સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાઈરેક ટેક્સેસ એન્ડ કસ્ટમ્સના ચેરમેન વિવેક જોશી અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષે અત્યાર સુધીમાં 22 હજાર કરોડની ટેક્સ ચોરી પકડાઈ છે. જોશીએ કહ્યું કે કરદાતાઓએ ઈનપુટ-આઉટપુટ સંબંધી ટેક્સ ક્રેડિટ કાનૂનની ખોટી સમજને લઈને ટેક્સ ચોરી કરી હોવાનું મનાય છે. આ ચોરી અને ચોરને પકડાવા માટે સરકારે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.)ને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈ.ડી.) સાથે જોડી દીધો છે. મતલબ કે જી.એસ.ટી.માં ગડબડ કરનાર સામે ઈ.ડી. કાર્યવાહી કરશે.
ભારતમાં કરવેરાને લઈને સરકારો એટલી સખ્ત છે (કારણ કે આવકનો એ જ સૌથી મોટો સોર્સ છે) કે ઘણા લોકો તેને ટેક્સ ટેરરિઝમ કહે છે. જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટ અને મનિપાલ ગ્રુપના ચેરમેન મોહનદાસ પાઈએ કહ્યું છે કે 2023માં 6,500 જેટલા હાઈ નેટવર્થ ઇન્ડિવ્યૂડ્યુઅલ્સ ભારત’ છોડીને વિદેશમાં જઈને વસી જવાના છે. પાઈના મતે આ લોકો ટેક્સ ટેરરિઝમથી ત્રાસી ગયા છે. ટેક્સ ટેરરિઝમ એટલે સરકારની તાકાતનો ઉપયોગ કરીને મનસ્વીપણે કાનૂનમાં ફેરફાર કરીને લોકોને કર ભરવા માટે ફરજ પાડે તે.
ભલે કાનૂની દૃષ્ટિએ નહીં, પણ નૈતિક દૃષ્ટિએ તો ઘણા ફિલોસોફરોને તેને લૂંટ ગણે છે. પશ્ચિમમાં રોબીનહૂડ અને આપણે ત્યાં બહારવટિયાઓની એક લોકપ્રિયતા રહી છે. પોલીસની દૃષ્ટિએ આ લોકો અપરાધી છે, પણ સમાજમાં એમનું સ્થાન હીરોનું રહ્યું છે. કેમ? એ લોકો ધનવાનોને લૂંટીને ગરીબોને પોષતા હતા એટલે.
રામાયણના રચયિતા, મહર્ષિ વાલ્મીકિ એમના પૂર્વજીવનમાં લૂંટારા હતા, અને પરિવારનું પેટ ભરવા માટે અરણ્યમાં યાત્રીઓને લૂંટતા હતા. એમનો તર્ક એવો હતો કે જેની પાસે બહુ પૈસા છે તેની પાસેથી તે પૈસા લઇને, જેની પાસે નથી તેને આપવા એમાં ખોટું કંઈ નથી. એ તો એક ઋષિએ તેમને નૈતિક પ્રશ્ન કર્યો એટલે તેમણે તેમના વ્યવસાય અંગે પુનઃવિચાર કરવો પડ્યો. આમાંથી આપણો પ્રશ્ન એ છે કે કોઈની પાસેથી પૈસા લેવા ક્યારે નૈતિક કહેવાય અને ક્યારે અનૈતિક?
1979માં મનમોહન દેસાઈની ‘સુહાગ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, દુર્ગા માઈનું મંદિર બનાવવા માટે રસ્તા વચ્ચે કોલ્હાપુરી ચપ્પલ ફટકારીને ‘ચંદા’ એકઠો કરે છે એ તમને યાદ છે? ધારો કે લોકોના દાનમાંથી જરૂરતમંદોને મદદ કરવા માટે તમે એક ટ્રસ્ટ ઊભું કર્યું છે. લોકો એમાં દાન નથી આપતા એટલે જરૂરતમંદ લોકો મદદથી વંચિત રહે છે. તમે નક્કી કરો છો કે રસ્તા ઉપરથી પસાર થતા પૈસાદારોને માથે બંધૂક મૂકીને પૈસા ભેગા કરવા અને ગરીબો માટે ખૈરાતની વ્યવસ્થા કરવી.
અમિતાભ અને તમે બંને ચોર જ કહેવાઓ, બરાબર? કારણ કે, તમે બીજાની અનુમતિ વગર પૈસા તેના લઇ લો છો. ‘અનુમતિ વગર’નો મતલબ, ધાક-ધમકીથી પૈસા લેવા તે. આમાં શેના માટે પૈસા લેવાયા છે એનાથી ફરક નથી પડતો. તમે એવો તર્ક ના કરી શકો કે ‘આ પૈસા તો જરૂરતમંદો માટે છે એટલે એ ચોરી ના કહેવાય.”
ધારો કે, અમિતાભ બચ્ચન સુધરાઈની ચૂંટણીમાં ઊભો રહે છે અને તે નગર નિગમનો પ્રમુખ બની જાય છે. તે નિગમની બેઠકમાં એક કાયદો પસાર કરાવે છે; દરેક નાગરિકે મંદિર નિર્માણ માટે ટેક્સ આપવો પડશે, જે ટેક્સ નહીં આપે તેને સજા થશે. હવે આને ચોરી કહેવાય?
આને કરવેરા સાથે સરખાવો તો પણ વાત તો એ જ છે. સરકાર કરવેરા ન આપે તેને સજા કરે છે. આ તર્ક સામે દલીલ એવી થાય કે, કરવેરા એ ચોરી નથી, કારણ કે જનતાએ સરકાર સાથે બીજલી-સડક-પાની જેવી નાગરિક સુવિધાઓના બદલામાં સરકારમાં વેરા ભરવાનો ‘સોશ્યલ કરાર’ કરેલો છે, પણ ધારો કે આવી સુવિધાઓનો ઉપયોગ ના કરીએ તો? તો પણ, સરકાર કર આપવા ફરજ તો પાડે જ છે.
કરવેરા એ ચોરી છે એ વિચાર આત્યંતિક છે, પણ વિસંગત નથી. ફ્રી માર્કેટની અંદર વ્યક્તિગત સંભુતામાં (individual sovereignty) માનતા ઘણા આર્થિક અને રાજકીય પંડિતો આને સરકર દ્વારા થતી ચોરી ગણે છે. બ્રિટિશ પ્રધાન મંત્રી વિન્સ્ટન ચર્ચીલે કહ્યું હતું કે, “કોઈ દેશ ખુશહાલી માટે પોતાને જ ટેક્સ કરે એ તો બાલ્ટીમાં ઊભેલો કોઈ માણસ હેન્ડલ પકડીને અધ્ધર થવાની કોશિશ કરે એના જેવું છે.” પશ્ચિમમાં આ ખયાલ 1850થી છે. ફ્રેડરિક બસ્તીયાત નામના ફ્રેંચે ત્યારે કહ્યું હતું કે, “લોકકલ્યાણ માટે ટેક્સ લેવો એ કાનૂની લૂંટ છે.”
ભારતમાં જે રીતે નેતાઓ અને ધનવાનો દેશને લૂંટે છે, અને કરદાતાઓ પાયાની સગવડો માટે ઠોકરો ખાય છે તે જોતાં કરવેરા એ લૂંટફાટ જ છે. 2016માં મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચે આવી રીતે જ અકળાઈને કહ્યું હતું કે, સરકાર જો ભ્રષ્ટાચારના સાપને નહીં નાથે તો નાગરિકો ટેક્સ નહીં ભરીને અસહકારની ચળવળ શરૂ કરશે. આપણો પ્રોબ્લેમ એ છે કે જે કરવેરામાંથી બીજલી-સડક-પાની જેવી સેવાઓ પોષાય છે, એ જ વેરામાંથી ભ્રષ્ટાચાર પણ થાય છે.
પૌરાણિક ભારતમાં સરકાર ચલાવાના ખર્ચ તરીકે સ્વેચ્છિત દાનની વ્યવસ્થા હતી. ચાણક્યએ એવું સૂચન કર્યું હતું કે, નાગરિકો પાસેથી એમની આવકના ૫ ટકાથી વધુ રૂપિયા ના લેવા જોઈએ. એક્ચુઅલી, જૂના સમયમાં લૂંટારા-પીંઢારાઓ લોકોને લૂંટતા હતા એટલે યુરોપીયનોએ એની કાનૂની વ્યવસ્થા બનાવી હતી જેમાં લૂંટારા જ શાસક બની ગયા હતા અને લોકો હોંશે હોંશે પૈસા આપતા થયા.
આ સમજવા માટે આ 7 સવાલોના જવાબ આપો : અમિતાભની જેમ રસ્તે ઊભેલો એક લૂંટારો ચાકુ બતાવી પૈસા લઈ લે, તો એ લૂંટ કહેવાય? એક ને બદલે બે લૂંટારા ચાકુ બતાવી પૈસા લઈ લે, તો એ લૂંટ કહેવાય? બે ને બદલે 100 લૂંટારાની ગેંગ ચાકુ બતાવી પૈસા લઈ લે, તો લૂંટ કહેવાય? ધારો કે એ ગેંગનો એ રસ્તાવાળા ઇલાકામાં ધાકધમકીનો ઈજારો આપવામાં આવ્યો હોય, તો એ લૂંટ કહેવાય? એ ગેંગ એ ઇલાકામાં નિયમો અને વહીવટ લાગુ કરે, તો એ લૂંટ કહેવાય? એ ઈલાકાના રહેવાસીઓ ગેંગના કામકાજને ટેકો આપે, તો એ લૂંટ કહેવાય? ત્યાં ચૂંટણી થાય, અને લોકો ગેંગને વોટ આપે, તો એ લૂંટ કહેવાય? મતલબ એ કે, બહુમતી લોકો ટેકો આપે એટલે અમિતાભની કોલ્હાપુરી ચપ્પલ મારીને પૈસા પડવાની રીત જાયજ બની જતી નથી. ઘણી ઇસ્લામિક સરકારો આવી જ રીતે સત્તામાં આવ્યાંના દાખલા છે.
ચાર્લ્સ ટિલી નામના એક અમેરિકન સમાજશાસ્ત્રીએ એટલા માટે જ કહ્યું હતું કે “સરકાર એક સંગઠિત સુરક્ષા ગિરોહ છે.”
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 16 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર