પશ્ચિમી દેશો, અને તેમાં ય ખાસ કરીને કેનેડામાં, સરસ મજાની પહોળી સડકોની બંને બાજુએ સમાનાંતરે વવાયેલ ઘટાદાર લીલાંછમ વૃક્ષો, મહદંશે મેપલનાં વૃક્ષોનું કંઈ વિશેષ મહત્ત્વ હોય છે. 'ઓટમ' એટલે પાનખરની ઋતુ. પરંતુ કેનેડાની પાનખર એટલે એક સુંદરતમ રંગભર્યો અનુભવ. આ ઋતુમાં રોડની બંને બાજુએ કતારબદ્ધપણે રોપાયેલ મેપલનાં વૃક્ષો પોતાની ડાળીઓ જાણે હવામાં ઝૂલાવીને વિવિધ રંગભર્યા કેનેડાનાં પ્રાકૃતિક સૌંદર્ય તથા સમૃદ્ધિનાં બાહુલ્યની ઘોષણા કરતાં હોય તેમ લાગે. આ વૃક્ષો વિશેષ પ્રકારે ઉછેરાય છે. સાવ પાસે પાસે વવાય છે. તેથી જ્યારે આ છોડ મહાકાય વૃક્ષ બને છે, ત્યારે તેના મૂળને જોઈએ તેટલી જગ્યા મળતી હોતી નથી. લગભગ મૂળ વિનાનાં અથવા નહિવત મૂળ ધરાવતાં આ વૃક્ષો કેનેડાના સૌંદર્ય અને વૈભવના પ્રતીક છે !
આ જ એ વૃક્ષો છે જેમને જોઈને વતન ભારતથી કેનેડા જઈને વસેલ સુપ્રસિદ્ધ ડાયસ્પોરિક કવિ, નાટ્યકાર તથા વિવેચક એવા પ્રોફેસર ઉમા પરમેશ્વરન (જન્મ : 1938) કહેવા પ્રેરાય છે કે, ‘અમે ભારતીય ડાયસ્પોરિક પ્રજા કેનેડાના પ્રતીકસમા આ સુંદર લીલાંછમ મૂળવિહિન વૃક્ષોસમી છીએ. ‘ચેન્નાઈમાં જન્મેલ તથા નાગપુર, જબલપુર જેવા નગરોમાં ઉછરેલ ઉમા પરમેશ્વરનનું ઉચ્ચ શિક્ષણ અમેરિકા તથા કેનેડામાં થયું. અને આજથી લગભગ 40 વર્ષ પહેલાં તેઓ કેનેડાની વિનિપેગ યુનિવર્સિટીમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે જોડાયાં. થોડાં વર્ષો પહેલાં તેઓ યુનિવર્સિટીના આ જ વિભાગમાંથી પ્રોફેસર તરીકે રિટાયર્ડ થયાં. આજીવન સફળ શિક્ષક એવાં ઉમા પરમેશ્વરમ પોતાના સાહિત્ય માટે ઘણાં પારિતોષિકો પણ મેળવી ચૂક્યાં છે.
આવાં ઉમા પરમેશ્વરન પોતે મૂળવિહોણાં લીલાંછમ વૃક્ષસમાં રહ્યાં છે. તેમના શબ્દોમાં ‘બધી ડાયસ્પોરિક પ્રજાઓની જેમ હું પણ મારી ધરતી પરથી મૂળસોતા ઉખડીને અહીં કેનેડાની અજાણ ધરતી પર ફરી રોપાયેલી. 'અપરૂટ' થઈને 'રીરૂટ' થવું, અજાણ ધરતીમાં ફરીથી રોપાવવું, અને પાંગરવું, એ ઘણું અઘરું છે. અને વળી એમાં ય જો ધરતી નવાં વૃક્ષ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ અને અનુકૂળ ન હોય તો તો લગભગ અસંભવ જ. તેમ છતાં મૂળ વગરની ડાયસ્પોરિક પ્રજાઓએ એ અશક્ય કામને શક્ય કરી બતાવ્યું છે.'
'રૂટલેસ બટ ગ્રીન આર ધ બુલેવર્ડ ટ્રીઝ' (1998) નામક ઉમા પરમેશ્વરનનું ત્રિઅંકી નાટક પોતાના શીર્ષક થકી જાણે સમગ્ર નાટકનો નિષ્કર્ષ કહી દે છે. મૂળ વિહોણાં લીલાંછમ વૃક્ષોના પ્રતીકને કેન્દ્રમાં રાખીને લખાયેલ આ નાટક ભારતથી કેનેડા જઈ ત્યાં સ્થિર થનાર બે પરિવારોની ત્રણ પેઢીઓની મથામણની વાત કરે છે. જેમાં દરેક પાત્રનો, દરેક પેઢીનો, પોતાનો એક વિશેષ અભિગમ છે. મૂળ વિહોણાંપણાંની સભાનતા પહેલી બે પેઢીને ચોક્કસ છે પણ તેનું સ્તર જુદું છે. 'આટલા બધા શ્વેત ચહેરાઓના દરિયામાં હું એકલો જ ચહેરા વગરનો ? જાત વગરનો ? પિછાણ વગરનો. આવા એકલપેટા લોકો મધ્યે હું ક્યાં આવી પડ્યો ? અહીં કોઈને ય મારી પડી નથી … આપણે ત્યાં આપણે લોકો તો ગામને પાદરે કે ડુંગરે કે નદીને કિનારે કેવા સરસ મંદિરો બાંધીએ … કે જેથી બીચારા કોઈ એકલા જણને એકલવાયું ન લાગે ! પણ આ ધરતી પર કોને પડી છે એવા એકલવાયા જણની ?' આ છે શરદ ભાવે જે 1997માં ભારત છોડીને કેનેડાના વિનિપેગ નગરમાં સ્થિર થવા મથામણ કરી રહ્યા છે. તેમના પરિવારમાં પત્ની સાવિત્રી, દીકરો જયંત, દીકરી જ્યોતિ તથા બહેન વુનજા પણ છે. શરદ ભારતમાં ખ્યાતનામ વૈજ્ઞાનિક હતો, પરંતુ સંજોગોવશ તેને ભારત છોડીને કેનેડા આવવું પડ્યું છે અને અહીં તે એક એસ્ટેટ ડીલરનું કામ કરે છે. શરદની સાથે તેનો એક મિત્ર અનંત મોઘે પણ પોતાના પરિવાર સાથે વિનિપેગ આવ્યો છે. બંને કુટુંબના વડીલ યુગલોના પ્રશ્નો એકસમાન છે. વાતે વાતે તેમને ભારત યાદ આવે છે. તેમનું મન સ્વદેશને ઝંખે છે.
પરંતુ બંને પરિવારની યુવા પેઢીના જયંત ભાવે અને વિઠ્ઠલ મોઘેનો દૃષ્ટિકોણ આગલી પેઢીથી ભિન્ન છે. તેઓ પાછું વળીને સ્વદેશ ભણી જોઈને દુઃખી થવાને બદલે જે દિશામાં પગલું ભર્યું છે તે દિશામાં હિંમતભેર આગેકદમ કરવામાં માને છે. બંને પેઢી વચ્ચેનો આ મતભેદ નાટકમાં સુપેરે વ્યક્ત થાય છે. સમય વહી રહ્યો છે. બંને પરિવારો વિનિપેગમાં સ્થિર થતા જાય છે.
પિતા શરદ ભાવે કેનેડામાં વર્ષો ગાળ્યા બાદ પણ હંમેશ પૂછ્યા કરે છે 'શું આપણે કેનેડાની આ આક્રમક ધરતીમાં મૂળ નાખી શકીશું ?' આવો જ પ્રશ્ન શરદનો મિત્ર મોઘે પણ કરે છે. 'છોકરાઓ તમને યાદ છે ? દેશમાં આપણા ઘરની પાછળ વાડામાં કેળનાં વૃક્ષ હતાં. કેળ એટલે એવું વૃક્ષ કે જેનો પ્રત્યેક ભાગ – ફૂલ, ફળ, પાંદડા કે થડ – બધું જ ઉપયોગી. અને વળી કેળનું આવરદા પૂરું થાય તે પહેલાં તેની પાસે નાનકડા કેળનો રોપો એની મેળે ફૂટી જ નીકળ્યો હોય ! શું ભારતીય કેળની જેમ આપણે કેનેડામાં મૂળ નાખી શકીશું ? આ તો એવો દેશ છે કે જ્યાં આ દેશના અન્ય પ્રાંતથી લવાયેલ રોપાને અહીંની જમીન ઊગવા દેતી નથી ? તો પછી દરિયાપારથી આવેલા આપણાં જેવાની તે શી વિસાત ?'
પરંતુ યુવા વિઠ્ઠલ અને જયંત પોતાના વડીલોની માન્યતાથી સંમત નથી. જયંત કહે છે, 'પપ્પા, તમારી વાત સાચી. આપણે ભારતીયો આ ધરતી પર મૂળ વગરનાં વૃક્ષો છીએ … એ વાત સ્વીકારવી પડે. પણ અહીં કોઈને ય મૂળ ક્યાં છે ? અહીં તો સઘળાં ય મૂળવિહોણાં જ છે ! બધાની જેમ આપણે ય ટટ્ટાર થઈ ઉર્ધ્વમૂખી, મૂળ વિનાનાં, વૃક્ષો સમાન રહેવાનું. વૈશ્વિકરણના આ વિશ્વમાં તમે મૂળની વાત ક્યાં માંડી ?' નાટ્યલેખક ઉમા પરમેશ્વરન પણ એમ જ માને છે કે 'હોમ ઈઝ વ્હેર યોર ફીટ આર' (જ્યાં તમે ત્યાં તમારું ઘર).
યુવા પેઢીની ડાયસ્પોરિક પ્રજાના પ્રતિનિધિ એવા જયંત અને વિઠ્ઠલ બુલેવર્ડ(રાજમાર્ગ)ની બંને બાજુ ઝૂલતાં સાવ પાસપાસે રોપાયેલ લીલાંછમ વૃક્ષો પાસેથી શીખ લે છે. તદ્દન નહિવત્ મૂળ ધરાવતાં આ વૃક્ષો ઉન્નત મુખે લીલાંછમ ઊભાં છે. જાણે કે આ વૃક્ષો ડાયસ્પોરિક પ્રજાને સંદેશ આપી રહ્યાં છે, 'જ્યાં છો ત્યાં વિકસો.'
પિતા શરદને જયંતનો અભિગમ સ્વીકાર્ય નથી. તે કહે છે, ‘દીકરા, અહીં વાત મૂળિયાંની છે. આપણાં મૂળિયાં ક્યાં છે ? મારે ભારતનાં કેળ વૃક્ષની જેમ અહીં નાનાં કેળ ઊગાડવાં છે.' દીકરો પિતાને સલાહ આપે છે, ‘પપ્પા, ભૂલી જાવ એ બધું. કોને રસ છે કેળમાં ? આ દેશમાં આપણે મેપલનાં વૃક્ષ પર મેંગો ઊગાડીશું. આપણે મેપલનાં વૃક્ષ પર જાંબુ ઊગાડીશું.'
ડાયસ્પોરિક પ્રજાની બીજી પેઢીની શ્રદ્ધા જાણે પ્રથમ પેઢીના ઘર-ઝૂરાપાનું ઓસડ છે.
પરંતુ ત્રીજા અંકમાં પહોંચતા સુધી તો શરદની વૈજ્ઞાનિક બહેન વનજા ભારત પાછા ફરવાનો નિર્ણય કરી લે છે. જયંત વિનિપેગ છોડીને અન્ય નગરમાં નોકરી લેવાનો નિર્ણય કરે છે. તથા શરદનો કેનેડામાં જન્મેલ પુત્ર કૃષ્ણ ઉર્ફે ક્રિસ પિતાના સ્વદેશ વિષયક કોઈ સંભારણાં સાંભળવા તૈયાર નથી. મોટા દીકરાની ફેરવેલમાં અપાયેલ ક્રિસમસ પાર્ટીના મહિનાઓ બાદ ક્રિસ ક્રિસમસ ટ્રીને બેકયાર્ડમાં પડેલું જુએ છે. અને આ કેનેડિયન કિશોર બોલી ઊઠે છે, 'આ ક્રિસમસ ટ્રી અહીં શું કરી રહ્યું છે ? ક્રિસમસ તો ક્યારની ય પતી ગઈ ?' પિતા આ વાતને શાંતિથી સાંભળે છે. પર્વ પ્રમાણે વૃક્ષનો ઉપયોગ કર્યા બાદ વૃક્ષને ફેંકી દેવાની આવી પ્રથા શરદે ભારતમાં ક્યારે ય જોઈ નથી. પણ હવે ભારતીય પરંપરાની વાતો કરવાનો શો અર્થ છે ? તે નાનકડા ક્રિસને કહે છે, 'જવા દે ને દીકરા. સ્નો ઓગળશે એટલે આ વૃક્ષ એની મેળે મરી જશે. તેને ફેંકવાની શી જરૂર છે ?' પ્રથમ ડાયસ્પોરિક પેઢીના પ્રતિનિધિ શરદના આ ઉદ્દગારમાં ભારોભાર નિર્વેદ અને નિરાશા છે. તે વિચારી રહ્યો 'આ તે કેવો દેશ છે ? ઉપયોગિતા પૂરી થાય એટલે ફેંકાઈ જવાનું ?'
અચાનક તેને પોતાના મોટા દીકરા જયંતની વાત સ્મરે છે. તે હંમેશ કહેતો, '1997 આસપાસના વિશ્વમાં ભારતથી કેનેડા આવેલ તમે ને હું જ નહીં, પરંતુ સ્વદેશ ત્યજીને વિવિધ કારણસર વિશ્વભરમાં વાવેતરનાં બીજની જેમ ફેલાયેલ સર્વે ડાયસ્પોરિક પ્રજાઓ મૂળ વિહોણાં વૃક્ષસમી છે. મૂળવિહોણી તો ય પેલા બુલેવર્ડ પટનાં વૃક્ષોની જેમ લીલીછમ, જીવંત, ધબકતી … કેનેડામાં ઊગેલ આ ડાયસ્પોરિક વૃક્ષો ભારતીય કેળની જેમ ભલે ઉપયોગી ન હોય પણ સુંદર અને સોહામણાં તો જરૂર છે.'
તા.ક. ઉપરોક્ત ત્રિઅંકી નાટકનું કાવ્યાત્મક શીર્ષક મારે મન નાટ્યકાર ઉમા પરમેશ્વરનનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. ડાયસ્પોરિક પ્રજાની આનાથી વધુ યોગ્ય તથા યાદગાર કઈ હોઈ શકે ?
e.mail : ranjanaharish@gmail.com
સૌજન્ય : ‘અતર્મનની આરસી’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 23 અૉગસ્ટ 2017