સ્માર્ટનો અર્થ આમ તો ચાલાક, ચપળ, ચતુર … થાય. હવે તો બધું જ સ્માર્ટ થઈ રહ્યું છે. સ્માર્ટ સિટી, સ્માર્ટ મોબાઈલ, સ્માર્ટ રેસ્ટોરન્ટ … વગેરે. એટલું છે કે પર્વતો સ્માર્ટ થતા નથી, નદી સ્માર્ટ ટર્ન લઈને વહેતી નથી, કોઈ ફૂલને સ્માર્ટ દેખાવા સ્પ્રે છાંટવાની જરૂર પડતી નથી. વધારામાં કેટલાક નવા અર્થો બહુ જ સ્માર્ટલી ઉમેરાઈ રહ્યા છે ને તે લુચ્ચાઈ, છેતરપિંડી … વગેરે. હવે કોઈ સ્માર્ટ છે એવું સંભળાય છે, તો તેનો સારો અર્થ પ્રગટતો નથી, તેનો વિરોધી અર્થ જ મનમાં પડે છે. સુરત પણ સ્માર્ટ સિટી છે, તે તેનાં લોકોને કારણે. સુરતના લોકો લહેરી છે. આનંદી છે એટલે તેને છેતરી શકાય કે મૂરખ બનાવી શકાય એવું, બીજા કોઈને નહીં, તો વીજ કંપનીને તો લાગે જ છે. વીજ કંપનીઓએ આજ સુધી સુરતીઓને અનેક વખત ને અનેક રીતે સ્માર્ટનેસ બતાવવામાં કૈં બાકી નથી રાખ્યું. એટલું ઓછું હોય તેમ તે હવે સ્માર્ટ મીટર નાખીને ઓવર ‘સ્માર્ટ’ થવા મથી રહી છે. લોકોએ સ્માર્ટ મીટરની માંગણી કરી હોય એવું સાંભળ્યું તો નથી, પણ વીજ કંપનીએ પોતાની સગવડ માટે સ્માર્ટ મીટર નાખવાનું શરૂ કર્યું છે. એની ખૂબી એ છે કે મોબાઇલની જેમ એને એડવાન્સ પૈસા ભરીને રિચાર્જ કરાવવું પડે છે. રિચાર્જ ખતમ થાય કે અંધારું વેઠવાની તૈયારી રાખવાની. મીટર કોઈ પણ હોય, વપરાશ મુજબ તે સરખો જ ચાર્જ લગાવે, પણ સ્માર્ટ મીટર એવું છે કે તે અગાઉના મીટર કરતાં વધુ ચાર્જ લગાવે છે. એ ભૂલથી નહીં, કદાચ ઇરાદાપૂર્વક. એ જો ભૂલ જ હોય, તો ચાર્જ ઓછો પણ લગાવેને ! એવું ભૂલથી પણ ન થાય એટલું આ મીટર ‘સ્માર્ટ’ છે.
વીજ કંપનીઓએ પોતાને માટે સગવડ એ ઊભી કરી છે કે મીટરનો આંકડો નોંધવા કર્મચારીઓ મીટરની મુલાકાતે આવતા હતા, તે સ્માર્ટ મીટર નાખવાથી આંટાફેરા કરવામાંથી બચી ગયા છે. કદાચ એ કર્મચારીઓને છૂટા કરવાની આ યુક્તિ હોય તો ખબર નહીં ! હવે આંટાફેરા ગ્રાહકે કરવા પડે ને સરખો જવાબ ન મળે કે અપમાનિત થવું પડે, તો એ નવી સગવડ સ્માર્ટ મીટરે આપી છે, કારણ રિચાર્જ ખતમ થઈ જાય ને વીજ જોડાણ કપાય તો ચિંતા ગ્રાહકે કરવાની છે. રિચાર્જ ખતમ કે અજવાળું પણ ખતમ ! પહેલાં બે મહિને લાઇટ બિલ આવતું, તે ભરવા માટે મુદ્દત અપાતી, એ સગવડ સ્માર્ટ મીટરમાં નથી. ‘સ્માર્ટ’ છેને !
સરકારી કે ખાનગી ક્ષેત્રોમાં સ્માર્ટનેસ જ્યાં પણ વધી છે, અગવડો તંત્રોની ઘટી છે ને હાલાકી ગ્રાહકોની વધી છે. ખંખેરાવાનું ગ્રાહકને ભાગે આવ્યું છે. જે તે ક્ષેત્રની સગવડ સાચવવા ગ્રાહકને ખંખેરવાની યુક્તિ એટલે સ્માર્ટનેસ, જેનું ગુજરાતી હવે છેતરપિંડી કે લુચ્ચાઈ પણ થાય છે. સ્માર્ટ મીટરનો ઊહાપોહ વડોદરા અને સુરતમાં છે. વડોદરામાં એમ.જી.વી.સી.એલ.(મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)એ સ્માર્ટ વીજ મીટર નાખ્યાં ને વધુ રકમ કપાવાની શરૂઆત થઈ. જે ઘરમાં બે માસનું બિલ 1,200 આવતું હતું, ત્યાં માઇનસ 800નો આંકડો આવ્યો. સમા વિસ્તારમાં એક મહિલાએ 5,000નું રિચાર્જ કરાવ્યું, તો એક જ દિવસમાં 2,700 રૂપિયા કપાઈ ગયા. બે મહિનાના 3,500ની સામે એક જ દિવસના 2,700 કપાતા હોય તો કોઈ પણ ગ્રાહક, સ્માર્ટ વીજ મીટર નખાવવા શું કામ તૈયાર થશે? સમા-માણેજાનાં રહીશોએ તો નક્કી કરી લીધું છે કે સ્માર્ટ મીટર નખાવવું જ નહીં. સ્માર્ટ મીટરનો અર્થ આડેધડ બિલિંગ અને મનસ્વી બેલન્સ કાપ તો ન હોયને ! પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર લાગતાં કોઈ ધોરણ વગર જ રકમ કપાય તો મધ્યમવર્ગના લોકોની ચામડી તતડે એમાં નવાઈ નથી.
બીજી તરફ મેનેજિંગ ડિરેક્ટર મીટરની પારદર્શિતાનાં વખાણ કરતાં થાકતા નથી. તેઓ તો તમામ વીજ ધારકોને ત્યાં સ્માર્ટ વીજ મીટર નાખવાનો રાગ જ આલાપે છે. સાહેબનું કહેવું એમ છે કે અત્યાર સુધી કર્મચારીઓ જે તે મીટરનું રીડિંગ લેતા હતા, હવે વીજ મીટરથી દર અડધા કલાકે રીડિંગ લઈ શકાય છે. જો કે ગ્રાહકોનું કહેવું છે કે સપ્તાહ સુધી કેટલો વપરાશ થયો એના મેસેજ આવતા હતા, પછી એ બંધ થયું. એ પણ છે કે રીડિંગ શરૂઆતમાં કુતૂહલ ખાતર સૌ લે, પણ પછી બીજા કામ પણ હોય એટલે ગમે એટલું સ્માર્ટ હોય, તો પણ કોઈ મીટર પકડીને તો ન બેસી રહે. મીટરમાં મેક્સિમમ રિચાર્જ હોય ને ઝીરો બેલેન્સ ન થાય એની જવાબદારી ગ્રાહક પર નાખી હોવાથી, કંપનીએ પોતાનું તળિયું ટાઢું કરવા જ આખી વ્યવસ્થા વિચારી હોય એવો વહેમ પડે છે. એ રીતે કંપની ખરેખર ‘સ્માર્ટ’ ગણાય. આ વીજ મીટર ગમે એટલું સ્માર્ટ હોય તો પણ, ગ્રાહકને જૂની બિલ પદ્ધતિ અનુકૂળ હોય તો તેનો વિકલ્પ પણ ખુલ્લો રાખવાનો રહે.
સ્માર્ટ વીજ મીટર સુરતને પણ માફક આવ્યું નથી. 4 એપ્રિલથી સુરતમાં બારેક હજાર સ્માર્ટ મીટર લાગ્યાં છે. જૂનાં મીટરમાં રોજનું એવરેજ બિલ 35 રૂપિયા આવતું હતું, તે સ્માર્ટ મીટર લાગતાં 76 રૂપિયા થઈ ગયું છે. વેસુમાં સ્માર્ટ મીટર પંદરેક દિવસથી જ લગાવવામાં આવ્યાં છે, પણ પંદર દિવસમાં જ ચાર ગણું રિચાર્જ કરવાની સ્થિતિ આવી છે. ડી.જી.વી.સી.એલ.(દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)નાં સ્માર્ટ મીટર પાઇલટ પ્રોજેક્ટ તરીકે જ લગાવાઈ રહ્યાં છે, ત્યારે જ હોબાળો થયો છે. વેસુ નિર્મલ નગર એસ.એમ.સી. આવાસ અને સોમેશ્વર એન્કલેવમાં બે મહિનાનું બિલ બેથી ત્રણ હજાર આવતું હતું, એ હિસાબે સ્માર્ટ વીજ મીટર નંખાતાં બેથી ત્રણ હજારનું રિચાર્જ કરાવ્યું, તો તે રકમ તો પંદર દિવસમાં જ પૂરી થઈ ગઈ ને વેસુની વાત ડી.જી.વી.સી.એલ. સુધી પહોંચી. લોકોને અધિકારીઓએ ગરમીને કારણે વધુ બિલ આવ્યું છે એટલે ફરી રિચાર્જ કરાવવું પડશે એમ કહીને પટાવ્યા. આ સાહેબો લોકોને મૂરખ બનાવે છે. ઉનાળામાં વીજનો વપરાશ વધે એટલી અક્કલ પણ લોકોમાં નહીં હોય કે ગરમીનું બહાનું કંપનીએ કાઢવું પડે? સાદી વાત એટલી છે કે મીટર બદલવાથી સ્માર્ટનેસ વધે, યુનિટના ભાવ તો ન વધેને? બે મહિનાનું 2,000નું અગાઉ આવતું બિલ પંદર દિવસમાં જ રિચાર્જ કરાવવું પડે તો કંપનીના ઈરાદાઓ સ્માર્ટ નથી, પણ સ્વાર્થી છે ને નફાખોર માનસ ધરાવે છે એ નિર્વિવાદ છે. વડોદરામાં તો કંપની પરથી લોકોનો ભરોસો જ ઊઠી ગયો છે. સુરતમાં પણ એ જ સ્થિતિ છે. વધારે બિલ આવવાનાં કારણો ભણાવવા કંપનીનાં માણસો ઘરે ઘરે ફરવાના છે. ખરેખર તો આ કામ તેમણે પહેલાં કરવાનું હતું. સાદી વાત તો એ છે કે યુનિટનો ભાવ કંપનીએ જૂનાં મીટર માટે નક્કી કર્યો હોય, તો સ્માર્ટ મીટરમાં પણ ભાવ તો એ જ લાગુ થાયને? તો બિલ વધારે કેવી રીતે આવે? કે સ્માર્ટ મીટરમાં ભાવ જુદો છે? તો સવાલ એ થાય કે ભાવ યુનિટ પ્રમાણે લાગે કે મીટર પ્રમાણે? જો એ મીટર પ્રમાણે હોય તો લોકોએ સ્માર્ટ મીટર શું કામ પાળવા જોઈએ તે કંપની કહેશે? એ સંજોગોમાં ગ્રાહકો અગાઉ પ્રમાણે જ બિલ ઈચ્છે તો એમનો શો વાંક કાઢીશું? ગુજરાતમાં લગભગ 1.64 કરોડ સ્માર્ટ વીજ મીટર લગાવવાની ગણતરી ગુજરાતની વીજ કંપનીઓની હોય, તો તેણે લોકોને સમજાવવા જોઈએ. લોકોને તો જૂનું મીટર હતું ત્યારે પણ પૈસા ભરવાના હતા ને સ્માર્ટ વીજ મીટરમાં ય ભરવાના જ હોય, પણ એ કેવળ ખોટ ખાવા તો ન હોયને ! એવાં મીટર ન હોય એ જ વધુ યોગ્ય, એવું નહીં?
જો કે, વડોદરામાં 27,000 મીટર લાગ્યા છે, તે તો રહેશે, પણ નવાં મીટરો લગાવવા પર હાલ તુરત તો બ્રેક લાગી છે. સુરતમાં મીટર પર રોક લગાવવાની વાત નથી, પણ ગ્રાહકોને થયેલી ગેરસમજ દૂર કરવાની વાત છે. કંપનીએ સમજાવવાની વાત એ છે કે જે બિલ વધારે લાગે છે, તે જૂનાં મીટરના વપરાશનું બિલ ઉમેરાયું છે એટલે. એ સમજી શકાય, પણ એનો સરવાળો મહિનાનાં કુલ બિલથી એટલો વધારે તો ન હોયને કે બે મહિનાના અંદાજ સાથે કરાવાયેલું રિચાર્જ પંદર દિવસમાં જ પૂરું થઈ જાય? અધિકારીઓ કહે છે કે જૂનાં બિલથી સ્માર્ટ મીટરનું બિલ વધતું નથી. જો વધતું જ ન હોય તો ગ્રાહકને મીટર જૂનું હોય કે નવું, શો વાંધો હોય? પણ થયેલા ઊહાપોહ પરથી લાગતું નથી કે વાત એટલી જ છે. ગરબડ સ્માર્ટ મીટરની જ છે. બિલ સરખું જ આવતું હોત તો ગ્રાહકોએ અત્યાર સુધી ઊહાપોહ નથી કર્યો, તો હવે શું કામ કરે? ખરેખર તો ગ્રાહકોને સમજાવવા કરતાં કંપનીએ પોતાને પક્ષે બધું ચકાસી લેવાની જરૂર છે ને એનો સંતોષકારક ઉકેલ ન મળે, ત્યાં સુધી સુરત-વડોદરામાં નવાં મીટરો નાખવાનું તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 મે 2024