ભા.જ.પા. સરકાર જો ફરી સત્તા પર આવે તો સત્તાધીશો શબ્દો અને કર્મો વચ્ચેની ખાઇ કેટલી હદે પુરાશે એ જોવામાં પણ અનેક રાષ્ટ્રોને રસ છે. લોકશાહી, અર્થતંત્ર, ધ્રુવીકરણ જેવા બહુસ્તરીય પ્રિઝમથી ભારતની ચૂંટણીને નાણવામાં આવી રહી છે.

ચિરંતના ભટ્ટ
આપણે બધાં જ અત્યારે ચૂંટણીની મોસમમાં છીએ. છ અઠવાડિયા અને સાત તબક્કામાં મતદાન થવાનું છે અને છેક 1લી જૂને મતદાન પૂરું થશે. ભારત એ દુનિયાનાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાંનો એક તો છે જ, પણ આપણું અર્થતંત્ર પણ દિવસે દિવસે પોતાનું કદ વધારી રહ્યું છે. આપણે ત્યાં અર્થતંત્રની ખાઇ બહુ જ મોટી હોવા છતાં પણ વિદેશી કંપનીઓને અહીં તગડું માર્કેટ મળી રહે છે અને માટે જ ભારતમાં કોની સરકાર બને છે તે જાણવાની તાલાવેલી વિદેશી રાષ્ટ્રોને પણ છે. રાજકીય ભૌગોલિક સમીકરણની દૃષ્ટિએ પણ ભારત એવી રીતે દુનિયાના નકશે ગોઠવાયેલો છે કે આપણા રાજકારણમાં રસ લીધા વિના વિદેશી રાષ્ટ્રોને છુટકો નથી. ગયા વર્ષે G20 સમિટ ભારતમાં યોજાયું અને ઘણાં બધાં મહત્ત્વનાં કહી શકાય એવા વિદેશી નેતાઓ સાથે વડા પ્રધાને મુલાકાત કરી. સમિટમાં પણ જે રીતે વિશ્વ સ્તરીય નેતૃત્વને આમંત્રણ અપાયા હતા તેમાં ભારતને એક વિકાસશીલ રાષ્ટ્ર તરીકે જોવાનો દૃષ્ટિકોણ કેળવાય તેની પૂરી તકેદારી રખાઇ હતી. આપણી લોકશાહી અન્ય રાષ્ટ્રો સાથેના આપણા સંબંધો માટે અગત્યનો પાયો છે. જો કે લોકશાહીનું રૂપ જેવું હોવું જોઇએ એવું નથી રહ્યું અને સતત એવી ઘટનાઓ ઘટે છે જ્યાં લોકશાહીના પાતળા પડી રહેલા પોતની ચિંતા કરવી પડે એમ કહેવામાં પણ જરા ય અતિશયોક્તિ નથી. ઇન્વેસ્ટીગેટિંગ એજન્સીઝના સપાટામાં ભલભલા લોકો આવી ગયા છે, વિરોધપક્ષના નેતાઓ જેલમાં છે અથવા તો એવી રીતે ભેરવાયેલા છે કે કંઇ બીજું કરી શકે એમ નથી. સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકાર તો એમ જ દાવો માંડે કે તપાસ એજન્સીઓની કામગીરીમાં તેમનો કોઇ ફાળો નથી. પણ ભારતીય મતદાતા સાવ ભોટ તો છે નહીં એવી વાતો માની લે, હા એમ થઇ શકે કે રાજકીય ઝુકાવને વધુ મહત્ત્વ આપતા હોવાથી લોકશાહીને હાંસિયામાં ધકેલાતી હોવા છતાં તેનુ શું કરવું જોઇએ તે વિશે વિચારવામાં કે તેના હાલ જોવામાં તેમને કોઇ રસ ન હોય.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સારો-ખરાબ કે સાચો-ખોટો વહીવટ કરે છે કે કેમ એ ચર્ચા અત્યારે અસ્થાને છે, કારણકે જે છે એ આપણી નજર સામે છે. આ વહીવટનાં કેટલાં સારાં પરિણામો આવ્યા છે તો કેટલા ય પરિણામો એવા છે જે કઠે. અત્યારે આપણને શું કેવું લાગે છેની ગણતરી બાજુમાં મૂકી દઇએ અને વૈશ્વિક સ્તરે નરેન્દ્ર મોદી એક વડા પ્રધાન તરીકે પોતાની છાપને જાળવવા કેટલી તકેદારી રાખે છે તેની પર નજર કરીએ. આ જોવું જરૂરી છે કારણ કે ભારતનું મહત્ત્વ વૈશ્વિક સ્તરે વધારવું હોય તો આ બધી પહેલ ગણતરીમાં લેવી પડે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાંથી જરા બ્રેક લઇને રશિયાના પુતિન અને યુક્રેઇનના ઝેલેન્સ્કી સાથે વાત કરી. તેમણે બન્ને રાષ્ટ્રોને ભારત સાથેની ભાગીદારી મજબૂત કરવા અંગે સૂચવ્યું. બે રાષ્ટ્રો જે અત્યારે એકબીજાની સામે છે તેમને બન્નેને ભારત તરફથી એમ બાંયધારી મળી કે આ સંઘર્ષનો શાંતિપૂર્વકનો ઉકેલ શોધવામાં ભારત તેમને ચોક્કસ મદદ કરશે. આ પહેલાં મોદીએ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ઇઝરાયલ મોકલી આપ્યા હતા. ઇઝરાયલ સાથે આપણે સારા સંબંધો જ છે પણ અહીં મોદીએ ઇઝરાયલને એમ સંદેશો પાઠવ્યો કે ભારત તમારો મિત્ર છે એમ માનીને તેના ટેકાને હળવાશથી લેવાની જરૂર નથી. ઇઝરાયલને કારણે ગાઝામાં જે મોતનું તાંડવ ખેલાયું છે તે અંગે આખી દુનિયામાં થુ થુ થઇ રહ્યું છે (એવા પશ્ચિમી રાજ્યો પણ આની ટીકા કરી રહ્યા છે જે છાને ખૂણે આ સંઘર્ષ ચાલુ રહે એમ ઇચ્છે છે) અને માટે જ ઇઝરાયલને ભારતનો ટેકો હોવા છતાં જ્યાં જરૂર પડે ત્યાં ટકોર કરવામાં આપણું નેતૃત્વ ચૂકતું નથી એવો સંદેશ વિશ્વ સમક્ષ સ્પષ્ટ કરાયો.
રાજકારણમાં ‘ઇમેજ-મેનેજમેન્ટ’ બહુ જરૂરી છે અને વડા પ્રધાનને આ બહુ જ સારી રીતે ખબર છે. આમ તો આ બધાં જ રાજકારણીઓને ખબર હોય છે પણ વડા પ્રધાને આ મામલે લેસન પાકું કરેલું છે. મુત્સદ્દી પહેલથી વૈશ્વિક સ્તરે પોતાની છબી જાળવવામાં તે કોઇ કચાશ નથી છોડતા.
ટૂંકમાં ઘરે પ્રસંગ હોવા છતાં – એટલે કે ચૂંટણી હોવા છતાં વડા પ્રધાને બે મોટા વૈશ્વિક સંઘર્ષોને સંબોધીને મોદીએ સાબિત કર્યું કે તેઓ ભારતની આંતરરાષ્ટ્રીય જવાબદારી સમજે છે. આડકતરી રીતે એમ કે ભારત વૈશ્વિક રાજકારણમાં અગત્યનો ભાગ ભજવે છે તેને હળવાશથી ન લેવાય. રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી ટાણે તત્કાલિન નેતૃત્વને બહુ ગંભીરતાથી નથી લેવાતું પણ મોદીને મામલે માહોલ અલગ છે. એવા ઘણા વૈશ્વિક નેતાઓ છે જે ચાહે છે કે મોદી સત્તા પર પાછા ફરે અને માટે જ આપણી ચૂંટણી પર આખી દુનિયાની નજર છે. આપણે એક રાષ્ટ્ર તરીકે ખૂબ સંકુલ છીએ, એક કરતાં વધારે પક્ષ છે (હજી સુધી તો છે – રહે તો સારું ભગવાન! ) અને એક બહુસ્તરીય સમાજમાં ચૂંટણી પંચ કઇ રીતે સફળતાથી ચૂંટણી પાર પાડે છે એ જોવું અને જાણવું કોઇને માટે પણ અજાયબીનો વિષય સાબિત થાય છે. ચૂંટણી પંચ લોકશાહી ઢબે જ ચાલતું આવ્યું છે જો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચૂંટણી પંચની સ્વાયત્તતામાં છેકછાક થઇ જ છે, આપણે આ વિશે પહેલાં જ વાત કરી ચૂક્યા છીએ. જો કે એ તો ‘ઘરની અંદર’ની વાત છે. છતાં ય આપણા દેશની લોકશાહી નબળી પડી રહી હોવાનાના મુદ્દા આંતરરાષ્ટ્રીય સ્તરે એટલો ઘોંઘાટ તો કરી ચૂક્યા છે કે એના લીધે તમામની નજર ભારતની ચૂંટણી પર છે જ.
આપણી લોકશાહી દોષરહિત નથી પણ છતાં ય ચૂંટણીને કારણે સત્તા પરિવર્તન આપણે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે જોયું છે (એમાં ગોટાળા પણ થતા હોય છે પણ એ વાત ફરી ક્યારેક). પશ્ચિમી રાષ્ટ્ર ન હોવા છતાં આપણી લોકશાહી, બંધારણ અને ન્યાયતંત્રનો વ્યાપ, આદર અને તેની જોગવાઇની અસરકારકતા અન્ય રાષ્ટ્રોમાં કુતૂહલ ચોક્કસ જાગાડે છે.
ભા.જ.પા.નું નેતૃત્વ પોતે દ્વેષપૂર્ણ હોવાની ખરડાયેલી છબીને સાફ કરવા જરા વધારે મહેનત કરે તો સારું. એ સારું છે કે ભા.જ.પા.એ પ્રજ્ઞા ઠાકુર, રમેશ બિધુરી અને પરવેશ વર્મા જેવા વિવાદાસ્પદ સભ્યોને લોકસભાની ટિકીટ નથી આપી, પણ તેની સામે હજી ગણતરીના દિવસો પહેલાં વડા પ્રધાને જે ભાષણ કર્યું એ ચોક્કસ યોગ્ય નહોતું. વાઇરલ થયેલા આ ભાષણમાં એમણે મુસલમાનો વિષે જે રીતે વિધાનો કર્યા એ કોઇ વડા પ્રધાનને છાજે એવી ભાષા હતી જ નહીં. ધાર્મિક લધુમતીઓ પ્રત્યેનો આક્રોશ ઠારવો પડશે નહીંતર આ વૈવિધ્યપૂર્ણ રાષ્ટ્રની ઓળખ ખાડે જશે. પશ્ચિમમાં ઇસ્લામોફોબિયા એક મોટો પ્રશ્ન છે પણ ભારતને એ નહીં પોસાય એ સમજવું પડશે અને આપણે જ એક સહિષ્ણુ રાષ્ટ્ર હોવાની મિસાલ બનવું પડશે અને બનવું જોઇએ.
અન્ય રાષ્ટ્રોને આપણે ત્યાં સત્તા પર કોણ આવે છે એ જાણવાની તાલાવેલી હોવાનું કારણ આપણું અર્થતંત્ર પણ છે. યુક્રેન અને રશિયા વચ્ચેના સંઘર્ષને કારણે મોટા ભાગની યુરોપિયન અર્થવ્યવસ્થાઓ હચમચી ગઇ છે. ચીનની અર્થ વ્યવસ્થાના હાલ કોવિડ-19 રોગચાળા પછી માંડ બેઠી થઇ રહી છે. વળી ચીન અને રશિયા સાથે બિઝનેસ ન કરવો હોય તો ભારત રાજકીય ભૌગોલિક દૃષ્ટિએ પણ આદર્શ પસંદગી છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અનુસાર આપણો વિકાસ દર 6.5 ટકા છે. આપણું અર્થતંત્ર અન્ય રાષ્ટ્રો કરતાં બહેતર હોવાને કારણે અને અહીં મોટું માર્કેટ હોવાને કારણે અન્ય દેશોને ભારતમાં ભારે રસ છે. સ્થિર રાજકીય સ્થિતિ અને આર્થિક વાટાઘાટો માટે સાનુકૂળ વાતાવણ પૂરું પાડવાનું વડા પ્રધાને વચન આપ્યું છે અને માટે જ આપણી ચૂંટણીમાં બધાંને રસ છે. ભારત સાથે અત્યાર સુધી કરેલા વ્યાપારી કરાર અને સોદાને આગળ વધારવા માટે પણ સત્તા પર કોણ આવે છે એમાં રોકાણકાર રાષ્ટ્રોને રસ હોય તે સ્વાભાવિક છે. મોદીએ વિદેશી રાષ્ટ્રો સાથે સારાસારી રાખીને જ્યાં શક્ય બન્યું છે ત્યાં ભારતીય રહેવાસી અને વિદ્યાર્થીઓ માટે પણ બહેતર જોગવાઇ કરાવડાવી છે (આ એમણે ઑસ્ટ્રેલિયામાં કર્યું છે પણ પેલું ‘વૉર રુકવા દી’ વાળી વાત બોગસ છે.) મોદીનો અભિગમ બહુ સ્પષ્ટ છે, તે લેવડ-દેવડમાં માને છે અને વિદેશી રાષ્ટ્રો પણ પોતાના લાભ માટે સામે લાભ આપવા તૈયાર છે.
રાજકારણ સ્વાર્થનો ખેલ છે. આપણી લોકશાહીની મજબુતાઇ આપણા રાષ્ટ્રની છબીને બહેતર બનાવશે. બહાર બધું ચકાચક હશે ને અંદરખાને અરાજકતા, ધુર્વીકરણ અને સરમુખત્યાર વલણ ચાલશે તો તેમાં વૈશ્વિક છબી પર ફેર તો પડવાનો જ છે. આપણે ત્યાંની તપાસ એજન્સીઓ, ઇલેક્ટોરલ બોન્ડની બબાલ, એસિડીક ભાષણો, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળના મુદ્દાઓ પર પણ વિદેશી રાષ્ટ્રોની નજર છે જ અને માટે જ તેમને આ ચૂંટણીના પરિણામમાં જ નહીં પણ તેની પ્રક્રિયામાં પણ રસ છે.
બાય ધી વેઃ
સત્તા પક્ષના દાવા, વચનો અને કર્મો વચ્ચેના તફાવત પર વિદેશી રાષ્ટ્રોની નજર છે. ભારતની સમૃદ્ધિમાં તેમનો સ્વાર્થ સરતો હશે તો જ તેમને ભારતમાં રસ છે – આ પશ્ચિમી રાષ્ટ્રોનું વલણ છે. વૈશ્વિક સ્તરે સ્થિર રાજકીય સંજોગો અને મજબૂત લોકશાહી આ બન્ને પાસા કોઇપણ રાષ્ટ્ર માટે અગત્યનાં હોય છે. વળી આપણે ત્યાં બેરોજગારી અને સ્થળાંતર અંગેના પ્રશ્નો તો વિદેશમાં વસનારા ભારતીયોને પણ સતાવે છે. મોદી શું કહે છે અને કરે છે તે તો બધા જુએ જ છે પણ જે નથી થઇ રહ્યું તેની પર પણ સૌની ચાંપતી નજર છે એ ભુલવું ન જોઇએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2024