અમે ઢોરનાં ઢોર,
જરા સુધરીએ તો દુનિયામાં ક્યાંય રહે ના ચોર,
અમે ઢોરનાં ઢોર …
મૂરખ એવા કે ભડકાને કહીએ અંતરજ્યોત,
અમે આપીએ મત ને સત્તા અમને આપે મોત,
ચિચિયારી ભડભડ ઊઠે તો પણ ગણીએ કલશોર,
અમે ઢોરનાં ઢોર ….
ચિતા વગર પણ કિલકારીની પાડી દઈએ રાખ,
અમે બાળપણને રાંધીને ઊજવીએ વૈશાખ,
આંસુ થાય તે આંખોનો રોકાય ન શોરબકોર,
અમે ઢોરનાં ઢોર ….
અમે રીઢાં એવાં કે લાશ વગર ના હૈયું ધડકે,
હવે ઢોરને નથી ચામડી કે રૂંવાડું ફરકે,
નથી ફેર પડતો કે લાશ બળે કે નાચે મોર,
અમે ઢોરનાં ઢોર …
મોટાં માથાં બદલી કાઢી દે છે આશ્વાસન,
લાખ બે લાખની લ્હાણી વ્હેંચી રાખનું રાખે મન,
હેવાનોને પણ શરમાવે એવી જાત નઠોર,
અમે ઢોરનાં ઢોર …
રોજ કરોડ જમે ને તોયે પેટને ઠોકે તાલી,
આખે આખી પૃથ્વી ઓરી તોય હોજરી ખાલી,
નથી ખબર કે આદમ ક્યાંથી થાય છે આદમખોર,
અમે ઢોરનાં ઢોર ….
000
e.mail : ravindra21111946@gmail.com