જીવન એટલે શું? ઘણા લોકો એવું કહેશે કે જીવન એટલે જીવવું. ખોટું. જીવવું તો બાય ડિફોલ્ટ છે. એ આપણા હાથમાં નથી. એમાં આપણી પસંદ-નાપસંદ નથી. જીવવું એ પ્રકૃતિની કરામત છે, આપણી નહીં. કેવી રીતે જીવવું એ આપણા હાથમાં છે. જીવન આપણા નિર્ણયોનું પરિણામ છે. નિર્ણયો કરવા એનું નામ જીવન. આપણે સવારથી સાંજ સુધી અને જન્મથી મરણ સુધી લગાતાર નિર્ણયો કરતા રહીએ છીએ. અમુક નિર્ણયો સાધારણ હોય છે અને અમુક અસાધારણ. જેમ કે સવારે પથારીમાંથી બહાર નીકળવું કે બ્રશ કરવું એ સાધારણ નિર્ણય છે, શું ભણવું, શું કામ કરવું કે કોની સાથે લગ્ન કરવાં એ અસાધારણ નિર્ણય છે.
અંગત જીવન હોય કે વ્યવસાયિક, આપણે કોણ છીએ તે આપણા કેવા નિર્ણયો લઈએ છીએ તેના આધારે નક્કી થાય છે. બાથરૂમમાં ન્હાવા જવા જેવા તુચ્છ નિર્ણયોમાં બહુ મહેનતની જરૂર નથી પડતી, પરંતુ બેંકમાંથી લોન લેવા જેવા અઘરા નિર્ણયમાં ઘણી ચર્ચા-વિચારણા માગી લે છે.
વ્યવસાયિક મોરચે, આપણે કેવી રીતે નિર્ણયો કરીએ છીએ તેના પર આપણી કારકિર્દી અથવા સંસ્થાના વિકાસનો આધાર હોય છે. એ નિર્ણયો માત્ર આપણને એકલા જ પ્રભાવિત નથી કરતા, આપણી સંસ્થાના અન્ય કર્મચારીઓને પણ એ અસર કરે છે. એટલા માટે, જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સબંધિત લોકોની હિસ્સેદારી હોય, ત્યારે તે નિર્ણયો વધુ દુરસ્ત હોય છે. દુરસ્ત નિર્ણયોનાં પરિણામો સર્વે માટે હિતકારી સાબિત થાય છે અને જ્યારે પ્રત્યેક વ્યક્તિ ફાયદામાં રહે, ત્યારે તેની સામૂહિક અસરથી સંસ્થાની પ્રગતિ થાય છે.
કુટુંબ હોય કે કંપની, સામૂહિક નિર્ણયો લેવાની પ્રક્રિયા હંમેશાં લાભદાયી હોય છે. ભલે કુટુંબનો કે કંપનીનો વડો પોતાનું ધાર્યું કરે, પરંતુ એ સંબંધિત સર્વે લોકોને સાંભળે છે, તેમને આખી પ્રોસેસમાં સાથે રાખે છે તે હકીકતનો પણ ભવિષ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે. જ્યાં એકહથ્થુ સંચાલન હોય, નિર્ણયો એડ હોક (પડશે એવા દેવાશે) રીતે લેવાતા હોય અને એમાં બીજા લોકોની સામેલગીરી ન હોય ત્યારે તેમાં ભૂલો થવાની સંભાવનાઓ તો હોય છે જે, સાથે સંબંધિત લોકોમાં વિરક્તિનો ભાવ આવી જાય છે, જે લાંબા ગાળે સંસ્થા માટે નુકશાનકારક સાબિત થાય છે.
મહારાષ્ટ્રમાં, શિવ સેનાની અત્યારની જે પરિસ્થિતિ છે, તે પાર્ટીમાં નિર્ણયો લેવાની અને બીજા નેતા-કાર્યકરોની હિસ્સેદારીની ગેરહાજરીનું પરિણામ છે. 56 વર્ષના તેના અસ્તિત્વમાં પાર્ટીમાં આ ચોથો, અને સૌથી મોટો, વિદ્રોહ છે. ત્રણ તો સેના પ્રમુખ બાળ ઠાકરેના નાક નીચે થયા હતા, અને ચોથો તેમના પુત્ર અને રાજકીય વારસ ઉદ્ધવ ઠાકરે સામે થયો છે.
સેનામાં પહેલીવાર કોઈએ બગાવતનો ઝંડો ફરકાવ્યો હતો તો તે બાળ ઠાકરેના એક સમયના વિશ્વાસુ છગન ભુજબળ હતા. પાર્ટીની નેતાગીરી ‘કદર’ નથી કરતી તેવી ફરિયાદ સાથે ભુજબળ 1991માં, 18 વિધાયકો સાથે પાર્ટીમાંથી નીકળી ગયા હતા, અને સત્તાધારી કાઁગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. જો કે, 12 વિધાયકો એ જ દિવસે સેનામાં પાછા ફર્યા હતા. 1995માં, ભુજબળે જો કે વિધાનસભા ચૂંટણી ગુમાવી હતી. પાછળથી તે કાઁગ્રેસ છોડીને શરદ પવારની એન.સી.પી.માં જોડાયા હતા. આજે તે મહા વિકાસ આઘાડી સરકારમાં મંત્રી છે.
2005માં, શિવ સેનાને તેના કદાવર નેતા નારાયણ રાણે તરફથી ધક્કો વાગ્યો હતો. એક સમયે સેનાના મુખ્યમંત્રી રહી ચુકેલા રાણે સેના છોડીને કાઁગ્રેસમાં જોડાઈ ગયા હતા. પાછળથી તેઓ ભા.જ.પ.માં જતા રહ્યા હતા અને આજે કેન્દ્રમાં ભા.જ.પ. સરકારમાં મંત્રી અને રાજ્ય સભામાં સભ્ય છે.
બાળ ઠાકરે માટે અંગત શિકસ્ત પણ કહી શકાય તેવી બગાવતમાં, તેમના ભત્રીજા રાજ ઠાકરેએ 2006માં પાર્ટી જ નહીં, ઠાકરે પરિવાર પણ છોડી દીધો હતો અને પોતાનું નવું સંગઠન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી હતી. રાજે ત્યારે કહ્યું હતું કે તેમની લડાઈ સેનાના નેતૃત્વ સામે નથી, પરંતુ તેની આસપાસ જે લોકો ટોળે વળેલાં છે, તેની સામે છે, જે બીજાને અંદર આવવા દેતા નથી.
સેનાનો ચોથો બળવો થાણે જિલ્લાના વગદાર શિવ સૈનિક, ચાર ટર્મના વિધાયક અને રાજ્ય મંત્રી એકનાથ શિંદેએ કર્યો છે. શિંદેએ સૌથી વધુ વિધાયકો સાથે પાર્ટી છોડી છે. એમનો ઘોષિત ઈરાદો એનસીપી-કાઁગ્રેસના ‘ભરડા’માંથી શિવ સેનાને બચાવવાનો છે, પરંતુ અંદર ખાને તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાનું અનુભવતા હતા. તેમની ફરિયાદ હતી કે પાર્ટીમાં એન.સી.પી.ના નેતાઓ અને સેનાના નવી પેઢીના નેતાઓ(આદિત્ય ઠાકરે)નું વધુ ઉપજે છે અને પાર્ટીના જૂનાં વરિષ્ઠ નેતાઓની ઉપેક્ષા કરવામાં આવે છે.
આ ચારે બગાવતો પાછળ બીજાં ઘણાં પરિબળો કારણભૂત હશે, અને બીજું પણ રાજકારણ હશે, પરંતુ કંઈક અંશે એમાં એક સંગઠન તરીકે શિવ સેનાની કમજોરી પણ ઉજાગર થાય છે. પાર્ટી તેની શરૂઆતથી જ, તેના આક્રમક નેતા બાળ ઠાકરેના કરિશ્માની ઇર્દગીર્દ ઊભી થઇ હતી. વર્ષો સુધી તેમાં નેતાગીરીના નામે એક માત્ર બાળ ઠાકરે હતા. શિવ સેના જ્યાં સુધી ‘મરાઠી માણુસ’નું એક સંગઠન હતું, ત્યાં સુધી એ કાર્યક્રમ સુપરે ચાલતો રહ્યો હતો, પરંતુ એ જ્યારે એક રાજકીય પાર્ટી તરીકે સરકારમાં સત્તાના દાવેદાર તરીકે ઊભરી, ત્યારે નીચું મોઢું કરીને કામ કરતાં બીજા નેતાઓની પાર્ટીના કારભારમાં હિસ્સેદારીની ભાવના બહાર આવી. પાર્ટીમાં એવું કોઈ માળખું નહોતું, જ્યાં કાર્યકરોની મહત્ત્વાકાંક્ષાઓ, તેમના સામાજિક-રાજકીય વિચારો અને ભવિષ્યની યોજનાઓને સ્થાન મળે.
શિવસેના પર પુસ્તક લખનાર પત્રકાર પ્રકાશ અકોલકર કહે છે કે, “શિવ સેના તેના અમુક નેતાઓને ઘર કી મુર્ગી દાલ બરાબર સમજે છે. આવા અભિગમનાં પરિણામ ખરાબ આવે છે, પણ પાર્ટી તેની રીત બદલવા તૈયાર નથી. એટલે આવી બગાવત થવી સહજ છે.”
શિવ સેના અને ભા.જ.પ.માં આ જ મોટો ફર્ક છે. બંને આક્રમક હિન્દુત્વનો ઝંડો ફરકાવતા હતા. ટેકનિકલી શિવ સેના ભા.જ.પ. કરતાં પણ જૂની છે (ભા.જ.પ. પહેલાં ભારતીય જન સંઘ હતી), છતાં એક ભારત વ્યાપી રાજકીય તાકાત તરીકે ભા.જ.પ. સેના કરતાં આગળ નીકળી ગઈ કારણ કે તેણે તેના સંગઠનમાં લોકતાંત્રિક માળખું સતત મજબૂત કર્યું હતું.
કોઇ પણ સંગઠનમાં નિર્ણયો તો અંતે શિખર પરથી જ લેવાય છે, પરંતુ સલાહ-મંત્રણાનું એક વ્યાપક હિસ્સેદારીવાળું માળખું હોય, તો નેતાઓ અને કાર્યકરોને નિર્ણયો અને યોજનાઓમાં પોતીકાપણું લાગે. “મારું કોઈ સાંભળે છે” એવો ભાવ એક નાનકડા પરિવારથી લઈને એક કંપની અને એક વિશાળ રાજકીય પક્ષના સભ્ય માટે તાકાતવર સાબિત થાય છે.
એનો ફાયદો પણ છે. સામૂહિક સલાહ-મંત્રણામાં નવા વિચારો અને મુદ્દાઓ વ્યકત થાય છે અને જમીન પર શું થઇ રહ્યું છે તેનો અંદાજ મળે છે. દાખલા તરીકે, પરિવારનો વડીલ કે કંપનીનું બોર્ડ કે સરકારનું મંત્રીમંડળ જે કામ કરી રહ્યું છે તેની છેક છેવાડાના માણસ પર શું અસર પડી છે તે જાણવાનો એક માત્ર રસ્તો બધાને સાથે રાખવા અને બોલવા માટે પ્રોત્સાહિત કરવા. “બાપા મારું સાંભળતા નથી” કહીને છોકરો એટલે જ ઘર છોડીને ભાગી જાય છે.
પ્રગટ : “ગુજરાતમિત્ર”, “મુંબઈ સમાચાર”; 03 જુલાઈ 2022