ગુજરાતીમાં એક સુંદર કહેવત છે; વાર્યા ના વળે તે હાર્યા વળે – જેને સમજાવીએ છતાં ન સમજે તે અનુભવે આપમેળે ઠેકાણે આવી જાય. શીખવાના બે રસ્તા હોય છે; કાં તો તમે બીજાઓના અનુભવો પરથી શીખો અથવા ખુદના અનુભવ પરથી. પહેલું ઇચ્છનીય પણ અઘરું છે, બીજું અનિચ્છનીય પણ સહેલું છે.
બીજા લોકો સાથે કશું ઘટે ત્યારે આપણે તેમાંથી ધડો એટલા માટે નથી લેતા કારણ કે આપણને એવો આત્મવિશ્વાસ હોય છે કે એવું મારી સાથે થવાનું નથી. કેમ? કારણ કે બીજાની સરખામણીમાં આપણે આપણને વધુ હોંશિયાર સમજતા હોઈએ છીએ. શેર બજારમાં પ્રત્યેક સટોડિયો બીજા સટોડિયાને મૂરખ સમજતો હોય છે, પરંતુ એ જfયારે પછડાય છે ત્યારે મૂરખ સટોડિયાથી જુદી રીતે નથી પછડાતો.
રોય રોજર્સ નામના એક અમેરિકન ગીતકારે વ્યંગમાં કહ્યું હતું;
દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે.
એક વાંચીને શીખે છે.
અમુક જોઇને શીખે છે.
બાકીના ઇલેક્ટ્રિક તાર પર પેશાબ કરીને શીખે છે.
તાજેતરમાં, હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી મનીષા કોઈરાલાએ કંઇક આવો જ એકરાર કર્યો છે. તે અંડાશયના કેન્સરમાંથી બેઠી થઇ છે અને ઈશ્વરનો પાડ માને છે કે તે મરતાં મારતાં બચી છે. મોતને જોઇને પાછા ફરેલા લોકોનો જીવન પ્રત્યેનો અભિગમ ધરમૂળથી બદલાઈ જતો હોય છે. મનિષા એવા લોકોમાંથી છે.
સંજય લીલા ભણસાલીની નેટફ્લિક્સ સિરીઝ ‘હીરામંડી’ની રિલીઝ પ્રસંગે, મનીષાએ ઇન્સ્ટાગ્રામ પર તેના પુનરાગમનની ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું;
‘ભગવાનની કૃપાથી મને કેન્સર પછી બીજું જીવન મળ્યું છે. મેં જીવનમાં ઘણું જોયું છે અને ઘણા ખોટા રસ્તા પણ અપનાવ્યા છે. જીવનના ઉતાર-ચઢાવથી મને ઘણું શીખવા મળ્યું છે અને હું સમયનું મહત્ત્વ સમજું છું. ગઈકાલ મુશ્કેલ હતી, પરંતુ આજે તે શાંતિ છે.”
‘સોદાગર,’ ‘લવ સ્ટોરી.’ ‘ખામોશી’ અને ‘અકેલે હમ અકેલે તુમ’ જેવી સફળ ફિલ્મો આપનાર મનીષાનું જીવન ઉપર લખી તે વાતનું ગવાહ છે કે માણસો પોતાની ભૂલો, નિષ્ફળતાઓ અને અકસ્માતોમાંથી જેટલું શીખે છે તેટલું બીજામાંથી નથી શીખતા.
સતત સફળતા પછી, કારકિર્દીમાં એક સમય એવો આવ્યો જ્યારે મનીષા કોઈરાલાની ફિલ્મો ફ્લોપ થવા લાગી હતી. તે આ તનાવનો સામનો કરી શકી નહોતી અને બીજી તરફ ગ્લેમરની દુનિયાની ચકાચાંધથી અંજાઈ ગઈ હતી, જેની અસર તેની કારકિર્દી પર પડી હતી. મનીષા ધીમે ધીમે દારૂની વ્યસની બની ગઈ હતી. વ્યસનને કારણે, તેમણે ધીમે ધીમે ફિલ્મો મળતી બંધ થઇ ગઈ હતી. એટલું જ નહીં, 2 વર્ષની અંદર, તેના પતિથી ઝઘડા અને છૂટાછેડાએ તેને સંપૂર્ણપણે તોડી નાખી. દારૂના સેવનથી તેના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ હતી.
તેના જીવનનો સૌથી ખરાબ તબક્કો એ હતો જ્યારે તેને ખબર પડી કે તેને અંડાશયનું કેન્સર છે. એમાં એની આંખો ઉઘડી હતી. ઘણીવાર તમે એક સ્વપ્નમાં એવા ડૂબેલા હો કે તમને ખબર જ ન પડે કે તે સ્વપ્ન છે, અને અચનાક તમે એમાંથી જાગી જાવ (અને ફરી પાછા ઊંઘી ના જાવ) તો તમને તમારી વાસ્તવિકતાનું ભાન થાય. કેન્સર છે એવી ખબર પડી ત્યારે મનીષાને તેની વાસ્તવિકતાની, તે રીતનું જીવન જીવતી હતી તેનું ભાન થયું હતું. તેને કેન્સરથી લડવું હતું એટલું જ નહીં, નવેસરથી જીવવાનું શરૂ કરવું હતું.
કેન્સરની સારવાર પાછળ તેનાં ચાર વર્ષ ગયાં. આ એ જ સમય હતો જ્યારે તેણે તેના રૂટિનને અને જીવન પ્રત્યેના અભિગમને સમગ્રપણે બદલી નાખ્યો. તે દારૂના વ્યસનમાંથી બહાર આવી ગઈ, પ્રેમ સંબંધોમાં જીવનનો હેતુ શોધવામાંથી બહાર આવી ગઈ અને કેન્સરમાંથી બહાર આવી ગઈ. એ એક નવી મનીષાનો જન્મ હતો.
તેણે તેની આ યાત્રા પર ‘હીલ્ડ : હાઉ કેન્સર ગેવ મી અ ન્યૂ લાઈફ’ નામનું પુસ્તક લખ્યું છે. પુસ્તકની શરૂઆતમાં જ મનીષાએ લખ્યું હતું – ‘હું મરવા નથી માંગતી.’ મનીષા કહે છે કે તેને જ્યારે બીમારીની ખબર પડી, ત્યારે તેણે એવા લોકો વિશે જાણવાનું શરૂ કર્યું હતું, જે આ બીમારી સાથે લડીને આગળ નીકળ્યા હતા. તેમાં જ તેને ક્રિકેટર યુવરાજ સિંહ અને મોડેલ-અભિનેત્રી લીઝા રેની કેન્સર સાથેની લડાઈ જાણવા મળી હતી. એ પછી મનીષાએ પાછું વળીને ન જોયું અને બીમારી સામે જીતવાનું નક્કી કરી લીધું.
જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં, આ પુસ્તકના વિમોચન પ્રસંગે મનીષાએ કહ્યું હતું, ‘ખરાબ સમય તમારી સફળતાને રોકી શકતો નથી, પરંતુ તે શીખવા અને શીખવવાનો સમય છે. જીવન ફૂલોથી બનેલું નથી, ઉતાર-ચઢાવ એ જીવનનું વાસ્તવિક પાસું છે, માત્ર એટલી સમજ હોવી જોઈએ કે ખરાબ સમય પછી પણ સારો સમય પણ આવે છે. કેન્સરે મને એક માણસ તરીકે બદલી નાખી છે અને હું વધુ દયાળુ અને સૌમ્ય બની ગઈ છું અને પ્રકૃતિના દરેક પાસાનો આનંદ માણું છું.”
એક ખેડૂતને ચાર દીકરા હતા. ચારે ય આળસુના પીર હતા. કોઈ કામ ન કરે અને ખાઈ-પીને રખડ્યા કરે. ખેડૂત તેમને ટકોરી ટકોરીને થાકી ગયો હતો. અંતે તેણે તેમને પાઠ ભણાવાનું નક્કી કર્યું. તેણે ચારે દીકરાઓને ભેગા કરીને કહ્યું કે રાતે દાદા સપનામાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે ખેતરમાં ખજાનો દટાયેલો છે.
ચારે દીકરા દોડ્યા અને આખું ખેતર ખોદી નાખ્યું. કશું હાથ ન આવ્યું. ખેડૂતે કહ્યું, દાદા ફરીવાર સપનામાં આવ્યા હતા અને કહ્યું છે કે વરસાદ પડે તો ખોદવાનું અટકાવી દેજો અને ત્રણ મહિના પછી ફરી પ્રયાસ કરજો.
દીકરાઓએ તો ખેતરની જમીન ઉપર-તળે કરી નાખી હતી એટલે ખેડૂતે સલાહ આપી કે વરસાદ આવવાની તૈયારમાં જ છે તો ભેગા ભેગી મકાઈ રોપી દો એટલે જમીન પાછી બહુ કડક ના થઇ જાય.
દીકરા સંમત થયા અને ત્રણ મહિના પૂરા થાય તેની લ્હાયમાં મકાઈ રોપવા માટે મંડી પડ્યા.
એ સિઝનમાં મકાઇ ભરપૂર થઇ. ખેડૂતે તેને ઊંચા દામે બજારમાં વેચી. ઘરમાં ઢગલો રૂપિયા આવ્યા. ખેડૂતે ચારે દીકરાને ભેગાં કરીને રૂપિયા તરફ આંગળી ચીંધીને કહ્યું, દાદાજી ફરી પાછા સપનામાં આવ્યા હતા અને કહેતાં હતા કે તેમણે આ જ ખજાનાની વાત કરી હતી.
દીકરાઓ પરિશ્રમનું મહત્ત્વ સમજી ગયા. એ અનુભવ તેમનો શ્રેષ્ઠ શિક્ષક સાબિત થયો હતો.
મનીષા કોઈરાલાને નવા જીવનનો ખજાનો મળ્યો તેમાં તેની અસ્તવ્યસ્ત જીવનશૈલી અને બીમારીનો અનુભવ શ્રેષ્ઠ શિક્ષક સાબિત થયો હતો.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 19 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર