
રાજ ગોસ્વામી
વિમાનમાં પ્રવાસ કરનારા લોકોને ખ્યાલ હશે કે દરેક ફ્લાઈટ ઉડાન ભરે તે પહેલાં, કેબિન ક્રૂ પ્રવાસીઓઓને સુરક્ષા સંબંધી સૂચનાઓ આપે છે, જેથી તેમનો જીવ હેઠે બેસે કે વિમાનની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે અને જોખમ નહીંવત છે.
આજથી અઢી વર્ષ પહેલાં, નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી એક ડોકયુમેન્ટરી ‘ડાઉનફોલ : ધ કેસ અગેઇન્સ્ટ બોઇંગ’માં, આ એવિયેશન કંપનીના કર્મચારીઓએ બોઇંગના કારભારને લઈને ચિંતા તેમ જ ચેતવણીના સૂર પ્રગટ કર્યાં હતાં. કંપનીના વહીવટીતંત્રએ તેની ઉપેક્ષા કરી હતી, અને હવે અમદાવાદમાં તેનું એક ડ્રીમલાઈનર-787 તૂટી પડતાં, બોઇંગ ફરીથી શંકાઓ અને સવાલોના ઘેરામાં આવી ગઈ છે.
આ ડોકયુમેન્ટરી 2022માં રિલીઝ થઇ હતી અને તેનું નિર્દેશન જાણીતી ડોકયુમેન્ટરી નિર્દેશક રોરી કેનેડીએ કર્યું હતું. આ ડોકયુમેન્ટરી એવિએશનની દુનિયાની બેતાજ બાદશાહ બોઇંગના ઇતિહાસની એ ઘટનાઓને રજૂ કરે છે, જેમાં તેનાં બે 737 મેક્સ વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયાં હતાં.
બોઈંગે તેની 737 શ્રેણી હેઠળ, 2011થી 2016 વચ્ચે સાંકડા આકારનાં 737 મેક્સ વિમાન બનાવ્યાં હતાં. તેનું પહેલું વિમાન મલેશિયાની એર લાઈન કંપનીને વેચવામાં આવ્યું હતું. બે વર્ષ પછી, આ શ્રેણીનાં બે વિમાન તૂટી પડ્યાં. જેમાં કુલ 346 પ્રવાસીઓ માર્યા ગયા હતા. તે પછી, આખી દુનિયામાં 737 મેક્સ વિમાનના પૂરા કાફલાને રોકી દેવામાં આવ્યો હતો, જે 2020 પછી ફરી સક્રિય થયો હતો.
પહેલી દુર્ઘટના ઇન્ડોનેશિયામાં બની હતી. ત્યાં ડોમેસ્ટિક રૂટ પર ચાલતી લાયન એર ફ્લાઈટ 610, 29 ઓક્ટોબર 2018ના રોજ, 181 પ્રવાસીઓ અને 8 ક્રૂ સભ્યો સાથે ટેઈક ઓફ કર્યાની 13મી મિનિટે જાવા સમુદ્રમાં તૂટી પડી હતી.
બીજી દુર્ઘટના બીજા જ વર્ષે ઇથોપિયામાં ઘટી. ત્યાં 10 માર્ચ 2019ના રોજ, ઇથોપિયન એરલાઈન્સની ફ્લાઈટ 302 ટેઈક ઓફ કર્યાંની છઠ્ઠી મિનિટે તૂટી પડી હતી. તેમાં 149 પ્રવાસીઓ અને 8 ક્રૂ સભ્યો માર્યા ગયા હતા.
આ બે દુર્ધટનાઓનાં પગલે, બોઇંગ કંપનીની પ્રતિષ્ઠાને અને કમાણીને ઘણું નુકશાન થયું હતું, અને નફો રળવાની લાહ્યમાં તે વિમાનની સુરક્ષા વ્યવસ્થા સાથે બાંધછોડ કરી રહી છે તેવા આરોપોનો સામનો કરવો પડ્યો હતો. તેનું કારણ એરબસ કંપની સાથે તેની સ્પર્ધા છે. એરબસ પાછલાં અમુક વર્ષોથી બોઇંગનાં સો વર્ષના એકચક્રી શાસનને પડકારી રહી છે.
ડોકયુમેન્ટરીમાં આ બધાં પાસાં સાંકળી લેવામાં આવ્યાં હતાં. તેનો મુખ્ય સૂર એવો હતો કે બોઇંગ તેના મુસાફરોની સલામતી કરતાં નાણાંકીય નફાની વધુ ચિંતા કરતું હતું. ડોકયુમેન્ટરીની નિર્દેશક રોરી કેનેડી કહે છે;
“એવા ઘણા દાયકાઓ હતા જ્યારે બોઇંગે ઉત્કૃષ્ટતા, સલામતી અને કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અસાધારણ કામ કર્યું હતું. આ ત્રણ ગુણોને નફાની ચાવી તરીકે જોવામાં આવતા હતા. કંપનીની સફળતાઓ તેનાં કારણે જ હતી. પણ પછી તેમાં એવા લોકોનો કારભાર આવ્યો જે વોલ સ્ટ્રીટના નફા-નુકશાન પર ધ્યાન આપવા લાગ્યા હતા. બિઝનેસના ખેલમાં સંતુલન હોવું જરૂરી છે, તેથી તમારે એવા પ્રતિનિધિઓને ચૂંટવા પડે કે જેઓ તેમનાં ખિસ્સાં ભરવાને બદલે જાહેર હિતોનું ધ્યાન રાખે.”
અમદાવાદની ઘટના નિશ્ચિતપણે આ સો વર્ષ જૂની કંપની માટે એક મરણતોલ ફટકા સમાન છે. તમે છેલ્લે જે વિમાનમાં પ્રવાસ કર્યો હશે, તે કાં તો અમેરિકા સ્થિત બોઇંગનું વિમાન હશે અથવા યુરોપની એરબસ કંપનીનું હશે. કોમર્સિયલ વિમાનો બનાવામાં આ જ બે તોતિંગ કંપનીઓનું વર્ચસ્વ છે. બોઇંગની સ્થાપના 1916માં થઇ હતી, જ્યારે એરબસની સ્થાપના 1970માં થઇ હતી. દુનિયાભરના આકાશમાં ઉડતાં નેવું ટકા વિમાનો આ બે કંપનીઓનાં હોય છે.
એમાંથી બોઇંગ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જાણે કે તે હવે વૃદ્ધ થઇ ગઈ છે. જેમ એક વ્યક્તિની ઉંમર થાય અને તેની શારીરિક-માનસિક ગુણવત્તામાં ઘટાડો થાય, એવું જ બોઇંગ સાથે બની રહ્યું છે. નફો રળવાની તેની વધતી લાલચમાં તેની સાખ, પ્રતિષ્ઠા, પદ અને પૈસા બધું જ હાથમાંથી નીકળી રહ્યું છે.
તેના સ્થાપક વિલિયમ બોઈંગે પૈસા માટે નહીં, પરંતુ આમ લોકો વિમાનમાં ઉડી શકે તેવી ક્રાંતિ કરવા માટે સપનું જોયું હતું. તેણે એક એવી એન્જિનીયરિગ કંપની બનાવી હતી જેણે એવિયેશનની દુનિયા બદલી નાખી હતી. હજારો વિમાનો, અનેક મોડેલો અને દુર્ઘટના રહિત ઉડાનમાં સૌથી સુરક્ષિત રેકોર્ડ બોઇંગનો હતો. 20મી સદીમાં તેનો આ રૂઆબ કોઈ છીનવી શક્યું નહોતું. જે કંઈ થયું તે એરબસના આવ્યા પછી અને બોઇંગમાં કારભારીઓ બદલાયા તે પછી થયું.
વિલિયમ બોઈંગ, મિશિગન રાજ્યના ડેટ્રોઈટ શહેરમાં એક મજદૂર પરિવારમાં પેદા થયા હતા. તેમના પિતા જંગલમાં લાકડાંનો વેપાર કરતા હતા. વિલિયમ બોઈંગ પોતે પણ એન્જિનિયરીંગ ભણવા માંગતા હતા પણ અધવચ્ચે તે છોડીને 1903માં લાકડાંના ઘંધામાં જોડાઈ ગયા હતા. તે વખતે, અમેરિકામાં ધમધોકાર બાંધકામ ચાલતું હતું અને એટલે વિલિયમનો ધંધો પૂરજોશમાં ચાલ્યો હતો અને તેમણે અન્ય ધંધાઓમાં પણ પૈસા રોક્યા હતા.
તેઓ ગ્રીનવૂડ ટિમ્બર કંપનીના અધ્યક્ષ હતા ત્યારે એક બોટ ડિઝાઈન માટે સીએટલ ગયા હતા. ત્યાં એક વેપારી મેળો ભરાયો હતો અને ત્યાં તેમણે પહેલીવાર ઉડતું મશીન જોયું હતું. તેમને તે જોઇને બહુ વિસ્મય થયું હતું. 1910માં, લોસ એન્જલસમાં એક ઉડતાં મશીનોનો મેળો થયો હતો અને ત્યાં વિલિયમે દરેક પાયલોટને પ્લેનમાં બેસવા દેવા અરજી કરી હતી.
કોઈએ તેમને ન ગણકાર્યા. એ પછી વિલિયમે નક્કી કર્યું કે તે જાતે જ તેને ઉડાડતાં શીખશે એટલું ન નહીં, તે પ્લેનનું પણ નિર્માણ કરશે. તેમણે તેમના એક મિત્ર અને અમેરિકન નૌસેનાના કમાન્ડરને કહ્યું હતું, “આપણે આપણી જાતે જ બહેતર પ્લેન બનાવીશું અને ઝડપથી બનાવીશું.” અને એ રીતે તેમણે સીએટલ નજીક નદીમાં તેમની બોટ ફેક્ટરીમાં જ પ્લેનનું નિર્માણ શરૂ કર્યું હતું. એવિએશનની બેતાજ બાદશાહ બોઇંગની એ શરૂઆત હતી.
1929માં એક ઇન્ટરવ્યૂમાં વિલિયમ બોઈંગે કહ્યું હતું, “આજે લોકો રોજ વધુને વધુ પ્લેનમાં ફરે છે- અને હું તો ત્યાં સુધી કહીશ કે એક દિવસે લોકો ટ્રેનની જેમ વિમાનમાં ફરતા હશે.” આજે બોઇંગ દર વર્ષે 300 વિમાનોનું નિર્માણ કરે છે અને દુનિયાભરમાં તેનાં 10,000થી વધુ વિમાનો આકાશમાં ઊડે છે. પરંતુ અમદાવાદની દુર્ઘટનાએ તેના તપતા સૂરજને ગ્રહણ લગાડ્યું છે. પાંચ વર્ષમાં ત્રણ મોટી દુર્ઘટનાઓમાંથી કંપની પાઠ ભણે છે કે નહીં તે તો ભવિષ્યમાં ખબર પડશે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 22 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર