મને એમ લાગે છે કે આ ‘એ.આઈ.’- ક્રાન્તિથી સમૃદ્ધ રાષ્ટ્રો બહુમુખી પ્રગતિ સાધી શકશે પણ સાથોસાથ સંસારમાં એથી વિશિષ્ટ પ્રકારની અસમાનતા સરજાશે, એટલું જ નહીં, પ્રશ્ન થશે કે એને પ્રગતિ કહેવી કે કેમ. એવો પ્રશ્ન કૃષિ-ક્રાન્તિ, વૈજ્ઞાનિક-ક્રાન્તિ કે ઔદ્યોગિક-ક્રાન્તિના સમયોમાં ન્હૉતો થયો કેમ કે એ ક્રાન્તિઓ સરજાઇ હતી મનુષ્ય-બુદ્ધિના સતને પ્રતાપે.
આ અસમાનતાનાં જાણીતાં ઉદાહરણો આવાં છે :
કેટલીક નવ્ય શોધોના લાભ સૌને નથી પ્હૉંચતા એથી અસમાનાતા સરજાઈ છે.
જેમ કે, રોગોની સારવાર કે નાબૂદી માટે વિકસી રહેલી ‘એ.આઈ.’-ટૅક્નોલૉજિના લાભ કેટલાને મળે છે? વિકાશશીલ દેશોમાં બધા પાસે ઇન્ટરનેટ-પ્રવેશ માટેની પૂરતી જોગવાઈ જ નથી હોતી, એટલે, સારવાર વગેરે લાભો તો દૂરના દૂર જ રહે છે. જેમ કે, ’એ.આઈ.’-સરજિત કેળવણીવિષયક નવાં ઓજારોના લાભ પણ સૌને નથી મળતા. ગરીબ દેશોની પ્રજાઓ પાસે કમ્પ્યૂટર પણ નથી હોતાં, એટલે, એ લાભોની વાત પણ દૂરની દૂર રહે છે. ‘ક્લાઇમેટ ચેન્જ’ જેવા સળગતા સવાલ સામે લડી લેવા માટેની ‘એ.આઈ.’ દ્વારા સરજાયેલી ટૅક્નોલૉજિઝ પણ સૌને સુલભ નથી હોતી. કેમ કે વિકાસશીલ દેશોની સરકારો પાસે પૂરતા આધારસ્રોત નથી હોતા કે તેઓ ‘એ.આઈ.’-પાવર્ડ ઉકેલો લગી પ્હૉંચી શકે.
’એ.આઈ.’-ની મદદથી મૅન્યુફૅક્ચરિન્ગમાં, કસ્ટમર સર્વિસિસમાં કે ટ્રાન્સપોર્ટેશનમાં, અનેક ઉદ્યોગોમાં, જૉબ્સને ઑટોમેટ કરી દેવાયા છે, તેથી લોકોને નોકરીઓ ગુમાવવી પડી છે. નબળું અર્થકારણ ધરાવતા દેશોમાં આ જૉબ-ડિસપ્લેસમૅન્ટ વધતું જશે. દાખલા તરીકે, એવું અનુમાન છે કે ભારતમાં ૨૦૩૦ સુધીમાં ઑટોમેશનને કારણે ૬૦ મિલિયન જૉબ્સ નષ્ટ થઈ જશે.
સામાજિક અસમાનતા પણ સરજાઈ છે, કેમ કે ‘એ.આઈ.’-જનિત લાભોની લગામ ધનિકો અને શાસકોના હાથમાં હોય છે. જૉબ્સ તેઓ સરજે છે અને જૉબ્સને ઑટોમેટ પણ તેઓ જ કરે છે. એથી ગરીબ દેશો એ લાભોથી વંચિત રહી જાય છે; એમની પાસે ‘એ.આઈ.’-માં રોકવા જેટલી મૂડી પણ નથી હોતી; સરવાળે, જૉબ ગુમાવનારા પણ તેઓમાંથી જ હોય છે.
ધનિક દેશો દુનિયાભરમાંથી અઢળક માહિતી એકત્ર કરી રહ્યા છે. ‘એ.આઈ.’-સિસ્ટમ્સની તાલીમ માટે એ માહિતીનો વિનિયોગ થતો હોય છે. વળી, એ વડે જાહેરાતઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ ‘લક્ષ્ય’ કરાય છે. નિષ્ણાતોનું મન્તવ્ય છે કે એથી ડેટા પર અંકુશ ધરાવતો એક નવતર સંસ્થાનવાદ – ડેટા કોલોનિયાલિઝમ – રચાઈ રહ્યો છે.
અસમાનતા – Inequality
નિષ્ણાતોને આ અસમાનતાનો અંદાજ આવી જ ગયો છે; સમજાઇ ગયું છે કે બાકીનું વિશ્વ પાછળ પડી જવાનું છે, વિકાસશીલ દેશો હાંફી જવાના છે. મુખ્ય કારણ તો એ છે કે એમની પાસે આ પ્રગતિ માગે એ અનિવાર્ય શક્તિસ્રોત અને ધનસ્રોત હશે નહીં. ‘એ.આઈ.’-પાવર્ડ બિઝનેસિસ માગે એ ઇન્ફ્રાસ્ટ્રકચર હશે નહીં. ‘એ.આઈ.’-ટૅક્નોલૉજિ કૅપિટલ-ઇન્ટેન્સિવ છે; ઉપરાન્ત એને ઉચ્ચ કક્ષાની ઍજ્યુકેશન સિસ્ટમની હમેશાં જરૂરત હોય છે. દેખીતું છે કે ‘એ.આઈ.’ એ બધા અભાવો વચ્ચે એ દેશોને કશાં ફળ ન જ આપી શકે.
હરારીએ પણ આ સંભાવ્ય ખતરનાક અસમાનતા કલ્પી છે. વિશ્વ પર પડનારા પ્રભાવની ચર્ચા એમના પુસ્તકમાં એમણે વિસ્તારથી કરી છે. એમણે ગમ્ભીરતાથી જણાવ્યું છે કે એથી આર્થિક અસમાનતા સરજાશે અને ‘એ.આઈ.’ અસમાનતાના એ નવ્ય રૂપનું નેતૃત્વ કરશે ! ગ્લોબલ ઇકોનૉમિ સવિશેષે પ્રભાવિત થશે, અને પરિણામે, તવંગર અને ગરીબ દેશો વચ્ચેની અસમાનતા વિસ્તરશે. એમણે લખ્યું છે :
“The AI revolution will widen the gap between rich and poor countries. The rich countries will become even richer, while the poor countries will become even poorer.” (page 143, 21 Lessons for the 21st Century.)
તેઓ કહે છે કે ભૂતકાળમાં અસમાનતા સરજાઈ હતી, પણ પ્રાકૃતિક આધારસ્રોતો અને મૂડીરોકાણ વચ્ચેના તફાવતોને કારણે. અલબત્ત, એવાં પરમ્પરાગત કારણો હશે કે નહીં હશે તો પણ ‘એ.આઈ.’ સમ્પત્તિનાં નવાં રૂપો તો સરજી જ શકશે. પરિણામે, ‘એ.આઈ.’ પર પ્રભુત્વ ધરાવતા દેશો જ લાભશે અને બીજા દેશો પાછળ રહી જશે.
તાત્પર્ય, નિષ્પક્ષ ધૉરણે લાભોની વ્હૅંચણી નહીં થઈ હોય, તો સમાજ અસંતુષ્ટ રહેશે, અને રાજકીય અસ્થિરતા સરજાશે.
હરારી એવી વ્હૅંચણીની એક રીત એ દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં કેળવણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડીનું રોકાણ કરવામાં આવે, જેથી એ દેશોને ‘એ.આઈ.’-ને અપનાવવા માટેની ગમ પડે.
તેઓ બીજી રીત એ દર્શાવે છે કે વ્હૅંચણી વિસ્તરતી જાય એ માટે આન્તરરાષ્ટ્રીય ભૂમિકાએ સમજૂતી માટેની રચના કરવામાં આવે, અને, ખાસ તો આ પ્રશ્ન વિશે સભાનતા ખીલે એવા પ્રયાસો શરૂ થાય.
હરારી ઉમેરે છે : એ કહેવું ઘણું વહેલું કહેવાશે કે ‘એ.આઈ.-ક્રાન્તિ’ જતે દિવસે કેવોક પ્રભાવ પાથરશે, પણ એટલું સ્પષ્ટ છે કે આ ટૅક્નોલૉજિ દુનિયાને ધરમૂળથી બદલી નાખવાની ખાસ્સી તાકાત ધરાવે છે.
તેથી, લાભોની નિષ્પક્ષ વ્હૅંચણીના મુદ્દાને ધ્યાનમાં લેવો તે આજની જરૂરિયાત છે.
= = =
(07/31/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર