બ્રિટિશરો માટે કહેવાય છે કે એ લોકો ભેગા થાય ત્યારે સૌથી પહેલાં હવામાનની ચર્ચા કરે. એક સર્વેમાં 10માંથી 9 બ્રિટિશરોએ કહ્યું હતું કે તેમણે છેલ્લા છ કલાકમાં હવામાનની વાતો કરી હતી. બી.બી.સી.ના એક અહેવાલ પ્રમાણે, આ દેશના ત્રીજા ભાગના લોકો પ્રત્યેક ક્ષણે હવામાનની ચર્ચા કરતા હોય છે. તેનું કારણ એ છે કે બ્રિટનની ભૌગોલિક અવસ્થા એવી છે તેનું હવામાન અત્યંત અનિશ્ચિત હોય છે. તમે હવામાનના આધારે તમારા દિવસનું આયોજન ન કરી શકો, કારણ કે તે ગમે ત્યારે બદલાઈ શકે છે.
ભારતમાં લોકો એટલી હદે હવામાનની વાતો નથી કરતા, સિવાય કે તે આત્યંતિક હોય. જેમ કે ગુજરાતમાં હમણાં ખૂબ ગરમી પડે છે એટલે દિવસમાં બે-ત્રણ વખત તો તેનો ઉલ્લેખ થઇ જ જાય છે. એવી જ એક વાતચીતમાં, એક મિત્રએ ભગવાને બનાવેલી સૃષ્ટિમાં વિજ્ઞાને કરેલા સુધારા-વધારાનાં ગુણગાન ગાતાં – ગાતાં કહ્યું કે “ઘરોમાં અને ઓફિસમાં જો એર કંડીશન ન હોત તો આપણે કેવી રીતે જીવતા હોત?” પછી મિત્રએ મને ગૂગલ સમજીને પૂછી પણ લીધું, “તમે જરા મને કહેજોને કે એર કંડીશન જેવી અદ્ભૂત શોધ કોણે કરી હતી!”
મિત્રના સવાલે મન ચકરાવે ચઢ્યું. આવું તો મેં ય વિચાર્યું નહોતું. ઘણીવાર અમુક ચીજો આપણા રોજિંદા જીવનમાં એટલી વણાઈ ગઈ હોય કે તે કેટલી શાનદાર છે તે આપણે ભૂલી જઈએ છીએ. એર કંડીશનનું પણ એવું છે. તેની શોધ માણસોને ગરમીથી રક્ષણ આપવા માટે થઇ જ નહોતી. મૂળ તો તેનો ઉપયોગ ઔધોગિક સમસ્યાના ઉકેલ માટે થયો હતો અને એમાં સફળતા મળતાં તે ઘરોમાં વપરાવા લાગ્યું હતું.
એર કંડીશનને સમજવા માટે તેના શોધક વિલિસ કેરિયરને ઓળખવા પડે. તમને કેરિયર બ્રાન્ડનાં એર કંડીશનની ખબર હશે. તેને બનાવતી કંપનનું મૂળ નામ છે કેરિયર ગ્લોબલ કોર્પોરેશન. 1915માં, અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આ કંપનીની સ્થાપના થઇ હતી. તેના સ્થાપક હતા વિલિસ કુરિયર.
ન્યુયોર્ક રાજ્યમાં જન્મેલા વિલિસ હેવીલેન્ડ કેરિયર કોર્નેલ યુનિવર્સિટીમાંથી એન્જીનિયર થયા હતા અને બફેલો ફોર્જ કંપનીમાં રિસર્ચ એન્જીનિયર તરીકે જોડાયા હતા. તે વખતે, ન્યુયોર્ક શહેરના બ્રુકલિન વિસ્તારમાં આવેલી સાચેટ-વિલ્હેમ લિથોગ્રાફિંગ એન્ડ પબ્લિશિંગ કંપની હતી.
ન્યુયોર્ક એટલાંટિક સમુદ્રના પૂર્વી કિનારા પર વસેલું છે એટલે તેની હવામાં ભેજ રહે છે. આ ભેજના કારણે સાચેટ-વિલ્હેમના પ્રિન્ટીંગ પ્લાન્ટમાં પેપર સંકોચાઈ જતું હતું અને તેના પર ફોર-કલર પ્રિન્ટીંગનું રજીસ્ટ્રેશન બેસતું ન હતું. તે વખતે એક પેપરને ચાર વખત, જુદા જુદા રંગ સાથે, મશીનમાંથી પસાર કરવામાં આવતું હતું. તેમાં તે સંકોચાઈ જાય એટલે બીજી વારની રંગ બરાબર ન બેસે. પેપર સંકોચાઈ ન જાય તેનો કોઈ ઉપાય ખરો?
આ સમસ્યાની ઇન્કવાયરી બફેલો ફોર્જ કંપનીમાં આવી હતી. ત્યાં વિલિસ કેરિયરને વિચાર આવ્યો હતો કે પ્લાન્ટમાં હવાના ભેજને જો નિયંત્રિત કરવામાં આવે તો પેપર સંકોચાઈ જતું અટકે. તે વખતના એન્જીનિયરોને હવામાં ભેજની અલગ અલગ સમસ્યા ખબર હતી પણ તેનો ઉપાય નહોતો.
જેમ કે, દક્ષિણ અમેરિકામાં, 1910 અને 1920ના દાયકામાં 150 જેટલી કોટન મિલોની ડિઝાઈન તૈયાર કરનારા અમેરિકન એન્જીનિયર સ્ટુઅર્ટ ક્રેમર(જેણે સૌથી પહેલાં ‘એર કંડીશન’ શબ્દ રચ્યો હતો)ની સમસ્યા એ હતી કે દક્ષિણમાં હવા ભેજવાળી હોવી જરૂરી હતી, તો જ કપાસ કામ કરવા માટે યોગ્ય રહેતું હતું.
અન્ય નિર્મિત ઉત્પાદનોની સમસ્યા ઊંધી હતી : તે અધિક ભેજ પ્રત્યે સંવેદનશીલ હતાં. સ્પેઘેટી અને મેકરોની ખોટા હવામાનમાં સરખી રીતે સુકાતાં નહોતાં. અધિક ભેજથી ચોકલેટમાં પાવડર બનતો હતો. એવું જ પ્રિન્ટીંગ પ્રેસના કાગળનું હતું. તે વખતે, હવામાં ભેજ પેદા કરવાનું આસાન હતું, પણ તેને હવામાંથી દૂર કેવી રીતે કરાય તેની ખબર નહોતી.
1900ના દાયકાની શરૂઆતમાં, વિલિસ કેરિયરના દિમાગ પર આ સમસ્યા છવાયેલી હતી. 1902ના શિયાળાની કાતિલ ઠંડીમાં એક સાંજે વિલિસ પિટ્સબર્ગ સ્ટેશન પર એક ટ્રેનના ઈન્તેજારમાં હતા. તે વખતે આખું પ્લેટફોર્મ ધુમ્મસમાં લપેટાયેલું હતું. તેઓ પ્લેટફોર્મ પર ચહલકદમી કરતા હતા અને ધુમ્મસને જોતા હતા તેના પરથી તેમને વિચાર આવ્યો કે પાણીમાંથી હવાને પસાર કરવામાં આવે તો તેમાં ઠંડક પેદા થાય.
તેમણે પાછળથી કહ્યું હતું, “હું જો હવાને સંતૃપ્ત (સેચ્યુરેટ) કરી શકું અને સંતૃપ્તિ પર તેના તાપમાનને નિયંત્રિત કરી શકું, તો હું ધરું તેટલા ભેજવાળી હવા પ્રાપ્ત કરી શકું. હું પાણીના મહીન છંટકાવ વચ્ચેથી હવાને ખેંચીને અસલી ધુમ્મસ પણ પેદા કરી શકું છું.” એક વર્ષની અંદર, વિલિસે નિશ્ચિત માત્રામાં ભેજવાળી હવા પેદા કરવાની તકનીક શોધી લીધી હતી, જેને હ્યુમીડીટી કંટ્રોલર કહેવાય છે. આજે પણ એ જ ડિઝાઈન એર કંડીશનિંગમાં વપરાય છે.
વિલિસે કલ્પના કરી હતી કે સ્પ્રેમાં જો પાણી ગરમ કરવામાં આવે તો હવામાં ભેજ પેદા થશે, પણ જો પાણીને ઠંડું કરવામાં આવે તો હવામાં વરાળની બુંદો ઘનીભૂત થઇ જશે અને હવાને સૂકી બનાવશે. તેમણે નક્કી કર્યું કે તેઓ પાણીનાં માધ્યમથી હવામાં ભેજ ઓછો કરશે! લોકો તે વખતે તેમની પર હસ્યા હતા, કારણ કે આ વિચાર વિરોધાભાસી હતો.
વિલિસ માટે તેમની કારકિર્દીની આ ચમત્કારિક ક્ષણ હતી. તેમણે ઇસ્ટર્ન ટેનર્સ ગ્લુ કંપનીમાં આ તકનીકનો પહેલીવાર પ્રયોગ કર્યો હતો. 1906માં, તેમણે તેમના ‘એપેરેટ્સ ફોર ટ્રીટીંગ એર’ પર એક પેટન્ટ લઇ લીધી હતી. થોડા જ વખતમાં તેમની આ શોધ દુનિયા ભરમાં એર કંડીશન નામની ક્રાંતિ લાવવાની હતી.
અમેરિકામાં, 1918થી ‘રિપ્લે’સ બિલીવ ઈટ ઓર નોટ’ નામની એક લોકપ્રિય અખબારી કોલમ આવતી હતી, જેમાં ચિત્ર-વિચિત્ર ઘટનાઓ અને દાવાઓ નોંધવામાં આવતા હતા, જે પ્રથમ દૃષ્ટિએ અસંભવ હોય પણ અસલમાં બન્યા હોય. 1939માં, વિલિસ કેરિયરના પાણીથી ભેજને નિયંત્રિત કરવાના દાવાને ‘રિપ્લે’સ બિલીવ ઈટ ઓર નોટ’માં સ્થાન આપવામાં આવ્યું હતું.
પહેલું વાસ્તવિક ઘરેલું એર કંડીશન 1929 સુધી વિકસિત થયું નહોતું. આ સિસ્ટમ ચલાવવા માટે ચાર સો પાઉન્ડ વજનના સલ્ફર-ડાયોક્સાઈડ કન્ડેન્સિગ યુનિટ અને બસો પાઉન્ડ વજનના કેબિનેટની જરૂર પડતી હતી, ઉપરાંત, તેને ગોઠવવામાં હજારો પાઉન્ડનો ખર્ચો આવતો હતો.
1940ના દાયકાની શરૂઆતમાં, હેનરી ગેલ્સન નામના બ્રિટિશ એન્જીનિયરે નાનું અને વધુ શક્તિશાળી વિન્ડો એર કંડીશન વિકસિત કર્યું પછી તેનો ઘર વપરાશ શરૂ થયો. 1947માં, આવાં 43,000 એર કંડીશન ઘરોની બારીઓમાં લાગ્યાં હતાં. આજે, એકલા ભારતમાં જ પ્રતિ વર્ષ એક કરોડ અને આખી દુનિયામાં 17 કરોડ એર કંડીશન વેચાય છે.
વિલિસને એર કંડીશનની જરૂરિયાતનો અંદાજ હતો. ફેબ્રુઆરી 1929માં, એક ભાષણમાં તેમણે અનુમાન કર્યું હતું કે, “ગરમીમાં એર કંડીશન એક લકઝરીને બદલે જરૂરિયાત બની જશે અને આપણે જ્યારે પાછળ વળીને વર્તમાન સમયને જોઈશું તો લાગશે કે આ એક એવો ‘અંધકાર યુગ’ હતો, જે માણસોના આરામ માટે અપેક્ષાથી ઓછો શીતળ હતો.”
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 19 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર