે. ભારત સરકારના શ્રમ મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં ૪૮ કરોડ શ્રમિકો હોવાનો અંદાજ છે. તે પૈકીના મોટા ભાગના (૯૦ ટકા) અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. કૃષિમાં ૪૨ ટકા, સેવા ક્ષેત્રમાં ૩૨ ટકા અને ઉદ્યોગોમાં ૨૬ ટકા કામદારો કામ કરે છે. વિશ્વના જે દસ દેશોના કામદારો સૌથી વધુ કલાક કામ કરે છે તેમાં ભારત સાતમા ક્રમે છે. ભારતીય શ્રમિક અઠવાડિયે ૪૭.૭ કલાક કામ કરે છે.
કામદાર કલ્યાણના કાયદા આઝાદી પછી તરત જ ઘડાયા હતા અને કામદાર સંગઠનો તો આઝાદી પૂર્વે જ રચાયા હતા. પરંતુ કામદારોનું શોષણ સંપૂર્ણ અટક્યું નથી. કામનું યોગ્ય વેતન અને કામના કલાકોની બાબતમાં આજે પણ શોષણ થાય છે. લધુતમ વેતનના કાયદા છતાં આજે ય ભારતીય શ્રમિક મહિને સરેરાશ રૂ. ૧૦,૦૦૦ જ કમાય છે. જે લઘુતમ વેતનથી ઓછા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટેના સાતમા વેતન આયોગે ૨૦૧૬માં કર્મચારીઓનું લઘુતમ વેતન રૂ. ૧૮,૦૦૦ નક્કી કર્યું હતું પરંતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેનાથી અડધું ય મળતું નથી. હવે તો સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્ર વગેરેમાં રોજમદારો અને કોન્ટ્રાકટ મજૂરોની પ્રથા ચાલે છે જેમાં તેમનું મોટા પાયે શોષણ થાય છે.
ભારતમાં નિયમિત વેતન મેળવતા કામદારો તો ૨૩ ટકા જ છે. કુલ કામદારોના ચોથા ભાગના રોજમદારો છે. ૭૧ ટકા કામદારોને તેમના કામ કે નોકરીનો કોઈ લેખિત ઓર્ડર આપવામાં આવ્યો નથી. ૫૪ ટકાને સવેતન અઠવાડિક રજા મળતી નથી. કુલ કામદારોના ૫૭ ટકા ગ્રામીણ વિસ્તારોમાં છે. બાળ મજૂરી અને વેઠિયા મજૂરી નાબૂદ થવાના અણસાર વર્તાતા નથી. જ્ઞાતિગત વ્યવસાયોની પરંપરા મટવાની જણાતી નથી. સ્ત્રી-પુરુષને સમાન કામનું સમાન વેતન મળતું નથી. કામનાં સ્થળ સલામત નથી. વ્યવસાયિક જોખમ અને અસલામત કામના લીધે રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય છે અને મજૂરો મરે છે. દેશમાં ઔદ્યોગિક શાંતિના છદ્માવરણ તળે કામદારોનું શોષણ દટાયેલું રહે છે.
સ્થળાંતર એ ભારતીય કામદારની જાણે કે નિયતિ છે. સ્થળાંતરિત કે પ્રવાસી મજૂરોની હાલત કેવી બદતર છે તેનો પરિચય દેશ અને દુનિયાને કોરોના મહામારીના લોકડાઉનના ગાળામાં થયો હતો. ભારતમાં મજૂરોની સ્થિતિ બહેતર થઈ રહ્યાના જે નગારા પિટાતા હતા તેની વાસ્તવિકતાનો પરચો આપણને કોરોના કાળમાં થઈ ચૂક્યો છે. એટલે શ્રમ કાયદાઓને સાંકળતી ચાર શ્રમ સંહિતાઓથી કામદારોનું દળદર ફિટવાનું નથી.
૧૯૯૧થી અમલી નવી અર્થનીતિએ પણ કામદારોની સ્થિતિને બદતર બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. વિદેશી મૂડીરોકાણને આકર્ષવા ઔધોગિક શાંતિ જરૂરી હોવાના જાપ જપતાં દેશના કામદાર આંદોલનોનો કાંકરો કાઢી નાંખવામાં આવ્યો છે. લેબર કાયદા અને કામદાર યુનિયનોને તેમાં મુખ્ય અંતરાય માની તેને અપ્રસ્તુત કરવાના ખેલ ખેલાયા છે. ભારતના જાહેર ક્ષેત્રના ગુણગાન ગાનારા તેનું સર્જન ખરેખર તો ખાનગી ક્ષેત્રને સહાયરૂપ થવાના આશયથી થયું હતું તે સત્ય છૂપાવી રાખે છે. ખાનગી ઉદ્યોગોને આયાત કરવી પડે તેવા યંત્રોનું અને બીજું ઉત્પાદન જાહેર ક્ષેત્રે કરીને ખરેખર તો ખાનગી ક્ષેત્રને સરકારી મદદ આપી છે. નવી અર્થનીતિ અને ઉદારીકરણે કામદારોનું અહિત કરનારા નિર્ણયો લઈને સમાજવાદી શ્રમ કાયદા ધરાવતા દેશને મૂડીવાદી બનાવી દીધો છે. ૨૦૦૦થી ૨૦૧૮ દરમિયાન ભારતના ઉદ્યોગપતિઓનો નફાનો ભાગ ૧૭ ટકાથી વધીને ૪૮ ટકે પહોંચ્યો હતો પણ મજૂરીનો હિસ્સો ૩૩ ટકેથી ઘટીને ૧૭ ટકા થઈ ગયો હતો. આવી બદતર હાલતમાં મજૂર આંદોલનો અને તેની તીવ્રતા ઘટ્યાં છે. હડતાળઓમાં વેડફાયેલા માનવદિવસો અને માલિક-મજૂર વિવાદના કેસોમાં ઘટાડો તેનું પ્રમાણ છે.
આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસે ભલે ‘હમ એક હૈ’ના નારા બોલાવાય પણ કામદારોની જ્ઞાતિ સભાનતા વર્ગચેતના આણી શકતી નથી. દેશમાં ૭૦,૦૦૦ મજૂર મંડળોનું હોવું કે રાજકીય પક્ષો અને વિચારધારા સાથે જોડાયેલા દસ મોટા કેન્દ્રીય મજૂર સંગઠનોનું હોવું કામદાર એકતા દર્શાવતા નથી. જે અમેરિકાના શિકોગાના મજૂરોની હડતાળની યાદમાં અને અમેરિકી શ્રમિકોની સામાજિક આર્થિક ઉપલબ્ધિઓની યાદમાં દુનિયાભરમાં પહેલી મેના રોજ મજદૂર દિન મનાવાય છે તે અમેરિકામાં કામદાર દિન દર વરસના સપ્ટેમ્બર મહિનાના પહેલા સોમવારે મનાવાય છે! ભારતમાં ડાબેરી મજૂર સંગઠનો પહેલી મેના મજૂર દિનની ઉજવણી કરે છે, પરંતુ જમણેરી મજૂર સંગઠનોની માંગ ૧૭મી સપ્ટેમ્બરની વિશ્વકર્મા જયંતીએ કામદાર દિનની છે! જમણેરી મજૂર સગઠનો કામદારોને ઔદ્યોગિક પરિવાર લેખે અને ડાબેરીઓ વર્ગશત્રુતાના પાઠ પઢાવે તેની વચ્ચે ભારતીય કામદારે તેની બદતર હાલતને બહેતર બનાવવાની છે.
e.mail : maheriyachandu@gmail.com