તસવીર લગભગ ત્રણેક દાયકાથી પણ જૂનીપુરાણી હોવા છતાં, તસવીરમાંની વ્યકિતને ઓળખતાં મારી આંખને જરા પણ વાર ન લાગી. જે વ્યકિત આજથી અઢીત્રણ દાયકા પૂર્વે જેટલી સુંદર લાગતી હતી, તે આજે ૫૦મા જન્મદિનનાં દ્વાર ખખડાવવા થનગની રહી હોવા છતાં વર્તમાનમાં પણ તસવીર સમી જ આબેહૂબ લાગે છે!
જો આ કાર્ડ આજે ટપાલમાં ન આવ્યું હોત તો કદાચ હું કયારે ય સ્વપ્નમાં પણ કલ્પના ન કરી શકું કે આ જાજરમાન વ્યકિતત્વ ધરાવતાં શ્રીમતી ચંદા મહેતા પચાસ વર્ષનાં હશે! ખરેખર! આ કાર્ડે મને આશ્ચર્યમાં મૂકી દીઘો!
આ અલબેલી, રૂપવતીનાર ચંદા મહેતાથી ભાગ્યે જ રોચેસ્ટરનો કોઈક ભારતીય પરિવાર અપરિચિત હશે! ગુજરાતી રંગભૂમિના તખતાની નાયિકા સમી દીપતી, આ હસતીમલકતી વ્યકિત. કોઈ મહેફિલમાં કે કોઈ સુખદ પ્રસંગે આપણને કયાંક મળી જાય તો! કદાચ આપણું ઘ્યાન હોય કે ન હોય તે આપણને સામે ચાલીને ‘કેમ છો ?’ એમ પૂછતી, આપણી સમીપ આવીને કહેશે! કે હું તમને ફોન કરવાની જ હતી. સારું થયું કે તમે મને અહીંયાં જ મળી ગયા! જો તમારી પાસે બેચાર મિનિટનો સમય હોય તો, મારે તમને એક વાત કરવી છેઃ
‘હમણાં ઈશ્વરઈચ્છાથી ફલાણા આશ્રમ કે ફલાણી પ્રાથમિક શાળા કે ફલાણા ઘરડાઘરના જીર્ણોદ્વાર માટે એક ફંડફાળો હું ભેગો કરી રહી છું. જો તમે આ સંસ્થાને મદદરૂપ થવા ઈચ્છતા હો તો તમે પ્રેમથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી લખાવી શકો છો!”
ઘણી વાર મને મનમાં થાય કે અમેરિકામાં લોકોને રોજિંદા ઘમાલિયા જીવનમાંથી પોતાના અંગત રસ માટે પણ ભાગ્યે જ પળની ફુરસદ મળતી હોય છે, પરંતુ આ સ્ત્રી ઘરકામ, યોગસાઘના અને બાગકામમાં રચીપચી હોવા છતાં, દિવસનો મોટો ભાગનો સમય લોકસેવા માટે કયાંથી કાઢતી હશે?
આ વિચારે એક મહેફિલમાં ચંદા મહેતાને મેં મક્ક્મ મને પૂછી જ નાંખ્યું? ‘ચંદા, આ ઉંમરે તો લોકોને ખાવા, પીવા અને ગાવા સિવાય ખાસ બીજી કોઈ બાબતમાં રસ ન હોય, ત્યારે તમે તો સમાજના તરછોડાયેલ લોકોને કાંખમાં લેવા તમારી જાતને ઘસી નાખવાં તલપાપડ થઈ રહ્યાં છો! તેનું કોઈ કારણ?” ચહેરાના હસતા સ્મિતમાં, શ્રાવણથી ભીંજાયેલો પાલવ અને છાતીમાં સાચવેલ ચૈત્રના બળબળતા તડકાની દુઃખદ દાસ્તાન કહેવા હળવેકથી સળગતી મીણબત્તીના અજવાળે ચંદાએ હોઠ ખોલ્યાં :
‘લગભગ આજથી આઠ વર્ષ પહેલાં, મારી એકની એક ઢીંગલી સમી ત્રણ વર્ષની દીકરી પૂજાએ કૅન્સર સમી ભયંકર બીમારી સામે ઝઝૂમતી, અમારી સાથે સંતાકૂકડીની રમત રમતી, એક ધોમધખતી બપોરે અમને વિયોગમાં રડતાં મૂકી ઈશ્વરના ઘેર ચાલી નીકળી.
“તેના વિયોગમાં અને તેની યાદોમાં કેટલા ય દિવસો હું વિષાદમાં ડૂબી જતી. મારી આસપાસ અજંપો છવાયેલ જોઈ શરૂઆતમાં પ્રફુલ્લ પ્રત્યેક ક્ષણે મને વીંટળાઈ રહેતો. સમય જતાં નછૂટકે જીવતરનું ગાડું હાકવા, પ્રફુલ્લને રોજિંદા જીવનમાં ગોઠવાયા સિવાય કોઈ છૂટકો નહોતો.”
‘એક સવારે પ્રફુલ્લના ઑફિસે ગયા બાદ મારા બેકયાર્ડમાં ઊગતા સૂરજના શીતળ તડકામાં પિકનિક ટેબલ પર બેઠીબેઠી ચા પીતી, બ્રેડના નાનાનાના ટુકડા કરી આસપાસમાં પંખીને નાખતી હતી. કુદરતનું કરવું તે સવારે બે ચાર મિનિટમાં તો મારું બેકયાર્ડ અસંખ્ય પંખીઓથી છલકાઈ ગયું. પંખીઓના કલબલાટે મારા ખાલી મનને થોડી વાર માટે હર્ષઘેલું કરી નાંખ્યું.”
‘એવામાં અમારા બેકયાર્ડના ઘેધૂર મેપલ વૃક્ષની ડાળેથી બે ચાર દિવસ પહેલાં જન્મેલ એક પંખીનું બચ્ચું ટોળાં સંગે રમવા ઊતરી આવ્યું. તમે નહીં માનો કુદરતની પણ કેવી કરામત છે! આ બચ્ચાની મા બે દિવસ પહેલાં જ અમારા પડોશીની બીલાડીનો શિકાર થઇ ગઈ હતી. મને અથવા પ્રફુલ્લને સવારસાંજે જ્યારે વખત મળે ત્યારે આ નિરાધાર બચ્ચાના માળામાં દાણાપાણી મૂકીએ. આ તો આપણી પંખી પ્રત્યેની એક દયા-લાગણીની વાત થઈ. જે પ્રેમ, દયા લાગણી ઈશ્વરે આપણા હ્રદયમાં બક્ષી છે તે જ પ્રેમ-લાગણી પશુપંખીને પણ ભગવાને આપી જ હશે તેનો ખ્યાલ મને તે સવારે આવ્યો!”
“હું જે બ્રેડના નાના ટુકડા કરીને પંખીઓ તરફ નાખતી, તે ટોળાંમાં ચણવા ને રમવા વૃક્ષેથી નીચે ઊતરી આવેલા બચ્ચા સુઘી પહોંચતા ન હતા. બચ્ચું બિચારું તાજું જ જન્મેલ હોવાથી તેની પાંખો ફૂટી ન હતી અને થોડાંક જ ડગલાં ચાલવા માટે શકિતમાન હતું. બચ્ચું વૃક્ષના થડ પાસે નમાયું થઈને બેઠું હતું.”
“એવામાં ટોળાંમાંથી એકાદબે પંખીની નજર આ બચ્ચા પર ગઈ. ક્ષણનો પણ વિચાર કર્યા વગર ટપનારા બ્રેડના ટુકડા વીણવા ટોળાંમાં કૂદી પડયાં. ટુકડા વીણીવીણીને જ્યાં પેલું પંખીનું બચ્ચું થડ પાસે બેઠું હતું ત્યાં જઈને તેને હોંશેહોંશે ખવડાવવા લાગ્યાં.”
‘આ જોઈ મને ચા પીતાંપીતાં મનમાં વિચાર આવ્યો કે જો પંખીઓ આ મા વિનાના નિરાઘાર બચ્ચાની કાળજીપૂર્વક સંભાળ લઈ શકતાં હોય તો આપણે મનુષ્ય થઈને આપણી ફરજ કેમ ભૂલી જઈએ?”
“આ બચ્ચા સમા કેટલાંયે માસુમ નિરાઘાર બાળકો માતપિતાના પ્રેમને પામવા તલસતાં હશે! ખેર મારા ભાગ્યમાં મારી દીકરીના લાડકોડ નહીં હોય,, જેવી ઈશ્વરનીઈચ્છા! દુનિયાનાં તમામ નિરાઘાર બાળકોને તો હું પ્રેમ ક્યાંથી અર્પી શકું. પરંતુ આખા જીવન દરમ્યાન એકાદ બે અનાથ બાળકોનાં આંસુ તો જરૂર લૂછી શકું. બસ, આ જ વિચારે મને લોકપ્રેમ તરફ વાળી દીઘી.
“એકાદ બે વરસે જ્યારે પણ ભારત જવાનો મોકો મળે છે. ત્યારે મને ભારતમાં ખાસ ફરવા જવામાં રસ નથી હોતો! ખરેખર માણસોએ નિરાંતે પોતાના ઘરના ચાર ખૂણાને કોઈ દિવસ જોયા નથી અને વિશ્વ જોવા નીકળી પડે છે! ભારત પહોંચી બેચાર દિવસ કુટુંબકબીલા તેમ જ સગાંસંબંઘી મિત્રો સાથે ગાળી અમે પતીપત્ની એક ખાલી બૅગમાં બેચાર કપડાંની જોડી લઈને નીકળી પડીએ. શ્રીમોટાના હરિ ઓમ આશ્રમમાં અથવા કયારેક જો સમયની પાબંદી ન હોય તો ગોરેજમાં આવેલ મુનિસેવા આશ્રમમાં. આ ઉપરાંત સૂરતની આસપાસ શ્રીમોટાના આશીર્વાદથી શરૂ થયેલ શાળાઓમાં તેમ જ સર્વોદય આશ્રમની પ્રવૃત્તિને માણવાં નાનાંમોટાં ગામમાં જઈ ચઢીએ. આવી માતૃપ્રેમી સંસ્થાઓની મુલાકાત લઈ અમે જાણી આવીએ કે અમેરિકામાં બેસીને આપણે આ સંસ્થાઓને કઈ રીતે મદદરૂપ બની શકીએ?”
‘શરૂશરૂમાં અમેરિકામાં આવી સંસ્થાઓ માટે આપણા સમાજમાં રહીને કામ કરવાનો મને ઘણો જ કંટાળો અને માથાનો દુખાવો લાગતો! તમે તો આપણા અહીંયાંના સમાજથી કયાં અજાણ્યા છો! એટલે તમને શી વાત કરું! તમે નહી માનો લોકો પાસે જો તમે એક ડોલર માગો તો આપતાં આપે પણ વગર માગ્યે લાખ શિખામણ આપે!
ખુશીથી મનની પછેડી ખોલીને નિરાંતે વાતો કરતાં ચંદા મહેતાને મારાથી એક બીજો સવાલ પણ પુછાઈ ગયો!
“અઠવાડિયામાં એકાદ બે દિવસ અહીંયાના ઘરડાઘરમાં વસતા અમેરિકન વૃદ્ઘો અને અમેરિકામાં સ્થાયી થયેલ પરિવારમાં જિંદગીના અંતિમ દિવસો ગુજારતા આપણા સિનિયર સિટિઝનો માટે તમે થોડોઝાઝો સમય ખુશીઆનંદ સાથે ફાળવો છો. એ માટે પણ કોઈ એકાદ સચોટ કારણ તો હશે જ! ખરુંને?”
જરા હસીને, પછી ઘીરજ સાથે મારા પુછાયેલા સવાલનો જવાબ આપતાં તેમણે દિલ ખોલ્યુંઃ ‘આપણે આ દેશમાં ફકત ડૉલરના ગાંસડાંપોટલાં જ બાંઘવા નથી આવ્યાં. આપણે જે દેશમાંથી આવ્યા છીએ તેની સંસ્કૃતિને તો કેમ ભૂલી જવાય! આપણી ઋષિપ્રણાલિકા અને વેદોની સંસ્કૃતિ એમ તો નથી કહેતી કે તમે તમારી જરૂરિયાત કરતાં વિશેષ ભેગું કરો! તમારી પાસે જે કંઈ છે તેમાં તમે સંતોષ માનો! જો ઈશ્વરે તમને તમારી લાયકાત કરતાં વિશેષ કંઈક આપ્યું હોય તો તમે જે સ્થળે રહેતાં હોય ત્યાં જ કોઈ પણ જાતનો મનમાં સંકોચ રાખ્યા વિના પ્રેમથી લોકકલ્યાણ અર્થે વાપરો!”
“આ દેશમાં બઘું જ ખરાબ છે અને ભારતમાં બઘું જ સારું છે એવું કંઈ નથી! ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ! એટલે જો આપણે આ દેશના સમાજની સારી વાતોને આપણા રોજિંદા જીવનમાં હસતાંહસતાં ગૂંથી લઈએ તો કદાચ સોનામાં સુગંઘ ભળે! આ અમેરિકન પ્રજાને કયાં ય નાતજાત કે કોઈ સંપ્રદાય સાથે લેવાદેવા નથી. તેમની પાસે મોટામાં મોટી મૂડી હોય તો તે છે પ્રામાણિકતા અને માનવતા!
“આપણે નાતજાત અને ઘર્મના વાડા બનાવવામાં માનવતાને ભૂલી ગયા છીએ. જે સમાજ માનતો હોય કે પૈસો જ મારો પરમેશ્વર તેની પાસેથી આપણે શી અપેક્ષા રાખી શકીએ! ડૉલર પાછળ ગાંડા થઈને દોડતા આપણા સમાજના ઘણા પરિવારો, ભારતથી માબાપને અમેરિકા લઈ આવે છે. શું એમની સેવાચાકરી કરવાના અર્થે! નકરા પોતાના અંગત સ્વાર્થ ખાતર! પતિપત્ની બંને આખો દિવસ ડૉલર રળવા કામે જાય. ત્યારે ઘરે ઘરડાં માબાપને સંતાનોનું બેબીસીટિંગ કરવા મૂકી જાય. કદાચ આ વાત તો આપણા ગળે ઊતરી જાય, પરંતુ બાળકોના બેબીસીટિંગ સાથો સાથ ઘરનું નાનુંમોટું કામ કાજ તો કરવાનું અને વળી સાંજે વહુદીકરો કે દીકરીજમાઈ ઘરે આવે ત્યારે ગરમાગરમ ડિનર રાંઘી રાખવાનું તો નોખું જ!”
“આવા ઘરે એકલતા અનુભવતાં માબાપોને અવારનવાર તેમના જેવા બીજા પરિવારનાં માબાપો સાથે હળવામળવા ભેગા કરી લંચ ગોઠવવાનું મને મનથી ઊમળકો થાય. ક્યારેક બેપાંચ પરિવારના વડીલ મિત્રોને અહીંયા બાગબગીચે કે શૉપિંગ સેન્ટરમાં કે ડૉકટરની ઑફિસે લઈ જવાનો જો મને ઓચિંતો અવસર પ્રાપ્ત થઈ જાય તો તે દિવસ પૂરતી હું મારી જાતને ઘન્ય માનું છું!”
“આ છે આપણા સમાજના સિક્કાની એક બાજુ, એવી જ દુઃખભરી કથા આપણને ડગલે ને પગલે અમેરિકાના સમાજમાં જીવતાં વૃદ્ઘોના જીવનમાં જોવા મળે છે. ક્યારેક કોઈ ઘરડાઘરની અચાનક મુલાકાતે પહોંચી જાઉં છું અને ત્યાં ગયા બાદ ત્યાં વસતા લોકોને મળી તેમની જીવનવ્યથા સાંભળું છું ત્યારે ખરેખર! મારું મન દૃવી ઊઠે છે.”
“જેમને પોતાનાં સંતાનો પાછળ પોતાની જાતને ઘસી નાખી હોય છે. તે સંતાનોને માબાપ જ્યારે જિંદગીમાં બોજારૂપ બનવા માંડે છે ત્યારે તેઓ તેમને આ ઘરડાઘરમાં ધકેલી દે છે. બિચારાં પાસે શું નથી હોતું! લખલૂટ દોલત હોવા છતાં જીવનમાં એકલતા અનુભવતાં હોય છે. કોઈ સાથે બેચાર ક્ષણ મનનો અજંપો દૂર કરવા વલખાં મારતાં કેટલા દિવસોથી રાહ જોઈને બેઠાં હોય છે.”
“આવા ઘરડા નાગરિકોને જ્યારે હું ઘરડાઘરમાં મળવા જાઉં છું ત્યારે તેમના ચહેરા પર એક અનોખા પ્રકારના સુખની રેખા જોઈ, જીવનમાં એકાદ ક્ષણ આનંદમય જીવ્યાની અનુભૂતિ થાય છે. મને જોઈને તેઓ એટલાં બઘા ખુશ હોય છે કે જાણે પોતાનાં જણ્યાંને વરસો બાદ ન મળતાં હોય!”
આ પ્રમાણે કહ્યા પછી જરાક હળવી મજાક કરતાં મને કહે કેઃ “ભલા કોને ખબર છે? આવતી કાલની! ન કરે નારાયણ અને મારે અહીંયાં આવા એકાદ ઘરડાઘરમાં ભવિષ્યમાં જવાનો વારો આવે તો? જીવનમાં અનુભવ મળ્યો હોય તો પછી મનમાં કોઈ ખૂણે તેનો કોઈ સંતાપ ન રહે!”
કેટલી સાહજિકતા! નિરભિમાની ….. કયાં ય કૃત્રિમતાનું પ્રદર્શન નહીં.
e.mail : preetam.lakhlani@gmail.com