
રવીન્દ્ર પારેખ
એ સાચું છે કે દેખાવ સર્વાંગી વિકાસનો છે, પણ વાસ્તવિકતા એ છે કે પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી શિક્ષણ સુધી દરેક સ્તરે મૂલ્યોનું ધોવાણ થયું છે ને એ એકલદોકલનું કામ નથી, એમાં શિક્ષણ વિભાગથી લઈને શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓનો ફાળો છે. આ સહિયારું પાપ છે, એટલે તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ-ને ન્યાયે બધું ચાલે છે. એ ખરું કે શિક્ષણ વિભાગમાં પણ કોઈ શિક્ષણનું હિત ઇચ્છતા જ હશે, શિક્ષકો વિદ્યાર્થીઓ પાછળ મહેનત નહીં જ લેતા હોય એવું નથી કે કોલેજ, યુનિવર્સિટીઓ બધી જ નાહી નાખવા જેવી છે, એવું પણ નથી. તમામ સ્તરે શિક્ષણની ચિંતા હશે જ, પણ જેમ ચિંતા છે, એમ જ ઉદાસીનતા પણ છે જ ને તે મોટે પાયે હોય ત્યારે સહજ અપેક્ષા રહે કે એમાં દેખાવ ખાતર નહીં, પણ ખરા અર્થમાં સુધારો થાય. ક્યાંક પાયાનું કામ થતું જ હશે ને એ જ તો આશ્વાસન છે.
કોરોનાને કારણે માસ પ્રમોશન અપાયું, એ પછી લર્નિંગ લોસને કારણે માર્કસનો ફુગાવો વધ્યો કે ખરેખર વિદ્યાર્થીઓ વધુ હોંશિયાર થયા ને ટકાવારી વધી એ સમજાતું નથી, પણ પરિણામોની ટકાવારી એટલું તો સૂચવે જ છે કે આંક ફરકની રમતમાં શાલેય શિક્ષણ ઘણું આગળ ગયું છે. અગાઉ નાપાસને ઉપલા વર્ગમાં શિક્ષણ અપાયાની ઘટનાઓ બની છે, હવે નાપાસ જ ન થવા દેવા કે ઉપલા વર્ગમાં પહોંચવામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડે – એવી માનસિકતાથી શિક્ષણ વિકસી રહ્યું છે. માર્કસ આપવામાં શિક્ષકોની ઉદારતા બેફામ છે. હવે તો બોર્ડની એક્ઝામમાં પણ અંગ્રેજીમાં 100માંથી 100 માર્કસ આવે છે. એક સમય હતો જ્યારે ભાષામાં કોઈના જ 100માંથી 100 ન આવતા. આ વખતે જો કે, ગુજરાતીમાં 99 આવ્યા છે. એ તો ઠીક, પણ દાહોદ જિલ્લાની ધોરણ ચારની એક વિદ્યાર્થિની એટલી નસીબદાર નીકળી કે તેને આ વર્ષે ગુજરાતીમાં 200માંથી 211 માર્કસ મળ્યા. કદાચ ભૂલ હશે એવું કોઈને લાગે, પણ માર્કશીટ પર સહી સિક્કા છે. એ જ વિદ્યાર્થિનીને ગણિતમાં 200માંથી 212 માર્કસ મળ્યા છે. પરિણામ વાઇરલ થયું તો સ્કૂલે નવું પરિણામ બનાવ્યું ને માર્કસ 200થી ઓછા મૂકાયા.
માર્કસ ઓછા મૂકવા એવું કોઈ કહેતું નથી કે પાસ હોય તેને નાપાસ કરવા એવું પણ કહેવાનું નથી, પણ કોરોના આવ્યો તે અગાઉ 2020ની 10માંની બોર્ડની પરીક્ષા લેવાઈ ચૂકી હતી. તેનું પરિણામ ત્યારે 60 ટકા આવ્યું હતું. તે પરિણામ લાવવા ગણિત જેવામાં 80માંથી 5 માર્કસ આવ્યા હોય તેને ગ્રેસના 21 માર્કસ ઉમેરીને ઘણાંને પાસ કરવા પડ્યા હતા. આ વખતે ધોરણ 10નું પરિણામ 82.56 ટકા આવ્યું છે. એમાં ગ્રેસિંગ અપાયું છે કે કેમ તે નથી ખબર, પણ ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178, ગુજરાતી દ્વિતીય ભાષામાં 6,345, બેઝિક ગણિતમાં 1.04 લાખ, વિજ્ઞાનમાં 81,382, અંગ્રેજી દ્વિતીયમાં 44,703 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગુજરાત રાજ્યમાં ગુજરાતી માતૃભાષા હોવા છતાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ 10 વર્ષ માતૃભાષામાં શિક્ષણ લીધા પછી પણ નાપાસ થાય એ સૂચવે છે કે ભાષાની બાબતે શિક્ષણ વિભાગ કેટલો સજાગ છે. શિક્ષણ વિભાગના પરિપત્રો ગુજરાતીમાં બહાર પડે છે એનો આનંદ છે, પણ એની ભાષા ઘણીવાર એવી હોય છે કે પેલો આનંદ હવા થઈ જાય. એટલું ખરું કે લાખેક વિદ્યાર્થીઓ એક સમયે ગુજરાતીમાં નાપાસ થતા હતા, તે અડધા થયા છે, એટલે ભાષા અંગે આશ્વસ્ત થઈ શકાય એવું ખરું.
શિક્ષણમાં અગાઉ ન હતું એવું એક પરિબળ માર્કેટિંગનું ઉમેરાયું છે. વસ્તુ કે વ્યક્તિ વેચાણ માટે જ હોય તેમ તેની કિંમત નક્કી થઈ ચૂકી છે. ઊંચી ટકાવારી લાવનારના ફોટા વગેરે છપાય તેનો તો શો વાંધો હોય, પણ એ ફોટા છાપીને સ્કૂલો કે ટ્યૂશન કલાસો જાહેરાત દ્વારા આનંદની સાથે આવકના દાખલા નથી જ ગણતા એવું કહી શકાશે નહીં. એક સમય હતો, જ્યારે ટ્યૂશન આપવાં-લેવાંનો વિરોધ થતો હતો, હવે એક જ વિદ્યાર્થી એકથી વધુ વિષયનું ટ્યૂશન લેવા, એકથી વધુ કલાસોમાં વહેલી સવારથી દોડતો રહે એ પરથી એની હોંશિયારી મપાતી હોય તો નવાઈ નહીં. કેટલીક સ્કૂલો તો હવે હાજરી પૂરવાનું કે ફી ઉઘરાવવાનું જ કામ કરે છે ને શિક્ષણનું કામ એ જ સ્કૂલના શિક્ષકો એમના ખાનગી ક્લાસમાં જાહેર ફી ઉઘરાવીને કરતા હોય છે. પ્રમાણિક ભૂલો સમજી શકાય, પણ અમુક તમુક હેતુથી હરામની કમાણી કરવા શિક્ષણનો ને પરીક્ષાનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તે અક્ષમ્ય છે. પ્રવેશ પરીક્ષાઓ મોટે ભાગે આવક ઊભી કરવાનું સાધન છે. એક જ રાજ્યની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તેવા વિદ્યાર્થીઓએ કારણ વગર પ્રવેશ પરીક્ષાઓમાં સંડોવાવું પડે, એમાં યુનિવર્સિટીઓ પોતે આપેલાં પરિણામોને જ ચેલેન્જ કરે છે અથવા તો તેનો હેતુ શિક્ષણેતર છે એમ માનવું પડે.
સાધારણ રીતે પરીક્ષામાં પાસ થવા માટે ખરી ખોટી રીતે વિદ્યાર્થીઓ પૈસા ખર્ચતા હોય છે, પણ ચોરી કરાવવા પણ પૈસા ખર્ચે તો આંચકો લાગે. એવો આંચકો નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) માટે 26 જેટલા વિદ્યાર્થીઓએ આપ્યો છે. મેડિકલમાં પ્રવેશ માટે ઊંચું મેરિટ આવે એ માટે પૈસા લઈને ચોરી કરાવવાનું કાવતરું ઘડાયું હતું. ગોધરા પોલીસે ઈમિગ્રેશન એજન્સી રોય ઓવરસીઝના પરશુરામ રોયની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને તેના સાથી આરીફ વોરા ફરાર છે. આ ત્રણે સામે નીટની પરીક્ષામાં ચોરી કરાવવા વિદ્યાર્થી દીઠ 10 લાખ વસૂલવાની વાત સામે આવી છે. 5 મેના એફ.આઇ.આર. મુજબ શિક્ષણ વિભાગની નિરીક્ષણ ટુકડી જય જલારામ સ્કૂલનાં નીટ પરીક્ષા કેન્દ્ર પર તપાસ માટે પહોંચી તો ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડેન્ટ તુષાર ભટ્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા. તુષાર ભટ્ટના મોબાઈલની વૉટ્સએપ ચેટમાંથી વિદ્યાર્થીઓને ચોરી કરાવી વિદ્યાર્થી દીઠ દસ લાખ લેવાનું નક્કી થયું હોવાનું બહાર આવ્યું. તુષાર ભટ્ટ શિક્ષણની સાથે રાજકારણમાં પણ સંકળાયેલા છે. રાબેતા મુજબ એસ.આઇ.ટી.-સીટની રચના આ મામલે પણ કરવામાં આવી છે ને તેણે દસ્તાવેજી કાગળો, કોમ્યુટર, લેપટોપ વગેરે રૉય ઓવરસીઝની ઓફિસમાંથી કબજે કર્યાં છે. તુષાર ભટ્ટ અને પરશુરામ રૉય વચ્ચે ગાઢ મૈત્રી હોવાથી આ ષડયંત્ર શક્ય બન્યું. કાવતરું કરનાર તો કરે પણ, ચોરી કરાવવા દસ લાખ સુધીની રકમ મેડિકલમાં પ્રવેશવા ખર્ચનારા પણ છે એ વધારે આઘાતજનક છે. આવા ‘હોંશિયાર’ મેડિકલમાં પ્રવેશીને કેવી દાક્તરી કરશે તે સમજી શકાય એવું છે. આ બધું જ શિક્ષણમાં, શિક્ષણને નામે થઈ રહ્યું છે ને એનો છેડો દેખાતો નથી. સ્કૂલ, કોલેજમાં તો આ થાય જ છે, પણ યુનિવર્સિટી લેવલે પણ ઓછી બબાલ નથી.
નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત પરીક્ષા લેખિત લેવાના આદેશ છતાં, ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન આર્ટ્સ, કોમર્સ કોલેજે મૌખિક પરીક્ષા લઈને NEPનો તો ઉલાળિયો જ કર્યો છે. નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં આવી ત્યારે બે બે ક્રેડિટના ત્રણ વિષયો ભારતીય સંસ્કૃતિ, કળા અને ઇતિહાસ વિષે જાણકારી મળી રહે ને તેની પરીક્ષાઓ ફરજિયાત પણે લેખિતમાં જ લેવાય એવો આદેશ હતો, પણ ગુજરાત યુનિવર્સિટીએ પહેલાં સેમેસ્ટરમાં ત્રણે વિષયોની પરીક્ષા મૌખિક રીતે લેવાનું નક્કી કર્યું. એનો ઊહાપોહ થતાં આ વિષયોની પરીક્ષા લેખિતમાં લેવાનું ઠરાવાયું. એ હિસાબે બીજા સેમેસ્ટરની ત્રણે વિષયોની પરીક્ષા લેખિતમાં લેવાવી જોઈતી હતી, પણ પરીક્ષાઓ મૌખિક જ લેવાઈ. અમદાવાદ નજીકની ધોળકા-વિરમગામની એક કોલેજમાં તો વિદ્યાર્થીઓની હાજરી પૂરીને માર્કસ આપી દેવામાં આવ્યા તો એક ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓના કાર્ડ ભેગા કરી માર્કસ મૂકીને કાર્ડ પરત કરી દેવાયા. વાલીઓએ પરીક્ષા લેવા અંગે પૂછ્યું તો તેમને કહેવાયું કે ઘરે જતાં રહો, અમે માર્કસ મૂકી દઇશું. આમ તો અન્ય યુનિવર્સિટીઓએ પરીક્ષાઓ લેખિતમાં લીધી જ છે, પણ ગુજરાત યુનિવર્સિટીએ નિયમોની ઐસી તૈસી કરીને મૌખિક પરીક્ષાઓ લઈને નવી એજ્યુકેશન પોલિસીને નિરર્થક ઠેરવી છે. કઈ યુનિવર્સિટી આઈ કાર્ડ જોઈને માર્કસ આપતી હશે તે નથી, ખબર, પણ ગુજરાત યુનિવર્સિટીએ ચહેરા જોઈને માર્કસ આપવાનું શરૂ કર્યું છે, તે શરમજનક છે.
જોઈ શકાશે કે પ્રાથમિકથી લઈને કોલેજ કે યુનિવર્સિટી કક્ષા સુધી ઘોર બેદરકારી, ષડયંત્ર અને હરામની કમાણી કરવાની નિર્લજ્જ યુક્તિ-પ્રયુક્તિઓ જ સક્રિય છે. માર્કસ એટલે બેફામ બનતા જતા આંકડાઓ જ માત્ર, એવી સમજ ઘર કરતી આવે છે, એનાથી પાસ થવાય છે, એડમિશન મળે છે, નોકરી મળે છે, પણ એને જ્ઞાન સાથે ખાસ લેવા દેવા નથી. કમનસીબી એ છે કે આ આંકડાઓ જ્ઞાન કે હોંશિયારીના સૂચક નથી. એમ પણ લાગે છે કે આંકડાઓ જ રાજ કરવાના હોય ને જ્ઞાન વગર પણ વધુ માર્કસ જ એક માત્ર હેતુ બચતો હોય તો ભણાવ્યા વગર કે સ્કૂલ કોલેજોમાં દોડાવ્યા વગર, ફી લઈને સીધાં જ જોઈતાં પ્રમાણપત્રો વેચવાં જોઈએ, કારણ, છેવટે તો એ જ એડમિશન કે વધુ પરીક્ષાઓ કે નોકરી માટેનો માપદંડ છે. પૈસા હોય તો નોકરી કરી શકાય છે, પૈસા હોય તો ચોરી કરી-કરાવીને પાસ થઈ શકાય છે, નેશનલ એજ્યુએશન પોલિસીની પણ પથારી ફેરવી શકાય છે, ચૂંટણી જીતી શકાય છે ને અભણ હોય તો પણ, મંત્રી થઈને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ.ની મંતરી શકાય છે. ઘણી વાર તો લાગે છે કે પૈસાથી જ બધું થઈ શકતું હોય તો શિક્ષણની જરૂર જ શી છે? એ કેવી વિડંબના છે કે મગરનાં આંસુ, મગરને ન આવતાં, માણસને આવે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 મે 2024