મેં લગભગ દસ વર્ષ પૂર્વે શાંતિનિકેતનની મુલાકાત લીધી હતી અને મારે ત્યાંના વાઈસ ચાન્સેલરના સચિવ તરીકે કાર્યરત બૌદ્ધ ભિક્ષુને મળવાનું થયું હતું. તે બૌદ્ધ ભિક્ષુ ત્રિપુરાના હતા અને શાંતિનિકેતનની સ્થાપના થઇ ત્યારબાદ ત્યાં ત્રિપુરાનાં ઘણાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે.
કેટલાંક દિવસો બાદ હું મણિપુર ગયો અને ત્યાંની નૃત્ય અને સંગીતની પરંપરા ખરા અર્થમાં આકર્ષિત કરી દે તેવી છે. ત્યાં મને જણાવવામાં આવ્યું હતું કે ટાગોર ક્યારે ય મણિપુર આવ્યા નહોતા પરંતુ, ત્રિપુરા મહારાજના દરબારમાં મણિપુરી નૃત્ય જોઇને તેઓ એટલા પ્રભાવિત થયા હતા કે શાંતિનિકેતનના પાઠ્યક્રમમાં આ નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યો અને ખાસ મણિપુરથી શિક્ષકોને શાંતિનિકેતનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ટાગોર તેમનાં જીવનકાળ દરમિયાન લગભગ સાત વખત ત્રિપુરા ગયા હતા. જ્ઞાન બિચિત્ર પ્રકાશની દ્વારા પ્રકાશિત બિકાચ ચૌધરીની પુસ્તિકામાં આ મુલાકાતનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. મને આ પુસ્તિકા મારી ત્રિપુરાની પ્રથમ યાત્રા દરમિયાન મળી હતી. ત્રિપુરામાં લાંબો વખત મુખ્યમંત્રી રહેનાર માણિક સરકાર વિશે મેં ત્રિપુરા આવતાં પૂર્વે ઘણી સારી બાબતો સાંભળી હતી. તેમનાં વિશેની ચર્ચા ખાસ કરીને તેઓની પ્રમાણિકતા, આત્મનિર્ભરતા અને શિક્ષણનાં ક્ષેત્રમાં તેમની અભિરુચિ માટે થાય છે.
ત્રિપુરાની યાત્રા દરમિયાન ત્યાંના વિદ્યાર્થીઓને મેં આ વિષયક પ્રશ્ન પૂછ્યો હતો કે મુખ્યમંત્રી વિશેની આ ધારણાઓ કેટલી હદે સાચી છે? અને અપેક્ષા પ્રમાણે આ પ્રશ્નનાં મને મિશ્ર પ્રતિસાદ સ્વરૂપે ઉત્તર પ્રાપ્ત થયા. ત્યાં હાજર એક વિદ્યાર્થીએ એવી પણ ટિપ્પણી કરી હતી કે નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જીની માફક માણિક સરકાર દરેક જગ્યાએ પોતાનાં પોસ્ટર ચોંટાડવાના શોખીન નથી. તે વિદ્યાર્થીની દ્રષ્ટિએ માણિક સરકારનું રોજિંદુ જીવન અને નાગરિક પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને અન્ય નેતા કરતાં વિશેષ બનાવે છે. ત્યાં હાજર અન્ય એક વિદ્યાર્થીએ પણ માણિક સરકારની પ્રશંસા કરી અને સાથે ચેતવણી આપતાં કહ્યું કે તેમની પ્રમાણિકતા અને નિષ્ઠા બાબતે મને કોઈ શંકા નથી પરંતુ, ઉદ્યમવંત અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું તથા અન્ય કાર્યો તેમણે હાથ ધરવા જોઈએ. તે વિદ્યાર્થીનું એવું પણ માનવું હતું કે ત્રિપુરાનો સાક્ષરતાનો દર ઊંચો છે છતાં તે પ્રમાણમાં રોજગારીના સારા અવસર ઘડવામાં તેઓ નિષ્ફળ સાબિત થયાં છે. જેનું મુખ્ય કારણ ત્રિપુરાની ભૌગોલિક અલગતા અને તે સાથેની કનેક્ટિવિટી સાધવામાં પડતો વિલંબ છે. અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના યોગ્ય પ્રયાસ પણ કરવામાં આવ્યા નથી.
ત્યારબાદ અન્ય ત્રીજા વિદ્યાર્થીનું સરકાર પ્રત્યેનું તીખું વલણ જોવા મળ્યું અને તેના મત પ્રમાણે ત્રિપુરાના આદિવાસીઓ શરૂઆતથી જ બંગાળી અને બંગાળીભાષીના ભેદભાવનો શિકાર બન્યા છે. ત્રિપુરામાં ઘણાં ઓવરબ્રિજ બન્યાં છે પરંતુ, ત્યાંના આદિવાસી વિસ્તારો અત્યારે પણ સારા રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલ માટે તરસી રહ્યા છે. અને સાથે આ આદિવાસીઓ સાંસ્કૃિતક ભેદભાવના પણ શિકાર બન્યા છે. ત્યાંના સાર્વજનિક સ્થળોનાં નામકરણમાં પણ બંગાળનું વર્ચસ્વ જોવા મળે છે.
આ સંવાદો દરમિયાન હું ત્રિપુરાના સંગ્રહાલયમાં પહોંચ્યો. આ સંગ્રહાલય એક સમયમાં મહેલ હતો. અહીં નાના-નાના ખંડોમાં ત્રિપુરાની સાંસ્કૃિતક પરિસ્થિતિઓનો અને તેની વિવિધતાઓનો પરિચય થાય છે. જે પૈકીનો એક ખંડ સામાજિક અને ઐતિહાસિક સંદર્ભોની સાથે ત્રિપુરાની તે વિવિધતાઓનો પરિચય કરાવે છે કે જેમાં વિભિન્ન જાતિ, સમુદાય, ધર્મ અને જનજાતિઓની વચ્ચેનો એક અનન્ય સમન્વય જોવા મળે છે. એક અન્ય ખંડ ત્રિપુરાની પ્રાકૃતિક સંપદાનો અનુભવ કરાવે છે કે જેનાથી દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઇ શકે છે. આ સંગ્રહાલયમાં સાંસ્કૃિતક અને પ્રાકૃતિક વિરાસતની સાથે જ આદિવાસી કલા અને શિલ્પનું પણ ઉદાહરણ મળશે. અન્ય સરકારી સંગ્રહાલયો કરતાં આ સંગ્રહાલય થોડું અલગ છે. પોતાનાં સીમિત સંસાધનો અને પડકારોની વચ્ચે પણ પરિકલ્પનાકારોએ આ સંગ્રહાલયને જે સ્વરૂપ આપ્યું છે તેની પ્રશંસા કરવી ઘટે છે. હા, આ સંગ્રહાલય જોતી વેળાએ જે-તે વિદ્યાર્થીના બંગાળી વર્ચસ્વ પર કરવામાં આવેલ આરોપોની ખાતરી પણ થઇ આવી. અહીં ટાગોર અને ત્રિપુરાને સમર્પિત એક અલગ જ ખંડ છે. પરંતુ, અહીં સૌથી વિશાળ ખંડ ટાગોરનાં જીવન, દર્શન અને તેમની રચનાત્મકતાને સમર્પિત છે. બાળપણથી લઈને ટાગોર જીવિત રહ્યા ત્યાં સુધી અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વિશ્વવિભૂતિઓની સાથેનાં તેમનાં ચિત્રો અહીં જોવા મળશે. ભાગ્યે જ ટાગોરનું કોઈ એવું પુસ્તક, ચિત્ર અથવા સ્કેચ હશે કે જે આ પ્રદર્શનમાં ના હોય. ટાગોર પ્રત્યે અહીં અતિશય પ્રેમ જોવા મળે છે જે તમને કદાચ કલકત્તામાં પણ નહિ જોવા મળે કારણ કે કલકત્તામાં ટાગોર સાથે તમને રામમોહન રાય, બંકિમચંદ્ર, વિવેકાનંદ, સત્યજીત રાય, નજરૂલ ઇસ્લામ અને અન્ય બંગાળી વિભૂતિઓ પણ જોવા મળશે. પણ ત્રિપુરાની વાર્તા કાંઇક આ પ્રકારે છે કે ત્રિપુરાના લોકોને એવું જણાવવામાં આવે છે કે તેમનાં માટે સર્વાધિક મહત્ત્વપૂર્ણ અને પૂજનીય વ્યક્તિ માત્ર ટાગોર જ છે કે જેઓ પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ ઓછાં મુલાકાતે ત્રિપુરા આવ્યા હતા.
આધુનિક ત્રિપુરામાં આદિવાસી-બંગાળી સંબંધો પર આધારિત મણિશંકર મિશ્રના એક સંશોધન પત્રમાં આ વિષયક વિસ્તૃત ચર્ચા જાણવા મળે છે, તે અનુસાર ૧૯૫૦ના દાયકામાં આદિવાસી કમ્યુિનસ્ટ અને બંગાળી દેશાંતરવાસી પોતાને કોંગ્રેસની નિકટનાં સમજતા હતાં. ૧૯૬૦ના દાયકા બાદ તેઓની વચ્ચે તિરાડ પડી અને સતર્ક આદિવાસી આ બંનેથી અલગ પોતાની નવી રાજનૈતિક ઓળખ પ્રાપ્ત કરવા માટેની મથામણમાં જોવા મળ્યાં. ૧૯૭૦નો દાયકો આવતા સુધીમાં તો જાતીય સંઘર્ષે બંગાળીઓ વિરુદ્ધ વિદ્રોહી સ્વરૂપ ધારણ કર્યું. હવે તો રાજ્યમાં શાંતિ છે પરંતુ ત્યાં સાંસ્કૃિતક સંઘર્ષ એટલી હદે જોવા મળતો નથી કે જેટલો સંગ્રહાલયના પરિકલ્પોએ દેખાડ્યો છે.
માકપા અહીં સત્તામાં ત્રણ કાર્યકાળ પૂર્ણ કરી ચૂકેલ છે પરંતુ મુખ્યમંત્રીની સાથે તેના વધારે મંત્રીઓ તો આજે પણ બંગાળી જ છે. ત્રિપુરાના યુવાઓ આ મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે. રાજ્ય સંગ્રહાલય ટાગોર દીર્ઘ ત્રિપુરાના ભૂતકાળ અને વર્તમાનનો એક પક્ષ દેખાડે છે. સંગ્રહાલયમાં પ્રવેશતાની સાથે જ બાબા સાહેબ આંબેડકરની એક પ્રતિમા જોવા મળે છે કે જેનું લોકાર્પણ વર્ષ ૧૯૯૫માં મુખ્યમંત્રી દશરથ દેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ આધારે દશરથ દેબને ત્રિપુરાના વંચિતોના પ્રથમ મસીહા કહી શકાય. દશરથ દેબ આદિવાસી હતા અને અવિભાજિત કમ્યુિનસ્ટ પાર્ટીમાં આવ્યા તે પૂર્વે ઉગ્ર ખેડૂત આંદોલનો અને ત્યારબાદ કેન્દ્ર સરકાર વિરોધી સશસ્ત્ર સંઘર્ષમાં પણ તેઓ જોડાયેલા રહ્યા હતા. વર્ષ ૧૯૫૨માં ચૂંટણી લડવા માટે તેમણે હથિયારોનો ત્યાગ કર્યો અને ચાર વખત લોકસભા માટે ચૂંટાઈને પણ આવ્યા. વર્ષ ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં તેઓ રાજ્યની રાજનીતિમાં પરત આવ્યા અને વર્ષ ૧૯૯૩માં ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું સંગ્રહાલયના મુખ્ય દરવાજા પર હોવું પણ એક દૂરંદેશી રાજનીતિનું અગત્યનું પ્રતીકાત્મક પગલું હતું કે જેમાં રાજસી નિરંકુશતાનો પ્રતિકાર હતો. આદિવાસી અને દલિતો ઘણા દાયકાઓ સુધી માકપા શાસિત પશ્ચિમ બંગાળમાં પણ ઉપેક્ષિત જ રહ્યાં છે. રાજનૈતિક જીવનમાં તેઓ આજે પણ હાંશિયા પર જ છે. પશ્ચિમ બંગાળ માકપાને ક્યારે ય કોઈ દશરથ નથી મળ્યા. જ્યોતિ બસુ પણ ખરા અર્થમાં બાબા સાહેબ આંબેડકરનાં મૂલ્યોને સમજી શક્યા નહોતા. પરંતુ, ત્રિપુરાના કેટલાક કટ્ટરપંથીઓએ એક વખત આવું કર્યું હતું. તેમનાં જીવન અને રાજનૈતિક દર્શનનો ફરી વખત અનુભવ કરવા માટે રાજ્યના હિતમાં તેને ફરી વખત ગ્રહણ કરવાની જરૂરિયાત છે.
અનુવાદ – નિલય ભાવસાર
e.mail : nbhavsarsafri@gmail.com