મહમ્મદ અલી નામનો એક અમેરિકન બોક્સર હતો. નામ તો તમે સાંભળ્યું હશે. બોક્સિંગમાં તેનું નામ દંતકથારૂપ બની ગયું હતું એટલે તેના ચાહકો તેને ‘ધ ગ્રેટેસ્ટ’ તરીકે ઓળખાવતા. ૧૯૪૨માં તેનો જન્મ થયો હતો અને ૨૦૧૬માં તેનું અવસાન થયું હતું. તેનું જ્યારે અવસાન થયું ત્યારે લખાયેલા હજારો અંજલિ લેખોમાં એક વાત અવશ્ય કહેવાતી કે એ માણસનો અંતરાત્મા સાબૂત હતો. તેને લાગતા સત્યની અને માનવતાની વાત આવે ત્યારે તેણે ક્યારે ય સફળતાની, પ્રતિષ્ઠાની, પૈસાની, માનઅકરામની ચિંતા કરી નહોતી અને માનવતાના પક્ષે ઊભો રહેતો.
મહમ્મદ અલીનું જન્મનું નામ કેસિઅસ માર્કેલસ ક્લે જુનિયર હતું. થોડો મોટો થયો અને સમજણો થયો ત્યારે તેણે ખ્રિસ્તી ધર્મ અને નામ બન્ને ત્યજી દીધાં અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને મહમ્મદ અલી નામ રાખ્યું. તેણે કહ્યું હતું કે ગોરા ખ્રિસ્તીઓ દ્વારા અમને (કાળાઓને) ઘેટાંબકરાંની જેમ એકથી બીજી જગ્યાએ જ્યાં ખપ હતો ત્યાં લઈ જવાયા હતા અને ઈસાઈ ધર્મ પકડાવવામાં આવ્યો હતો. એમાં અમારી મરજી પૂછવાનો તો કોઈ સવાલ જ નહોતો. ભલે સેંકડો વરસ પછી, પણ હું ઈસાઈ ધર્મ તેમ જ ખ્રિસ્તી નામ છોડીને એક નવો ધર્મ તેમ જ નવું નામ અપનાવીને મારા અંતરાત્માની હાજરીની સાક્ષી પૂરાવવા માગું છું. હું છું મારા સાબૂત અંતરાત્મા સાથે.
૧૯૬૭માં અમેરિકા અને વિએતનામ વચ્ચેનું યુદ્ધ તેની ચરમસીમાએ હતું ત્યારે ૨૫ વરસના મહમ્મદ અલીની બોક્સિંગમાં કેરીઅર પણ ચરમસીમા આંબી રહી હતી. આકાશ આંબવાના મનોરથ હતા અને ઝડપભેર રસ્તો બનતો જતો હતો. પણ એની વચ્ચે એક વિઘ્ન આવ્યું. અમેરિકામાં યુદ્ધભરતીનો કાયદો છે. અમેરિકાની સરકારને જો એમ લાગે કે આ યુદ્ધ માટે નાગરિકોની લશ્કરમાં ભરતી કરવી જરૂરી છે તો તે મિલીટરી કૉન્સ્ક્રીપશન એક્ટ હેઠળ કોઈની પણ (ખાસ કરીને યુવાનોની) ભરતી કરી શકે છે. વિએતનામ યુદ્ધમાં લડવા માટે અમેરિકન સરકારે મહમ્મદ અલીની પસંદગી કરી. મહમ્મદ અલીએ સૈન્યમાં ભરતી થવાની ના પાડી દીધી. મારો અંતરાત્મા યુદ્ધને કબૂલ નથી કરતો. તેના પર ખૂબ દબાણ આવ્યું, જેલમાં ધકેલવાની ધમકી આપવામાં આવી અને અને બોક્સિંગમાં કારકિર્દીનો અંત આવી શકે એમ હતો. પણ મહમ્મદ અલી ટસનો મસ ન થયો. હું વરખ ચડાવેલા અને નશીલા રાષ્ટ્રવાદને નામે કોઈની હત્યા નહીં કરું.
મહમ્મદ અલીની બોક્સિંગની ઉજવળ કારકિર્દી એક તરફ અને પ્રતિકારની આ એક ઘટના એક તરફ. તે જ્યારે ગુજરી ગયો ત્યારે તેને અંજલિ આપનારાઓએ આ ઘટના વિષે વધુ વાત કરી હતી. ચેમ્પિયનો તો આવતા જ રહેશે. મહમ્મદ અલીના રેકર્ડ તોડનારા પણ આવશે, પણ અંતરાત્માનો પોકાર અદકેરો છે. એ એવો માણસ હતો જેણે ભરજુવાનીમાં ભરકારકિર્દીને હોડમાં મૂકી દીધી હતી. તેને ખબર હતી કે નુકસાન કેવડું મોટું હશે! મૂર્ખ નહોતો.
આ ઘટના મેં અત્યારે શા માટે યાદ કરી એ તો સુજ્ઞ વાચકને સમજાઈ જ ગયું હશે. આપણી પહેલવાની કરતી દીકરીઓ સાથે ધોળે દિવસે, લોકોની વચ્ચે અને કેમેરાની સામે પોલીસ અત્યાચાર કરતી હતી. છોકરીઓ રડતી હતી અને એક લંપટ અત્યાચારી માણસનાં અત્યાચારો સામે ન્યાય માગતી હતી. પણ તેન્દુલકરો અને કોહલીઓના અંતરાત્માને કોઈ અસર નહીં થઈ. આ લોકો આપણી વચ્ચે જીવતા સ્વર્ગવાસીઓ છે. મોઢે તાળાં વાસેલા નમાલા લોકોને પદ્મશ્રી, પદ્મભૂષણ જેવાં સરકારી માનઅકરામ લેવામાં શરમ નથી આવતી. તેઓ રાજ્ય સભામાં નિયુક્ત થવામાં ગર્વ અનુભવે છે. હું પણ ગર્વ અનુભવું છું કે સચિન તેંડુલકર જેવો મારા દેશનો મહાન ક્રિકેટર રાજ્યસભામાં સ્થાન પામે છે, પણ એ સાથે હું તેની નિર્માલ્યતા માટે શરમ પણ અનુભવું છું. એક શબ્દ નહીં? આમ પણ રાજ્યસભામાં તેણે કાંઈ ઉકાળ્યું નથી. પ્રજાહિતમાં મોઢું ખોલ્યું હોય એવું જોવા મળ્યું નથી. માટે કહું છું કે નમાલા પ્રતિષ્ઠિતો જીવતા સ્વર્ગવાસી છે. એ આપણી વચ્ચે જીવે છે એ આપણી શરમ છે.
એ તો ભલું થજો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું અને રમતગમતની બીજી એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું કે તેણે પહેલવાન દીકરીઓના પક્ષે અવાજ ઊઠાવ્યો. ભારત સરકારની ઊઘાડી ટીકા કરી. સરકાર કૂણી પડી છે અને તેમને સાંભળવાની તૈયારી બતાવી છે એ આનું પરિણામ છે. પણ ન્યાય તો ત્યારે જ મળશે જ્યારે પેલા વૃજ ભૂષણ શરણ સિંહ નામના લંપટને સજા થશે અને લખી રાખજો એવું બનવાનું નથી. દેશની મા બહેનની એટલી ઔકાદ કે અમારા રાક્ષસની ટીકા કરે? કુરકુરેની એડવર્ટાઈઝમેન્ટ જોઈ હશે; ‘ટેડા હૈ લેકિન મેરા હૈ.’
અને હા, ૨૦૧૧માં પેલી નિર્ભયા માટે જે લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા એ ક્યાં છે?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 જૂન 2023