જમશેદજી તાતા : એક લડાઇએ ડુબાડ્યા તો બીજીએ તાર્યા
‘સ્વદેશી’ના આગ્રહીની સ્વદેશી મિલ
સ્થળ : જમશેદજી તાતાના પૂતળા પાસે
સમય : સવારના ૪
રઘલો : અરે સેઠ! આય તું રોજ રોજ જાગા કાંઈ ફેરવ્યા કરે છ? ઘરીકમાં તારા કૂવા પાસે, ઘરીકમાં પેલા ફવ્વારા પાસે, અને આજે અહીં!
ભીખા સેઠ : જો, સમજ. આપરાથી મોટ્ટા માણસ હોય ને, તેમને મલવા આપરે જવું જોઈએ. આય જમશેદજી તાતા કોણ છે, તુને માલમ છે?
રઘલો : મુને માલમ હોતે તો તો હું સેઠ ને તું મારો નોકર બનિયો હુતે ને!
ભીખા શેઠ : જો, રઘલા! એક સોજ્જી મજાની ખુરસી લાવીને મૂક.
રઘલો : કેમ વારુ?
ભીખા શેઠ : દિનશા એદલજી વાચ્છા બી આવવાના છે.
રઘલો : પન કાંઈ? એવન તો પોતાની વાત અગાઉ કરી ચૂક્યા છે.
જમશેદજી નસરવાનજી તાતા
ભીખા શેઠ : કારણ એવને સર જમશેદજી તાતાની બાયોગ્રાફી લખેલી, અને તે બી છેક ૧૯૧૪માં. અને લોકને એવી તો ગમી ગયલી એ કિતાબ, કે બીજે જ વરસે એની સેકંડ એડિશન કરવી પડેલી. અને જમશેદજી સેઠ છે ‘બાતે કમ, કામ જ્યાદા’માં માનવા વાલા. એટલે એવન પોતા માટે જાસ્તી બોલસે નહિ.
(બીજી બાજુ નજર જતાં) અરે, પધારો, પધારો એદલજી સેઠ. તમે આવિયા તે ઘન્નું સોજ્જું કીધું. સરસાહેબ સબબ તમે જ વાત સુરુ કરો.
જ્યાં જમશેદજીનો જન્મ થયો તે નવસારીનું ઘર
દિનશાજી : એક તેર વરસની ઉંમરનો પોરિયો, નામ જમશેદ. ગાયકવાડી નવસારીમાં ૧૮૩૯ના માર્ચની તીજી તારીખે દસ્તૂર વાડના મોટા ફળિયાના ઘેરમાં જન્મેલો. તવંગર નહિ, પણ ખાનદાન હુતું બે પાનરે સુખી. મુંબઈ રહેતા બાવા નસરવાનજીએ જમશેદને નવસારીની પન્તોજીની નિશાળમાં ભણવા મૂક્યો. થોરા વખત પછી માલમ થિયું કે અહીં ભણીને કાંઈ દીકરાનું ભાયેગ ખુલશે નહિ. એટલે ૧૩ વરસનો થિયો તેવારે ૧૮૫૨માં પોતાની પાસે મુંબઈ બોલાવી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભરતી કીધો. ભલે આજના જેવું નહિ, પન એ વખતે બી મુંબઈ એટલે એક મોત્તું શેર. નવસારી જેવા ગામમાંથી – અરે, એ વેલાંએ તો એ ગામરું જ હુતું – આવેલો આ પોરિયો શુરૂમાં તો બાઘોચકવો થઈ ગિયો. પન ધીમે ધીમે ગોઠતું ગિયું આય શેરમાં. ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની શુરૂઆત થઈ તારે જમશેદજીને તો કોડ હુતા આગળ ભણવાના. પણ બાવાજીએ કીધું કે હવે ઘણું ભણીયા. આપરી ઓફીસમાં કામે લાગી જાવ.
બીજા ઘન્ના પારસીઓની જેમ, નસરવાનજી સેઠનો વેપાર બી ચીન સાથે હૂતો, અફીનનો. વહાણમાં અહીંથી અફીણ જાય, અને કોટન ભરીને પાછું આવે. એવામાં અમેરિકામાં સિવિલ વોર ફાટી નીકળી એટલે કોટનના ધંધામાં તાતાની કંપનીને સોનાનાં નલિયાં થઇ ગિયાં. એ વખતે જમશેદજી વેપારના કામના સબબે હોંગકોન્ગમાં હુતા. તાબડતોબ મુંબઈ આયા. કોટનના વેપારને મદદ થાય એટલા સારુ લંડનમાં બેંક સુરુ કરવાનું ઠરાવિયું. એટલે લંડન ગિયા. પણ પછી બેંક તો સુરુ થઈ નહિ, એટલે જમશેદજીએ બધો વખત કોટનના વેપારને આપ્યો. તાતાની કંપનીમાં પૈસાની રેલમછેલ.
પણ પછી સિવિલ વોર એકાએક પૂરી થઈ તે બધ્ધું કરરભૂસ! લંડનની બ્રાંચ વેચીને પાછા મુંબઈ. પેલા અવિનાશ વ્યાસના એકુ ગીતમાં કીધેલું છે ને કે, ‘ઘરીમાં ઉપર, ઘરીમાં નીચે’, એવું જ થિયું. પણ આય હિંદુ લોક બોલે છ ને કે ‘જેને રામ રાખે તેને કોણ ચાખે?’ એક લડાઈએ પાયમાલ કીધા તો બીજી લડાઇએ પાછા માલામાલ કીધા.
રઘલો : મુને તો આ લરાઈ-ફરાઈનું મોંનું જ ની ગમે.
ભીખા શેઠ : લોકને ભલે નિ ગમતી, પન રાજાઓ અને સરકારોને તો ગમે જ છે ને! પન દીનશાજી સેઠ! એ બીજી લરાઈ તે કઈ?
દીનશાહજી : ગ્રેટ બ્રિટનના બે એલચી કંઈ વાટાઘાટ કરવા એબિસીનિયા ગયા હુતા. પન તાંના રાજાએ તો બંનેને હેડમાં પૂર્યા! ગ્રેટ બ્રિટને તરત હુમલો કીધો અને તે માટેની ફોજ સર રોબર્ટ નેપિયરની સરદારી નીચે મુંબઈથી એબિસીનિયા મોકલી. કેહે છે ને એકુ તાવરી તેર વાનાં માગે! પન લશ્કરની તાવરી તો સેંકડો વાનાં માગે. એ બધી જણસો પૂરી પાડવાનો કન્ત્રાક તાતા કંપનીને મલિયો. સર નેપિયરે કીધું કે આય લડાઈ તો એક વરસ વેર ચાલશે. એટલે એક વરસ ચાલે એટલો માલસામાન મોકલો. એટલે તાતા કંપનીને તો ઘી-કેલાં થઈ ગિયાં. પન નેપિયર લશ્કર લઈને પૂગો તેની આગમચ રાજા થિયોડોરે પોતાનો જાન લીધો. વરસનાં સીધું-સામાન ભરેલાં તે બધાં ગિયાં પાનીમાં. પન તાતાની કંપની થઈ ગઈ માલામાલ. ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટમાં ચર્ચા બી થઈ કે સરકારે નક્કામા આટલા બધા પૈસા પાનીમાં નાખિયા. એક મિલિયન પાઉન્ડની જગાએ અગિયાર મિલિયન પાઉન્ડનો ખરચ કીધો હૂતો સરકારે. બનાવો કમિટી. તેના રિપોર્ટમાં બતાવ્યું કે આમાં ભૂલ ગ્રેટ બ્રિટનની સરકારની લંડનની વોર ઓફિસની અને બોમ્બે ગવર્નમેન્ટની હુતી. તાતા કંપનીની નિ.
જમશેદજી તાતા : અમેરિકાની સિવિલ વોર ચાલુ હુતી તે વારનો મુને વિચાર આવતો હુતો કે આપના દેશથી કોટન ઇન્ગ્લંડ જાય, ત્યાં માન્ચેસ્ટરની મિલોમાં તેમાંથી કાપડ તૈયાર થાય, એ કાપડ પાછું આપના દેશમાં આવે અને મોંઘે ભાવે વેચાય. એને બદલે આપને જ અહીં મિલો ઊભી કરીને કપડું કેમ નહિ બનાવીએ? એટલે હું ગિયો માન્ચેસ્ટર. તાંની મિલો કઈ પેરે કામ કરે છ તે જોયું. તે વારે એક વાત હું સમજિયો.
ભીખા શેઠ : કઈ?
જમશેદજી : કે જ્યાં કોટન ઊગતું હોય તે જગાથી આવી મિલ બને તેટલી નજદીક હોવી જોઈએ. એટલે પાછા આવીને મેં નાગપુર પાસેની એકુ જાગો સસ્તા ભાવે ખરીદી. અને રાણી વિક્ટોરિયા જે દિવસે ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ બનિયાં તે જ દહારે નાગપુરમાં ‘ધ એમ્પ્રેસ મિલ’ શુરુ કીધી.
એમ્પ્રેસ મિલ, નાગપુર
દિનશાજી : જમશેદજી સેઠમાં હુતી ગજબની હિંમત. અને કોઈ વાત મનમાં લે પછી મંડી પડે તેની પાછલ. સાહસ નિ કરો તો પેલાં લક્ષ્મીજી તમારી સામે હસવાનાં નિ. દસ-બાર વરસ તનતોડ મહેનત કીધી. એક વાત પહેલેથી એવન સમજીયા હુતા. મિલ નથી ચલાવતા મેનેજરો કે નથી ચલાવતા માલિકો. એ ચલાવે છે મજદૂરો. એટલે તેમની ભલાઈ માટે પુષ્કળ પૈસા ખરચિયા. મજૂરો બી સમજિયા કે મિલ કમાસે તો આપરે બી કમાસુ. એટલે કામ પાછળ મંડી પરિયા.
સ્વદેશી મિલ, મુંબઈ
જમશેદજી : અને પછી મેં કીધી મારી લાઈફની એક મોટ્ટી ભૂલ. મુંબઈમાં બંધ પડેલી ધરમસી મિલ ફક્ત સાડા બાર લાખ રૂપિયામાં ખરીદી. એ બાંધવા પાછલ પચાસ લાખ રૂપિયા ખર્ચાયેલા. એટલે મુને હુતું હે થોરા પૈસા નાખીને મિલ ચાલુ કરી ડેવસ. પન પછી સમજિયો કે આય મિલને ચાલતી કરવા તો લાખ્ખો રૂપિયા નાખવા પરસે.
દિનશાજી : જમશેદજી સેથમાં હિંમત ગજબની. અમારા જમાનાના કવિ નરબદાશંકરે લખિયું હુતું ને કે :
ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું.
વેણ કાઢ્યું કે ના લટવું, ના લટવું.
દસ વરસ સુધી પૈસા નાખિયા, નાગપુરની મિલના સોનાની લગડી જેવા પોતાના શેર વેચીને પૈસા ઊભા કીધા. દિવસ-રાત કામ કીધું અને પછી પેલા ફિનિક્સ બર્ડની જેમ એ મિલને ઊભી કીધી, નવું નામ આપિયું ‘સ્વદેશી મિલ.’
રઘલો : આય તમે બોલિયા એ કવિતા તો સુરતના કવિ નર્મદે લખેલી છે. તમુને એ ક્યાંથી માલમ?
દિનશાજી : જો દીકરા! આય કવિ નર્મદ જનમિયા હુરટમાં એ વાત સાચી. પન એવનને જાનિયા, માનિયા, અને મોટ્ટા બનાવિયા તે તો મુંબઈએ. અને હા. સમાજ સુધારાનું કામ, છોડીઓના ભણતરનું કામ, બાળલગનની સામ્ભે થવાનું કામ, વિધવાનાં લગનને ટેકો આપવાનું કામ – આવી બધી બાબતોમાં અમારા જમાનામાં હિંદુ, પારસી, ખ્રિસ્તી, મુસ્લિમ, બધા એક થઈને કામ કરતા. તુને માલમ છે? આય કવિ નર્મદના એક ખાસ દોસ્ત હુતા પારસી નાનાભાઈ રૂસ્તમજી રાણીના. ધોબી તલાવ પર એવનનું પોતીકું પ્રેસ હુતું, યુનિયન પ્રેસ. નર્મદની ઘન્ની કિતાબ આય નાનાભાઈએ છાપી આપેલી, નફા-નુકસાન વગર. અને અમારા જમાનાના જાણીતા વકીલ, વિદ્વાન, રાજકારણી, મરાઠી બોલનારા ગણેશ શ્રીકૃષ્ણ ખાપર્ડે નર્મદાશંકરને પોતાના ગુરુ માનતા. અને તુને માલમ છે? આય મુંબઈમાં પ્રાર્થના સમાજનું મકાન બાંધવાનું હુતું તે વારે પારસીઓ અને મુસલમાનોએ બી તેના ફંડમાં પૈસા ભરિયા હુતા. હિંદુ વિધવા બાઇઓનાં બીજી વાર લગન થઈ સકે એ માટે સરકારે ખાસ કાયદો ઘડવો જોઈએ એવી માગની સૌ પહેલી પારસી બહેરામજી મલબારીએ કીધી હુતી, અને તેને વાસ્તે પોતાને પૈસે બ્રિટન પણ જઈ આવેલા. પન આપરે જરા આડી વાતે ચડી ગિયા. એક વાત આ જમશેદજી શેઠ પોતાની જબાને કભી બી નિ બોલે તે કેહું ચ. આપરા દેશમાં મહાત્મા ગાંધીજીએ સ્વદેશીની ચલવલ ૧૯૦૫માં સુરુ કિધેલી. પણ જમશેદજી શેઠે ‘સ્વદેશી મિલ્સ કંપની લિમિટેડ’ નામ રજિસ્ટર કરાવ્યું હુતું ૧૮૮૬ના સપ્ટેમ્બરની ૧૩ તારીખે. અને આજે આપરે ‘મેઈડ ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ઇન્ડિયા’ના નારા સાંભળિયે છ. પન જમશેદજી સેઠે એ જમાનામાં આય ‘સ્વદેશી’ નામ અને કામ સુરુ કીધેલું!
જમશેદજી : અરે દિનશાજી! છોરોને એ બધી લપ! જે વારે મનમાં જે આયું તે કીધું. પહેલી મિલનું નામ રાખ્યું ‘એમ્પ્રેસ’ તો બીજીનું રાખ્યું ‘સ્વદેશી’. બસ. રાત દહાડો મહેનત કીધી. ગાંઠનાં ગોપીચંદન કીધાં, જાણકારોની મદદ લઈ નવી મશીનરી લાવિયા અને સેવટે સ્વદેશી મિલ બી ધમધમટી થઈ. પછી તો મુંબઈમાં એક પછી એક કોટન મિલ શરુ થતી ગઈ. બોમ્બે બની ગયું હિન્દુસ્તાનનું માન્ચેસ્ટર.
દિનશાજી : એક જમાનામાં મુંબઈમાં ૮૦ જેટલી ટેક્સટાઇલ મિલ્સ હુતી. પણ પછી આયો ૧૯૮૨ના જાનેવારીનો ૧૮મો દિવસ. એકુએક મિલમાં હડતાલ પડી. અઢી લાખ મિલ મજદૂરો સ્ત્રાઇકમાં જોડાયા. હરતાલ પૂરી થવાનું નામ નહિ લેતી. એટલે પછી ઘણીખરી મિલોએ પોતાનાં બારણાં હંમેશ માટે બંધ કરી દીધાં. ધીમે ધીમે મિલોની જગા વેચાતી ગઈ. મિલોની જગ્યાએ મોટા મોટા કોમ્પ્લેક્સ ઊભા થિયા, ઓફિસો ઊભી થઈ, હોટેલો ઊભી થઈ. આજે બી આય મુંબઈમાં સ્વદેશી મિલ રોડ અને કમ્પાઉન્ડ બી છે. પણ અફસોસ! ત્યાં મિલ નથી. પણ જમશેદજી શેઠનાં બે સૌથી મોટ્ટાં કામ તો હવે થવાનાં હુતાં.
ભીખાજી શેઠ : માફ કરજો સાહેબો. પન આપરો ટાઈમ પૂરો થવા આવિયો છે. લોકોની આવન-જાવન સુરુ થઈ જાય તેની આગમ ચ આપરે પોતપોતાની જગાએ પૂગી જઈએ. જમશેદજી શેઠનાં આ બે મોટ્ટાં કામની વાત કરીશું આવતા શનિવારે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ “ ગુજરાતી મિડ-ડે”; 29 જુલાઈ 2023