પ્રમુખીય
કારોબારી અને મધ્યસ્થ સમિતિ પરના કેટલાક સન્માન્ય સાથીઓને સાહિત્ય પરિષદના બંધારણની 21મી કલમને ધોરણે રુખસદ આપવાનો નિર્ણય લેવાનો બન્યો તે પછી સોશિયલ મીડિયામાં કે વ્યક્તિગત રાહે માંહોમાંહે ચર્ચા ચાલી હશે. દરમ્યાન, સન્મિત્ર નીતિન વડગામાની મુખપોથી પર ‘ફૂલછાબ’નો તંત્રીલેખ આ સંદર્ભમાં જોવા મળ્યો. નીતિનભાઈએ તે (‘સાહિત્યિક સંવાદ ક્યારે?’) ઉતારતાં આ તંત્રીલેખમાં ‘ફૂલછાબ’ની સાહિત્યિક નિસબતનું પ્રતિબિંબ જોયું છે એની સાથે આપણે જરૂર સંમત થઈશું. વાંચતાં જે છાપ પડી તે એ હતી કે તંત્રી જ્વલંત છાયા સ્વાયત્તતાને મુદ્દે કદરબૂજ જરૂર ધરાવે છે. માત્ર, એમની સમક્ષના એકંદર ચિત્રમાં કેટલીક અભિજાત અમૂઝણ જણાય છે. અહીં એમનું સંબંધિત લખાણ ઉતારી તેના પ્રતિવાદની રીતે નહીં પણ પ્રતિસાદની રીતે થોડીએક વાતો કરવાનો ખયાલ છે. પણ તે પહેલાં તંત્રીલેખના સંબંધિત અંશોઃ
‘… કોઈ મોટી સંસ્થા, વિચારધારા હોય ત્યાં ભિન્ન મત હોવાના. સાહિત્યની સંસ્થામાં તે ન હોય એવું નથી. પરંતુ બૌદ્ધિક, સામાજિક નિસબત અને ઉત્તરદાયિત્વવાળા ગણાય છે તેવા લોકો આમ ખુલ્લા અને સીધા સામસામે આવે ત્યારે તેમના ચાહક-ભાવકને સ્હેજ વિસ્મય થાય, થોડો ધક્કો પણ લાગે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમી વચ્ચેનો વર્ષોથી ચાલતો વિવાદ પણ હમણાં પુનઃ જીવંત થયો છે.
‘પરિષદ અને તેના સંવાહકો – એ વિચારધારાના સાહિત્યકારોની લડત તો અલબત્ત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેની છે, જે કેટલી ચાલે તે નક્કી નથી. અત્યારે જે વિવાદ શરૂ થયો છે તે નોખો છે. પરિષદના સંચાલક મંડળમાં જે લોકો ચુંટાઈને ગયા છે તેમાંના જે સભ્યો અકાદમીના કાર્યક્રમમાં ગયા તેમને પરિષદના સંચાલક મંડળમાંથી વિદાય આપી દેવાઈ છે. ખુલાસો કરો તેવા પત્ર મળતાં સર્જકો, વિશેષતઃ યુવાનો નારાજ થયા છે. તેઓની દલીલ એવી છે કે આખરે અમે ત્યાં ગયા તો પણ સાહિત્ય પદારથની નિસબત સાથે ગયા છીએ. ઉગ્ર થયેલા કેટલાક યુવા સર્જકોએ પ્રત્યુત્તર પણ પાઠવ્યા કે અમે કંઈ પરિષદના નોકરિયાત નથી.
‘સાહિત્યક્ષેત્રે સક્રિય હોય તે લોકો સૌમ્ય હોય, ઉભય પક્ષે સૌજન્ય દાખવતા હોય તેવી વ્યાપક છાપ સમાજમાં હજીપણ જીવે છે. તે સંદર્ભે આ પત્રવ્યવહાર કોઈને આશ્ચર્ય પમાડી શકે. પરંતુ એવું થયું છે. પરિષદનું વલણ સ્પષ્ટ છે. કહે છે કે, અમે કોઈ સર્જકને રોક્યા નથી. પરંતુ અમારા સંચાલક-મંડળ કારોબારીમાં ચૂંટાઈને આવ્યા હોય તેમણે પરિષદના ઠરાવનો અમલ કરવો પડે. આમ જોઈએ તો આ આખો આયામ વહીવટી છે અને સાહિત્યની પ્રવૃત્તિને તેનાથી કશો લાભ નથી.’
પહેલી વાત તો એ કે આ કોઈ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી એમ બે સંસ્થાઓ વચ્ચેનો વિવાદ નથી. (કેટલીક વાર તો વળી એને બે સનદી અધિકારીઓ વચ્ચેના વિવાદ તરીકે ય ‘ટ્રિવિયલાઇઝ’ કરવામાં આવે છે. જો એવું હોય તો અકાદમીમાં ભાગ્યેશ જહાના બે કાર્યકાળ વચ્ચે વિષ્ણુ પંડ્યાના કાર્યકાળમાં આ વાત સમેટાઈ જવી જોઈતી હતી.) ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર અને પ્રકાશ ન. શાહ એ ચારે પ્રમુખના કાર્યકાળમાં સ્વાયત્તતાનો મુદ્દો સતત અગ્રક્રમે રહ્યો છે. મારું નામ અહીં, કેમ કે હું વર્તમાન પ્રમુખ છું એથી યથાક્રમ લીધું છે, પરંતુ અકાદમીની રુખ ને રંગઢંગ જોઈ મેં તો 2014થી એની સાથે અસહયોગનો અભિગમ લીધો હતો. એ જ અરસામાં ચંદ્રકાન્ત ટોપીવાળા અને પ્રવીણ પંડ્યાએ પણ એવો જ અભિગમ લીધો હતો. પરિષદ એના હાલના ઠરાવ સાથે વિધિવત્ ચિત્રમાં આવી તે તો એપ્રિલ 2015ની પરબારી પ્રમુખનિયુક્તિને પગલે, યથાસમય.
તત્ત્વતઃ આ વિવાદમુદ્દો પરિષદ અને અકાદમી એમ બે સંસ્થાઓ વચ્ચે મર્યાદિત નથી. આ મુદ્દો ગુજરાતના વ્યાપક અક્ષરસેવી સમાજ અને અકાદમી વચ્ચેનો છે. ચારેક દાયકા પાછળ જઈને વાત કરું તો ઉમાશંકર જોશી દેશની સાહિત્ય અકાદેમીના અધ્યક્ષપદેથી નિવૃત્ત થવામાં હતા ત્યારે ‘એક્સપ્રેસ’ની રવિવારી માટે બી.જી. વર્ઘીઝના સૂચનથી પ્રભાષ જોશીએ તેમની મુલાકાત લેવી તેવું ગોઠવાયું હતું. સાથે ફેસિલિટેટર તરીકે સખ્યવશ હું પણ હતો. અમે મળ્યા એ અરસામાં રાજ્ય સરકાર તરફથી અકાદમી-રચનાની વાતો ચાલતી હતી. મેં સૂચિત રાજ્ય અકાદમી જોગ અકાદેમી પ્રમુખ ઉમાશંકરની સલાહ જાણવાની ઇચ્છા કરી તો લાગલા જ એમના ઉદ્ગારો આવી પડ્યા કે ‘Keep off Governmentl!’ (શું કહીશું ગુજરાતીમાં? ‘સરકાર વરતે સાવધાન!’)
અલબત્ત, તેમ છતાં, ધરાર સરકારી અકાદમી રચાઈ અને આગળ ચાલતાં એણે ઉમાશંકર જોશીના સન્માનની વિનયધૃષ્ટ મહેચ્છા પણ પ્રગટ કરી. જાન્યુઆરી 1986માં કવિએ આ સંદર્ભમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષને લખ્યું :
‘આપનો 3-1-1986નો પત્ર મળ્યો છે. સારસ્વત સન્માનના વાર્ષિક ઉપક્રમમાં મને પસંદ કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીના સૌ સભ્યોનો હૃદયથી આભારી છું.
‘સન્માન સ્વીકારવા અંગે તકલીફ છે.
‘આ અગાઉ પ્રસંગોપાત મારે અકાદમીને લખવાનું થયું છે અને એની એક જાહેર સભામાં વીગતે રજૂઆત કરવાની પણ તક મેં લીધી છે કે ગુજરાત સાહિત્ય અકાદમીએ સરકારી ખાતાના ભાગ જેવી ન રહેતાં ત્વરાપૂર્વક પ્રજાકીય સંસ્થા બનવું જોઈએ. શિક્ષણસચિવને કે સરકારી માહિતીનિયામકને અકાદમીના પ્રમુખ તરીકે બેસાડનાર ગુજરાત સરકારને ખબર હશે કે દિલ્હીમાં 1954થી શ્રી જવાહરલાલ નેહરુ, ડૉ. રાધાકૃષ્ણન આદિએ એક બિલકુલ સ્વાયત્ત સ્વરૂપની, નિયમોને અધીન પસંદ કરાયેલા પ્રતિનિધિઓની બનેલી, ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ ધરાવતી ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદેમીનું સંવર્ધન કરેલું છે.
‘રાષ્ટ્રીય સાહિત્ય અકાદેમીના આરંભથી માંડીને અઢાર વરસ સુધી સભ્ય તરીકે અને હમણાં થોડાં વરસ પર પાંચ વરસ સુધી એના ચૂંટાયેલા પ્રમુખ તરીકે સેવા આપનાર મારા જેવા સાહિત્યકારો માટે સરકારે નીમેલા સભ્યો-હોદ્દેદારોવાળી ગુજરાત સાહિત્ય અકાદમી જેવી બિનલોકશાહી સંસ્થા દ્વારા થતું સન્માન પ્રજાકીય સ્વરૂપનું રહેતું ન હોઈ તેનો સ્વીકાર કરવાનું શક્ય નથી, – જે માટે દિલગીર છું.
‘આશા રાખું છું કે ગુજરાત સાહિત્ય અકાદમી રાષ્ટ્રીય અકાદેમીના ધોરણે ત્વરાથી પુનર્ગઠિત થશે. અકાદમી, યુનિવર્સિટી જેવી દેશની સંસ્કારસંસ્થાઓની લોકશાહી પરંપરાઓ ઉપર ઉત્તરોત્તર કેટલાક સમયથી થઈ રહેલા રાજકીય આક્રમણનો સવેળા અંત આવશે.’
સાલવારી સિલસિલામાં નહીં જતાં ઉતાવળે એટલું જ સંભારીશું કે સરકારી અકાદમીમાંથી ઉપરાછાપરી રાજીનામાં પડ્યાં. નામવાર તપસીલમાં નહીં જતાં એક મુદ્દો બસ થશે કે આમ રાજીનામાં ધરી દેનાર પૈકી કેટલા બધા મિત્રો એવા હતા જેમનું પરિષદ જોડે સક્રિય સંધાન નહોતું. મતલબ, સરવાળે પ્રકરણ આખું બે સંસ્થાઓ વચ્ચેનું નહીં પણ એક પા સહૃદય અક્ષરકર્મીઓ અને બીજી પા અકાદમી એવું હતું. સરકારી અકાદમી સામે ઉમાશંકર જોશીએ મોરચો ખોલ્યો ત્યારે કૉંગ્રેસ પક્ષની સરકાર હતી. આજે ભા.જ.પ.ની સરકાર છે ત્યારે ય આ બધી ઘડભાંજ ચાલી રહી છે. મતલબ, આ મામલો જેમ બે સંસ્થાઓ વચ્ચેનો નથી તેમ બે પક્ષો વચ્ચેનો પણ નથી. સાંસ્થાનિક વારસાગત માનસિકતા અને પ્રજાસૂય અભિગમ વચ્ચેનો મામલો આ તો છે.
ઉમાશંકર જોશીના નિધન પછી જોગાનુજોગ દર્શક ચિત્રમાં આવ્યા. બંને સ્વાતંત્ર્યસૈનિકો હતા અને એમની સર્જકપ્રતિભા તેમ જ શૈક્ષણિક કામગીરી અનન્ય સાધારણ હતી. દર્શકે આદર્શલક્ષી કુનેહ ને કૌશલથી કામ લીધું અને સ્વાયત્ત સંરચના પાર પાડવાને ધોરણે જવાબદારી સાહી. એમણે જે બંધારણીય માળખું રચી આપ્યું એમાં ઉમાશંકરની ધાસ્તીનું કંઈક વારણ પણ હતું.
વાત એમ છે કે માર્ચ 1977 પછી ‘બીજા સ્વરાજ’ના સહજોત્સાહમાં હાથ ધરાયેલાં કામો પૈકી એક આકાશવાણી અને દૂરદર્શનની સ્વાયત્તતા સુનિશ્ચિત કરવા માટે વર્ઘીઝના વડપણ હેઠળની પ્રસારભારતી સમિતિ પર ઉમાશંકર પણ હતા. કટોકટીના પૂર્વકાળથી બી.બી.સી. પેઠે સ્વતંત્ર કોર્પોરેશનનો ખયાલ સેવાતો હતો, અને એને સારુ અપેક્ષા ને પ્રતીક્ષાનું વ્યાપક માનસ બનતું આવતું હતું. પણ જેવો એ દિશા ઉજાગર કરતો અને પથ પ્રશસ્ત કરતો પ્રસારભારતી હેવાલ આવ્યો કે સરકારે, કેમ કે તે સરકાર છે, પોત પ્રકાશ્યું : સૂચના અને પ્રસાર મંત્રી અડવાણીએ કહ્યું કે મારી વાત તો સરકાર હસ્તકના એક ખાતા તરીકે, રિપીટ, સરકાર હસ્તકના એક ખાતા તરીકે, સ્વાયત્તતાની છે. આવા લુખ્ખા નકો નકો સ્વાયત્તતાશાઈ અભિગમે દાઝેલા ઉમાશંકરે કેન્દ્રીય અકાદેમીનો હવાલો આપી ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખનો વિશેષોલ્લેખ કર્યો હતો. (એમણે વ્યક્તિગત વાતચીતમાં મને એક વાત સોજ્જી કહી હતી. મોરારજી પ્રધાનમંડળના શિક્ષણ પ્રધાન પ્રતાપચંદ્ર ચુંદરે ઉમાશંકરને વિવેકસર પૂછ્યું કે હું આપની શી સેવા કરી શકું ત્યારે ઉમાશંકરે એમને કહ્યું હતું કે તમારા ખાતાના કોઈ સેક્શન ઑફિસર અકાદેમીને પોતાના તાબાનો ઇલાકો માની પેશ ન આવે તો બસ.)
દર્શકે જે બંધારણ ઘડી આપ્યું એમાં ચૂંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખ અગર તો વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપરાંત એક વિશેષ જોગવાઈ લેખકીય મતદાર મંડળની હતી. નોંધાયેલા લેખકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ પણ અકાદમી પર હોવાના હતા. વળી સરકારમાં સામાન્ય વિવેક તો હોય જ એવી સમજ સાથે અને છતાં એમણે અકાદમીને સોસાઇટી ઍક્ટ હેઠળ રજિસ્ટર કરાવવાની કાળજી લીધી હતી. પહેલા ચૂંટાયેલા પ્રમુખ દર્શક અને બીજા ચૂંટાયેલા પ્રમુખ ભોળાભાઈ એમ સરસ ક્રમ પણ નવા બંધારણ હસ્તક ચાલ્યો. (અહીં એક આડવાત જેવી છતાં સીધી વાત સહેજ ચાતરીને પણ આપણા અક્ષરજીવનની સહૃદય મહાનુભાવતાનો ખયાલ આપવા નોંધવા ઇચ્છું છું. દર્શક સાથે ચૂંટાયેલ ઉપપ્રમુખ તરીકે યશવન્ત શુક્લ હતા. દર્શકની મુદ્દત પૂરી થાય તો યથાક્રમે તેઓ પ્રમુખપદની ઉમેદવારી ઇચ્છે એ એમની પ્રતિભા જોતાં અસ્વાભાવિક ન હતું. ભોળાભાઈ પટેલને પણ આ પદ માટે સહજ અભિલાષ હતો. વળી વયની રીતે યશવન્તભાઈ કરતાં એમની કને કાર્યમોકળાશ વધુ હોય એવી સમજ પણ સ્વાભાવિક હતી. એમના સૂચનથી અમે યશવન્તભાઈને મળ્યા; ભોળાભાઈએ પોતાની વાત વિનયસર કહી; અને યશવન્તભાઈએ પોતે ઉમેદવારી નહીં કરે એવું સ્વીકાર્યું. જાહેર જીવનમાં કોઈ કામ માટે કોઈને મળવાનું થયું હોય અને એના સમુદાર પ્રતિભાવથી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હોય એવી કેમ જાણે એ તીર્થક્ષણ મારે માટે હતી.)
ભોળાભાઈ પટેલની મુદ્દત પૂરી થઈ તે પછી લેખકીય મતદાર મંડળમાંથી ચૂંટણી સહિતની બધી પ્રક્રિયા થઈ ગઈ પણ રાજ્ય સરકારે પોતાના પ્રતિનિધિઓ નીમી બેઠક બોલાવવાની કોઈ જ કારવાઈ ન કરી તે ન કરી. લેખકો તરફથી વિનંતીપત્ર, સ્મૃતિપત્ર બધા ઉપચારો થયા હશે. થોડો થોડો ઊહાપોહ પણ થયો હશે. પણ 2003થી સરકારનિયુક્ત મહામાત્ર હસ્તક ‘સ્વાયત્ત અકાદમી’ એ રાબેતો બની ગયો. બાકી પ્રક્રિયા પૂરી થશે અને ચૂંટાયેલ માળખું કાર્યરત બનશે એ આશા કેવળ આશા બની રહી. બાર બાર વરસની ધીરજ કહો કે સમુદાર અપેક્ષા(અગર લાલસા ને લિપ્સા)ના કાળ પછી એપ્રિલ 2015થી પરબારી પ્રમુખનિયુક્તિ અને ચૂંટણી વગરના કાર્યમંડળનો ધરાર દોર શરૂ થયો.
આ બાર વરસ દરમ્યાન કે.કા. શાસ્ત્રી (જેમનો દબદબો રાજગુરુ જેવો હતો, એમના) સહિતની રજૂઆતો થતી રહી. હું સમજું છું તે પ્રમાણે અકાદમીના છેલ્લા ચૂંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખ ભોળાભાઈ પટેલ અને કુમારપાળ દેસાઈ તરફથી પણ સહજ ક્રમે સત્તાસંપર્ક થયો હશે. વ્યક્તિગત લેખો, ટીકા-ટિપ્પણ પણ છેક ઓછાં નહોતાં. મોટી વાત એ બની કે આપણા લોકાયની સાહિત્યસેવી નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં પરિષદે ખુલ્લા અધિવેશનમાં (માત્ર કારોબારી કે મધ્યસ્થમાં નહીં. પણ ખુલ્લા અધિવેશનમાં) સ્વાયત્તતા માટેનો ઠરાવ કર્યો. તે પછી પણ ઓછાંવત્તાં સૂચનો, પ્રસંગોપાત માંગ અન્ય સ્રોતોમાંથી થતાં રહ્યાં. પણ નીંભર સરકારે એપ્રિલ 2015માં પરબારી નિયુક્તિથી ‘પ્રતિભાવ’ આપ્યો અને એ ક્રમમાં આજે ત્રીજા નિયુક્ત પ્રમુખનો દોર ચાલી રહ્યો છે.
પરબારા નિયુક્તિકારણ વિશે, નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં 2007માં થયેલા ઠરાવને પગલે, એપ્રિલ 2015 પછી પરિષદને પક્ષે મહત્ત્વનો નિર્ણય લેવાની તાકીદ સાફ હતી. ભરકટોકટીએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટેનો ઠરાવ કરવામાં જેણે સ્વધર્મ જોયો હતો તે પ્રજાસૂય પરિષદ અકર્મણ્ય ન જ રહી શકે. અકાદમી સાથે અસહયોગના ઠરાવની પૃષ્ઠભૂ આ છે. એ વ્યાખ્યાયિત કરવાની જવાબદારી પરિષદના સત્તામંડળે નિરંજન ભગત અને ધીરુ પરીખને સોંપી હતી. એમણે લાઇનદોરી આંકી આપી કે હોદ્દેદારો અકાદમીની કોઈ કાર્યપ્રવૃત્તિ સાથે સંકળાશે નહીં. મધ્યસ્થ સમિતિ પર બેસનાર સહિત સૌ હોદ્દેદારો ગણાય તે પણ એમાં નિહિત હતું. આ નિર્ણય ‘સ્વૈચ્છિક’ હતો અને છે તે એ અર્થમાં કે પરિષદના હજારો સામાન્ય સભ્યને સારુ તે બંધનકર્તા નથી. છતાં, તમે જુઓ કે, હોદ્દેદાર નહીં એવા અનેક સન્માન્ય અક્ષરકર્મીઓએ પોતાને છેડેથી અકાદમીથી પરહેજ કરવામાં ધર્મ જોયો છે. આખી યાદીમાં નહીં જતાં નમૂના દાખલ બે જ નામો આપું. રમેશ ર. દવેને અકાદમીએ દર્શક સમગ્રનું સંપાદનકાર્ય સોંપ્યું હતું. દર્શકે જેને સ્વાયત્ત કરવાનું દાયિત્વ નભાવ્યું તે અકાદમીની સ્વાયત્તતા હરી લેવાઈ હોય અને એને હસ્તક દર્શક સમગ્રનું કામ ચાલે એ કેમ બને. રમેશભાઈએ તે સંકલ્પપૂર્વક છોડ્યું. તરત સાંભરતું બીજું નામ સતીશ વ્યાસનું છે. એ પરિષદના કોઈ હોદ્દે નથી પણ એમણે બબ્બે વાર ગૌરવ પુરસ્કાર-સારસ્વત સન્માન તરેહની અકાદમી દરખાસ્તનો અસ્વીકાર કરવાપણું જોયું છે.
આ ગાળાની ઘણી ઔપચારિક-અનૌપચારિક વાતો છે તે મારે છોડવી રહી. તેમ છતાં, ચોપડે ન પણ ચડે એવી બે વાતો તો સમજની દૃષ્ટિએ કહું જ કહું. રાજ્ય મંત્રીમંડળના એક સભ્ય ડૉ. ધીરુ પરીખને પ્રશ્ન શો છે તે સમજવા સારુ ‘કુમાર’ કાર્યાલય પર મળવા ગયા હતા. ધીરુભાઈએ બધી વાત સમજાવી ત્યારે એમનો ધન્યોદ્ગાર હતો કે ‘અમે પણ ક્યાં સ્વાયત્ત છીએ!’
હોંશીલાં પૂર્વમહામંત્રી કીર્તિદા શાહ અને સહહોંશીલા કેટલાક રુખસદબંધુઓ તત્કાલીન અકાદમી પ્રમુખ વિષ્ણુ પંડ્યાને વાતચીત માટે આમંત્રવા આર્ત આગ્રહી હતાં. તે પૈકી કોઈકે પરિષદના પ્રમુખ-ઉપપ્રમુખ આદિ સાથીઓની હાજરીમાં એવી છાપ ધરાર આપી હતી કે વિષ્ણુભાઈ સ્વાયત્તતા મુદ્દે સહમતિપૂર્વક બધું પાર પાડવા ઇચ્છે છે. દેખીતી રીતે જ, વિષ્ણુ પંડ્યાએ અકાદમી-પ્રમુખ બન્યા પછી લેખકોની બેઠક બોલાવી ત્યારે નિમંત્રણપત્રમાં ‘સ્વાયત્તતા’ જેવા ‘વિતંડાવાદ’ને ચર્ચામાં અવકાશ નથી એવું અસંદિગ્ધ શબ્દોમાં લખ્યું હતું, તેના કરતાં આ એક જુદી જ વાત હતી. હોંશીલાલો, કેમ કે તેઓ હાજર હતા, એમને યાદ હોય જ કે વિષ્ણુ પંડ્યાએ પરિષદની મુલાકાતમાં ‘પરબ’માં શું છાપવું ન છાપવું તરેહનાં હિતવચનોમાં ઇતિશ્રી જોઈ હતી.
વાચક જોઈ શકશે કે આખો પ્રશ્ન લેખકમાત્રના ઉત્તરદાયિત્વપૂર્વકની સહભાગિતાનો બની રહે છે. ન જોવું હોય તો જ ન જોઈ શકાય એવી એક વિગત સંભારવાની રજા લઉં છું. પારુલ ખખ્ખરની પ્રિન્ટ મીડિયામાં આબાદ અદૃશ્ય રહેવા છતાં વિશ્વવિશ્રુત બનેલી રચના સંદર્ભે ‘શબ્દસૃષ્ટિ’માં તંત્રીય-પ્રમુખીય વ્યાસપીઠ પરથી એલાન કરાયું હતું કે અમે ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ને વરેલા છીએ. સાહિત્યના નિકષ લેખે એક રાજકીય-શાસકીય વિચારધારાનો એ પ્રગટ પુરસ્કાર હતો. ‘શબ્દસૃષ્ટિ’માં હોંશે હોંશે પ્રગટતા અને પ્રગટ થવા ઇચ્છતા કે મથતા અક્ષરકર્મીઓને આ બાબતની ગંભીરતા સમજાતી જણાતી નથી તે પોસ્ટ-ટ્રુથ બલિહારી છે.
અલબત્ત, સોથી વધુ લેખકોએ આની સામે વિરોધ પ્રગટ કરતો જાહેર પત્ર લખ્યો હતો. પણ ન તો તત્કાલીન અકાદમી પ્રમુખનો કોઈ પ્રતિભાવ સાંપડ્યો છે, ન તો એમના અનુગામીએ હજુ સુધી કોઈ દુરસ્તીનો સંકેત આપ્યો છે.
‘ફૂલછાબ’ના સન્માન્ય તંત્રીએ આખી વાતને સામાજિક નિસબત અને ઉત્તરદાયિત્વના સંદર્ભમાં જોવા ઇચ્છ્યું છે, એ તો ઠીક જ છે. ગુજરાતની અક્ષર બિરાદરીના એક અગ્ર ઓજાર રૂપે પરિષદે એટલે સ્તો આ પ્રશ્નમાં પડવાપણું જોયું છે. આ ચર્ચા ‘સૌમ્ય’ હોય એવી અપેક્ષા અલબત્ત અસ્થાને નથી. માત્ર ‘હું જેને ચાહું છું તેને ઉગ્ર કરું છું અને મન્યુ આપું છું’ એ અર્થનાં ગીતાવચનો અહીં યાદ આવ્યાં વિના રહેતાં નથી. ગમે તેમ પણ ઉમાશંકરના શબ્દોમાં :
ને બ્રાહ્મણો – સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.
…
સ્વતંત્રતા, દે વરદાન આટલું.
રુખસદ ઘટનાનો સમગ્ર પૂર્વરંગ અને તેની પાછળનાં મંથનમનોરથ આ દિવસોમાં એટલા સારુ ચહીને મૂક્યાં છે કે ઉમાશંકર જયંતી (21 જુલાઈ) નિમિત્તે ગુજરાતભરમાં પરિષદ નાનાવિધ સંસ્થાઓ સાથે સંકળાઈને કાવ્યપઠન આદિ આયોજન કરી રહી છે ત્યારે એમની અભિજ્ઞતાનો સંસ્પર્શ આપણ સૌની ચેતનાને ઝંકૃત કરતો રહે.
જુલાઈ 1, 2023
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “પરબ”; જુલાઈ 2023