ઘણાં અરમાનો હતાં જવાહરલાલ નેહરુને ઊખેડીને તેમની જગ્યા લેવાનાં. તેમને ઝાંખા પાડી દેવાનાં. આપણે એ વાત જાણીએ છીએ કે પૂર્વસૂરિઓના ખભા પર ચડવાથી વધારે દૂર સુધી દેખાય, ક્ષિતિજ વિસ્તરે. ઇતિહાસમાં જેટલા મહામાનવો થયા છે એ આ રીતે જ થયા છે. પણ અહીં ઈરાદો નેહરુના ખભા પર ચડવાનો નહોતો, નેહરુને ઊખેડીને ફગાવી દેવાનો હતો, તેમને ઝાંખા પાડવાનો હતો. જો કે એમાં પણ કાંઈ ખોટું નથી જો એવા કોઈ માણસનું તત્ત્વજ્ઞાન કે દૃષ્ટિકોણ અપ્રાસંગિક લાગતો હોય તો. ઇતિહાસમાં એવા પણ મહામાનવ થયા છે, વિચારકો થયા છે જેમણે આગળથી ચાલ્યા આવતા વિચારોને, દૃષ્ટિકોણને અપ્રાસંગિક સિદ્ધ કર્યા છે અને નવું તત્ત્વજ્ઞાન અને જીવનમૂલ્યો સ્થાપિત કર્યાં છે.
તો ઇતિહાસમાં જગ્યા મેળવવાના બે રસ્તા છે. એક આગળ થઈ ગયેલા મહામાનવોના ખભા પર ચડીને દૂરનું જુઓ અને માર્ગનો વિસ્તાર કરો. જવાહરલાલ નેહરુ આવા એક મહાપુરુષ હતા. ખભા પર ચડીને દૂરનું જોવા માટે પણ દૃષ્ટિ જોઈએ. દરેકને ખભા પર ચડવાથી દૂરનું દેખાતું નથી. બીજો રસ્તો છે જૂના માર્ગને અપ્રાસંગિક સિદ્ધ કરીને પોતાનો માર્ગ કંડારવાનો. બીજો માર્ગ વધારે અઘરો છે, કારણ કે તેમાં વૈકલ્પિક દર્શન જોઈએ. ગજબની મૌલિકતા જોઈએ. દુનિયાથી અલગ વિચારવા માટે અને જીવી બતાવવા માટે હિંમત જોઈએ. આવા લોકોને યુગપુરુષ તરીકે ઓળખાવી શકાય.
મહાત્મા ગાંધીનું દર્શન કે ફિલસોફી અવ્યવહારુ છે અને એટલે અપ્રાસંગિક છે એવું ઘણાને લાગતું હતું અને આજે પણ લાગે છે. લોકમાન્ય તિલક અને લાલા લજપતરાયે તો ગાંધીજીને પત્ર લખીને મોઢામોઢ આમ કહ્યું હતું. કાનાફૂસી નાના અને નીચ માણસો કરે, મોટા માણસો આંખથી આંખ મેળવીને વાત કરે. બીજી બાજુ એવા લોકો પણ હતા જેમને એમ લાગતું હતું કે ગાંધીજીનું દર્શન નવી દિશા આપનારું છે. બહુ ખેડાયેલા, પણ સમાજને સાચી શાંતિ નહીં આપનારા માર્ગને ક્યાં સુધી ખેડતા રહેવાનો! સમાજ નામના વટેમાર્ગુને ગાંધીજીએ નવો રસ્તો બતાવ્યો. આધુનિક યુગમાં જો કોઈની પ્રાસંગિકતા વિષે સૌથી વધુ ચર્ચા થઈ હોય તો એ ગાંધીજી વિષે. આજે પણ થાય છે, લગભગ દર અઠવાડિયે એક નવું પુસ્તક બજારમાં આવે છે. જો જવાહરલાલ નેહરુને ઊખેડીને ફગાવી દેવા હોય તો એ પહેલાં ગાંધીજીને અપ્રાસંગિક સિદ્ધ કરવા પડે.
અને આમ શા માટે કરવામાં ન આવે? શું ગાંધીજી અને નેહરુ છેલ્લો શબ્દ છે? બ્રહ્મવાક્ય છે? શું તેઓ ભગવાન છે? શું ભારતના ભાગ્યવિધાતા છે? એ પણ હાડમાટીના બનેલા માણસો હતા. એરણની ઉપર એ પણ ટીપાવા જોઈએ. તેમનું દર્શન અને તેમના અભિગમ અમને અવ્યવહારુ, અપ્રાસંગિક કે સમાજ કે સમાજના કોઈ એક ઘટકની વિરુદ્ધ લાગે છે તો તેમને ઊખેડી ફેંકવાનો દરેકને અધિકાર છે. પણ આગળ કહ્યું એમ તેને માટે વૈકલ્પિક દર્શન જોઈએ અને ગજબની મૌલિકતા જોઈએ.
અન્ય કોઈની માફક હિન્દુત્વવાદીઓને તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ગાંધીજીને અપ્રાસંગિક ઠરાવવાનો અને નેહરુને ઊખેડીને ફગાવી દેવાનો અધિકાર છે. તેમના એ અધિકારનું આપણે સ્વાગત કરવું જોઈએ. પણ તેઓ એમ કરી શક્યા છે? વિચારી જુઓ, તેઓ સફળ થયા છે? આવતા દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વરસ થશે, હિંદુ મહાસભાની સ્થાપનાને ૧૧૪ વરસ થયાં, હિંદુહિતની સામાજિક-રાજકીય વિચારધારાનાં ભારતમાં બીજ રોપાયાં એને દોઢસો કરતાં વધુ વરસ થયાં. ગાંધીજી હજુ શાળામાં ભણતા હતા ત્યારથી આની શરૂઆત થઈ હતી. એમ કહી શકાય કે ગાંધીજીના જન્મ સાથે જ ગાંધીજીનો પ્રતિવાદ કરનારી વિચારધારાનો જન્મ થઈ ચુક્યો હતો. આ કોઈ ઓછો સમયગાળો નથી. આ લોકોએ ખાસું લાંબુ ખેડાણ કર્યું એ પછી ગાંધીજીનો ક્ષિતિજે ઉદય થયો હતો.
પણ આજે આપણે જોઈએ છીએ કે તેઓ બિચારા ગાંધીજીને અપ્રાસંગિક ઠરાવવાના અને નેહરુને ઊખેડીને ફેકી દેવાના ફાંફા મારે છે. કારણ એ છે કે તેમની પાસે કોઈ વૈકલ્પિક દર્શન નથી. વૈકલ્પિક દર્શન નથી એટલે તેઓ મૌલિક વિમર્શ કરી શકતા નથી. તેમની પાસે આ બન્ને મહાનુભાવોની બદનામી કરવા સિવાય કોઈ સાધન નથી. ખુલ્લા મંચ પર ચર્ચા કરવાની જગ્યાએ તેઓ કાનાફૂસી કરે છે. વોટ્સેપ જુઠાણાં ફેલાવે છે. આ બધું જોઇને તેમની ઉપર ગુસ્સો નથી આવતો, દયા આવે છે. આટલી દરિદ્રતા? ગાંધીજીની ફિલસૂફી અપ્રાસંગિક છે એ સિદ્ધ કરતું એક પુસ્તક તેઓ સો વરસમાં આપી શક્યા નથી. નેહરુની નીતિની ટીકા કરનારા સેંકડો પુસ્તકો પ્રકાશિત થયા છે, પણ સંઘ પરિવાર એવું એક પણ પુસ્તક આપી શક્યો નથી.
પ્રશ્ન એ છે કે કોઈ સંસ્થા, સંગઠન, પ્રવૃત્તિ કે આંદોલન કેવળ બીજાની ટીકા કરીને અને એ પણ એકપક્ષીય, એટલું જ નહીં, પણ માત્ર અને માત્ર કાનાફૂસી કરીને કેટલો સમય ચાલે અને જો ચાલે તો કેટલા પ્રભાવી બની શકે? હિન્દુત્વવાદીઓ સંકટમાં આવે ત્યારે રસ્તા પરથી હટીને ઝુકી જાય છે એટલે ટકી તો શક્યા છે, પણ દેશના હિંદુઓને તેઓ કશું જ આપી શક્યા નથી. આવા દીર્ઘાયુનો પણ શો અર્થ? તેઓ ભારતમાં સંપૂર્ણ બહુમતી સાથે શાસન કરે છે, એ પછી પણ હિંદુઓને આપવા માટે તેમની પાસે કાંઈ જ નથી. દસ વરસમાં તેમણે મુસલમાનો પાસેથી છીનવી લીધું છે, પણ હિંદુઓને કશું મળ્યું નથી. હા, મુસલમાનોનું છીનવાય એમાં હિંદુઓ પ્રાપ્તિ સમજતા હોય તો જૂદી વાત છે.
આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાનના ચૂંટણીસભાઓમાં કરવામાં આવતાં ભાષણો સાંભળો. મારી વાત સાબિત થઈ જશે. બીજાને ગાળો આપવા સિવાય અને હિંદુઓને ડરાવવા સિવાય તેમની પાસે કશું જ કહેવાનું નથી. અને એમાં પણ જેમ જેમ પ્રતિકૂળતાઓ વધી રહી છે એમ વડા પ્રધાન પાસેથી અપેક્ષિત મર્યાદા તૂટી રહી છે અને સભ્યતાનું સ્તર નીચે જઈ રહ્યું છે. આવા હોય દેશના વડા પ્રધાન!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2024