ફ્રાન્સના અતિપ્રતિષ્ઠિત Cannes International Film Festivalમાં ભારતના દિગ્દર્શક પાયલ કપાડિયાની All We Imagine As Light નામની સ્ત્રી-કેન્દ્રી ફીચર ફિલ્મને Grand Prix નામનો અત્યંત સન્માનનીય પુરસ્કાર મળ્યો છે.
પાયલ એવાં સહુ પ્રથમ ભારતીય મહિલા દિગ્દર્શક છે કે જેમની ફીચર ફિલ્મ Cannesની મુખ્ય સ્પર્ધામાં બતાવવામાં આવી હોય. વળી આ બીજી જ એવી ભારતીય ફિલ્મ છે કે જે મુખ્ય સ્પર્ધામાં બતાવવામાં આવી હોય. આ પહેલાં 1994માં શાજી એન. કરુણ નામના દિગ્દર્શકની ‘સ્વહમ’ ફિલ્મ બતાવવામાં આવી હતી.
સન્માન સ્વીકારતી વખતે પાયલે સંયત આનંદ સાથે સહુનો આભાર માન્યો. પછી તેમણે ફિલ્મની ત્રણ અભિનેત્રીઓ કની કુસૃતી, દિવ્ય પ્રભા અને છાયા કદમને મંચ પર પોતાની નજીક બોલાવી અને કહ્યું :
‘હું મારી એક્ટર્સને અહીં બોલાવું છું કારણ કે, મને નથી લાગતું કે , તેમનાં વિના આ શક્ય બન્યું હોત.આ સ્ત્રીઓએ મને ઘણું બધું આપ્યું છે અને તેમણે ફિલ્મને પોતાનો પરિવાર ગણીને તેના માટે કામ કર્યું છે, તેમણે આ ફિલ્મને પોતાની માની છે.’
ફિલ્મ વિશેની નોંધ વાંચતાં તેમણે કહ્યું : ‘આ ફિલ્મ મૈત્રી વિશેની છે, આ ફિલ્મ એકબીજાથી સાવ અલગ હોય તેવી ત્રણ સ્ત્રીઓ વિશેની છે. આપણા સમાજમાં ઘણી વાર સ્ત્રી સ્ત્રીની દુ:શ્મન એમ માનવામાં આવે છે. આપણો સમાજ આ રીતે રચાયેલો છે એ આપણી કમનસીબી છે. પણ મારા માટે દોસ્તી બહુ મહત્ત્વનો સંબંધ છે, કારણ કે તે વધુ એકતા, સમાવેશકતા અને સહસંવેદન (solidarity, inclusivity and empathy) જગાવી શકે છે. આ મૂલ્યો માટે આપણે મથતાં રહેવું જોઈએ.’
પાયલે પોતાની ટીમનો અને Cannes Festivalના આયોજન સાથે સંકળાયેલા સહુનો આભાર માન્યો. તદુપરાંત તેમણે ફેસ્ટિવલ સાથે સંકળાયેલા કામદારોનો આભાર માનીને તેમની ચળવળ સાથે સોલિડારિટી વ્યક્ત કરી હતી.
દેશના વડા પ્રધાને પાયલને અભિનંદન આપ્યા છે. યાદ કરાવવું જ રહ્યું કે તેમના જ વડા પ્રધાન પદ હેઠળની ભારતીય જનતા પક્ષની સરકારે આ જ પાયલ અને તેના બીજાં કેટલાક જાગૃત સાથીદાર યુવાઓ પર સરકારના એક તદ્દન ગેરવાજબી પગલાનો વિરોધ કરવા માટે 2015માં ચાર્જશીટ મૂકવામાં આવી હતી. તેમને ‘anti-national’નો સિક્કો અને ‘go back to Pakistan’ના નારા વેઠવાના આવ્યા હતા.
પાયલ ફિલ્મકલાના શિક્ષણ માટેની પૂનામાં આવેલી વિખ્યાત સંસ્થા Film and Television Institute of India (FTII)નાં વિદ્યાર્થિની છે. ફિલ્મકલાના ધરુવાડિયા સમી આ સંસ્થાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
આ Cannes Festivalમાં પાયલ ઉપરાંત FTIIના ત્રણ વિદ્યાર્થીઓને સન્માન મળ્યાં છે. સંસ્થાના ચેરપર્સન/પ્રેસિડેન્ટ તરીકે મૃણાલ સેન, શ્યામ બેનેગલ, અદૂર ગોપાલકૃષ્ણન, ગિરીશ કર્નાડ જેવા દિગ્ગજો રહી ચૂક્યા છે.
સરકારે સંસ્થાના ચેરપર્સન તરીકે સરકારે જૂન 2015માં ભા.જ.પ.ના સભ્ય એવા અભિનેતા ગજેન્દ્ર ચૌહાનની નિમણૂક કરી. તેઓ કેવળ મહાભારત ટેલિવિઝન શ્રેણીમાં યુધિષ્ઠિરની ભૂમિકા માટે જાણીતા હતા.
આવી નજીવી પાત્રતા ધરાવતા વડાની રાજકીય નિમણૂકનો FTIIના વિદ્યાર્થીઓએ મોટા પાયે વિરોધ કર્યો. આંદોલન 2017માં જુલાઈથી ઑક્ટોબર 130 દિવસ સુધી ચાલ્યું. વિદ્યાર્થીઓની ધરપકડો થઈ, તેમની પર કેસ દાખલ થયા.
આ આંદોલનના ટેકામાં અમદાવાદના કર્મશીલોએ પણ FTIIના વિદ્યાર્થીઓની સાથે ગોષ્ઠી અને તેમની ફિલ્મો બતાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
FTII આંદોલનના આગેવાનોમાં એક પાયલ હતાં. વિદ્યાર્થીઓએ એક દિવસ માનવ સાંકળ બનાવી અને સંસ્થાના નિયામકને ઘેરાવ કર્યો. તે વખતે કથિત ભાંગફોડ અને અન્ય આરોપો હેઠળ પાંત્રીસેક વિદ્યાર્થીઓ સાથે પાયલની સામે પણ ફરિયાદ દાખલ થઈ.
શિસ્તભંગના પગલાં તરીકે Student Exchange Programમાંથી પાયલનું નામ કમી કરવામાં આવ્યું, વીસ હજાર રૂપિયાની સ્કૉલરશીપ રદ્દ કરવામાં આવી. બધા વિદ્યાર્થીઓ પર 2016માં કેસ દાખલ કરવામાં આવ્યો જેની સુનાવણીઓ પૂનાની સેશન્સ કોર્ટમાં દર બે-ત્રણ મહિને ચાલે છે જેમાં પ્રોસિક્યુશન તરફથી ભાગ્યે જ કોઈ રજૂઆત હોય છે.
જો કે 2017માં પાયલની Afternoon Cloud નામની ફિલ્મ Cannesના વિદ્યાર્થી વિભાગમાં પસંદ પામી ત્યારે FTIIએ પાયલને તેના નિર્માણ માટેનું ખર્ચ આપ્યું હતું.
Cannes સન્માન પછીના એક પ્રતિભાવમાં પાયલે કહ્યું : ‘FTII એ જગ્યા છે કે જ્યાં તમે સિનેમાચાહકોની સાથે ખૂબ શેઅરિંગ કરી શકો. સંસ્થામાં મારી સાથે ભણતા વિદ્યાર્થીઓનો મારા વિચારોને ઘાટ આપવામાં ફાળો છે. અહીં અમને દુનિયાભરની ફિલ્મો જોવા મળી અને એ એક્સપોઝર મને મારી ફિલ્મો બનાવવામાં પણ ઘણું ઉપયોગી થયું.’
પાયલે 2021 બનાવેલી A Night of Knowing Nothing નામની ડૉક્યુમેન્ટરી ફિલ્મને Cannesમાં બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફિલ્મનો પુરસ્કાર મળ્યો. Abstract તરફ ઝુકાવ ધરાવતી આ કલાત્મક ફિલ્મ ભારતીય વિદ્યાર્થી જીવન અને યુનિવર્સિટી શિક્ષણ પરની એક સર્વોત્કૃષ્ટ ભારતીય ડૉક્યુમન્ટરી ફિલ્મ ગણાય છે.
ફિલ્મ વિશેના એક લાંબા આસ્વાદલેખમાં નોંધવામાં એ મતલબનું આવ્યું છે કે FTIIના આંદોલનને એક પ્લૅટફૉર્મ તરીકે લઈને આ ફિલ્મ વિદ્યાર્થી જગતે મોદી સરકાર સામે ચલાવેલા વિરોધ, શાસકોનો મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથેનો ભેદભાવ, દલિત અને બહુજન સમાજના વિદ્યાર્થીઓ તરફનો અભિગમ, યુનિવર્સિટીઓની ફીમાં કમરતોડ વધારો અને ઉચ્ચશિક્ષણ માત્ર ધનિકોનો વિશેષાધિકાર બને તેવી નીતિને ખુલ્લાં પાડે છે.
2014માં સત્તા પર આવેલી ભા.જ.પ. સરકારે જુદું વિચારવા પ્રેરનારી એક રાષ્ટ્રીય કક્ષાની સંસ્થામાં ખુલ્લેઆમ દખલગીરી અને તેના વિરોધનું દમન કરવાની શરૂઆત કરી તે સંભવત: પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂથી. તે પછી બનારસ હિન્દુ યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જામિયા યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી જેવી અનેક શિક્ષણસંસ્થાઓ સરકારની નીતિઓનો વિરોધ કરનાર છાત્રશક્તિને કચડી નાખવાનો સિલસિલો ચાલ્યો. હમણાં રામનવમી પર પણ FTIIના પરિસરમાં ઘૂસીને ત્યાં જોવા મળતાં બાબરી મસ્જિદ તોડવાના બનાવના પોસ્ટરને ફાડવાના અને ધાકધમકીનો બનાવ બન્યો.
પાયલને 26 મેના દિવસે વૈશ્વિક સન્માન મળ્યું. હવે બરાબર એક મહિના બાદ, 26 જૂન 2024ના દિવસે, પાયલ અને તેમનાં સાથીઓએ જૂન 2016માં, આઠ વર્ષ પહેલા સરકારની સામે અવાજ ઊઠાવ્યો હતો તેના માટેના મુકદમાની તારીખ પૂના સેશન્સ કોર્ટમાં છે.
સૌજન્ય : સમૂહ માધ્યમો
27 મે 2024
e.mail : sanjaysbhave@yahoo.com