મંજુમ્મેલ કસબાનું એક અગિયારેક યુવાનોનું ગ્રૂપ છે. પાણીમાં ધુબાકા મારીને મોટા થયા છે ને હવે મસ્તીથી જીવે છે. કોઈનાં લગ્નમાં ટોળે વળીને નાચે છે, ઝઘડે છે, રસ્સી ખેંચમાં શક્તિ પ્રદર્શન કરે છે ને જ્યાં હોય ત્યાં સાથે રહે છે. વેકેશન મૂડમાં આ મિત્રો ગોવા જવાનો પ્લાન કરે છે, પણ પૈસા ટૂંકા છે, એટલે નજીકમાં, કોડાઈકેનાલ જવાનું નક્કી કરે છે. એક દુકાનમાં બધા નાસ્તો કરે છે, તો વૃદ્ધ દુકાનદાર, પાછા આવીને અહીં જ જમવાનો વાયદો લે છે. વાદળિયું પહાડી સૌંદર્ય માણતાં સૌ રિસ્ટ્રિકટેડ એરિયા સુધી આવે છે. અહીંથી આગળ જવાની મનાઈ છે, પણ મિત્રો એમ ગાંઠે? આમ સાહસી નથી, પણ કૂતુહલવશ ‘ગુના’ નામની ગુફામાં જવાનું નક્કી કરે છે. આ ડરામણી ને અજાણી જગ્યાએ સુભાષ જ એક વાર આવ્યો છે. બે ટેકરીઓની ધારથી કપાયેલા આકાશની પટ્ટી જેટલી ખુલ્લી જગ્યા વર્તાય એમ સૌ ઊંડે ઊતરતા જાય છે. ડર રોકે છે ને કુતૂહલ આગળ ધકેલે છે. સુભાષ આ જગ્યાની માહિતી આપે છે ને એકદમ તેનો અવાજ બંધ થઈ જાય છે …
આજુબાજુના મિત્રો અવાજ બંધ થઈ જતાં ‘સુભાષ’, ‘સુભાષ’ની બૂમો પાડે છે, પણ કોઈ જવાબ નથી મળતો. સુભાષને સૌ મજાક ન કરવાનું કહે છે, પણ તે સામે આવતો નથી. સૌ ચિંતામાં પડે છે. બધા આજુબાજુ જોઈ વળે છે, પણ સુભાષ જડતો નથી, ત્યાં એક ખાડા જેવું દેખાય છે ને સૌને લાગે છે કે તે ખાડામાં ઊતરી ગયો છે. ખાડામાં પથ્થર પડે છે, પણ નીચે પડવાનો અવાજ બહુ મોડો આવે છે, એ પરથી ખ્યાલ આવે છે કે ખાડાની ઊંડાઈ અગાધ છે. ઉપરથી બૂમ પડતી રહે છે, પણ જવાબ આવતો નથી. કેટલાક મિત્રો પેલા દુકાનદાર પાસે પહોંચે છે ને મદદ માંગે છે. દુકાનદાર હકીકત જાણે છે, તો ઠપકારે છે કે ખાડા સુધી જવાની જરૂર જ શી હતી? એ ખાડો કેટલો ઊંડો છે, એની ખબર પણ છે? છતાં તે ખાડા સુધી આવે છે. તે આવ્યો તો છે, પણ જાણે છે કે કોઈ કૈં કરી શકે એમ નથી.
દુકાનદારની દીકરી આ લોકોને પોલીસ પાસે જવાનું કહે છે. પોલીસ મિત્રોની વાત માનતી નથી ને નશામાં સૌ આવ્યા છે એમ માનીને ફટકારે છે. પોલીસ જ માહિતી આપે છે કે એ ખાડો ‘ડેવિલ્સ કિચન’ તરીકે જાણીતો છે. ત્યાં જવાની કોઈને છૂટ નથી. જે એ ખાડામાં ગયું છે, તે ફરી ઉપર આવ્યું નથી. એક સેન્ટ્રલ મિનિસ્ટરનો દીકરો એમાં ઊતરી ગયો હતો ને એને શોધવા 15 લાખનું ઈનામ જાહેર કર્યું હતું, પણ એ ઇનામની લાલચે પણ, કોઇની ઊંડે ઊતરવાની હિંમત થઈ ન હતી. કોડાઈકેનાલની જેટલી ઊંચાઈ છે, એથી વધુ તો એ ખાડાની 900 ફૂટ જેટલી ઊંડાઈ છે. અત્યાર સુધીમાં 16 જણાં એ ખાડામાં ઊતરી ગયાં હતાં, પણ કોઈ પાછું આવ્યું ન હતું.
ખાડા પાસે બૂમ મારી રહેલા મિત્રોને જવાબ મળતો નથી, પણ એક સામટાં ઘણાં બધાં ચામાચીડિયાં ઉપર ઊછળી આવે છે ને ફડ ફડ કરતાં ઊડી જાય છે. વરસાદ શરૂ થાય છે ને એટલો પડે છે કે પર્વતો પરથી નીચે વહી આવતું કાદવિયું પાણી ખાડામાં ધસમસી જઈ રહ્યું છે, એ જોતાં, આગળ પોતે સૂઈ જઈને, લાકડાં મૂકીને પાણી રોકવાનો કેટલાક મિત્રો એટલે પ્રયત્ન કરે છે કે પાણી નીચે પડેલા સુભાષ સુધી ન પહોંચે, પણ એમાં તો એ જ ખાડામાં લપસી જવાનું જોખમ ઊભું થાય છે. સુભાષની ભાળ મેળવવા બધી જ કોશિશો મિત્રો કરે છે, ત્યાં ઉપરથી પડતી બૂમના જવાબમાં ઝીણી બૂમ ઊંડેથી ઉપર આવે છે ને મિત્રોને ધરપત થાય છે કે સુભાષ જીવે છે. હવે સવાલ એ છે કે એને બચાવવો કેવી રીતે?
પોલીસ પણ બધી આડાઈ સાથે મદદે આવે છે. તેને એવું છે કે એકાદ આંટો મારીને પાછા આવી જવું, પણ ખાડા પાસેથી પોલીસને, ચોકીએ પહોંચાડવા કોઈ તૈયાર નથી. એણે પરાણે ત્યાં રોકાવું પડે છે, પછી તો બીજા અધિકારીઓ અને રેસ્ક્યૂ ટીમ પણ આવે છે. રેસ્ક્યૂ કરનારો અધિકારી ટ્રેઇન્ડ છે, પણ આટલે ઊંડે ઊતરીને બચાવવા જતાં જીવ ખોવાનું પણ થાય, એટલે એ તૈયાર થતો નથી, કોઈની હિંમત નથી, ત્યાં જીવનું જોખમ લેવા એ કુટ્ટન તૈયાર થાય છે, જે એને પૈસાની ફિકર ન કરવાનું કહીને અહીં લાવ્યો હતો. સુભાષની મા પણ તેને મોકલવા બહુ રાજી ન હતી, પણ કુટ્ટન સાથે છે એવું લાગતાં તે મોકલે છે.
પોલીસને પણ એનું આશ્ચર્ય જ છે કે ટ્રેઇન્ડ સ્ટાફ રિસ્ક લેવા તૈયાર નથી, તો આ કેવી રીતે તૈયાર થયો? તે તૈયાર થાય છે, કારણ કે આ જ સુભાષે, પોતે નાનો હતો ત્યારે તેને ડૂબતો બચાવ્યો હતો. પોલીસ અને એનો મિત્ર કુટ્ટનને ચેતવે છે, તો એ મિત્રને સામે પૂછે છે કે હું તૈયાર ન થયો હોત તો તું તૈયાર ન થયો હોત? પેલો કહે છે કે થયો જ હોત ! વાત જોખમની છે તે કરતાં પણ, મિત્ર જીવે છે તો એને કોઈ પણ ભોગે બચાવવાની છે. કૈં ન કરવા કરતાં કૈં કરી છૂટવામાં જીવી જવાની શક્યતા વધારે હોય તો એ પ્રયત્ન કરવો જ, એ ન્યાયે કુટ્ટન, સુભાષને બચાવવા તૈયાર થાય છે. એને હવે જીવવું ને મરવું લગોલગ છે.
છેવટે દોરડું બાંધીને તેને, સુભાષને બચાવવા ઊંડે ઉતારાય છે. મિત્રો દોરડું છોડતાં જાય છે ને કુટ્ટન નીચે ઊતરતો જાય છે. હેડલાઇટનાં અજવાળામાં જેટલું ને જેવું દેખાય છે એમાં સુભાષની શોધ ચાલે છે. ક્યારેક તો કૈં ભળાતું-સંભળાતું નથી. ફરતેના ખરબચડા પથ્થરો વચ્ચેથી તે નીચે ઊતરતો જાય છે ને ઉપરથી દોરડું છોડાતું જાય છે. એમ કરતાં કરતાં લગભગ 120 ફૂટનું દોરડું પૂરું થઈ જાય છે, પણ સુભાષ સુધી પહોંચાતું નથી. ઉપરથી કહેવાયું કે દોરડું ખૂટી પડ્યું છે, તો નીચેથી અવાજ આવ્યો કે બીજું દોરડું જોડો. મિત્ર માટેની ઘેલછાની હદે આવી લાગણી અદ્વિતીય છે. દોરડું જોડાયું ને થોડું વધુ ઊંડે જતાં કાળા કચરામાં ફેંકાયેલો લોહીલુહાણ સુભાષ દેખાય છે. જેમ આવડ્યું એમ દોરડા વડે સુભાષને બાંધીને કુટ્ટને દોરડું ઉપર ખેંચવા કહ્યું. વચમાં દોરડું ફસાયું ને હાલત એવી થઈ કે ઉપર ખેંચો તો પણ દોરડું ઉપર આવે નહીં, પણ પછી ઢીલ છોડીને દોરડું ઉપર ખેંચાયું ને સુભાષ ઉપર આવ્યો. સુભાષની હાલત એટલી નાજુક હતી કે મીડિયાને ખાળીને, તેને જેમ તેમ હોસ્પિટલ ભેગો કરાયો. સારવાર દરમિયાન સુભાષની મા કુટ્ટનને એ વાતે તિરસ્કારે છે કે સુભાષની આ હાલત તેને લીધે થઈ છે, પણ પછી ખબર પડે છે કે કુટ્ટનને લીધે જ સુભાષ નવજીવન પામ્યો છે, તો તેના પસ્તાવાનો પાર નથી રહેતો. તે બે હાથ જોડતી કુટ્ટન પાસે આવે છે ને આંસુ થઈ ઊઠે છે ….
આ ઘટના બની 2006માં. કુટ્ટનને સુભાષનો જીવ બચાવવા બદલ જીવન રક્ષક એવોર્ડ પણ સરકારે આપ્યો. જો કે, જે સાહસ એણે કરેલું એની સામે આ એવોર્ડ બહુ નાનો હતો. આ ઘટના પરથી ચિદમ્બરમે મલયાલમ ફિલ્મ લખી અને તેનું દિગ્દર્શન પણ કર્યું. એ હિન્દીમાં ડબ થઈ ને ઓ.ટી.ટી. પર ‘મંજુમ્મેલ બોયસ’ નામે 5 મે એ રિલીઝ થઈ. 20 કરોડના બજેટવાળી આ ફિલ્મે મલયાલમ ફિલ્મના બધા રેકોર્ડ્સ તોડ્યા છે. બીજી ભાષાઓમાં આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તો એક ઉત્તમ ફિલ્મ તરીકેના ઘણાં માન-સન્માન તેને મળે એમ બને. આ ફિલ્મ વિષે આપણે ત્યાં બહુ જાણકારી નથી, પણ એ અચૂક જોવા જેવી ફિલ્મ છે.
એમાં કોઈ હિરોઈન નથી કે કોઈ હીરો નથી ને છે તે બધા જ હીરો છે. કોઈએ એક્ટિંગ કરી નથી. બધા જ નાનામાં નાની ભૂમિકા પણ મન મૂકીને જીવ્યા છે. એમાં પણ કુટ્ટન તરીકે સૌબિન વિશેષ ઉલ્લેખનીય. પર્વતીય સહજ સૌંદર્યને કેમેરાએ કુશળતાથી ઝીલ્યું છે, તે સાથે જ પ્રકૃતિનાં રૌદ્ર રૂપનો અનુભવ પણ પ્રેક્ષકોને ડગલે ને પગલે કરાવ્યો છે. શયજુ ખાલીદની ફોટોગ્રાફી પ્રકૃતિ દૃશ્યોમાં તો ખીલે જ છે, પણ ઊંડાઈનાં ખડકાળ દૃશ્યો કેવી રીતે ઝડપ્યાં હશે એનું આશ્ચર્ય પણ જન્માવે છે. એવું જ સુધી શ્યામનાં સંગીતનું પણ ખરું. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભય, ઉત્તેજના અને કરુણને અસરકારક રીતે પ્રગટ કરે છે. સાથે જ, તંત્રોની રોગિષ્ટ ઉદાસીનતા પણ બહુ માર્મિક રીતે ફિલ્મમાં દર્શાવાઈ છે. સુભાષ જેમ તેમ બચીને ઉપર આવ્યો છે તો તેનું શું કરવું, તેના જવાબમાં પોલીસ કહે છે કે તેને પોલીસ સ્ટેશને લઈ જઈને ફોર્માલિટીઝ પૂરી કરીએ. જરૂર હોસ્પિટલે લઈ જવાની હોય ત્યારે પણ, પોલીસ ફોર્માલિટીઝનું જ વિચારે એવી જડતા અત્ર તત્ર સર્વત્ર છે.
શરૂઆતનો ગ્રામીણ પરિવેશ વાર્તા બાંધવામાં થોડો સમય લે છે, પણ પછી જે ગતિ પકડાય છે તે ધબકારા વધારનારી અને થડકો ચુકાવનારી છે. કેટલાંક દૃશ્યો અત્યંત હૃદયસ્પર્શી છે. એક તરફ સુભાષ છેડો ન જડે એવા ખાડામાં ધકેલાઇ ગયો છે ને બીજી તરફ વરસાદ છતની જેમ તોળાઈ રહ્યો છે, એવામાં વરસાદનું પહેલું ટીપું કુટ્ટનની પાંપણ નીચે પડતું બતાવાયું છે, જે સૂચવે છે કે આવનારો સમય આંખોનો વરસાદ લઈને પણ આવી રહ્યો છે. બીજા એક દૃશ્યમાં સુભાષ એ ખાડામાંથી બચીને આવ્યો છે, જ્યાંથી કોઈ આવ્યું નથી. એ દેવત્વ પામીને આવ્યો છે, એવું લાગતાં વૃદ્ધા તેનો ચરણ સ્પર્શ કરે છે.
આમ તો કુટ્ટનને નીચે ઊતરતો બતાવીને સુભાષને ઉપર આવતો બતાવી શકાયો હોત, પણ એવું એટલે થયું નથી, કારણ, આવું 2006માં ખરેખર બન્યું હતું. એ અનુભવ કરાવવા મહત્ત્વનું એ હતું કે કેટલી તકલીફ વચ્ચે ને કેટલી મહેનતે ને કેટલા લાંબા સમય પછી સુભાષને બચાવાયો હતો, એ પથરાળ રૂક્ષતાનો અપૂર્વ અનુભવ પ્રેક્ષકોને આપવો હતો ને એ આ ફિલ્મે આપ્યો, એને માટે લેખક અને દિગ્દર્શકને આપીએ એટલાં અભિનંદનો ઓછાં છે. આ કદાચ અવિસ્મરણીય ફિલ્મ નથી, પણ તે જરા ય ભૂલાય એવી પણ નથી ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 મે 2024