કહેવાતા અસત્ય પર કથિત સત્યનો, રાવણ પર રામનો, માની લીધેલા સત્યના શૂરાતનનો દિવસ એટલે દશેરા. 15 ઓક્ટોબર 2002ના દિવસે હરિયાણાના જઝ્ઝાર ગામે દશેરાની ઉજવણી પૂરી કરી ટોળું કંઇક આવા ઉન્માદે પાછું વળતું હતું. વળતા રસ્તે આ ટોળાએ મૃત ગાયની ચામડી ઉતારતા પાંચ ચર્મકારોને જોયા અને ગૌરક્ષા ભાવના તેમના માથે સવાર થઇ ગઇ. ગુસ્સાથી અંધ ટોળાને જોઇ આ ચર્મકારો ભાગ્યા. ટોળું પણ પૂરજોશથી તેમની પાછળ પડ્યું.
રસકસ વિહોણી થતાં માલિકોએ તરછોડી દીધેલી, રસ્તે રઝળીને પ્લાસ્ટીક ચાવી પેટ ભરી લેતી ગાયો જોઇને આ ગૌપ્રતિપાલકોને કઇ લાગણી થતી હશે ખબર નહિ પણ, ગાયનું હાડપિંજર જોતાં ધર્મભાવના જાગૃત થઇ આવી અને દશેરાની ઉજવણીની જે કાંઇ ભજવણી બાકી રહી ગયેલી તે પૂરી કરવાના સંકલ્પે પાંચેય દલિતોને જીવતા મારી નાખ્યા, મૃત દેહ ફાડી નાખ્યા, પાંચમાંથી બેના ચહેરા બાળી નાખ્યા. ગૌમાતાની પૂજા આટલાથી અટકતી ન હતી. સૌથી વધુ વક્રોક્તિ તો એ હતી કે, ગાયના મૃત્યુનો સમય નક્કી કરવા ગાયનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું. અને એ ટોળાએ દશેરાની ઉજવણી પૂરી કર્યાનો નિરાંતનો દમ લીધો. હિંદુ ધર્મના મિથકમાં અસુર વધની જેમ.
નાયબ પોલીસ અધીક્ષક, સીટી મેજિસ્ટ્રેટ, નાયબ તાલુકા મામલતદાર અને લગભગ પચાસ પોલીસ કર્મચારીઓની હાજરીમાં સાંજે છ વાગ્યાથી શરૂ થયેલું આ રમખાણ રાતના દસ વાગ્યા સુધી ચાલ્યું. ધર્મના નામે, ગૌવધના નામે ખેલાતા રાજકારણમાં ગામેગામ ગૌરક્ષા સમિતિઓ ઊભી થઇ ગઇ.
14 ઓગસ્ટ 2014ના દિવસે હરિયાણામાં માંસના મુસ્લિમ વેપારીને દિલ્હીની સરહદે મારી નાખવામાં આવ્યો. 23 ઓગસ્ટ 2024ના રોજ પમ્પવેલ, કર્ણાટકમાં પશુઓને લઇ જતી વાન પર ટોળાએ હુમલો કર્યાો. 28 સપ્ટેમ્બર 2015માં ઉત્તર પ્રદેશમાં દાદરી ગામે હુમલાખોરોએ બાવન વર્ષના મહમદ અખલકની હત્યા કરી અને તેના પુત્ર ડેનીશને ઇજાગ્રસ્ત કર્યા. મુસ્લિમ સામે હિંસા આચરવાનું સૌથી સબળ કારણ હતું “ગૌહત્યા”.
સેન્ટર ફોર સ્ટડીઝ ઇન ઇન્ટરનેશનલ રીલેશનCERT)ના રીસર્ચ ફેલો અને જાણીતા લેખક ક્રીસ્ટોફ જેફ્ફરલોટ લખે છે, “ગૌરક્ષકોની કામગીરી શાસકોને અનુકૂળ છે. આ કહેવાતી સ્વયંભૂ હિંસાથી રાજ્ય કસુરવાર પણ થતું નથી અને હિન્દુવાદી અનુયાયીઓ કાયદો તેમના હાથમાં લે છે ત્યારે તેમનો શુભાશય સ્વધર્મના રક્ષણનો હોય છે. આ વ્યવસ્થાનું નૈતિક અને રાજકીય અર્થકારણ તો એથી પણ વધુ સુસભ્ય છે : રાજ્ય લઘુમતીઓને ખુલ્લેઆમ હેરાન કરી શકે નહિ પણ આ સ્વયંસેવકોને તેમ કરવા દઇને સરકાર બહુમતીની લાગણી પોષે છે.”

ગૌહત્યાના નામે ચર્મકારો પર હિસક હુમલા કરી તેમને આર્થિક રીતે પણ પાયમાલ કરવાની આ દિશામાં ગુજરાતમાં સર્જાયેલો “ઉનાકાંડ” અને તેની સામે ઊભો થયેલો પ્રતિરોધ અને પ્રત્યાઘાત સ્વાભિમાન ઝંખતા દલિતોનું લોક આંદોલન હતું. 11 જુલાઇ 2016ના રોજ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક મોટા સામઢિયાળા ગામમાં એક દલિત પરિવારના સાત સભ્યો મૃત ગાયનું ચામડું ઉતારતા હતા. ત્યાં બે ગાડીમાંથી કેટલાંક માણસો ઉતર્યા અને ગૌરક્ષકો હોવાનો દાવો કર્યો. દલિતોએ આ ગૌરક્ષકોને તેઓ મૃત ગાયનું ચર્મકામ કરતા હોવાનું જણાવ્યું. પણ તેમની વાત સાથે આ માણસો સંમત થયા નહિ. એ લોકોએ ચર્મકારોને લોખંડની પાઇપ, લાકડી અને ચાકુથી માર્યા. ત્યારપછી તેમાન ચાર દલિતોને ગાડીમાં નાખી ઉના ગામે લઇ ગયા અને ત્યાં તેમના કપડાં ઉતારી ફરી જાહેરમાં માર્યા. અને આ હુમલાનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો.
હિન્દુવાદી વીરતા પ્રદર્શનના આ પ્રયોગે ગુજરાતના દલિતોને ઝકઝોર્યા. મહારાષ્ટ્રના દલિતોની જેમ. મહારાષ્ટ્રના ખેલરાંજી ગામે એક જ પરિવારના તમામ સભ્યોની ધોળે દિવસે જાહેરમાં નિર્મમ હત્યાના પગલે મહારાષ્ટ્રના દલિતોનો આક્રોશ ભભૂક્યો એ પછી જ આ ક્રૂરતાની સમગ્ર દેશે નોંધ લીધી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખાસ કરીને દલિતોની ભાતૃત્વ ભાવના વર્ષોથી ઘણી મજબૂત છે. બંને રાજ્યોના દલિત સંઘર્ષની તવારીખ અને સ્વરૂપ ઘણા મળતા રહ્યા છે. ઉનાકાંડે આ ભાતૃત્વ દોહરાવ્યું. આત્મવિલોપનના ત્રેવીસ બનાવો બન્યા, તેમાં એક વ્યક્તિનું મૃત્યું પણ થયું. કલેક્ટર કચેરી આગળ મરેલા ઢોર નાખવાના દેખોવો પણ થયા અને ચર્મકામ નહિ કરવાના શપથ લેવાયા. આ એક લોકજુવાળ હતો. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ હેઠળ મોટી સભા યોજાઇ અને “દલિત અસ્મિતા યાત્રા”એ સૌરાષ્ટ્ર પંથકને ઘમરોળી દીધો. દલિત સ્વાભિમાનને લોહીલુઙાણ કરતા બોલતા પુરાવાને પરિણામે પોલીસ અધિકારી સહિત 43 લોકોની ધરપકડ કરવામાં આવી. પણ યુવા વર્ગથી સમાજકારણની નવી ધરી રચાય, આંબેડકરવાદી વિચારધારા તેના ખરા સ્વરૂપે મજબૂત થાય અને દેશની નિર્ણય પ્રક્રિયામાં દલિતો સહભાગી બને તે સ્થિતિએ દલિતો પહોંચે તે વખત માટે કદાચ ઘણી રાહ જોવી પડશે.
1995માં કેશુભાઈની સરકાર વખતે પહેલીવાર પર્યુષણ દરમિયાન અઠવાડિયું કતલખાના બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી. વિદ્વાન ધારાશાસ્ત્રી અને માનવ હક હિમાયતી સ્વ. ગિરીશભાઈ પટેલ રાઇટ ટુ ફુડના સિદ્ધાંત પર હાઇકોર્ટમાંથી આ નિર્ણય સામે સ્ટે ઓર્ડર લઇ આવ્યા. કાનૂની માર્ગે આવી પ્રખર વિદ્વતા અને પ્રતિબદ્ધતાની ખોટ વર્તાય છે.
જાતપાંત કે ફેરમાંહિ, ઉરઝિ રહઇ સબ લોગ
માનુષતા કૂં ખાત હઇ, રૈદાસ જાત કર રોગ.
જાતપાતની અધોગતિને સંત રોહિદાસ સદીઓ પહેલા પારખી ગયેલા. કદાચ સ્વાનુભવે આ પંક્તિઓ તેમના મુખેથી સરી પડી હશે. સમગ્ર માનવજાતની ચિંતા કરતા આ સંતે કહેલું જાતિવાદના ચક્કરમાંથી માણસ જાત બહાર નહિ આવે તો આ રોગ સંપૂર્ણ માનવતાને ભરખી જશે. તેમણે વિચારેલું “બેગમપુરા” એટલે કે કોઇપણ ગામ. દુ:ખ વગરનો સમતામૂલક સમાજ રચાવાના એંધાણ હજી દેખાતા નથી. તેમના શબ્દોને આચરણમાં મુકવાને બદલે પરંપરાગત વિષમતાઓ વધુ જડબેસલાક બનતી દેખાય છે.
જેલવ્યવસ્થા અને ગુનાઇત માનસ બદલવાના ઘણા પ્રગતિશીલ પ્રયોગો વિશ્વભરમાં થઈ રહ્યા છે. છેલ્લી કક્ષાએ જઇ માણસના સ્વાભિમાનનું હનન કરીને તેનો દેખાડો કરવાની હિન વૃત્તિ બદલવાનો ઇલાજ કદાચ સંત રોહિદાસના આ દોહામાં છે. આ સત્યના પ્રયોગોથી આવી ગુનાખોરી ડામી શકાતી હોય તો જાતિવિહીન સમાજ રચના સાકાર થશે.
e.mail : sanita2021patel1966@gmail.com
![]()


નરક જેવી ઝૂંપડપટ્ટી હોય કે ઝૂંપડપટ્ટી કરતાં પણ બદતર કેદખાના. પાપ, પુણ્ય અને કર્મનાં ફળની વાત કરો એટલે તેમાં સુધારાને કોઇ અવકાશ ન રહે. કર્મશીલ અને વિદ્વાન લેખક આનંદ તેલતુંબડેની કલમે અવતરેલું પુસ્તક “સેલ એન્ડ સોલ” આપણા દેશની જેલ અને ન્યાયતંત્રનો અરીસો છે. લેખકની 31 માસની આપવીતી એમાં છે. તાજેતરમાં કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ, 2026માં આ પુસ્તક વિષે તેલતુંબડેનો વાર્તાલાપ રદ્દ કરવામાં આવ્યો એ ઘટના આપણા દેશની કહેવાતી લોકશાહીનું પ્રતિબિંબ છે. વિષમતા નિર્મૂલનની દિશામાં તેલતુંબડેના બૌદ્ધિક વિચારો અને નિસબત પ્રગટ કરતાં પુસ્તકો પછી અલગ શૈલીથી લખાયેલા “સેલ એન્ડ સોલ”માં તેમનું વ્યક્તિગત જીવન છે. કદાચ તેમને સ્વજીવનની વાત કરવી પડી છે.
6 ડિસેમ્બર આંબેડકર નિર્વાણ દિને જ ગાંધીવાદી ભાનુભાઈ અધ્વર્યુના નિધનને રચના અને સંઘર્ષનો સુભગ સંયોગ કહીએ કે બીજું કાંઇ? 1921થી 1965 સુધીના 64 વર્ષની એમની જીવનયાત્રા નકરી ગાંધીવાદી સાદગીભરી જ્યારે, વ્યાપક ક્ષિતિજો વિસ્તારતી તેમની લેખનયાત્રાએ વિષમતા નિર્મૂલનની ઘણી દિશાઓ ઇંગિત કરેલી. એમના ગયાના 40 વર્ષે પણ એ એટલી જ કારગત છે. એમની આ લેખનયાત્રા એટલે “રુદ્રવીણાનો ઝંકાર”.