પોસ્ટ-ટ્રુથ ભાગ : 1
ઇતિહાસનાં પાનાં ઉથલાવતાં એક વાત સ્પષ્ટ થાય છે કે દરેક પ્રગતિશીલ આવિષ્કાર સાથે એક નવા યુદ્ધની શરૂઆત થઈ છે. ધાતુનાં આવિષ્કારે આપણને ભાલા અને તલવારો આપ્યાં, ઔદ્યોગિકરણે અને વિજ્ઞાનના વિકાસે આધુનિક યુધાસ્ત્ર આપ્યાં. માહિતી ક્ષેત્રની ક્રાંતિને પરિપાક રૂપે આજની રાજનીતિમાં માહિતીઓ સાથે ચેડાં કરીને, ઘટનાઓનાં યોગ્યાયોગ્ય અર્થઘટન વડે કૃત્રિમ જનમત કેળવવાનું વલણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ‘બ્રિટિશ ડેટા સાયન્ટીસ્ટ ક્લાઇવ હમ્બીના શબ્દોમાં, ડેટા આજના યુગનું નવું ફ્યુલ છે.’ ડેટા એનાલિસિસ અને એ.આઈ. આજની દુનિયાની સરકારો માટે મોટા હથિયાર છે. ‘હાલની સરકાર પાસે જેટલો પબ્લિક ડેટા છે એટલો ભૂતકાળની સરકારો પાસે ન હતો. તમે ક્યાં રહો છો, ક્યાં નોકરી/ધંધો કરો છો, કેટલી આવક ધરાવો છો, આર્થિક રોકાણો, વગેરે વગેરે દરેક માહિતી સરકારની નોંધમાં છે અથવા એમ પણ કહી શકાય કે તમે સતત સરકારી કેમેરાની નજર હેઠળ છો.’ ડેટા નામનું આ નવું શસ્ત્ર જેટલું ઉપયોગી છે એટલું જ ઘાતક પણ છે. આ હથિયારની મદદથી એટલે કે ‘ડેટા અથવા તો ઇન્ફોર્મેશનને વિકૃત કરી પ્રસ્તુત કરીને ભલભલા સુપરપાવરને નેસ્તનાબૂદ કરી શકાય અને સ્થાપિત પણ કરી શકાય એવા માહિતીયુદ્ધના યુગમાં આપણે જીવીએ છીએ.’ ખૂબ જ વિશાળ વ્યાપ ધરાવતી આજની માહિતીની દુનિયાને દેખીતી રીતે જ તલવાર, તોપ કે બંદૂક વડે નિયંત્રિત કરી શકાતી નથી. આ એક અદૃશ્ય લડાઈ છે.
સતયુગ, કલિયુગ, વિજ્ઞાનયુગ, માહિતી અને પ્રસારણનો યુગ, કાળના પ્રવાહોને સમજવા જે-તે કાળખંડને ચોક્કસ નામ આપવામાં આવ્યા. પરંતુ વિશ્વના રાજકીય પ્રવાહોના આધારે 2015-16 પછીના સમયને, ઇન્ફોર્મેશનના ઉપયોગ સંદર્ભે, પશ્ચિમના વિશ્લેષકો ‘પોસ્ટ ટ્રુથ પોકીટિક્સ એરા’ ગણાવે છે.
ઓક્સફોર્ડ ડીકશનેરી સંસ્થાનના પ્રમુખ કેસ્પર ગ્રાથવોહલ નોંધે છે કે ‘પોસ્ટ ટ્રુથ’ શબ્દ પ્રથમ વખત સર્બિયન-અમેરિકન નાટ્યકાર સ્ટીવ ટેસિચના ઇરાક-અમેરિકા ખાડીયુદ્ધ સંદર્ભે 1992માં લખાયેલ લેખમાં જોવા મળે છે. “સત્ય હવે એટલું પ્રાસંગિક નથી રહ્યું” તે દર્શાવવા માટે આ લેખમાં “પોસ્ટ ટ્રુથ” શબ્દનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓ લખે છે કે આપણે સ્વતંત્ર નાગરિકોએ સ્વેચ્છાએ નક્કી કરી લીધું છે કે આપણે પોસ્ટ-ટ્રુથની દુનિયામાં જ જીવવું છે. જો કે પોસ્ટ-ટ્રુથ ભલે નવો છે પણ તેના અર્થને લગભગ લગભગ નજીકના શબ્દો અને સ્ટ્રેટેજી દુનિયા માટે નવા નથી. પ્રથમ વિશ્વયુદ્ધ સાથે પ્રોપેગેંડા શબ્દ પ્રચલિત થયો. તેના પછી આવ્યો કેમ્પેઈન અને ત્યાર બાદ ડિસઈન્ફોર્મેશન એટલે કે તથ્યોની હેરાફેરી કરવી.
‘પોસ્ટ–ટ્રુથ શું છે?’
‘પોસ્ટ–ટ્રુથ એટલે, જે સત્યથી પરે છે, જે સત્ય નથી પણ સત્ય જેવુ લાગે છે તે. સત્ય એ સત્ય છે, અસત્ય એ અસત્ય છે પણ પોસ્ટ-ટ્રુથ એક એવી પરિસ્થિતિ કે જ્યાં અસત્ય જાણે સત્ય છે એવો ભાસ ઊભો થાય, જ્યાં સાચા ખોટા વચ્ચે કોઈ અંતર ન રહે તેવી પરિસ્થિતિ.’ પોસ્ટ-ટ્રુથ પશ્ચિમથી આવેલો શબ્દ છે એટલે તેનો એકદમ અનુકૂળ શબ્દ ભારતીય ભાષામાં નથી પણ વિદ્વાનો તેને મળતા શબ્દ, અનુસત્ય અથવા ઉત્તર-સત્ય આપે છે. પોસ્ટ-ટ્રુથને સમજવા માટે તેની વ્યાખ્યા જોઈએ તો, એક એવી પરિસ્થિતિ કે જ્યાં ‘જનમત નિર્માણ કરવામાં, સત્ય શું અને અસત્ય શું એ નક્કી કરવામાં વસ્તુગત તથ્યોનો કે નૈતિકતાનો પ્રભાવ ભાવનાત્મક અપીલ અને લોકોની શ્રદ્ધા સામે વામણો પુરવાર થાય છે.’ આમ, પોસ્ટ–ટ્રુથ, આ વિશેષણ એવી પરિસ્થિતિ સૂચવે છે કે જ્યાં લોકોનો અભિપ્રાય તથ્યગત સત્યને આધારે નહિ પણ ભાવના આધારિત હોય છે.
અલબત્ત, દ્વાપરમાં યુધિષ્ઠિર દ્વારા બોલાયેલા અર્ધસત્ય ‘अश्वत्थामा हतः इति नरो वा कुंजरो वा’ના મંત્રથી શરૂ થયેલું, સત્યને રક્તરંજીત કરવાનું વિનાશનૃત્ય આજે પણ વિશ્વમંચ પર પ્રસ્તુત થતું રહ્યું છે. સત્યે દરેક યુગમાં આઘાત સહન કર્યા છે, સત્યને ષડયંત્રથી આહત કરવાના પ્રયત્ન થયા છે. ઘણા આક્રમણકારોએ ‘સત્ય’ની આડમાં છુપાઈને હુમલા કર્યા છે. સદીઓ સુધી, અડધાથી વધુ વિશ્વને છહ્મસત્યની આડમાં પ્રતાડીત કરવામાં આવ્યું છે. તો પછી આજે સત્યના સંદર્ભમાં આ નવો શબ્દ શું કામ? ‘તો એમ કહી શકાય કે ‘પોસ્ટટ્રુથ’ શબ્દ આજના બદલાતાં સામાજિક મૂલ્યબોધને દર્શાવે છે.’ સત્ય અને અસત્ય વચ્ચેના ક્ષેત્રમાં જેને મૂકી શકાય એવું આ વિશેષણ મારા મતે, ચોક્કસ પરિસ્થિતિથી વધુ, સ્ટેટ ઓફ માઈન્ડ છે. પોસ્ટ-ટ્રુથ આજે વિશાળ પ્રમાણમાં પ્રસ્તુત કેમ બન્યું એનો જવાબ સમાજની બદલાતી તરાહમાં છે. ઉદારવાદ સાથે અભિવ્યક્તિ અને વિચાર સ્વાતંત્ર્ય પર વધુ ભાર મૂકવામાં આવ્યો. જેના તંદુરસ્ત આચરણ સાથે સાથે નૈતિકતાના પતન સમાં દુરાચારો પણ વધ્યા. નૈતિકતાના સ્તરે આજનો માનવ વધુને વધુ છૂટ લેતો થયો છે. આજના સમાજે દારુનું સેવન, લગ્નેતર સંબંધો વગેરે અનેક બાબતોએ પહેલાની સરખામણીએ ઘણું મુક્ત વલણ કેળવ્યું છે. ‘જે બાબતો આજથી બે ચાર દાયકા પહેલાં અનિષ્ટ લેખાતી એ બાબતો હવે સહજ સ્વીકાર્ય બની છે. કંઈક એવું જ સત્યના આગ્રહ સાથે થયું છે. અસત્ય પ્રત્યે પહેલા જેટલો છોછ નથી રહ્યો એ બાબતની ખાત્રી કરાવતાં પ્રસંગો આપણી આસપાસ બનતા રહે છે.’ આમ, સમાજના બદલાતા મૂલ્યબોધ સાથે સત્યની બદલાતી પરિભાષા કે જેણે પોસ્ટ-ટ્રુથ જેવી પરિસ્થિતિને જન્મ આપ્યો છે.
‘પોસ્ટ–ટ્રુથ અને રાજનીતિ’
‘આ શબ્દ રાજનીતિ, મીડિયા તેમ જ ખાસ કરીને સોશિયલ મીડિયાના સંદર્ભે ખોટી માહિતી અને બનાવટી સમાચારના પ્રસારને સૂચવે છે જે લોકોની ધારણાઓ અને નિર્ણયોને પ્રભાવિત કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.’ પોસ્ટ-ટ્રુથના પ્રભાવમાં લોકો ભ્રામક માહિતી અને ષડયંત્ર – સ્કેન્ડલની થિયરી અંગે વધુ સંવેદનશીલ હોય છે, ‘આધારવિહીન તથ્યોના પ્રચાર સાથે ઘડાયેલાં નરેટીવ્સના જૂઠને કોઈ પડકારતું નથી’ અને ભાગ્યે જ કોઈ પડકારે તો, જે-તે પક્ષનું આઇ.ટી. સેલ તેમ જ ભાવનાત્મક નરેટીવ્સ જેમને ઘૂંટી ઘૂંટીને પીવડાવી દેવામાં આવ્યા છે એ લોકો પડકાર કરનારનો એકસામટો વિરોધ નોંધાવે છે. ‘’પોસ્ટ ટ્રુથ’ની તીવ્રતા એ છે કે જ્યારે કોઈ પ્રચાર કે માહિતી સાચી હોવા– ન હોવાથી લોકોને કોઈ ફરક જ ન પડે પણ એ કહેનાર કોણ છે એ જ મહત્ત્વનું બની જાય.’ જેનો ઉપયોગ દરેક પ્રચારમાં, પ્રસારમાં, જનસંપર્કમાં, રાજકારણમાં, લોકોના અભિપ્રાયને બદલવામાં, આખી પેઢીને કંઈક ખોટું શીખવવાની કોશિશરૂપે, પોતાનો પક્ષ જ ઉત્તમ અને બીજા ખોટા એવું સાબિત કરવા વિવિધ રાજકીય પક્ષો દ્વારા થાય છે.
ઉપર કહ્યું તેમ, આજના સમયમાં ઈલેક્ટ્રોનિક, પ્રિન્ટ, ઈન્ટરનેટ જેવા નવા માધ્યમોનો ઉપયોગ કરીને લોકોનાં વિશ્વાસ અને લાગણીઓ સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. લોકોમાં સત્યનું ભ્રામક સંસ્કરણ પીરસવામાં આવી રહ્યું છે. રાજકીય હિતો સાધવામાં આવા ખોટી રીતે પીરસાતાં ડેટા / માહિતી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. આવી સ્થિતિમાં, પોસ્ટ ટ્રુથ ઇન્ફોર્મેશન વોરનો એક ભાગ બની ગયું છે એમ કહેવું ખોટું નથી. ‘એવું નથી કે તથ્ય સાથે છેડછાડ કરીને તેની સમાંતરે બીજું સત્ય (!) પ્રસ્તુત કરવાનું ચલણ અથવા અફવા આધારિત સત્યને સમર્થન કે સ્વીકૃતિ પહેલાં નહોતી મળતી પણ આજના યુગમાં તેનું જેટલું ચલણ છે એટલું પહેલાંના સમયમાં ન હતું. સીમિત અથવા ભ્રમિત જાણકારી દ્વારા જૂઠને અથવા અર્ધસત્યને સત્ય તરીકે સ્થાપિત કરવાની રીતિ એ વિશ્વભરના નેતાઓની તરાહ બનતી જાય છે.’ જેને બીજા શબ્દોમાં એમ કહી શકાય કે માસ હિપ્નોટીઝમની અવસ્થામાં જીવતા સમાજના વિવેક પર શ્રદ્ધાએ કબજો જમાવ્યો છે.
પોસ્ટ ટ્રુથ– ખાસ કરીને 2016માં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંદર્ભે આ શબ્દ ખૂબ જ પ્રચલિત થયો. જેના કારણે ઑકસફર્ડ ડીક્શનરીએ ‘પોસ્ટ ટ્રુથ’ શબ્દને 2016નો ‘વર્ડ ઑફ ઘ યર’ જાહેર કર્યો હતો. અલબત્ત, યુરોપ, બ્રિટન અને અમેરિકા પહેલા ભારતીય રાજકારણમાં પોસ્ટ-ટ્રુથની શરૂઆત થઈ ગઈ હતી એમ કહીએ તો ખોટું નથી. અરવિંદ કેજરીવાલનો રાજકીય ઉદય જોઈએ તો ભારતમાં ભ્રષ્ટાચાર સામે જનલોકપાલની માંગણી માટે અણ્ણા હજારેના નેતૃત્વમાં તીખી, તેજ ભાષાનો ઉપયોગ કરીને જલદ ભાવનાત્મક ભાષણો, ‘તૂ ચોર હૈ, વો ચોર હૈ, સારે ચોર હૈ’, ‘હું તને જેલમાં નાખીશ’ અને ‘ભારત માતા કી જય’ના નારાથી વિશાળ સંખ્યામાં જનતા એકઠી કરવામાં સફળ રહ્યા. મીડિયાએ પણ આ આગમાં ઘી હોમ્યુ હતું અને કેજરીવાલને પોસ્ટ ટ્રુથ યુગની રાજનીતિમાં અણધારી સફળતા મળી એ સૌ જાણે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ આવા જ પડઘા સાંભળવા મળ્યા હતા.નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પાછળ ‘પોસ્ટ ટ્રુથ’ સૌથી મોટું કારણ હતું. ટ્રમ્પે ઘણાં જૂઠાણાં બોલ્યા, તથ્યોને નકારી કાઢ્યાં પણ સમાંતરે આમ જનતાનો વિશ્વાસ જીતવામાં તેઓ સફળ હતા એ ત્યાં સુધી કે આદુ ખાઈને ટ્રમ્પ પાછળ પડેલા અમેરિકન મેઈનસ્ટ્રીમ મીડિયાએ આખા વર્ષ દરમ્યાન ટ્રમ્પની વિરુદ્ધ બયાનબાજી કરી પણ ટ્રમ્પે સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો. લોકોને રસ પડે તેવી સનસનીખેજ, ભાવનાત્મક વાતો પીરસીને લોકોને પોતાના તરફ આકર્ષવામાં તે સફળ રહ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ચૂંટણી સભાઓમાં અને ચૂંટણી દરમિયાન બરાક ઓબામા પર કેટલાક આક્ષેપો કર્યા, જેમ કે તેઓ અમેરિકામાં જન્મ્યા નથી, તેઓ આઈ.એસ.આઈ.એસ.ના સંસ્થાપક છે, ક્લિન્ટન પરિવાર હત્યારાઓનો પરિવાર છે, હિલેરીની જગ્યા જેલમાં હોવી જોઈએ, વળી વચનો કે હું જીતીશ તો અમેરિકા-મેક્સિકો વચ્ચે જંગી દીવાલ ચણાવી દઈશ (જ્યારે સત્ય એ છે કે અમેરિકા-મેક્સિકો વચ્ચે સંવેદનશીલ વિસ્તારોમાં દીવાલ છે જ પણ ટ્રમ્પે કહ્યું અને લોકોએ તેના પર ભરોસો કર્યો!) વગેરે વગેરે. જેના કારણે પૂરી દુનિયાના આશ્ચર્ય વચ્ચે તેઓ જીતી ગયા અને અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા! અલબત્ત, તેમનો એકપણ દાવો હજુ સુધી યથાર્થ સાબિત થયો નથી!
આવું જ કંઈક જૂન 2016માં બન્યું હતું જ્યારે બ્રિટને નિર્ણય લીધો હતો કે તે હવે યુરોપિયન યુનિયનનો ભાગ નહીં રહે. વોલ્ટ લુઈસે દાવો કર્યો હતો કે બ્રિટન પર યુરોપિયન યુનિયન (EU)નો ભાગ હોવાનો બોજ દર અઠવાડિયે આશરે £350 મિલિયન છે. વોલ્ટે કહ્યું કે આટલી રકમ બ્રિટનની નેશનલ હેલ્થ સ્કીમમાં રોકી શકાય છે. 2020 સુધીમાં તુર્કી EUનું સભ્ય બની જશે તેવું કહીને પણ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. જો તુર્કી સભ્ય બને તો બ્રિટનમાં ઇમિગ્રેશન વધવાનું જોખમ હતું. આ તમામ સંદિગ્ધ માહિતી પછી જ બ્રિટનના લોકોએ EUની સભ્યપદ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.
ઉપરોક્ત બન્ને કિસ્સામાં તથ્યો અને સામાન્ય વિવેક વિરુદ્ધના અસંગત મુદ્દાઓ રજૂ કરીને સફળતાં મેળવવામાં આવી છે.
એટલે એમ કહી શકાય કે જે-તે લીડરશીપ જેના પર કામ કરવા માંગતી હોય તે વિચારધારા / આઇડિયોલોજીનું સાઇકોલોજીલ ગેઇમની જેમ જનમાનસમાં ઇન્સેપ્શન કરે છે. અને પછી લોકોના મોઢે જ, એ જ બોલાવે છે કે જે નેતાઓ કરવા માંગતા હોય! એટલે લોકોને એમ લાગે છે કે આપણે જે ઇચ્છ્યું હતું એ જ જે-તે પક્ષ કે રાજનેતા કરી રહ્યા છે, આપણે રાજનીતિને દિશા આપી છે!
હવે, સવાલ એ થાય કે, સત્ય પાસે તમામ આંકડા છે, માહિતી અને સંદર્ભ છે છતાં સત્ય લોકશ્રદ્ધા સામે, વિશ્વાસ સામે કેમ હારી જાય છે ? આજે પોસ્ટ- ટ્રુથ જ્યારે રાજનીતિના આદર્શ પ્રવાહને લલકારી રહ્યું છે ત્યારે આ સવાલ ઉઠવો વ્યાજબી અને જરૂરી પણ છે, જેનાં કારણો વિશે આપણે હવેના લેખ, ભાગ : 2માં ચર્ચા કરીશું.
(ક્રમશ:)
[પ્રગટ : ગુજરાતની નવી પેઢીનું સૌ પ્રથમ ડિજિટલ અખબાર “ખાસ-ખબર”; 29 જુલાઈ 2023; પૃ. 11-13]
સૌજન્ય : હિમાદ્રીબહેન આચાર્ય દવેની ફેઇસબૂક દીવાલેથી સાદર