(અનેક મિત્રોની સદ્ અને શુભ લાગણીને માન આપીને મેં વચલો રસ્તો પસંદ કર્યો છે :
જે મિત્રોએ મારાં જે તે લેખન સંદર્ભે, લેખનના અનુબન્ધમાં, મને વસ્તુલક્ષી – ઑબ્જેક્ટિવ – પ્રતિભાવ આપ્યા હશે અને તેમાં સ્પષ્ટતાની કે વિસ્તૃતિની જરૂર જણાઈ હશે, તો તેઓને હું જરૂર પ્રતિ-પ્રતિભાવ આપીશ. અલબત્ત, બીજા વાચકમિત્રો લેખનમાં રજૂ થયેલા વિચારો સાથે સમ્મત થાય, લાઇક કરે કે વાહ પણ કહે, એકમેક જોડે ચર્ચા કરે, એ બધી વાતો માટે મારો પ્રતિભાવ હકારવાચી મૌન હશે; જો કે એ મિત્રો સાથેની દોસ્તી તો ચાલુ જ રહેશે.)
આજે એક મહત્ત્વનો મુદ્દો કરવો છે, એ કે Post-નો, અનુ-નો, વિસ્તૃત અર્થસંકેત શું છે.
Post-નો અર્થ ‘અનુ’ ખરો, આધુનિક પછીનું તે ‘અનુ-આધુનિક’. પણ એને તો બાળકને ૦-શૂન્યથી ૧-એકડો આવડે એના જેવી પ્રાથમિક સ્વરૂપની જાણકારી કહેવાય.
ઐતિહાસિક દૃષ્ટિબિન્દુ ધરાવતા અનેક વિદ્વાનો અનુ-આધુનિકતાને મોટાં ઐતિહાસિક આંદોલનોની પડછે મૂકીને જુએ છે. એ એવાં આંદોલનો હોય છે જે વિશ્વના અમુક ભાગને ‘આત્મ-લક્ષીતા’-ની દિશામાં, તો અમુકને ‘પર-લક્ષીતા’-ની દિશામાં ઘડતાં હોય છે.
‘આત્મ-લક્ષી’ એટલે આ સંદર્ભમાં, ચેતનાની લીલા. એ સ્વ-તરફી, સ્વ-કેન્દ્રી, સ્વ-માં રત, સ્વ-નું અનુભવી, સ્વકીય હોય. સાર્ત્રની પરિભાષા પ્રયોજીને કહું તો being-for-itself. સ્વ સ્વને જ પ્રોજેક્ટ કર્યા કરે. શક્યતાઓ માટે પસંદગીઓ કર્યા કરે. પર-લક્ષી એટલે ચેતનાશૂન્ય બાહ્ય વિશ્વ, વસ્તુસંસાર. એ પર-તરફી, પર-કેન્દ્રી, પર-માં રત, પર-નું અનુભવી, પરકીય હોય. સાર્ત્રની પરિભાષા પ્રયોજીને કહું તો being-in-itself. પર-થી પરમાં વિસ્તર્યા કરે.
જેમ કે, ભારત અને પૂર્વીય દેશો ધર્મની આણ હેઠળ સદીઓ સુધી આત્મ-લક્ષી રહ્યા હતા. આજનું લોકશાહીય ભારત સિપાઇઓના બળવા તરીકે ઓળખાતા આંદોલનથી શરૂ થઈને વિકસેલા સ્વાતન્ત્ર્યસંગ્રામનું ફળ છે. બન્ને વિશ્વયુદ્ધો પછી પશ્ચિમ પર-લક્ષીતાની દિશામાં વિકસી રહ્યું છે.
તાત્પર્ય એ કે એ પૂર્વ-ઇતિહાસને જાણ્યા વિના વર્તમાન સમયને આપણે બરાબર રીતે ન સમજી શકીએ.
સાર એ કે અનુ-આધુનિકને સમજવા માત્ર આધુનિકને નહીં, આધુનિક-પૂર્વને, પ્રી-મૉડર્નને, પણ સમજવું પડે.
શું છે આપણું પ્રી-મૉડર્ન?
ગુજરાતી સાહિત્યના ઐતિહાસિક વિકાસ પ્રતિ નજર નાખીએ તો પરખાશે કે એ વિકાસ ‘આત્મ-લક્ષી’ અને ‘પર-લક્ષી’ જેવા વારાફેરા ધરાવે છે.
જેમ કે, યુગવિભાજનોમાં, ‘સમાજસુધારક યુગ’-માં ભારતીય / ગુજરાતી સમાજ અને પરિવાર; એ પછી ‘પણ્ડિત યુગ’-માં, પાણ્ડિત્ય અને સાહિત્યકલા; એ પછી, ‘ગાંધીયુગ’-માં વળી સમાજ અને ગ્રામીણ સમાજ, પરિવાર; એ પછી, ‘આધુનિક યુગ’-માં વળી પાણ્ડિત્ય અને કલા, વૈશ્વિક સાહિત્યકલા; એમ વારાફેરા ચાલ્યા છે. એક અર્થમાં આખી ભાત ક્રિયા-પ્રતિક્રિયાની છે.
અનુ-આધુનિક સાહિત્યને સમજવા માગનાર અધ્યેતા જો એ ભાત નહીં જાણતો હોય તો એને નહીં સમજાય કે કેવા સ્વરૂપે આપણું આધુનિક સાહિત્ય ‘આત્મ-લક્ષી’ હતું અને હવે કેવા સ્વરૂપે અનુ-આધુનિક સાહિત્ય ‘પર-લક્ષી’ છે.
એ અધ્યેતાએ આધુનિકને અને આધુનિક પૂર્વેના, નર્મદથી શરૂ થયેલા પરમ્પરાગત સાહિત્યને, અને તે પૂર્વેના, ‘નરસિંહયુગ’-ના અને ‘પ્રાગ્નરસિંહ યુગ’-ના તેમ જ હેમચન્દ્રાચાર્યના સાહિત્યને, એટલે કે, એ સઘળા મધ્યકાલીન સાહિત્યને સમજવું જોઈશે.
તો જ એને સમજાશે કે સાહિત્યકૃતિઓનું વિષયવસ્તુ ધીમે ધીમે વાસ્તવિકતા ભણીનું થયું છે. ગુજરાતી ભાષામાં લખાતા સાહિત્યના કેન્દ્રમાં, પ્રારમ્ભે ઇશ્વર હતો, એને સ્થાને ક્રમે ક્રમે મનુષ્ય મુકાયો. એ પછી એ મનુષ્યનો અર્વાચીન અવતાર; એ પછી ગ્રામીણ કે દેશ્ય અવતાર; એ પછી નાગર કે શહેરી કે આધુનિક અવતાર; અને વળી, દેશ્ય અવતાર, એમ વારાફેરા ચાલ્યા કર્યા છે.
સાહિત્યપ્રકારો પણ ધીમે ધીમે સરળતા ભણીના થયા છે. મહાકાવ્ય કે તે માટેના ધખારા હતા; તે પછી ખણ્ડકાવ્ય, કથાકાવ્ય, પ્રસંગકાવ્ય લખાયાં; સૉનેટ લખાયાં, જે એના બંધારણની સંકીર્ણતાને કારણે ન-લખાતાં થયાં; છન્દોબદ્ધ કાવ્યો લખાયાં, જે એની રૂઢિચુસ્તતાને કારણે ઓછાં થવા લાગ્યાં; છેલ્લે, સરળ મનાતો ગઝલ-પ્રકાર અને સરળતમ મનાતો ગદ્યકાવ્ય-પ્રકાર.
અધ્યેતાને સમજાશે કે સરળતા પ્રત્યેનું પ્રસરણ અનુઆધુનિકતાની મોટી લાક્ષણિકતા છે.
જેમ કે, સાહિત્યના માધ્યમ ભાષાની દિશા, સવિશેષે કાવ્યમાધ્યમની દિશા, સંસ્કૃતથી શિષ્ટમાન્ય અને પછી લોકમાન્યના ઉમેરા સાથે સરળ ગુજરાતી ભણી વિકસી છે. પ્રારમ્ભે સંસ્કૃત અક્ષરમેળ હતા, એ પછી માત્રામેળ, એ પછી પરમ્પરિત, અને એ પછી અછાન્દસ અને છેલ્લે ગઝલ કે ગદ્યકાવ્ય.
એમ અધ્યેતાને સમજાશે કે બન્ધનથી મુક્તિની દિશા ભણીનું પ્રયાણ પણ અનુ-આધુનિકતાની મોટી લાક્ષણિકતા છે.
યુગવિભાજનના સંદર્ભમાં, નર્મદ-દલપત, ગોવર્ધનરામ, ગાંધીજી, અને સુરેશ જોષી માત્રપ્રતીકો છે. એમને ‘યુગમૂર્તિ’ કે ‘યુગપ્રવર્તક’ કહીએ છીએ એ તો આપણે પાડેલા ‘સમાજસુધારક યુગ’, ‘પણ્ડિત યુગ’, ‘ગાંધીયુગ’ કે ‘આધુનિક યુગ’ જેવા ૧૫-૧૫ કે ૨૦-૨૦ વર્ષના નાનકુડા સમયગાળાને સૂચવવા માટેના સંજ્ઞાવિશેષો છે. તે-તેનું બાંધેભારે સમ્બોધવા માટેના સંજ્ઞાવિશેષોથી અદકેરું મૂલ્ય નથી.
મૂલ્ય તો ત્યારે આત્મસાત થાય છે, જ્યારે આપણે, દાખલા તરીકે, “મારી હકીકત” “મિથ્યાભિમાન” “ભદ્રંભદ્ર” “રાઇનો પર્વત” “સરસ્વતીચન્દ્ર” “સાક્ષરજીવન” “સત્યના પ્રયોગો” “સાપના ભારા” “મહાભિનિષ્ક્રમણ” “પંખીલોક” “દ્વિરેફની વાતો” “ઝેર તો પીધાં છે જાણી જાણી” “જનાન્તિકે” “છિન્નપત્ર” વગેરે સૃષ્ટિઓમાં પ્રવેશીએ છીએ અને એ સૃષ્ટિઓને એક સહૃદય તરીકે નિતાન્તભાવે માણીએ છીએ.
અનુ-આધુનિકમાં, એ બધા યુગનાં કોઈ કોઈ લક્ષણો દેખા દે છે, એ સૃષ્ટિઓની છાયાઓની કિંચિત્ હરફર અનુભવાય છે. જેમ વ્યક્તિમાં genetic traits જોવા મળે છે, એમ કોઈપણ સમયગાળાનું સાહિત્ય, અનુ-આધુનિક પણ, fixed historisity ધરાવતું હોય છે. એ કંઇ આપોઆપ નથી સરજાયું હોતું, એ કંઈ એક-બે જણાની ઉદ્ઘોષણાથી નથી હોતું, એ ઇતિહાસનું સન્તાન હોય છે.
આમ, Post -નો અર્થ એકડે એક-૧થી નવ-૯ લગીની જાણકારી થાય છે, એ જાણવું જરૂરી જ નહીં, અનિવાર્ય છે.
(ક્રમશ:)
= = =
(23 Jul 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર